કલાપી/રાજકુમાર કૉલેજમાં

વિકિસ્રોતમાંથી
← લાઠીના કુમાર કલાપી
રાજકુમાર કૉલેજમાં
નવલરામ ત્રિવેદી
આર્યાવર્તનો પ્રવાસ →







પ્રકરણ બીજું
રાજકુમાર કોલેજમાં

આઠ વર્ષની વયે સુરસિંહજીને રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા.

‘રાજકુમાર કૉલેજ’ એવું મોટું નામ સાંભળી અજાણ્યા વાંચકો ભુલાવો ખાય નહિ તે માટે કહેવું જોઈએ કે ત્યાં માત્ર હાઈસ્કૂલ સુધીનું જ શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતી પ્રાથમિક ધોરણથી શરૂ કરી મેટ્રિક સુધીના અભ્યાસની વ્યવસ્થા ત્યાં છે, પણ તેમાંથી મેટ્રિક પાસ થઈ ઘણા જ થોડા રાજકુમારો બહાર પડ્યા છે. કલાપીએ લખ્યું છે: “ ‘કૉલેજ’ એ શબ્દ બહુ મોટો લાગે છે, તે ‘રાજકુમાર કૉલેજ’ માં મેં અભ્યાસ કર્યો છે. આ કૉલેજમાં બહુ જ થોડું શિખવવામાં આવે છે. આ કોલેજમાંના શ્રેષ્ઠ કુમારનું જ્ઞાન માત્ર પાંચમા ધોરણ સુધીનું કહેવાય.”[૧] તે જ પ્રમાણે સ્વ. ગોવર્ધનરામ ઉપરના પત્રમાં કલાપીએ લખ્યું હતું: ‘રાજકુમાર કૉલેજમાં મેં અભ્યાસ કર્યો છે તે નામનો જ છે. રાજકુમાર કૉલેજ ભણાવે તેટલું જ ભણનાર તો બહુ જ થોડું ભણે છે. આ કૉલેજમાં ભણનારને વિદ્યાથી ભાગ્યેજ પ્રીતિ હોય છે, એ દેશનાં નસીબની વાત છે. હજી રાજાએાની આંખ ઉઘડતી નથી. કુમારોને નથી સારી સોબત મળતી કે નથી સારો અભ્યાસ થતો’.[૨] ઈ. સ. ૧૮૮૨ના જૂનની ૨૨મી તારીખે સુરસિંહજી આ કૉલેજમાં દાખલ થયા હતા. તે સમયે ચેસ્ટર મૅકનૉટન પ્રિન્સિપાલ હતા. મૅકનૉટને પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ આપેલાં વ્યાખ્યાનનાં ભાષાન્તર રૂપે એક બે પુસ્તકો ગુજરાતીમાં પ્રકટ થયાં છે. તેમાંના એક 'વહેવારોપયોગી વચન'નું ભાષાતર ઈડરના મહારાજા શ્રી. કેસરીસિંહે કર્યું હતું. આ પુસ્તકનું અવલોકન કરતાં સ્વ. મણિલાલ નભુભાઈએ ટીકા કરી હતી તે રાજકુમાર કૉલેજની શિક્ષણપ્રણાલી ઉપર માર્મિક કટાક્ષ રૂપે હોઈ ખાસ ઉલ્લેખનીય છે. તેમણે લખ્યું હતું: “'વર્ષ પૂર્ણ થયું' એ વિષયના વ્યાખ્યાનમાં ગતવર્ષે કોઈનું રાજકોટમાં તોફાન સાથે ખૂન થયેલું તેનું સ્મરણ કરાવી વ્યાખ્યાનકાર, ભવિષ્યમાં ક્ષત્રિયત્વ સાચવનાર શ્રોતાઓને સંબોધે છે કે 'એ બજારમાં, આ બનાવ બનતાં પહેલાં અને તે પછી તમે વારેવારે ગયા આવ્યા છો, અને તે વખતે તમે ત્યાં હોત તો તમારું શું થાત તે વિષે પણ વિચાર કરો.' એક સીપાઈએ ઝનુનમાં આવી તોફાન કર્યું, અને કોઈનું ખૂન કર્યું તે પ્રસંગે ક્ષત્રિય બચ્ચાઓ હાજર હોત તો 'અમારું શું થશે ?' એવા બાયેલા વિચારનો જ આશ્રય કરે.”[૩]

આ મૅકનૉટન સાહેબનું નામ તેમના વિદ્યાર્થીઓએ 'ભાભો' શાથી પાડ્યું હશે, તે હવે સમજી શકાશે. તેમનું કામ વિદ્યાથીઓને સાધારણ અંગ્રેજી શીખવવું, જેમ બને તેમ રજા ન આપવી, અને શિસ્ત જાળવવી એવું હોય એમ લાગે છે. વિદ્યાર્થીઓ મોટે ભાગે નાનપણમાં જ પરણેલા હતા, અને તેથી હરેક બહાને ઘેર જવા માટે આ 'ભાભા'ને પજવતા હતા. દિવાળીમાં તો રજાઓ પડે, પણ પરણેલા કુમારોએ હોળીમાં ઘેર જવું જ જોઈએ એવી જુંબેશ પણું એક વખત કલાપી અને તેમના મિત્રોએ ચલાવી હતી, જોકે તેમાં તેમને ફતેહ મળી ન હતી. એક બીજી જુંબેશ તો એના કરતાં પણી વધારે મોટી હતી. પરણેલા કુમારોને પોતાની પત્નીઓની સાથે શહેરમાં પોતાપોતાના ઉતારાઓમાં રહેવાની રજા આપવી જોઈએ, અને તેઓ માત્ર કૉલેજમાં ભણવા જ આવે, એ માટેના પ્રયાસમાં સુરસિંહજીએ ઉત્સાહથી ભાગ લીધો હતો. એજન્સી અમલદાર ફેરિસ સાહેબને આ માટે સુરસિંહજી મળ્યા હતા અને તેને પરિણામે તા. ૧૨મી ઑગસ્ટ ૧૮૯૦ના રોજ કેમ્બ્રિજની કમિટી આ વિશે વિચાર કરવા મળી હતી. પણ તેનું પરિણામ કાંઈ આવ્યું હોય એમ લાગતું નથી. પરંતુ સુરસિંહજીના પોતાના સંબંધમાં ખાસ બંદોબસ્ત કરવાની રજા મળી હતી. તે પ્રમાણે તેમણે આખો દિવસ લીંબડીના ઉતારામાં રહી કૉલેજમાં માત્ર છ કલાક ભણવા જવું એ હુકમ સત્તાવાળાઓ પાસે લખાવ્યો હતો. તેમને નવ મહિના સુધી આ પ્રમાણે રહેવાનું થાય તેમ હતું. તે પ્રમાણે ૧૮૯૦ના સપ્ટેમ્બરની આખરે તેમણે પોતાની બન્ને રાણીઓને લાઠીથી રાજકોટ લાવવા માટે બંદોબસ્ત કર્યો. તેમણે રાજારાણી તરીકે નહિ પણ ગૃહસ્થ તરીકે રહેવાનું હતું. તે માટે સુરસિંહજીએ વિગતવાર વિચાર કર્યો હતા, જેમાં 'ત્રણ ભેંસો' રાખવાનો અને ત્રણ છોડીયું અને એક ખવાસનો પણ સમાવેશ થતો હતો. આ ત્રણે 'છોડીયું' માં 'બીચારી મોંઘી આવે તો ઠીક' એમ પણ અભિપ્રાય દર્શાવ્યો હતો.

અહીં એ જણાવવું આવશ્યક છે કે, કૉલેજમાં હતા તે સમયમાં જ, ઈ. સ. ૧૮૮૯ ના ડિસેમ્બરની પહેલી તારીખે કલાપીનાં લગ્ન રોહા અને કોટડા સાંગાણીની કુંવરીઓ સાથે થઈ ગયાં હતાં.

સુરસિંહજી સવારમાં કસરત કરતા હતા, અને આખો દિવસ અભ્યાસમાં મચ્યા રહેતા; કૉલેજના વાર્ષિક ઉત્સવમાં પણ તે ઉત્સાહથી ભાગ લેતા હતા; તેથી પ્રિન્સિપાલ મૅક્નોટનનો તેમની ઉપર સારો ભાવ હતો. તેને લીધે તેઓ પોતાને માટે આ પ્રકારની ગોઠવણનું નક્કી કરાવી શક્યા હશે. તે પ્રમાણે તેઓ રાજકોટમાં રહ્યા કે નહિ તે વિશેની માહિતી મને મળી શકી નથી. કૉલેજમાં સુરસિંંહજીએ કેટલાક મિત્રો કર્યા હતા તેમાં નાંદોદના કુંવર દિગ્‌વિજયસિંંહજી અને શિવસિંંહજી મુખ્ય હતા. દિગ્‌વિજયસિંહજી ગોહિલ હતા એટલે કલાપીને ભાઈ કહેતા હતા.

રજાઓમાં કલાપી લાઠી આવતા અને મેનેજરના સમવયસ્ક પુત્ર મૂળચંદભાઈ અને લલ્લુભાઈની સાથે ખાસ કરીને ટેનિસની રમત રમતા હતા. દર વેકેશનમાં લગભગ દરરોજ સવારે તથા સાંજે ટેનિસ રમતા હતા, અગર ઘોડેસ્વાર થઈ સાથે ફરવા જતા હતા ટેનિસનો તેમને ઘણો શોખ હતો અને તેથી લાઠીમાં જ્યારે રમનારાઓની પૂરતી સંખ્યા થઈ ત્યારે તાબડતોબ ટેનિસ કૉટ બનાવરાવ્યો અને તાર કરી મુંબઈથી રમતનો સામાન મંગાવ્યો હતો. તેમને સાદાઈ પસંદ હતી, અને આડંબરનો તિરસ્કાર હતો, છતાં તેમના શોખ ઊંચી ભૂમિકાના હતા, અને તેથી પોતાની વપરાશના જીન, ગાડી, ઘોડા વગેરે દરેક ઊંચા પ્રકારનું હોય એવી કાળજી રાખતા હતા. [૪]

એક વખત, શ્રી. મૂળચંદભાઈની માગણીને માન આપી સુરસિંહજી સૌની સાથે ઈ. સ. ૧૮૮૮ ની નાતાલની રજામાં ગઢડે ગયા હતા, અને ત્યાં સૌએ ચાર દિવસ ઘણા આનંદમાં ગાળ્યા હતા. તે વખતે તેમણે વિદ્વાન્ સંતોનો સદ્‌બોધ સાંભળ્યો હતો અને સંગીતકલાવિશારદ સાધુશ્રી કૃષ્ણદાસજીના મુખેથી હરિકીર્તનો સાંભળવાનો લાભ મેળવ્યો હતો. શ્રી. મૂળચંદભાઈ આ સિવાય, ઉપર કહેલા લેખમાં બીજી પણ માહિતી આપે છે કે, કૉલેજના પ્રિન્સિપાલની સૂચનાને માન આપીને તે ૧૮૮૮ના ઉનાળાની રજાઓ દરમ્યાન મહાબળેશ્વર ગયા હતા અને તેમની સાથે, એક જ બંગલામાં વડિયાના મર્હૂમ બાવાવાળા પણ રહ્યા હતા.

કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે સમયે શ્રી ત્રિભુવન જગજીવન જાની કલાપીના ખાનગી શિક્ષક તરીકે કામ કરતા હતા. આ પ્રમાણે દરેક કુમાર પોતાને માટે ખાનગી શિક્ષક રાખતા હતા, અને રજાઓમાં પણ તે તેમની સાથે જ રહેતા. સુરસિંહજીનાં માતુશ્રીએ મરતી વખતે આ જાની માસ્તરને તેમની ભલામણ કરી હતી. તે અંગ્રેજી તો ચાર પાંચ ચોપડી જ ભણ્યા હતા, પણ ઘણા હોંશિયાર અને ઉદ્યોગી હોવાથી તેમણે ખાનગી રીતે સારું શિક્ષણ સંપાદન કર્યું હતું. તે ગુજરાતી, અંગ્રેજી અને ફારસીનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેમના પર મૅક્નોટનની ઘણી અસર હતી. આવા લાયક ગુરુની અસરથી કલાપીની ઉપર શરૂઆતથી જ સારા સંસ્કાર પડ્યા. આ જાની માસ્તર રાજ્યના જૂના અને વફાદાર નોકર હતા, અને કલાપીને તેમના તરફ ઘણો સદ્‌ભાવ હતો; છતાં ઈ. સ. ૧૮૯૧ માં કલાપીએ કૉલેજના પ્રિન્સિપાલ મારફત જાનીને ત્રણ મહિનાનો પગાર આપીને નેકરીમાંથી છૂટા કર્યા. કલાપીના બાળમિત્ર અને સંગાથી શ્રી. મૂળચંદ શાહ આ સંબંધમાં લખે છેઃ ;આ બનાવથી ઠાકોર સાહેબ સ્વતંત્ર અને વાજબી સલાહ આપનાર વિનાના થયા.' જાનીને ખસેડવા કલાપી ખુશી ન હતા, પરંતુ તેમનો સ્વભાવ અતિશય નરમ હતો એટલે લગ્ન પછી પોતે 'જે નવા વાતાવરણમાં મૂકાયા તેમાંની કોઈ વ્યક્તિને જાની માસ્તરની હાજરી નહિ ગમી હોય'[૫] તેથી તેમને ખસેડવામાં આવ્યા. છતાં કલાપી જીવ્યા ત્યાંસુધી જાની માસ્તર તરફ તેમણે સતત લાગણી રાખી હતી, અને પ્રસંગોપાત્ત તેમને આર્થિક મદદ પણ કરી હતી.

આ પછી કલાપીના શિક્ષક તરીકે એન. બી. જોશીને નીભવામાં આવ્યા. તે બી. એ., એલએલ. બી. હતા, અને અંગ્રેજી સાહિત્યના સારા અભ્યાસી હતા. તેમના પરિચયથી કલાપીને શેલી, વર્ડ્ઝવર્થ વગેરે અંગ્રેજી કવિઓનાં કાવ્યોનો સારો અભ્યાસ થયો, જેનું પરિણામ તેમનાં કાવ્યમાં પણ દેખાય છે. આ જોશી માસ્તર ઉપર કલાપીએ જગન્નાથપુરીથી તા. ૨૨-૧-૧૮૯૨ના રોજ એક પત્ર લખ્યો હતો, જે ' કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' એ નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

સુરસિંહજીએ ઇ.સ. ૧૮૯૧માં કૉલેજ છોડી.તેમની આંખો ખરાબ હતી, એ તેમણે કોલેજ વહેલી છોડી તેનું એક કારણ હતું. તેમને આંખમાં ખીલ હતા, અને તે માટે ઈ. સ. ૧૮૮૭ ના ઉત્તરાર્ધમાં તે આંખોની દવા કરાવવા માટે મુંબઈ ગયા. ત્યાં ચર્નીરોડ સ્ટેશનની સામે આવેલા સર આદમજી પીરભાઈ સેનિટેરિયમમાં, મહેમાન માટે અલગ રાખવામાં આવતો હતો તે ભાગમાં, તે રહ્યા હતા. મુંબઈના આ નિવાસ દરમ્યાન જાની માસ્તર તેમની સાથે હતા. તેમની સારવાર તે સમયના સુવિખ્યાત આંખના દાક્તર મૅકૉનૉકી કરતા હતા. મુંબઈના આ નિવાસ દરમ્યાન કલાપીને શ્રી. મૂળચંદભાઈ શાહ જે એલિફન્સ્ટન કૉલેજ હોસ્ટેલમાં રહેતા હતા તેમને વારંવાર મળવાનું થયું હતું, અને સર આદમજી પીરભાઈના મિત્રો સાથે પણ તેમને મૈત્રીસંબંધ બંધાયો

શ્રી. મૂળચંદભાઈ એ તેમનાં સંસ્મરણમાં આ સમયે કલાપી મુંબઈમાં લગભગ ચાર માસ રહ્યા હતા એમ લખ્યું છે. પણ કલાપીના પત્ર વાંચતાં તે સાત મહિના રહ્યા હતા એમ લાખ્યું છે. બીજી વખત આંખની દવા કરાવવા ૧૮૯૦ના ઑગસ્ટમાં તેમણે નિશ્ચય કર્યો ત્યારે લખ્યું હતું: 'આ વખતે હું ગઈ વખતની માફક સાત માસ મુંબઈમાં રહીશ નહિ, કારણ કે મારો જીવ લાઠીમાં છે. મારું જે કામ છે તે થયું, એટલે મુંબઈમાં એક મિનિટ રહીશ નહિ.'

તેમનું મુંબઈમાંનું કામ દવા કરાવવાનું હતું એ તો ખરું જ, પણ તેથી યે વધારે મોટું અને ખરું કામ તો ડૉ. મૅકોનૉકીનું સર્ટિફીકેટ મેળવવાનું હતું.

એક બાજુ આંખો ખરાબ હોવાથી વંચાતું નહિ, અને બીજી બાજૂ સાંસારિક ઉપાધિઓ એ બન્નને કારણોથી કલાપી હવે કૉલેજ છોડવાના નિશ્ચય ઉપર આવ્યા હતા. પણ ‘ભાભો’ એમ સહેલાઈથી માનતો ન હતો. તેથી તેમણે ધોરણસર ઉપાય લેવાનું નક્કી કર્યું. ‘મુંબઈ જવું એ સારૂં છે કે નહિ તેનો વિચાર મેં ને પરમમિત્ર શિવસિંહજીએ પૂરેપૂરો કર્યો છે. તો આખરે એમ નક્કી થયું છે કે ત્યાં જવું, અને ત્યાંથી ડૉક્ટર પાસેથી સર્ટિફીકેટ લેવું, અને એક રિપોર્ટ કરાવવો કે હવે મારાથી વંચાતું નથી તેથી કોલેજમાં જવું નકામું છે. આવી જ રીતે અને આજ ડૉક્ટરના[૬] આવાજ રિપોર્ટથી બે કુંવરો કોલેજમાંથી છૂટ્યા છે. મને વિચાર થાય છે કે જો હું કાંઈ નહિ કરૂં ને મૅકનૉટન ઉપર આધાર રાખીશ તો મારે કોલેજમાં એક વર્ષ રહેવું પડશે.’ ( તા. ૨૬ ઓગસ્ટ ૧૮૯૦ )

આ પછી એક વર્ષે ઈ. સ. ૧૮૯૧ના ઑગસ્ટની ૧૪મી તારીખે તેમણે કૉલેજ હમેશને માટે છોડી.

રાજકોટ નિવાસના છેવટના ભાગમાં, આંખો ખરાબ હોઈ વંચાતું ન હતું ત્યારે, ત્યાંના અત્યારના પ્રસિદ્ધ વકીલ શ્રી. હરિશંકર પંડ્યાએ તેમના ‘રીડર’ તરીકે કામ કર્યું હતું. તેથી કલાપીને બેવડો લાભ થયો. થોડું ભણેલ કલાપીએ વધારે ભણેલ પંડ્યા પાસેથી વંચાવીને જ્ઞાન મેળેવ્યું તેથી તેમને સમજાયું પણ સારી રીતે અને આંખો ખરાબ હોવા છતાં તેમનો વિશાળ અભ્યાસ ચાલુ જ રહ્યા.

કૉલેજમાં હતા તે સમયની એક રમૂજી હકીકત કલાપીના લાંબા સમયના સહવાસી ભાનુશંકર રૂપશંકર ઓઝાએ કહી છે.

“કલાપી બાળક હતા ત્યારે કોઈ પશુ પંખીનો સ્વર સાંભળે તો તરત તેનું અનુકરણ કરી શકતા, ને તેના જેવો જ સુંદર ધ્વનિ કાઢી શકતા.

રાજકુમાર કૉલેજમાં આવી તેમની ટેવને લીધે ઘણાયે કુમારો તેમની પાછળ પાછળ ફર્યા કરતા. એવી આશામાં કે કાંઈક નવું સંભળાવશે. મૅકનૉટન સાહેબે એવું બધું બંધ કરવા કલાપીને કહ્યું. ‘કોઈ પણ કુમાર તારી પાછળ આવે તોયે તારે તો એક શબ્દ પણ મ્હોમાંથી ન કાઢવો, પછી એ એમની મેળે ચાલ્યા જશે.’ આ હુકમ છતાંયે ઘણા કુમારો તેમની સાથે રહેતા. એકવાર એક પંખીનો મધુર સ્વર તેમને કાને અથડાયો, ને તેમની સ્વાભાવિક વૃત્તિ જાગી. હુકમ તો ન તોડાય; વ્યસન પણ ન છોડાય, એટલે તેમણે મ્હોં ઉઘાડ્યા વગર નાકમાંથી એવો સ્વર કાઢ્યો કે બધા છક થઈ ગયા. મૅકનૉટન સાહેબે એ સાંભળ્યો, એકદમ આવ્યા ને [બધુંજાણી] કહ્યું: ‘ખરેખર ! તું કોઈ અજબ છે. તારી સ્વાભાવિક વૃત્તિઓને હું તો શું પણ પ્રભુયે ન રોકી શકે. આજથી તને પાછી છૂટ આપું છું.[૭]

  1. ૧ -શ્રી કલાપીની પત્રધારા’ સ્વ. મણિલાલ નભુભાઈ ઉપરનો પત્ર પૃ. ૧૧–૧૨
  2. ૨ એજ પુસ્તકમાં ગોવર્ધનરામ પર પત્ર, પૃ. ૪૦૮
  3. સુદર્શન ગદ્યાવલિ, પૃ. ૯૨૯
  4. ૧. ઠાકોરશ્રી સુરસિંહજી: કેટલાંક સ્મરણો. શ્રી મૂળચંદ આશારામ શાહ, ૧૧ મા ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનનો હેવાલ
  5. ૧. ઠાકોરશ્રી સુરસિંહજી કેટલાંક સંસ્મરણો. શ્રી મૂળચંદભાઈ આશારામ શાહ,
    શ્રી. મૂળચંદભાઈ એ ૧૮૯૧ની સાલ આપી છે, પણ કલાપીએ ૨૨-૯-૧૮૯૦ ના એક પત્રમાં લખ્યું છે કે, 'માસ્તરને રજા મળી ગઈ છે.' તે પરથી લાગે છે કે શ્રી. મૂળચંદભાઈનો અહીં સ્મૃતિદોષ થયો હશે.,
  6. ૧ ડૉ. મેકોનૉકી.
  7. ૧. ‘કૌમુદી’: કલાપી અંક