કલાપી/મુમુક્ષુ રાજવી

વિકિસ્રોતમાંથી
← હૃદયત્રિપુટી કલાપી
મુમુક્ષુ રાજવી
નવલરામ ત્રિવેદી
'કલાપી'નું સ્નેહીમંડળ →







પ્રકરણ ૬ ઠ્ઠું
મુમુક્ષુ રાજવી

ઈ. સ. ૧૮૯૫ના જાન્યુઆરીની એકવીસમી તારીખે સુરસિંહજીને લાઠીનું રાજ્ય સોંપાયું.[૧] તેમનું વલણ વૈરાગ્ય તરફ નાનપણથી જ હતું, એટલે રાજા તરીકે તે ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડ્યા હશે તેમ સામાન્ય અનુમાન દોરાય. વળી તેમણે પોતાનાં લખાણોમાં પણ રાજ્યખટપટ તરફ અને રાજ્યની જંજાળ તરફ તિરસ્કાર દર્શાવ્યો છે એટલે આવી માન્યતા ફેલાવાનો વધારે સંભવ છે. પણ, પ્રમાદી, કોઈપણ પ્રકારની આવડત વિનાના, વ્યસની અને મૂખ તથા સ્વાર્થી પાસવાનોથી ઘેરાયેલા અનેક રાજાઓથી અલંકૃત થયેલા આપણા દેશમાં, સુરસિંહજી ગમે તેટલા વૈરાગ્યવૃત્તિવાળા હોય છતાં મહાન રાજ્યકર્તાના પદને લાયક ગણાવા જોઇએ. તેમણે પોતાની આસપાસ ઉચ્ચ વિચારના અને ચારિત્ર્યવાન માણસો એકત્ર કરવા કાળજી રાખી હતી. રાજ્યકારભારનો અભ્યાસ કરવા દરકાર રાખતા હતા. પોતાની એકેએક ફરજ તરફ અત્યંત કાળજી રાખનાર સુરસિંહજી રાજા તરીકે ફરજ બજાવવામાં પણ બેદરકાર હતા એમ કહી શકાય તેમ નથી.

સુરસિંહજીને રાજ્યનો કંટાળો હતો તેનું કારણ પ્રમાદ કે ભય ન હતું. રાજ્યખટપટના બનાવોથી તે ડરતા ન હતા. તેમણે લખ્યું છે: 'હું ડરતો...નથી, પણ મ્હારી આસપાસ આવી જ દુનિયા જોઉં છું અને તેથી તોબાહ તોબાહ પોકારૂં છું. કંટાળી ગયો છું. વડવાના હાથબળે મેળવેલી રાજ્યગાદી કરતાં મારા પોતાના બળેથી મેળવેલી વિદ્યા હજાર દરજ્જે ઉત્તમ અને સુબળ તેમજ પરમાથ થશે તેવી જાણું છું.'[૨]

આ શબ્દો સુરસિંહજીએ ગાદી મળ્યા પહેલાં લખ્યા હતા, પણ અર્જુનનો વિષાદ જેમ કૃષ્ણના ઉપદેશથી ગયો તેમ મણિલાલના બોધથી સુરસિંહજીની કર્તવ્યવિમુખતા તત્કાલ તો દૂર થઈ. મણિલાલે સમજાવ્યું કે ઘર પછી પ્રાંત, પ્રાંત પછી ઇલાકો, ઈલાકા પછી દેશ અને પછી દુનિયા અને છેવટે બ્રહ્માંડ સુધી કર્તવ્ય વિસ્તાર પામે છે.

રમા અને તેમનાં ફોઇ લીમડી ઠાકોર સાહેબનાં રાણીએ સુરસિંહજીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પણ તેની કાંઈ અસર થઈ ન હતી. પરંતુ મણિભાઇને તો તેમણે વચન જ આપ્યું કે હવે પોતે કદી રાજ્ય છોડવાનો વિચાર કરશે નહિ. પોતે પ્રજાના જ છે અને પ્રજા તેમની છે એમ તેમને બરાબર સમજાયું. ખટપટથી ભલે દેહનો અંત આવે તો પણ છેલ્લાં ડચકાં સુધી પ્રજાનું કલ્યાણ કરતા રહેવાનો નિશ્ચય તેમણે કર્યો. અને જ્યારે પોતાનો પુત્ર મોટો થાય ત્યારે પ્રજાનાં કાંડાં તેને સોંપીને પોતાનું જીવન દેશહિતમાં ગાળવાનો વિચાર રાખ્યો. અને પોતાના જેવા રાજાને મણિલાલે આ પ્રમાણે કટુ સત્ય સમજાવ્યું તેને સુરસિંહજીએ પોતાનું મહાભાગ્ય માન્યું. તેમના ક્ષત્રિય મિત્ર રાણા સરદારસિંહજી પણ તેમના ગુરુ મણિલાલની જેમ જ તેમને બીજી બધી બાબતોના કરતાં તેમણે પોતાનો રાજા તરીકનો ધર્મ બજાવવા માટે વધારે પ્રયાસ કરવો જોઈએ એમ સલાહ આપતા હતા. અને તેમને કલાપીએ જવાબ આપ્યો હતો: ‘કવિ થવા કરતાં મ્હારે વધારે બાહોશ રાજ્યકર્તા થવું જોઈએ એ સલાહ બરાબર છે, અને હવે મેં તે તરફ ગતિ કરવા નિશ્ચય કર્યો છે.’ [૩]

રાજગાદી સોંપાયા પછી સુરસિંહજીએ પ્રથમ ખરેખરી રીતે સ્વતંત્ર થવાનો પ્રયાસ કર્યો. તેમનો સ્વભાવ એવો હતો કે જે માણસ પાસે હોય તેની અસર થયા વિના રહે નહિ. તેથી કોઈ માણસને રાજ્યકારભાર સંબંધમાં પોતાની પાસેના માણસ તરીકે રાખવો નહિ એમ તેમણે નક્કી કર્યું. પછી, રાજ્યને નિયમમાં મૂકવાની પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં બજેટ હાથમાં લીધું. કારણ લાઠીનું ખર્ચ એટલું બધું વધી ગયું હતું કે તુર્તમાં કાંઈ વ્યવસ્થા કરવામાં ન આવે તો રાજ્યને મોટી હાનિ થવાનો સંભવ હતો. લાઠીનાં ઘણાં ગામો ચાલ્યાં ગયાં હતાં એટલે એ પાછાં મેળવવા માટેની ખટપટ પણ કરવાની હતી. તે માટે, એક માણસને એ કામ સોંપવાનું નક્કી કર્યું.

એજન્સીના માણસોને નોકરીમાં રાખતાં વિચાર કરવાની સૂચના મણિલાલે કરી હતી. તે વિશે સુરસિંહજીએ જે જવાબ આપ્યો હતો તે તેમની તીક્ષ્ણ અવલોકનશક્તિ બતાવે છે. તેમણે લખ્યું હતું કે એ માણસોમાં કાંઈક એવું હોય છે જે તેમને કદી ગમતું ન હતું. ‘નઠારે માર્ગે હમેશાં સત્તા વાપરવાની ટેવથી તેઓના ચહેરા ઉપર જ મગરૂરીની એવી છાપ બેસી ગયેલી હું જોઉં છું કે તેઓથી હું બને તેટલું દૂર રહું છું, અને રહીશ.[૪]

રાજા તરીકેની ફરજોમાં સુરસિંહજીને સૌથી કટુ ફરજ શિક્ષા કરવાની લાગતી હતી. કોઇને શિક્ષા કરતાં તેમના મનને ઘણો ખેદ થતો. એક માણસને પાંચ છ વર્ષની કેદ આપવી પડે એ વિચાર જ તેમને ત્રાસ આપતો હતો. હૃદય કઠણ બની જાય ત્યારે આવો ખેદ થતો નથી એમ કહેવાય છે, એ વાત સ્વીકારતાં જ સુરસિંહજીના કવિહૃદયને વાજબી રીતે જ ખેદ થાય છે કે હૃદયની કોમળતા ચાલી જાય એથી વધારે મોટી શિક્ષા બીજી કઈ હોઈ શકે ? એટલે ખરું જોતાં શિક્ષા કરનારને શિક્ષા ખમનારના કરતાં પણ વધારે સહન કરવું પડે છે. કુદરતનો કેવો નિષ્પક્ષપાતી ન્યાય !

સારા માણસો રાખવાથી રાજ્યકારભાર સારી રીતે ચાલી શકે એ શિખામણના જવાબમાં તેમણે લખ્યું છે: ‘માણસ સારાં–જોઇએ તેવાં–ગાયકવાડ સરકાર જેવાને ન મળી શક્યાં તો મારા જેવો ખંડીઓ શી આશા રાખે ? ઇતિહાસમાં પણ એ જ નિરાશા છે. અકબર પછી પૂરાં યોગ્ય માણસો કોઇને મળ્યાં નથી.’[૫]

સુરસિંહજી જેવા બુદ્ધિશાળી, વિચાર કરનાર અને સ્વતંત્રતાપ્રિય સ્વભાવના રાજવીને અંગ્રેજ સરકારે રાજાઓના હાથપગ બાંધી લીધા છે એ ભાન સતત પીડા આપતું હતું. દેશી રાજાઓ બહુબહુ તો પોતાની થોડીક સંખ્યાની પ્રજાને શુદ્ધ ન્યાય આપી શકે અને જીન, પ્રેસ એવાં કારખાનાં કાઢી લોકોને રોજગાર આપી શકે−પણ આવું કામ તો કોઈપણ સાધારણ વેપારીએ કરી શકે. આ ઉપરાન્ત વેપાર, ખેતીવાડી અને કેળવણીની વૃદ્ધિ કરી શકાય. પણ આવી નાની બાબતો સુરસિંહજીના મનને સંતોષ આપી શકતી નહિ. રાજ્ય ચલાવવાની અને રાજ્ય ટકાવી રાખવાની શક્તિ પ્રજાને આપી શકાય તો કાંઈકે રાજ્ય કર્યું એ પ્રમાણ, એવા ઉચ્ચ આશયો સુરસિંહજી સેવતા હતા. પણ આ સર્વ તો સ્વપ્ન જ હતાં.

મણિલાલ નભુભાઈની સલાહ તો ઉપર દર્શાવ્યા પ્રમાણે લેવાતી જ હતી, પરંતુ કોઈ પ્રહ્‌લાદજીભાઈએ મણિલાલને લાઠી રાજ્યમાં નોકર રાખવાની સૂચના કરી. પણ સુરસિંહજીને વાજબી રીતે જ આ અભિપ્રાય સ્વીકારવા લાયક લાગ્યો નહિ. મણિભાઈ તરફ તેમને એટલી બધી ભક્તિ હતી, એમના વ્યક્તિત્વે તેમના ઉપર એવું જાદૂ કર્યું હતું, કે તેમના ઉપરી તરીકે તો શું પણ સાથી તરીકે પણ સુરસિંહજીથી કામ થઈ શકે તેમ ન હતું. વળી મણિભાઈ જેવા રસ્વતંત્ર અને મહાન આત્માને કાઠિયાવાડની સંકુચિત રાજ્યખટપટમાં નાખવા એ તેમને મોટા પાપ જેવું લાગતું હતું. વળી તેમને લાગ્યું કે ક્યાં મણિભાઈનો સ્વતંત્ર આત્મા, અને ક્યાં ચારે બાજૂએ પરતંત્રતાથી જકડાયેલું કાઠિયાવાડનું નાનકડું રાજ્ય !

એટલે મણિલાલ લાઠી રાજ્યમાં પ્રત્યક્ષ ભાગ લે એવું કાંઈ બન્યું નહિ. પરંતુ તેમની સલાહ તો હમેશાં લેવાયાં જ કરતી હતી. તે અનુસાર સુરસિંહજીએ રાજ્યકારભાર ચલાવવા માંડ્યો અને વહીવટખાતું તથા ન્યાયખાતામાં બનતા સુધારા કર્યા. વળી નીચે પ્રમાણે કાર્યક્રમ કર્યોઃ ‘માસમાં બે વખત મુકરર કરેલા દિવસોએ કારખાનામાં કામદાર સાથે જોવા જવું. માસમાં બે વખત મુકરર કરેલા દિવસે ઘોડા ઉપર એકલા ફરવા જવું અને ફરતાં ફરતાં કોઇને પણ તેની સ્થિતિ સંબંધી જુદી જુદી વાતો પૂછવી. આ વખતે ગામડાંઓમાં પણ ફરી આવવું. ત્યાં જરા બેસવું, પટેલો સાથે કાંઈ વાતો કરવી. ડીસ્પેન્સરી, સ્કુલો, ઓફીસોની ઓચિંતી મુલાકાતો લેવી, વર્ષમાં એક વખત બધાં ગામોમાં એકલા જઇ લોકોની અરજીઓ લેવી.’[૬] આ પ્રમાણે એક દિવસે તે એકલા ફરવા નીકળ્યા હતા ત્યારે વાડીઓમાં કણબીઓને મળ્યા. તેમની સાથે ખૂબ વાતો કરી તેમના કવિ હૃદયને આ ગરીબ અને ભોળા ગામડિયાઓ સાથે વાતો કરવામાં ઘણો આનંદ પડ્યો. એક કણબીએ કહ્યું: 'અમારો રાજા કામમાં કાંઈ ધ્યાન આપતો નથી એમ સૌ માને છે. પણ અમને આમ પૂછતો હોય તો પછી અમારે બીજું શું જોઈએ ?[૬] કલાપીએ દરરોજ બે અઢી કલાક રાજ્યકાર્ય કરવા માંડ્યું અને દરેક માણસ તેમની પાસે આવી શકે તેવી ગોઠવણ કરી.

કોઇ કોઈ વાર તેમને લાગવા માંડ્યું કે ફરિયાદીની ફરિયાદ સાંભળી નિકાલ આપવાનું કામ તેમણે માન્યું હતું તેમ સાવ શુષ્ક ન હતું. એક સુન્દર કાવ્ય વાંચતાં જેટલો આનંદ મળે તેટલો આનંદ તેમને પોતાના ગરીબ પ્રજાજનોની ફરિયાદો સાંભળવામાં આવ્યો હતો એવું પણ તેમણે એક પત્રમાં મણિલાલને જણાવ્યું છે.

પણ આવા સામાન્ય સુધારાઓથી સુરસિંહજીને સંતોષ થયો નહિ. તેમને લાગ્યું કે પ્રજાને ખરેખર સુખી કરવી હોય તો આ બધું રાજ્યચક્ર ફેરવવું જોઇએ. અને તે માટેનો છેવટનો નિર્ણય મણિભાઈ રૂબરૂ મળવા આવે તે સમયે કરવાનું ઠરાવ્યું.

આમ એક બાજૂ સુધારા અને ક્રાન્તિના વિચારો ચાલતા હતા ત્યારે બીજી બાજુ વૈરાગ્યની ભાવના પણ પોતાનું કામ કર્યા કરતી હતી. સુરસિંહજીનો વિષાદ અર્જુનની માફક સંપૂર્ણ રીતે દૂર થયો ન હતો. પોતાની ઇચ્છાથી તે રાજ્ય ચલાવતા ન હતા, પણ મણિભાઈ જેવા સ્નેહી ગુરુની આજ્ઞાને માથે ચઢાવીને કર્તવ્ય તરીકે સ્વભાવ વિરુદ્ધના કાર્યમાં પ્રવૃત્ત થયા હતા. અને તેમણે ઘણી સ્પષ્ટ રીતે શરૂઆતમાં જ કહી દીધું હતું : 'આપ મને રાજ્યકાર્યમાં પ્રવૃત્ત થવા કહો છે. હું થઈશ, પણ એ વેશ હું ભજવી શકીશ નહિ.'[૭]

આ પ્રમાણે મંથન ચાલ્યા કરતું હતું તેવામાં મણિભાઈનું અવસાન થયું. કલાપીને તેથી પારાવાર ખેદ થયો. તેમના જેવા સ્નેહી ગુરુ બીજા મળી શકે તેમ ન હતા, પણ ગુરુને સ્થાને તો તે પછી સુરસિંહજીએ ગોવર્ધનરામને બેસાડ્યા.

ગોવર્ધનરામની સાથે પત્રવ્યવહાર તો સુરસિંહજીએ ૧૮૯૩ થી શરૂ કર્યો હતો. તેમાં મોટે ભાગે પોતાના વાંચન અને અભ્યાસની હકીકતો લખતા અને તે માટે સલાહ માગતા. તે પરથી માલૂમ પડે છે કે સુરસિંહજીએ મહાભારતનું 'શાન્તિપર્વ' વાંચ્યું હતું, અને 'અનુશાસનપર્વ' વાંચવાનો તેમનો વિચાર હતો. કાયદામાં પીનલકોડ તથા પ્રોસિજરકોડ વાંચ્યા હતા, અને 'કૉન્ટ્રેક્ટ ઍકટ' તથા 'હિન્દુ અને મોહમેડનલોઝ' વગેરે વાંચવાની યોજના કરી હતી. લાઠીના ન્યાયાધીશની સાથે તે કાયદાનાં આ પુસ્તકો વાંચતા હતા.

મણિલાલના મૃત્યુ પછી ગોવર્ધનરામ પાસે રાજ્યકારભાર સંબંધમાં દોરવણી આપવાની માગણી કરતાં સુરસિંહજીએ લખ્યું હતું : ‘કારભારી અને રાજા વચ્ચે ઘણી વખત ન્હાની મોટી વાતમાં મતભેદ રહે છે; અને તે ગંભીર સમયે રાજા ઉપરી હોવાથી તેના જ વિચારો અમલમાં મૂકી દેવા તે ઠીક લાગતું નથી. આવે સમયે રાજા કારભારી બંને જે પર વિશ્વાસ રાખી શકે તેવા તટસ્થ અને સમર્થ પુરૂષની જરૂર જણાય છે. અહીં પણ તેવી જરૂરિયાત ઘણી વખત આવે; એવે સમયે અમે આપની પાસે આવીશું, એમ જ ટૂંકામાં કહેવું ઠીક છે. મ્હને અને મ્હારા કારભારીને બન્નેને આપમાં એટલી શ્રદ્ધા છે. વળી આપ હવે તુર્ત રિટાયર થવાના છો, તેથી કોઈ કોઈ વખત અત્રે પધારતા જશો, અને સૂચનાઓ પણ આપતા જશો. આવા કાર્યમાં આપને પણ આનંદ મળશે એવી મ્હારી ખાતરી હોવાથી જ, કશા ઉપોદ્‌ઘાત વિના, આ પ્રમાણે લખું છું.'[૮]

આ માગણી ગોવર્ધનરામે સ્વીકારી હતી અને પત્રવ્યવહાર ઉપરાન્ત તે જાતે લાઠી આવ્યા પણ હતા.

સુરસિંહજીના જીવનના છેવટના સમયમાં કાઠિયાવાડમાં છપ્પનિયાનો ભયંકર દુકાળ પડ્યો હતો. તેમાં સંખ્યાબંધ માણસો અને જાનવર સપડાઇને ભૂખથી મરણ પામ્યાં હતાં. આ સમયે સુરસિંહજી પોતાની ફરજ બજાવવા માટે પૂરા ઉત્સાહથી લાગી ગયા હતા, એ તેમણે ગોવર્ધનરામને લખેલા પત્ર પરથી જાણવામાં આવે છે. સુરસિંહજી અને રાજ્યના સર્વ અમલદારો આ દુષ્કાળનિવારણના કામમાં લાગી ગયા હતા. તે માટે એજન્સી પાસેથી ચાર ટકાના વ્યાજે એક લાખ ઉપરાન્ત રૂપિયા લેવા પડ્યા હતા. 'બધી મુશ્કેલી વેઠીને પણ, એક પણ માણસ આ રાજ્યમાં ભૂખથી ન મરે તો પ્રભુનો મ્હોટો ઉપકાર.' ગરીબ માણસોને રોજી આપવા માટે બે તળાવ ખોદાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આખા રાજ્યમાં બધાં મળી કેટલા માણસો છે, અને તેમાંથી કામ કરી શકે તેવાં કેટલાં છે, અને કેટલાંને ઘેર બેઠાં ખાવાનું આપવું પડે તેમ છે તેની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી હતી. તે જ પ્રમાણે બળદોની યાદી પણ કરવામાં આવી હતી. ખેડૂતોનાં જાનવરો ભૂખે મરવાનો ભય ન હતો, કારણ રાજ્યમાં ઘાસ હતું અને વાડીઓમાં રજકો પણ ઘણો થાય તેમ હતું. ગોવર્ધનરામે રાજ્ય માટે ધારા ઘડી આપ્યા હતા તેનો અમલ તુર્ત જ કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે ડેપ્યુટી કારભારીની જગ્યા કાઢી નાખવામાં આવી. દુષ્કાળ માટેનું ખર્ચ જુદું રાખતાં ત્રાણું હજારનું બજેટ થતું હતું, તેમાં પણ ઓછું કરવાનો વિચાર સુરસિંહજી રાખતા હતા. તેમને લાગતું હતું કે દુકાળથી ઘણી મુશ્કેલી વેઠવી પડશે, પણ તેના અનુભવથી ઘણો ઉપયોગી બોધ પણ મળશે એમ ખાત્રી હતી. 'પ્રભુનો માર્ગ સારો જ હશે.'

'રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝુલતું હતું' એ ભરતને માટે લખેલા શબ્દો તેના લેખકને પણ બરાબર લાગુ પડે તેવા છે. ઉપર લખ્યા પ્રમાણે દુષ્કાળનિવારણના કામમાં ખંતથી લાગી રહેલા સુરસિંહજીનું મન વારંવાર વૈરાગ્ય તરફ ખેંચાયા કરતું હતું. અને તેમણે કેટલાક મહિના પછી પોતાનો એ વિચાર પોતાના કારભારી ગિરધરદાસ મંગળદાસ દેસાઈ ઉર્ફે તાત્યા સાહેબને સ્પષ્ટ રીતે જણાવી પણ દીધો.

તે વિશે લખતાં પહેલાં સુરસિંહજીનો પોતાના આ કારભારી સાથેનો સંબંધ કેવો હતો એ સમજી લેવાની જરૂર છે. [૯]ઠાકોર સાહેબ માનતા હતા કે રાજા અને કારભારી મિત્ર જેવા હોવા જોઇએ અને બન્નેમાં પરસ્પર શ્રદ્ધા જોઇએ. છતાં બન્નેએ ખાનગી બાબતો અને રાજકીય બાબતોને જુદી સમજવી જોઇએ, તે માટે તેમણે સૂચના કરી હતી કે તેમના કારભારીએ વાતવાતમાં લાગી જવાનો સ્વભાવ બદલવો જોઇએ, અને તેમણે જાતે શરમાળપણું ઘટાડવું જોઇએ. વળી ઠાકોર સાહેબ કોઈ બાબત પૂછે અથવા કાગળો મંગાવે તો કારભારીએ પોતાના પર અવિશ્વાસ છે એમ સમજવું નહિ, કારણ કે તેમનો જૂના કારભારીની માફક જ આ કારભારીની ઉપર પણ પૂરો વિશ્વાસ હતો.

કારભારીની સાથે તેમણે નીચે પ્રમાણે કામની ગોઠવણ કરી હતી. મંગળ, ગુરુ અને શનિએ બપોરે બે વાગ્યે બન્નેએ મળવું. અને બુધ તથા શુક્રવારે ઠાકોર સાહેબે ગમે તે ઑફિસનું કામ તપાસવું.

આ પ્રમાણે ઠાકોર સાહેબે ધીરે ધીરે રાજ્યકારભારનું કામ હાથમાં લેવા માંડ્યું હતું અને લોકો વાતો કરવા લાગ્યા કે ઠાકોર સાહેબ કારભારીને રજા આપવાના છે અને તે જશે. પણ તેમણે કારભારીને પત્ર લખીને દર્શાવ્યું કે હકીકત આથી ઊલટી જ હતી. રાજ્ય છોડીને પોતે જ ચાલ્યા જવા માગતા હતા. એટલે જો કારભારીને મેનેજર તરીકે રહેવાની ઇચ્છા હોય તો રહે અને નહિ તો બીજો માણસ આવે. વળી એ રહે કે જાય પણ ઠાકોર સાહેબ તો તેમના મિત્ર જ રહેશે એવી ખાત્રી તેમણે આપી હતી.

પોતાનાં માતુશ્રીના મરણના સમયથી જ રાજ્ય છોડી જવાની વૃત્તિ તેમના મનમાં ઉત્પન્ન થઈ હતી. એ પોતાને માટેનું પ્રભુનું નિર્માણ છે એમ સુરસિંહજી માનતા હતા. કારણ તેમને સત્તા, કીર્તિ, રાજ્યપદ, વૈભવ વગેરે બાબતોમાં બિલકુલ રસ ન હતો. એ સર્વ તેમને બોજારૂપ લાગતું હતું.

માતાના અવસાન સમયે સુરસિંહજીનું વય ૧૪ વર્ષનું હતું. આ સમયથી જ તેમને જગલમાં ચાલ્યા જવાના વિચારો આવતા હતા. ૧૫ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં. એ લગ્નથી તેમને રમા જેવાં મિત્ર રાણી તરીકે મળ્યાં એમ તેમણે જાતે જ સ્વીકાર્યું છે, છતાં આ સમયે પણ રાજ્ય તજી ચાલી નીકળવાનો વિચાર ગયો ન હતો, પરંતુ પ્રીતિ બંધનથી બંધાઇને જ તે સર્વ કાર્યો કર્યા કરતા હતા. તોપણ તેમણે આ વિચાર છેવટે લીંબડી ઠાકોર સાહેબ સર જશવંતસિંહજી અને તેમનાં રાણીસાહેબ પાસે મૂક્યો. સર જશવંતસિંહજીનાં રાણીસાહેબ રાજબા ( રમા ) નાં ફોઈ થતાં હતાં, અને સુરસિંહજીને પોતાના પુત્રના જેવા ગણતાં હતાં. તેમના તરફથી જવાબ આવ્યો 'તમારાં મામી આજ અહીં આવવાનાં છે. હું એમને સખત રીતે કહીશ કે બધાંએ તમને ખુશી રાખવા અને કોઇ પણ બાબતમાં તમારી નારાજી મેળવવી નહિ. બાપુ, ચિંતા કરશો નહિ.' તેના જવાબમાં સુરસિંહજીએ લખ્યું : 'મારાં મામીને કાંઈ પણ કહેવાની જરૂર નથી. એમને કાંઈ પણ કહેવું એ નિર્દોષીને શિક્ષા કરવા જેવું છે. એમના કે કોઇના તરફથી કોઈ દિવસે, કોઈ બાબતમાં જરા પણ મને અસંતોષ મળ્યો નથી. એ બાબતમાં તો હું ઈશ્વરનો આભાર માનું છું કે મારાં દુઃખ અને ચિંતામાં એ મારી વિશ્રાન્તિનું સ્થાન છે, અને એથી જ હું શાંત અને સુખી રહું છું.'

સુરસિંહજીનાં આ વડીલોને પ્રથમ લાગ્યું હતું કે કોઈથી નારાજ થઈને આ યુવાન રાજવી ત્યાગની વાતો કરે છે. પણ જ્યારે એ શંકા દૂર થઈ અને માત્ર પ્રભુનું એવું નિર્માણ છે, કારણ પોતાને એવી વૃત્તિ વારંવાર થઈ આવે છે એવું સુરસિંહજીએ કહ્યું, ત્યારે તો તેમને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે એમ વૈરાગ્યવૃત્તિથી સંસાર છોડવાને તો હજુ બહુ વાર છે, અને હાલમાં તો એવા વિચારો એક પ્રકારની ગાંડાઈ જ ગણાય. આમ સર્વનો વિરોધ જોયો એટલે કોમળ દિલના સુરસિંહજીએ આ વાત તે સમયે પડતી મૂકી.

પછી રાજ્ય સોંપવાનો સમય આવ્યો. તે સમયે તો સુરસિંહજીના મનમાં વૈરાગ્યવૃત્તિ જોરથી ઊછળી આવી. પોતાનો સ્વભાવ રાજ્યકારભાર માટે બિલકુલ અનુકૂળ નથી એમ તેમણે પોતાના ગુરુ મણિભાઇને સમજાવવા પ્રયાસ કર્યો. પણ તેમણે પણ એવી રીતે ઉતાવળ કરવાની ના કહી, અને કેટલાક સમય માટે રાજ્યકારભારના કામની અજમાયશ કરી જોવાની ભલામણ કરી. અને પછી જો રાજ્યવ્યવસ્થાની બીજી ગોઠવણ થઈ શકે તો જવું, એમ પણ કહ્યું. એટલે ઉપર દર્શાવ્યું તે પ્રમાણે સુરસિંહજી કર્તવ્ય બજાવવા ઉદ્યુક્ત થયા. તેમણે બની શકતો સર્વ પ્રયત્ન કરી જોયો, પણ છેવટે એક વાર ફરીથી અદમ્ય વૈરાગ્યવૃત્તિએ ઉછાળો માર્યો.

પ્રથમ તો તેમણે હમેશને માટે ગાદી છોડવાનો વિચાર કર્યો હતો, પણ પછી ગોવર્ધનરામની સલાહ પ્રમાણે તે વિચાર ફેરવ્યો, અને ત્રણચાર વર્ષ સુધી રાજ્ય છોડવાનું નક્કી કર્યું. આ ઐચ્છિકવનવાસ દરમ્યાન એમ લાગે કે એકાન્તવાસમાં રહી લખવા વાંચવામાં જેવો આનંદ પડે છે, એવો જ આનંદ રાજ્યમાં રહી રાજ્ય ચલાવવામાં પણ પડશે તો પાછા આવવું. પણ સુરસિંહજીને ખાત્રી હતી કે તેમને આવું કદી લાગશે નહિ.

રાજ્યકર્તા થવાને માટે જે ગુણો જોઇએ તે ગુણો પોતાનામાં ન હતા એમ સુરસિંહજી માનતા હતા. તેમનું હૃદય ફકીરી હૃદય હતું. તેમની જે પ્રકૃતિ રાજ્યકર્તા તરીકે તેમને દૂષણરૂપ લાગતી હતી તે જ પ્રકૃતિ રાજ્ય છોડ્યા પછીની સ્થિતિમાં તેમના ભૂષણ રૂપ ગણાય તેવી હતી એમ તે માનતા હતા.

રાજ્ય ન છોડવાની સલાહ આપનારાઓમાંથી કેટલાક માત્ર વિવેકની ખાતર બોલતા હતા, ત્યારે બીજાનું અંતઃકરણ દાઝતું હતું માટે કહેતા હતા. આ માંહેના પહેલા વર્ગ માટે તો કાંઇ કહેવાની જરૂર ન હતી, પણ પોતે દુઃખી થશે એમ માની દયા ખાઇને જે કેટલાક રાજ્ય ન છોડવાની સલાહ આપતા હતા તેમને સુરસિંહજીએ જણાવ્યું કે કોઇને યે દુઃખી થવું ગમતું નથી. વળી પોતે સુખદુઃખને સમાન પણ માનતા ન હતા. પણ રાજ્ય, સત્તા, કીર્તિ અને વૈભવ ખોવાથી તેમને દુઃખ નહિ પણ સુખ થવાનું હતું. આ વિઘ્નો પોતાના માર્ગમાંથી દૂર થવાથી પોતાનો બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ કરવાની સંપૂર્ણ સગવડ મળશે એમ તે માનતા હતા.

રાજ્ય છોડીને પોતે શું કરશે ? એ પ્રશ્નના જવાબમાં સુરસિંહજીએ ગોવર્ધનરામને લખ્યું હતું: 'હું એકાન્તમાં રહી વાંચીશ, લખીશ, પ્રભુનો વિચાર કરીશ, ગરીબોમાં. દર્દીઓમાં, તનનાં અને મનનાં દર્દીઓમાં ભળીશ અને તેઓને બની શકશે તો કાંઈ આરામ આપીશ–નહિ તો તેમાંથી હું તો આરામ લઈશ. નિવૃત્ત થયેલાની શાન્તિથી મળતી શુદ્ધ ભાવનાઓ પ્રભુ મ્હને આપશે તે લઈશ.'[૧૦]

પત્નીઓમાંથી જેમને સાથે રહેવા વિચાર હોય તેમને સાથે રાખવાનાં હતાં. પણ તેમણે પોતે આપે તેટલાં અને તે જ માણસોને રાખવાં, અને પોતાનાં માણસોને રજા આપવી એવો સુરસિંહજીનો નિશ્ચય હતો. નિવૃત્ત થઇને જ્યાં બહુવૃષ્ટિ ન હોઈ બારે માસ રહી શકાતું હોય તેવા પંચગની અથવા નીલગિરિ જેવા હવા ખાવાના પહાડી સ્થળે વસવાનો વિચાર હતો.

સુરસિંહજી રાજકોટમાં અભ્યાસ કરતા હતા તે સમયે તેમને માસિક તેરસો રૂપિયા મળતા હતા. આટલા વર્ષાસનમાં હજુ યે રહી શકાશે એમ તેમને લાગતું હતું. કારણ એક સામાન્ય ગૃહસ્થના કરતાં વધારે ખર્ચાળ જીવન તે ગાળવા માગતા ન હતા.

પોતાને એક પુત્રી હતાં. તેમનો સંબંધ કોઇ સારા રાજ્યમાં કર્યા પછી જ તે જવાનો વિચાર રાખતા હતા. કુમારોના લગ્નની ચિંતા તેમને ન હતી. કારણ તેમાં ખર્ચ પણ ન હતું અને મુશ્કેલીઓ પણ ન હતી.

રાજકુમારીના વેવિશાળ માટે સુરસિંહજી પ્રયાસ કરી રહ્યા હતા, તેના ઉલ્લેખો પણ તેમના મોરબીના હાલના નામદાર મહારાજા સાહેબ શ્રી લખધીરસિંહજી ઉપરના પત્રોમાંથી મળી આવે છે.

પરંતુ સંસાર છોડવા તત્પર, પણ પ્રેમના બંધનોથી બંધાઈ રહેલા આ મુમુક્ષુ રાજવીને પરમાત્માના દિવ્ય ધામમાંથી અચિંત્યું તેડું આવ્યું, અને ઈ. સ. ૧૯૦૦ના જૂનની દશમી તારીખે[૧૧] ફક્ત એક રાતની માંદગી ભોગવી તે વિદેહ થયા.

પોતાની પાછળ સુરસિંહજી ત્રણ પત્નીઓ, બે પુત્રો અને એક પુત્રી મૂકતા ગયા હતા. તેમનાં પુત્રી તે રાજકોટના યશસ્વી ઠાકોર સાહેબ લાખાજીરાજનાં રાણી, તેમના પાટવી કુમાર પ્રતાપસિંહજી તેમની પછી લાઠીની ગાદીએ આવ્યા હતા; તે થોડાં વર્ષ રાજ્ય ભોગવી અવસાન પામ્યા. હાલમાં તેમના પુત્ર એટલે કલાપીના પૌત્ર પ્રહ્‌લાદસિંહજી લાઠીની ગાદી ઉપર છે. કલાપીના બીજા પુત્ર જોરાવરસિંહજી સદ્‌ભાગ્યે હજુ વિદ્યમાન છે, અને કલાપીને જોયા ન હોય તે જોરાવરસિંહજીને જોઈ આવે એવી કલાપીને જેમણે જોયા છે એવા કવિશ્રી નાનાલાલની સલાહ છે. કલાપીને જેમ તેઓ આકૃતિમાં મળતા આવે છે તે જ પ્રમાણે તેમનામાં તેમના આ મહાન પિતા પ્રત્યે ઘણી ભક્તિ પણ છે. તેમણે 'કલાપીનો કેકારવ'ની નવી આવૃત્તિ તથા 'શ્રી. કલાપીની પત્રધારા' પ્રકટ કરી પોતાના યશસ્વી પિતાનું ઋણ ફેડવા પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. લાઠીના હાલના ઠાકોર સાહેબ પ્રહ્‌લાદસિંહજી તથા તેમના ભાઇઓ પણ કલાપી પ્રત્યે અસાધારણ માન ધરાવે છે અને સાહિત્ય અને કલાની સેવા કરી તેમના ઉજ્જ્વલ નામને તથા તેમણે ઉજ્જ્વલ કરેલ ગામને દિપાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

  1. ૧ કાન્તે તેમના ટૂંકા પણ ઉપયોગી જયંતી વ્યાખ્યાનમાં આ વિશે કાંઈ કહ્યું નથી. રૂપશંકર ઓઝાએ ત્રીજી સાહિત્ય પરિષદમાં વાંચેલ વિસ્તૃત નિબંધમાં જાન્યુઆરી ૧૮૯૫ લખ્યું છે, પણ શ્રી. કલાપીની પત્રધારામાં શ્રી. સરદારસિંહજી રાણા ઉપર તા. ૧૧−૧−૯૫ ના રોજ લખાયેલ પત્ર મૂક્યો છે તે ઉપરથી અનુમાન દોરી આ તારીખ લખી છે. તેમાં લખ્યું છે: 'ચાલતા માસની તારીખ ૨૧ મીએ રાજ્ય સોંપવાનું નક્કી થઈ ગયું છે.' પૃ. ૩૧૩
  2. ૧ મણિલાલને પત્ર : 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૮ 'કૌમુદી' પુ. ૩ અં. ૨ માં 'સુબળ' ને બદલે 'સુખદ' છે તે વધારે યોગ્ય લાગે છે..
  3. ૧ તા. ૨૦–૮–૯૩. ‘શ્રી. કલાપીની પત્રધારા’
  4. ૨ ‘શ્રી. કલાપીની પત્રધારા’ પૃ. ૧૫
  5. ૧ મણિલાલને પત્ર : 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૧૭−૧૮
  6. ૬.૦ ૬.૧ ૧ 'શ્રી. કલાપીની પત્રધારા'
  7. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા'
  8. ૧. ‘શ્રી. કલાપીની પત્રધારા’
  9. ૧. 'શ્રી. કલાપીની પત્રધારા'
  10. ૧ 'શ્રી કલાપીની પત્રધારા,
    ગોવર્ધનરામને પત્ર તા. ૨−૪−૧૯૦૦
  11. સ્વ. કાન્તે તથા રૂપશંકર ઓઝાએ ૧૦ મી તારીખ કહી છે, પરંતુ ‘શ્રી કલાપીની પત્રધારા’માં પૃ. ૩૯૦ની સામે આનંદરાય હિમ્મતરાય દવેની ઉપર કલાપીએ લખેલ પત્રની છબી આપી છે તેમાં 'અવસાન તા. ૮−૬−૧૯૦૦' એવી નોંધ વંચાય છે.