કલાપી/હૃદયત્રિપુટી

વિકિસ્રોતમાંથી
← રાજવી કવિનું ગૃહજીવન કલાપી
હૃદયત્રિપુટી
નવલરામ ત્રિવેદી
મુમુક્ષુ રાજવી →







પ્રકરણ પાંચમું
હૃદયત્રિપુટી

માની દાસી, કચ્છની ખવાસ કોમની અભણ બાલિકા, મોંઘીમાંથી લાઠીના રાજવી કવિ કલાપીની સ્નેહરાજ્ઞી શોભનાના અજબ પરિવર્તન ના કિસ્સાએ અનેક નાનકડા નવલકથાકારોને કથાવસ્તુ પૂરું પાડ્યું છે. પણ હું અહીં એ રોમાંચક કિસ્સાને હકીકતો અને વિગતોના અંકોડા મેળવીને આધારભૂત તવારીખ તરીકે જ રજૂ કરવા ઇચ્છું છું. આ પ્રણય–ઇતિહાસ જાતે જ, તદ્દન સાદી રીતે કહેવામાં આવે તોપણ અદ્‌ભુત રસ જગાડે તેવો છે. વળી એ વિગતવાર હજુ સુધી એકે વખત કહેવામાં આવેલ નથી. સ્વ. કાન્તે કલાપીના કેટલાક પત્રો છાપ્યા ત્યારે વાંચકોને કલાપીના પ્રણયજીવનની પરીકથાનો પ્રથમ પરિચય થયો. ત્યારપછી વાંચકોના મનમાં આ વિશે જાણવાની ઇચ્છા વધતી ગઈ છે, અને કલાપીના પત્રો પ્રકટ થવાથી તે ઠીક પ્રમાણમાં સંતોષવાનું સાધન તેમના વિચારશીલ વર્ગને સાંપડ્યું પણ છે. કારણ આ પત્રોમાંથી સીધી અને આડકતરી રીતે ઘણું જાણવાનું મળે છે, એટલું જ નહિ, પણ તેમાંથી જે સૂચનો મળે છે તે પરથી અભ્યાસીઓને તેમનાં કાવ્યોમાંથી પણ ઘણો પ્રકાશ તેમના પ્રણયજીવન પર પડતો દેખાય, અને તેથી ઘણું નહિ સમજાતું સમજાય છે.

એટલે અહીં, કલાપીના પત્રો અને કાવ્યોમાંથી, આ જ રીતે આ લેખકે તેમના પ્રેમજીવનનો ઇતિહાસ આલેખવાનો પ્રયાસ કર્યો છે. તેમાં લેખકે પોતાના તરફથી અનુમાનો દોરીને ચિત્રનો વિસ્તાર વધારવાનો કાંઈ પણ પ્રયાસ કર્યો નથી અને કલ્પનાના રંગો ઉમેરીને તેમાં ભભક લાવવાનો પણ પ્રયાસ કર્યો નથી. આ હકીકત જેમ બને તેમ કલાપીના જ શબ્દોમાં આપવાની પદ્ધતિ આ ઉદ્દેશ માટે વધારે ઉપયોગી થઈ પડશે એમ લાંબા વિચારને અંતે લાગ્યું છે. તે માટે પ્રથમ આત્મવૃત્તાંતના રૂપમાં આ પ્રકરણ લખવાનો પ્રયાસ કર્યો. એ માટે કલાપીના કેટલાક પત્રો ઘણાં અનુકૂળ છે. પરંતુ એ પત્રોમાંથી જુદા જુદા ભાગો જોડીને જે લખાણ તૈયાર થયું તેમાં વચ્ચે વચ્ચે સાંધા આવતા હતા તે એક બીજા સાથે મળી જતા હોય એમ લાગ્યું નહિ. જુદી જુદી વ્યક્તિઓને, જુદા જુદા સમયે લખાયેલ પત્રોમાં આવું બને એ સ્વાભાવિક છે. વળી આ પાત્રોની સાથે કલાપીનાં કાવ્યોને કેવી રીતે મેળવી દેવાં એ પ્રશ્ન પણ વિકટ લાગે. કારણ કાવ્યોની અને પત્રોની ભાષાશૈલી તદ્દન જુદા જ પ્રકારની છે. પત્રોમાં સરલ, નિખાલસ શૈલી છે, ત્યારે કાવ્યોમાં કલ્પનાના અને કલાના અંશો હકીકતની સાથે એમને એમ છૂટા ન પાડી શકાય તેવી રીતે ભળેલા છે. એટલે તેમાંથી કોઈ છૂટક પંક્તિઓ, અન્વય કરીને પણ મૂકી શકાય તેમ નથી.

કથાપદ્ધતિ–જેમાં સંવાદ, પાત્રાલેખન વગેરે આકર્ષક અંગો આવી શકે તેનો પણ વિચાર કર્યો. પરંતુ તેમાં વાંચકોના મનમાં સાચું જ ચિત્ર ઊઠશે એવી ખાત્રી ન લાગી. જ્યાં ચરિત્રના નાયકના જીવનની હકીકતોથી વાંચકો બરાબર વાકેફગાર હોય ત્યાં આ પદ્ધતિ બરાબર છે. જેમકે, શૈલીનાં અનેક જીવનચરિત્રો મોજૂદ છે, ત્યાં 'એરિયલ' એ નામથી ફ્રેન્ચ લેખક આ મોરવાંએ તેનું જીવનચરિત્ર લખ્યું છે અને તે નવલકથાના જેવું રસિક બન્યું છે. પરંતુ પહેલીવાર કલાપીનું જીવનચરિત્ર લખાતું હોય ત્યાં તે હકીકતો, વિગતો, અને વધુ વિગતો અને હકીકતો એ જ યોગ્ય માર્ગ છે એમ મને લાગ્યું છે, અને તેથી શરૂઆતમાં કહેલ પદ્ધતિ અહીં સ્વીકારી છે. [૧] કલાપીનું લગ્ન થયું તેના બીજા જ દિવસે તેમણે એક છ સાત વર્ષની બાલિકાને તેમના મકાનની નીચેથી ચાલી જતી જોઈ. તેમના શિક્ષક ત્રિભુવન જાની પણ આ મધુર નિર્દોષતાની મૂર્તિને જ જોઈ રહ્યા હતા. તેને બોલાવી તેની સાથે વાત કરવાની ઈચ્છા તેમના મનમાં થઈ પણ કાંઈક શરમ લાગી. પણ જાની માસ્તરે તેને બોલાવી. તે રમાની દાસી મોંઘી હતી, જેને કલાપીએ 'શોભના' નામ આપી સાહિત્યમાં અમરતા અર્પી છે. આ અપૂર્વ માધુર્યની મૂર્તિ જોઈ કલાપીને તેની પ્રત્યે વાત્સલ્યભાવ પ્રકટ્યો આ અજાણી ખવાસની બાલિકા પાંચ મિનિટના સહવાસમાં જ સુરસિંહજીના કવિહૃદયનું હરણ કરી ગઈ. આ સમયે તેમને સોળ વર્ષ થયાં હતાં, પણ માતાના શિક્ષણને પરિણામે હજુ તે સ્ત્રીપુરુષનો પ્રેમ એટલે શું તે સમજતા ન હતા.

પણ હવે રમાને ત્યાં જમવાનું થતાં આ બાલિકા શોભનાની હાજરીને લીધે કલાપીને જીવનમાં અપૂર્વ સ્નેહાનંદ લાધ્યો. કલાપીએ તેને ભણાવવા માંડ્યું અને બે વર્ષમાં તેણે સારી પ્રગતિ કરી. પછી કલાપી પ્રવાસે ગયા, ત્યાં રમાના પત્રોની સાથે શાભનાના પત્રો પણ આવવા લાગ્યા. કલાપી રમા પરના પોતાના પત્રોમાં વારંવાર 'મોંઘી બેટા'ને તેનો અભ્યાસ ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપતા.

તા. ૨૪-૧૦-૯૧ના પત્રમાં લખ્યું છે. 'મોંઘીના અક્ષર વાંચ્યા.' ત્યારપછી બીજે દિવસે લખેલા પત્રમાં કહ્યું છેઃ 'મોંઘીના અક્ષરો જોઈ અને ઘણું જ દુઃખ થાય છે. હા, એ બિચારી મને સંભારે છે !' તા. ૧-૧-૯૨ના પત્રમાં ટૂકો સંદેશ મળે છેઃ 'મોંઘીની ચીઠ્ઠી પહોંચી. એને કહેજે કે આ ચીઠ્ઠી સારી લખાણી છે.' શોભના ઉપર આ પ્રવાસ દરમ્યાન લખાયેલ એક ટૂંકો પત્ર કલાપીના હૃદયની કોમળ લાગણી સમજવામાં મદદગાર થઇ પડે તેવો છે. 'મોંઘી બેટા,

તારી ચીઠ્ઠી વાંચી છે. હમણાં સુધી એ મારા ગજવામાં હતી. હમણાં તેને ફાડી નાખીશ. તું ભણે છે એ ખુશીની વાત. હું રોહે આવીશ ત્યાર પહેલાં પહેલી ચોપડી પૂરી કરજે, નાથીબાઈથી વધી ગઈ છું એ ઘણું સારૂં. સૌની સાથે તું તો આખો દિવસ રમતી હઇશ. હમીર બોલવા શીખ્યો હશે. એને કચ્છી શિખવશો નહિ. ભેંસા પેસાંને બદલે ગુજરાતી શિખવજો.

જીવરામ અને જેશંકરને મારા સલામ કહેજે, માજીઓને તાજીમ કહી શકે ? શરમાઈશ નહિ. હમીરને બેલાવજે.

લી. રખડતો બાપુ સુરસિંહ'
 

આવી જ પ્રણયાર્દ્રતા હિંદના પ્રવાસ દરમ્યાન લખાયેલા પત્રમાં ટપકતી દેખાય છે. 'મોંઘી, બેટા કહી તેને કેદી બોલાવીશ? પાણી પા, હાથ ધોવરાવ, ટુવાલ લાવ એમ તને કે'દી કહીશ. મેં તને કદી રોવરાવી નથી, હેરાન કરી નથી, પણ કદાચ ભણાવતાં માથામાં ટાપલી મારી હોય તો મને માફ કરજે.'

પ્રવાસમાંથી પાછા આવ્યા પછી બન્નેનો સહવાસ ઘણો વધી ગયો. શોભનાનો અભ્યાસ પણ વધવા લાગ્યો. પરંતુ તેથી જ કલાપીની ચિંતા પણ વધી. 'આ રત્ન તેની જ્ઞાતિમાં ક્યાં આપવું?' કલાપીએ એક ખવાસના છોકરાને શોધી કાઢ્યો અને તે ગુજરાતી ભણ્યો હતો એટલે તેને અંગ્રેજી અભ્યાસ કરાવવા માંડ્યો. પરંતુ રાજકવિની સ્નેહરાજ્ઞી થવા નિર્માયેલ શોભના અને આ સખ્ત દિલના છોકરા વચ્ચે કાંઈ લાગણી જાગી શકી નહિ. પરંતુ કલાપી અને શોભના વચ્ચે પ્રેમ વધતો ચાલ્યો. પ્રેમની અજબ ખુમારી આ યુવાન કવિહૃદયને ડોલાવવા લાગી, પણ જોકે તે દાંપત્યપ્રેમ હતો, વાત્સલ્ય ન હતું, છતાં તેમાં સંપૂર્ણ વિશુદ્ધિ હતી.

રમાએ બહુ સમજાવવાનો યત્ન કર્યો, અને કલાપીએ જાતે પણ પોતાના હૃદયને ફેરવવા અથાક પ્રયાસ કર્યો પણ તે સર્વ મિથ્યા ગયું.

પોતે અન્ય સ્ત્રીને હૃદયમાં સ્થાન આપનાર જ નથી એ કલાપીનો નિશ્ચય હવે બદલાવા લાગ્યો. કલાપીએ બન્નેને સમાન રીતે ચાહવાનો નિશ્ચય મન સાથે કર્યો, પણ રમાને તેની પ્રતીતિ કેવી રીતે કરાવી શકાય? છેવટે ત્યાગના સંકલ્પથી પ્રેરાઈ શોભનાને હૃદયમાંથી કાઢી નાખવાનો નિશ્ચય કર્યો, પણ શોભનાને કાઢી નાખવા જતાં તો રમા અને આખું જગત હૃદયમાંથી નીકળી જતું લાગ્યું. કાંતો બન્નેને ચાહે અથવા કોઇને નહિ એવું થઈ ગયું.

પોતાના મનને મનાવવા કલાપીએ કરેલા પ્રયાસો 'ભરત' અને 'બિલ્વમંગળ' એ કાવ્યમાં સરસ રીતે દેખાય છે. મૃગમાં આસક્તિ ખોટી છે એમ માનનાર ઋષિને કવિ સલાહ આપે છે: 'રમાડ તેને પણ લુબ્ધ ના થજે.' અને 'બિલ્વમંગળ'માં કહે છે કે આ જગતનો પ્રેમ તો મિથ્યા છે, માટે જે સર્વદા રહેનાર છે તેને શોધી લે; પ્રિયાનો પ્રેમ તજી પ્રભુનો પ્રેમ ગ્રહણ કર.

આ પ્રમાણે નીતિ અને પ્રેમના ખેંચાણમાં બે વર્ષ નીકળી ગયાં. નીતિ જીતી અને બન્ને પવિત્ર રહ્યા.

[૨]આ સમય દરમ્યાન એક સવાલ કલાપીના મનમાં અધ્ધર જ રહ્યો હતો. પ્રેમમાં શરીરસંબંધ કાંઇ અગત્યનું તત્વ છે? એ ઈચ્છા કલાપીને થતી હતી, પણ તે કોઈ દિવસ પૂરી કરી શક્યા ન હતા, કારણ હૃદય તેને પાપ સમજતું હતું. શોભનાને પુત્રી, બહેન તરીકે ચાહતી વખતે રમાને કાંઈ અપરાધ થતું હોય એમ લાગતું નહિ, પણ હૃદય જ્યારે કામદૃષ્ટિ કરતું ત્યારે આવું લાગતું. જાણવાલાયક વાત એ છે કે બુદ્ધિ તો આમાં પાપ નથી એમ માનતી, પણ હૃદય જ ખેંચાતું, અને પછી હૃદય જ પાપ છે એમ માનીને પાછું પડતું. આનું કારણ માત્ર નીતિ જ હશે કે બીજા કારણો પણ તેમાં ભળેલાં હશે એ વિશે વિચાર કરતાં કલાપીને યોગ્ય રીતે જ સમજાતું હતું કે રમા, મિત્રો, કીર્તિ, લાંબા સમયથી એને પાપ માનવામાં આવે છે એ ટેવ, અને શોભનાને ચાહવાથી રમા કદાચ હૃદયમાંથી નીકળી જશે એ ભય એ સર્વે કારણે પણ હૃદયને પાછું પાડવામાં નીતિની ઉત્કૃષ્ટ ભાવનાને મદદ કરતા હતા. અહીં જણાવવું જોઈએ કે, કલાપીએ છેવટે એ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે પ્રેમમાં સર્વ નીતિ સમાઈ જાય છે, અને હૃદયના ઐક્યમાં શરીરનો સ્થૂલ સંબંધ પણ પુણ્યરૂપ જ બની રહે છે.

(કાન્તને પત્ર તા. ૧૧-૧૨-૯૭)
 

પણ પ્રેમ પોતાનું બળ અજમાવ્યે જ રાખતો હતો. તે કહેતો હતો

ફુલ વીણ સખે, કુલ વીણ સખે,
હજુ તો ફુટતું જ, પ્રભાત સખે ?
અધુના કલી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે !'[૩]

પરંતુ પ્રેમ જો આ પ્રમાણે કહેતો હતો, તો સમાજ, મિત્રો, સલાહકારો બીજું જ કહેતા હતા.

[૪]એકને ચાહતું તેણે બીજાને નવ ચાહવું!
એકને ચાહતું તેને બીજાએ નવ ચાહવું!

આની સામે પોકાર કરતાં કવિ કહે છે: 'કબુલ છે કે દરેક ધારો કાંઈક હેતુપૂર્વક જ થયો હશે, પણ એ મદદ કરનાર ધારો જ કાંટાની માફક સમય જતાં ખેંચનારો બની જાય છે. હું એક વખત રમાનો જ હતો, અને તે સમયે હું હૃદયપૂર્વક જનોના ધારાનું સેવન કરતો હતો. અને અત્યારે કે હું તારો પહેલાં હતો તેના કરતાં જરાયે ઓછો નથી, પણ મારું હૃદય અત્યારે અન્યનું બન્યું છે. અને મને ખાત્રી છે કે કુદરત કદી પ્રેમને પાપ ગણતી નથી, એટલે તે મારા પર, તેની પર અને તારી ઉપર પણ અમદૃષ્ટિથી જોશે. વખત ચાલ્યો જશે, તેનું મુખ મારાથી દૂર ચાલ્યું જશે, અને પછી હું જીવી શકીશ નહિ. કદાચ તારે અનિચ્છાએ આ સત્ય સ્વીકારવું પડશે, તે પછી હાલ રાજીખુશીથી શા માટે ત્રણ હૃદયનું ઐક્ય કરવા કબૂલ નથી થતી? તને કદાચ લાગશે કે હું કાલે કહેતો હતો તેના કરતાં હું આજે જુદુ કહું છું. ખરી વાત. અને વળી આવતી કાલે હું આનાથી યે જુદું કહીશ. કારણ હું કુદરતના હાથમાં છું, અને તે દોરે છે તેમ દોરાઉં છું, અને નવાનવા પાઠ શીખું છું.'

Eternal Love, Eternal Lie – શાશ્વત પ્રેમ એ શાશ્વત જુઠાણું છે, એના ઉપર ભાષ્ય કરતા હોય એમ કલાપીએ કહ્યું છે: [૫] "વ્હાલીનું હૃદય મને અગાધ ઉદધિ લાગતું હતું, અને તેમાં હું ઉંડે અને ઉંડે અવગાહન કરતો. એ પ્રેમજલનું તળીયું પાતાળમાંયે હોય એમ લાગતું ન હતું, અને એ જેમ અતલ હતું તે જ પ્રમાણે અતટ પણ હતું. એ સિન્ધુમાં હું ઉંડે અને ઉંડે ઉતરતો ગયો અને હું પાતાલનાં પડેપડ અને ગુફાએ ગુફાઓમાં ફરી વળ્યો. અનન્ત યુગ આમ ને આમ જ હું પ્રેમવારિધિમાં વીહર્યા કરીશ એમ માનતો હતો, એવામાં એક ખડક ઉપર મારો પગ ઠર્યો. ત્યાં દૈવી મોતિનો સ્વર ઉઠ્યો કે 'અમને સ્પર્શતાં ખારાશ મળશે, અમને સ્પર્શતાં ઉદધિ કટુ લાગશે, પણ અમને સ્પર્શતાં જ કોઈ નવી આશાનું દ્વાર ઉઘડશે.'

આ શબ્દો સાંભળીને કવિએ એ દૈવી મોતિડાંને હૃદય સાથે ચાંપી દીધાં. એટલે તેને મૂર્છા આવી અને તેણે ફરીથી અવાજો સાંભળ્યાઃ “હે મનુષ્ય આ સિન્ધુમાં હવે કાંઈ ઉંડાણ નથી, માટે તું અન્ય સિન્ધુમાં જા. આવા તો અનેક દરિયા તું ઉતરી આવ્યો છે, અને હજુ અનેક દરિયા તારે તરવાના છે. તલસ્પર્શ થતાં જ સિન્ધુ તળાવ બની જાય છે. એ પ્રમાણે હવે આ સિન્ધુનું પણ બન્યું છે અત્યારે આ સિન્ધુ કડવો બન્યો છે, તે જ પ્રમાણે કોઈ વખત બીજો સાગર પણ કટુ લાગશે. પણ હાલ તો આ છોડી જ દે. હવે હું જોઉં છું તો મને એક બાજુ મારું જૂનું તળાવ, એટલે રમા-હૃદય હાંફતું દેખાય છે, તે બીજી બાજુ શોભના-હૃદયરૂપી સિન્ધુ ગાજતો દેખાય છે. હું મારા હૃદયમાંથી વધેલો રસ બન્નેમાં ઢોળું છું, પણ હવે તળાવના જલ સાથે મારા હૃદયરસનો મેળ ખાતો નથી. મને ત્યાં સિન્ધુ ખેંચે છે, પણ અરેરે, અહિં તળાવ રડે છે. ત્યારે હવે હું મારું હૃદય ક્યાં ઠાલવું? વ્હાલા તળાવ, તું જ ફરીને સમુદ્ર બની જા. તું જ તારો રસ વિસ્તીર્ણ કર. પણ હું શું જોઉં છું ? એ જલ તો વધુ ને વધુ સંકોચાતું જાય છે, અને મારું હૈયું વધારે ને વધારે વિસ્તીર્ણ બનતું જાય છે. બસ ત્યારે હવે સમજાયું. સંકોચ પામેલું હૃદય કદી વિકસી શકતું નથી, અને વિકાસ પામેલું હૃદય સંકોચાઈ શકતું નથી. તો પછી હે તળાવ, તને છેલ્લી સલામ. હું તને તજી જાઉં છું. આપણે ફરીથી મળીએ કે ન પણ મળીએ. પણ હું તારા ઉપકારનું હમેશાં સ્મરણ કરીશ. હું આમ વિચાર કરું છું ત્યાં તો સિન્ધુ મને આકર્ષે છે. હું તેમાં ડૂબું છું, પણ ડૂબતાં ડૂબતાં એ જૂના નામનો જાપ જપી રહું છું.'

કલાપીના હૃદયની મહાન વ્યથાનું પણ કારણ આવું મહાન જ હતું. નવા પ્રેમથી આકર્ષાયા છતાં તે જૂના પ્રેમને વીસરી શકતા નહિ. રમા સાથેના લગ્નની જવાબદારીનું આ ભાન ન હતું. કારણ જો એમ હોય તો તેમણે તેમનાં બીજાં રાણીને પણ યાદ કર્યાં હોત. આ કોટડાવાળાં રાણી પ્રત્યે પણ તેમણે પોતાની ફરજ બજાવવાની સતત કાળજી રાખી હતી. પણ રમા પ્રત્યેની જવાબદારી તો લગ્ન ઉપરાન્ત પ્રેમની હતી. અને એ જ મુખ્ય હતી. નહિ તે ઘણી સહેલાઈથી તે ત્રીજું લગ્ન કરી શકત. પણ આ ત્રીજું લગ્ન પણ પ્રેમને માટે હતું અને તેમાં એકને ચાહનારે બીજાને ચાહવાનું હતું. કલાપી તો ઘણીવાર એમ માનતા હતા કે બેયને ચાહી શકાય. પણ રમા એમ માની શકતાં ન હતાં. તેમને લાગતું હતું કે બીજી સ્ત્રી આવે પછી સાથે રહેવામાં કાંઈ રસ નથી. અને પછી કલાપીનું હૃદય પણ બદલાઈ જાય. ત્યારે કલાપી માનતા હતા કે તેમની લાગણી આટલા બધા સમય સુધી ફરી ન હતી, તો પછી રમા શોભનાને મેળવવામાં તેમને મદદ કરે તો પછી આવા ઉપકારના ભાર નીચે દબાયા પછી તો તેમની રમા પ્રત્યેની લાગણી કેમ જ ફરે ? ઊલટી વધે. મણિલાલ નભુભાઈને પત્રમાં લખેલ આજ વિચાર કવિતામય વાણીમાં દર્શાવતાં કલાપીએ લખ્યું છેઃ

પ્રિયે ! તે ગ્રીષ્મતણી હતી લ્હાય,[૬]
આપણે ફરતા કુંજની મ્હાંય


××××

ત્યાં કળી કે ખીલતી હતી રમતી વાયુ સાથ,
'ચૂંટી લે ભોક્તા ! મને' એ લવતી'તી વાત.


ભરેલો હજુ ય હતો મકરન્દ,
થયો ના હતો ભ્રમરનો સંગ;
હતી તેમાં શી રસિક સુવાસ !
જવાનું મને ગમ્યું તે પાસ.
ચુંટી તે તેં દીધી ઝટ મને,
કર્યું મેં ચુંબન કેવું તને!


ઊન્હી લૂ ઉડી ગઈ! શીત થયાં સહુ અંગ !
આભારી મુજ નેત્રમાં નવો ભરાયો રંગ!


પ્રિયે ! તે મૃદુ મુખકળી એ આજ
ડરે તું કેમ આપવા કાજ ?
દહે લૂ ગ્રીષ્મ ઝિન્દગી તણી,
ઔષધિ નહીં વિના એ કળી.

ભૂલ કયમ તુજને પ્રિયે ! કાને લઈ પરાગ ?
આભારી બનશે દગો બુઝાશે ઉર આગ !

પણ રમાના મનનું સમાધાન થયું નહિ. અને કલાપી મહાન ત્યાગ કરવા તૈયાર થયા. શોભનાનું બીજી જગ્યાએ લગ્ન કરી નાંખવામાં આવ્યું. પણ વસ્તુનો ત્યાગ કરવાથી વાસનાનો ત્યાગ થતો નથી. કલાપીનું હૃદય શોભના માટે ઝૂરવા લાગ્યું. સંસાર–ભોગવિલાસ તરફ તેમને કંટાળો આવી ગયો.

કલાપીના સ્વભાવમાં પહેલેથી જ વૈરાગ્ય તરફ વલણ હતું, તેમાં આવી નિરાશા આવવાથી જીવનમાંથી સર્વ રસ ઊડી જાય એ સમજી શકાય તેવું છે. આ સમય દરમ્યાન કલાપીએ પોતાના હૃદયની વ્યથાને કાવ્યધારા માર્ગ આપવાનો પ્રયાસ કર્યો છે. તે જ પ્રમાણે મણિલાલ નભુભાઈ અને મણિશંકર પરના પત્રોમાં પણું પોતાની હૃદયવ્યથા વ્યક્ત કરી છે. મણિલાલને તો તેઓ ગુરુ માનતા હતા, એટલે તેમની પાસેથી સલાહ માગતા અને તેને અનુસરવાનો પ્રયાસ બીજા વિષયોની માફક આ બાબતમાં પણ કરતા.

કલાપીને શોભના માટે ખાસ દુઃખ એ થતું હતું કે પુસ્તકો અને મિત્રોનું જે આશ્વાસન તેમને પોતાને મળતું હતું, તે તેને મળતું ન હતું. વળી રમાના સંબંધમાં તેમને લાગ્યું કે ખરું જોતાં તેમણે રમાને તૃપ્ત કરવા ખાસ પ્રયત્ન કદી કર્યો જ ન હતો. પોતાની તૃપ્તિને જ રમાની તૃપ્તિ તેમણે માની હતી. તો આ બાબતમાં પણ તેમ શા માટે ન કરવું? પણ પહેલાં તો પોતાની તૃપ્તિની સાથે રમાને તૃપ્તિ મળતી હતી એ વાત કલાપી ભૂલી જતા લાગે છે. અસ્તુ. મણિલાલને પત્રમાં લખેલી આ વાતનું સ્પષ્ટીકરણ કવિતામાં કરતાં કલાપીએ લખ્યું છે:

બન્ધાઈ છે શિથિલ સઘળી લગ્નની ગાંઠ આંહી.[૭]

××××

સ્પર્શે ગોળા પણ અડી શકે એક બિન્દુ જ માત્ર,
આલિંગે છે હૃદય પણ તે બિન્દુએ એક માત્રઃ
મારો તારો નકી નકી હતો એજ સંબંધ વહાલી !
ના લાંબો કે દૃઢ પણ નહીં ! તૂટતાં શી નવાઈ ?

××××

તુમાં હુંમાં બહુબહુ હતાં બિન્દુ ના સ્પર્શનારાં,
તે સૌ ધીમે બહુ સમયથી કમ્પતાં વાસનામાં,
અન્તે ગોળો મુજ હૃદયનો કમ્પની તીવ્રતાએ,
છોડી ચાલ્યો તુજ હૃદયને, અન્યને ભેટવાને.

××××

તોયે ક્‌હેવું પ્રિય પ્રિય અરે ! કાલ તારો હતો હું,
ને અત્યારે વહી જઈ હવે આજથી અન્યનો છું.

આ પ્રમાણે લખવું સહેલું હતું, પણ આચરવું સહેલું ન હતું. હજાર જાતના વિચારો આવી આવીને કલાપીના આ નિર્ધારને ડગાવતા હતા.

શોભના આવે તો રમા સાથે ન રહી શકે, એવો એમને નિર્ણય હતો. કલાપીને બાળકો અને રમાથી જુદા પડતાં ઘણું દુઃખ થતું હતું, પણ રમાને શોભનાનો ડર લાગતો હતો. તેથી તે તેમને ઈચ્છા મુજબ વર્તવાની છૂટ આપવાના નિશ્ચય ઉપર આવ્યા હતા. પરંતુ તેમને રમામાં ઘણી આશા હતી. તે માનતા હતા કે રમાને તે છેવટે સાથે રહેવા સમજાવી શકશે. જો પતિ તરીકે પોતે આજ્ઞા કરે તો રમા ગમે તે કરવા તૈયાર હતાં. પણ કલાપી આ પ્રમાણે પોતાની પતિ તરીકેની સત્તા વાપરવા માગતા ન હતા; તે તો પ્રેમી તરીકેનો અધિકાર અજમાવવા ઇચ્છતા હતા.

બીજું, રમાને દુઃખ અપાયેલું જાણી લાઠીના કામદાર કદાચ નોકરી છોડીને ચાલ્યા જાય. કલાપીને આ માણસ કામદાર તરીકે પસંદ હતા, પણ જો તેમને ન જ રહેવું હોય તો ભલે જાય. ત્રીજું, એજન્સીમાં કદાચ લાઠીના રાજવી અસ્થિર મનના ગણાઈ જાય. આ ભયનો જવાબ કલાપીએ વીરતાથી આપ્યો છે : 'એજન્સી ઈશ્વર નથી. એ એક એવી તરવાર છે કે તેનાથી ડરનાર માટે તરવાર જ છે, અને જ્યારે તેનો ડર ગયો ત્યારે એક નેતરની સોટી પણ નથી.[૮]

ચોથું, શોભનાનો પિતા અને તેના સંબંધીઓ ખવાસ જેવાં હલકાં ન હતાં, એટલે શોભના કલાપીનાં થાય એ જાણતાં જ તેઓ તેનો ઘાત કરે. તે માટે તો કલાપીએ એવો રસ્તો કાઢ્યો કે શોભના પોતાને ચાહે છે એવી ખબર પડે કે તુર્ત જ તેને રક્ષણ નીચે મૂકી દેવી. અને કદાચ કલાપીના પોતાના જ જીવનું જોખમ થવાનો પ્રસંગ આવે તો ? તો ‘માણસ સામે માણસ હોય એમાં કશો વિચાર કરવા જેવું નથી ?’

અને પ્રણયવીરનો ધર્મ સમજાવતાં તેમણે લખ્યું છે: “પ્રેમી પ્રેમ સિવાય બીજી બધી બાબતોમાં બેદરકાર હોવો જોઇએ, કેમકે તેને બીજી કોઈ બાબત જ છે નહિ. તું અન્યની સ્ત્રીને અને તે સ્ત્રી તને ચાહે જ છે તો તે સ્ત્રીના વર પાસે આવો દાવો કરવાનો– ‘તારા કરતાં મારો હક તે પર વધારે છે, ન માને તો લે હાથમાં તરવાર’ આ વર્તણુક દુનિયાને ગમે તેટલી હાનિકર્તા હોય પણ પ્રેમને તો શોભાવનારી છે.” [૮]

પણ કદાચ આ બાલા જ હવે તેમને નહિ ચાહતી હોય તો? આ પ્રશ્ન ગંભીર હતો. પણ કલાપી પ્રેમ મેળવવા માગતા ન હતા, આપવા જ માગતા હતા. પણ એક પ્રેમી હૃદય બીજા પ્રેમી હૃદયને ઓળખી શકે છે. તેથી કલાપીને શોભનાના હૃદયની અંતરથી તો ખાત્રી જ હતી.

વળી—

'ના ચાહે એ' કહીશ નહિ તું ! વ્યર્થ કહેવું નકી એ [૯]
હું ચાહું ને ક્યમ નવ મને, ભાઈ ! ચાહે અરે એ?
વ્હાલા ! વ્હાલી મુજ હૃદયની આરસી છે નકી એ !
અર્પુ છું હું જિગર મુજ તો કેમ ઝીલે નહિ એ?

××××

ના ચાહે એ પણ હૃદયનું એ જ છે સ્નેહસ્થાન !
ચાહે તેને પળપળ તણું હોય ના કાંઈ ભાન !
અર્પી દીધું ! બસ થઈ ગયું ! લૂંટનારૂં લૂટે છો !
ના પ્રીતિ ને હૃદય રસનો કાંઈ વેપાર થાતો !

પણ એક વિચાર કલાપીના હૃદયને સૌથી વધારે વ્યથા પહોંચાડતો હતો. શોભનાનું લગ્ન અન્યની સાથે કરી દેવામાં આવ્યું હતું. આ એક મહાન ભૂલ થઈ હતી. તેથી હવે તેનો પતિ કદાચ ન માને તો ? તો પછી અન્યની સ્ત્રીને ઉપાડી જનાર રાજા પ્રજાને ન્યાય કેવી રીતે આપી શકે? પ્રજા આમ ભલે માને, પણ કલાપીને ખાત્રી હતી કે તેમની ન્યાય આપવાની શક્તિમાં કે વૃત્તિમાં આથી જરાએ ફેર પડવાનો નથી. પોતે રાજા તરીકેની સત્તા શોભનાને મેળવવા વાપરે છે એ યોગ્ય છે ખરું ? બીજો સામાન્ય માણસ આમ કરી શકત ? આવી શંકા ઉઠાવી તેના જવાબમાં કલાપી જ કહે છે કે રાજા હોવાથી જ અત્યાર સુધીની બધી મુશ્કેલીઓ તેમને ભોગવવી પડી છે, તો પછી એ સ્થિતિનો પોતાના હૃદયની એક વાતમાં ઉપયોગ કરવામાં ખોટું શું?

આ પ્રમાણે સર્વ બાજુને વિચાર કરી મન સાથે છેવટને નિર્ણય કરી નાખ્યા છતાં, મહિનાઓ સુધી કલાપીએ પોતાના આ નિશ્ચયને અમલમાં મૂકવાનું મુલતવી રાખ્યું. તે જ બતાવે છે કે તેમના મનમાં કર્તવ્ય વિશે કેટલે ઊંચો ખ્યાલ હતો. તેઓ ફરજ અને પ્રીતિને એક જ માર્ગમાં દોરવા માગતા હતા. પરંતુ શોભનાની સ્થિતિ વધારે ને વધારે અસહ્ય બનતી જતી હતી, અને કલાપીને જાણે વિશ્વના અણુ અણુમાંથી તેના જ સંદેશા મળતા હતા:

નિસાસો આવે છે ! હૃદય ધડકે છે નવીન કૈં ![૧૦]
સહુ છૂપા તારો ઝણણણ થતા કમ્પિત બની !
હજારો કોશો એ વદન પ્રિય જે દૂર વસતું,
ઉન્હા ત્હેના શ્વાસો મમ અધર પાસે ફરકતા.

××××

ઝીણા ઝીણા ઉઠે લલિત સ્વર તેના રુદનના,
પડે છાના તેના મધુર ભણકારા હૃદયમાં;
કંઈ કાલો વીત્યા ફરી નવ સુણ્યો એ સ્વર હતો,
હજારો કોશોથી મુજ શ્રવણમાં આજ પડતો.

××××

પિયુ ! વ્હાલા ! સાથી ! મુજ હૃદયની વ્હાર કરજે


પ્રેયસીનો આ આર્તનાદ કવિના હૃદયમાં ચોવીસે કલાક ગુંજવા લાગ્યો. તેથી ધીમે ધીમે કલાપીની હૃદયવ્યથા એટલી બધી વધવા લાગી કે તેમણે નિશ્ચય કરી લીધો અને સર્વની પરવાનગી પછી, અને એના માલિકોની ઇચ્છા પછી તા. ૧૧−૭−૯૮ ના રોજ તેમણે શોભનાને પોતાની કરી. કોઇએ એજન્સીમાં ફરિયાદ કરી તે પરથી એજન્સી અધિકારી ઓલ્ડફીલ્ડે આ સંબંધમાં કલાપીને પુછાવ્યું. કલાપીએ તેનો દૃઢતાપૂર્વક જવાબ આપ્યો : 'મારાં [૧૧] પત્નીના અંતઃપુરનાં માણસોમાંની એક...... આશરે સત્તર વર્ષની છોકરીને ગયા કેટલાક સમયથી તેના ધણીની સાથે જુદાગરી હતી અને નાતના શિરસ્તા મુજબ એના પહેલા લગ્નને રદ કરવા સંબંધી જવાબદારીઓ માથે લઈને તેને પોતાની કરે એવું એની મરજી પ્રમાણે કોઈ વધારે સારું મળે એટલે વહેલું મોડું એમને છૂટા પડવાનું જ હતું. હું કબૂલ કરું છું કે એ છોકરી મને ગમે છે, અને એના પહેલા ધણીની સાથે હમેશના શિરસ્તા મુજબ સમાધાન કરીને એનું લગ્ન મારી સાથે કરવું એવી ગોઠવણ કરી હતી. આને અટકાવવામાં જેને સ્વાર્થ હોય તેવા (તેના ધણી નહીં પણ) કોઈ બીજાએ આ ગોઠવણને અંત આણવાને હમણાં પગલાં ભર્યાં છે, અને આપને અરજ કરવાને તેના બાપને આગળ કર્યો છે. મારી સ્ત્રી થવાની છોકરીની ખૂશી છે. તેને છોડી દેવાને તેનો ધણી સાક્ષીઓની રૂબરૂમાં તૈયાર હતો. તેના બાપની પણ સંમતિ હતી, અને એ છોકરીને મારા ઝનાનામાં રહેવાના કાયદેસર હક માટે એના ધણીનું રાજીનામું (ફાર્ગતી) અથવા નાતના ધારા પ્રમાણે રીતસરના છુટાછેડા જ બસ છે.

'મારા મહેલમાં તેને રહેવાની બાબત સંબંધી તો એ છોકરીને રાજી મુજબ કરવાની છૂટ છે, અને એથી વિશેષ હું કશું કહી શકું તેમ નથી.'

આપણા સંગીતકવિ લલિતજીએ પણ કલાપીને આ લગ્ન સંબંધમાં પૂછ્યું હતું. તેના જવાબમાં કલાપીએ લખ્યું હતું :[૧૨] 'આપે જે કાંઈ સાંભળ્યું છે તે સર્વ સાચું છે. તમે જાણતા નહિ હો, કદાચ, મેં મારું સહેવું સર્વ કેવી શાન્તિથી સહ્યું છે તે. પરંતુ એક નાની સરખી છોકરી અને તે પણ સખ્ત કેદખાના જેવી સ્થિતિમાં અસહ્ય દર્દ શી રીતે સહી શકે ? તે મરી જતી હતી અને ત્રણેક માસમાં કદાચ મરી જાત. કોઈ પણ કાયદાની કે નીતિની ખાતર તેને મારી નાખવા જેવું ઔદાર્ય મારામાં રહ્યું નહિ, અને ભ્રષ્ટ થઈને પણ મેં તેને ઉગારી લીધી છે. મારો સ્વાર્થ આમાં પુષ્કળ દેખાય છે, અને તેની ઝિન્દગી એ પણ શું મારો સ્વાર્થ નથી ? મેં પરાર્થે આ કાર્ય કર્યું છે એમ હું કહેવા માગતો નથી; પરંતુ મારા કાર્યમાં–પાત કરતાં ઉત્થાનની દૃષ્ટિ મને વધારે પ્રબળ લાગે છે. હું સહન નથી કરી શક્યો અને મેં આ કર્યું એમ હું માનતો નથી, અને તેટલામાં જ મારા અંતઃકરણને સર્વ શાન્તિ છે. તમે જ તે બાલાની સ્થિતિ જાણતા હો તો કદાચ મારા કાર્યમાં મદદ કરવા ઉભા થાત. પરંતુ દુનિયાએ તો હાલ મને પાપી જ માનવો જોઇએ. અને તે માનવાની તૈયારી કરી લીધા પછી જ તે બાલાને હું મદદનો હાથ આપી શક્યો છું. આ તો મારા હૃદયનો ઇન્સાફ થયો. બાકી સાચો ઇન્સાફ તો પ્રભુ ધારતો હોય તે ખરો.’

લલિતે તો માત્ર પોતે સાંભળેલી વાત ખરી છે કે ખોટી એટલું જ પુછાવ્યું હતું. પણ કલાપીને અન્ય સ્નેહીઓ તરફથી શિખામણ, ઠપકો વગેરે પણ મળ્યાં હશે. પોતાનું પગલું કાન્તને નહિ જ ગમે એમ કલાપીએ માન્યું હતું, અને તેથી તેમને આ બાબતની બીજે જ દિવસે ખબર આપતાં શરૂઆતમાં જ લખ્યું હતું : 'તમને આ વાંચીને બહુ ખેદ થશે પરંતુ' વગેરે.

મણિલાલ નભુભાઈ કલાપીના મુખ્ય સલાહકાર અને ગુરુ હતા. આ સંબંધમાં તેમની સાથે કલાપીને લંબાણ પત્રવ્યવહાર થયો હતો. કાન્તને તો કલાપીએ માત્ર પોતાના પ્રણયજીવનની કથા જ લખી મોકલી હતી, કારણ તે મિત્ર હતા, પણ મણિલાલ પાસે તો હમેશાં દોરવણી માગી હતી. મણિલાલે વર્ષો સુધી સંયમની અને ત્યાગની જ સલાહ આપ્યા કરી. તેમની ભલામણ પ્રમાણે કલાપીએ ધ્યાન કરવાનું શરૂ કર્યું, પણ ॐકારની સાથે જ શોભનાનું મોં ભળી જતું હતું, અને કલાપીને તે અડચણ કરનાર નહિ, પણ રસિક અને સુગમ લાગતું હતું. મણિલાલે અનંત જીવન તરફ કલાપીને દોરવા પ્રયાસ કર્યો, આ જીવનમાં રમામાં જ ચિત્તને મર્યાદિત કરવા સમજાવ્યા, તે માટે રમાના ગુણો તરફ વારંવાર તેમનું ધ્યાન ખેંચ્યું, એવું તેમના પત્રો વાંચવાથી માલૂમ પડે છે. અને કલાપીએ દરેક પત્રમાં મણિલાલને ખાત્રી આપી છે કે તે તેમની સલાહ પ્રમાણે જ ચાલશે. મણિલાલ બતાવતા હતા તે જ સદ્દગુણ છે એમ પણ કલાપીને લાગતું હતું; વળી છૂપી રીતે તો પોતે કાંઈ જ નહિ કરે એવી ખાત્રી પણ મણિલાલને તેમણે આપી હતી. પોતાની અધીનતા દર્શાવતાં કલાપીએ લખ્યું હતું: “એટલું માનું છું કે આપના નિશ્ચયો એ જ મારા નિશ્ચયો હોવા જોઈએ.”

આ સર્વ ઉપરથી લાગે છે કે કલાપીએ છેવટનું પગલું મણિલાલની ઇચ્છા વિરુદ્ધ તો નહિ જ ભર્યું હોય. મણિલાલ લાઠી આવી ગયા અને તેમની સાથેની વાતચીતથી કલાપીને ઘણો સંતોષ મળ્યો. તેમણે કલાપીને કંગાળ રીતે નહિ પણ વીરતાથી સહન કરવાની અને આ રીતે સહન ન થાય તો બહાદુરીપૂર્વક પોતાના મનનું ધાર્યું કરવાની સલાહ આપી હોય એમ લાગે છે. કલાપીની નીચેની પંક્તિઓ વાંચતાં આવું સમજાય છે[૧૩]: 'આપ કાલે જશો. પરમ દિવસે કદાચ હું શોભના સાથે હઈશ કે સ્ત્રીના શબ્દ માત્રથી દૂર-એકલો હઈશ. જ્યાં હઈશ ત્યાં આપ તરફ દૃષ્ટિ રાખી સુખી હઈશ.

'શોભનાના સારા કે માઠા એક વિચારથી હૃદય ઉછળી જાય છે; તો પણ, દુઃખ જ હજી આવે તો પણ મેં જેવી કંગાળ રીતિએ સહન કર્યું છે તેમ તો હવે નહિ જ કરું. અને મારી કંગાલીઅત કાઢી નાખનાર આપ જ છો. એ કંગાલીઅત જાય તો પછી વધારે સુખ દુનિયામાં શું મળવાનું હતું ? હું આપ માટે કાંઈ કરી શકું તો અત્યારે તો એટલું જ છે કે મારા તરફની ચિંતાથી આપને દૂર કરૂ અને સર્વ રીતે તે કરવા, હું શબ થઈ જઈશ તો પણ, તૈયાર રહીશ.'

એટલે મણિલાલે તો કલાપીને સ્વતંત્ર અને નિશ્ચિત કરી દીધા હોય એમ લાગે છે. પણ બીજા એક મિત્રે જુદી જાતનો અભિપ્રાય દર્શાવ્યો હતો, એટલું જ નહિ પણ કલાપીએ જે કર્યું તે છોડી દેવાની સલાહ આપી હતી પરંતુ તેમને કલાપીએ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો હતો કે[૧૪]: 'જેને કદર કરવા ઈચ્છા કે સાધન કશું નથી એવી દુનિયા ખાતર, અને તે પણ જેમાં તેને હાનિ નથી એવી વાતમાં તેનાથી કે તેની જીભ માત્રથી ડરીને, કોઈને મરી જવા દેવું-એમાં શી યોગ્યતા છે? એવે કાળે, ભલું કહેવાવા કરતાં બુરું કહેવાવું એ શું સારું નથી ?'

શોભના સાથેના લગ્ન પછી કલાપીએ વર્ષોના રુદન પછી અપૂર્વ ઉત્સાહમાં આવી જઈને ગાયું [૧૫]

'ગઈ છે સૌ ચિન્તા અનુકૂળ વિધિ એ થઈ ગયો,
અમારાં ભાવિને વણકર વિધાતા વણી રહ્યો;
પ્રભુએ, હાલાંઓ, જગતપરનાં લેક સઘળે,
દીધે નિર્મી તેને મધુર કર મારા કર સહે.
       *  *  *  *
સુધાની પયાલી આ સહુ તરફ જાણે છલકતી,
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી,
દિસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ,
જુદાઈના કિલા હદય થડકે શું ઢળી જતા.”

અને આ પ્રમાણે પ્રિયાપ્રેમમાં સંપૂર્ણ રીતે પ્રપાત પામીને કવિનું હદય ત્યાં જ વિરમતું નથી. કુદરતનું રહસ્ય તેમનાં પ્રણયતૃપ્ત નયનો પાસે પળે પળે પ્રકટ થતું ભાસે છે; પણ કવિને એટલાથી તૃપ્તિ નથી. તેમને તે એ સૃષ્ટિના સ્રષ્ટાનાં દર્શનની અભિલાષા જાગે છેઃ

હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને,
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે !

આ સમય પછી કલાપીએ લખેલાં સર્વ કાવ્યો પ્રિયાપ્રેમ નહિ પણ પ્રભુપ્રેમ વિશે જ છે. પણ તેની સંખ્યા ઘણી થોડી છે, કારણ હૃદય જ્યારે ભરપૂર હોય છે ત્યારે જીભ મૂંગી બને છે.

શોભના સાથેના લગ્ન પછી મહાન ચિંતાનો અંત આવ્યો, પણ નાની નાની વિગતો સંભાળવાની રહી. જગત પરના માનવીની ચિંતાનો અંત તો જીવન હોય ત્યાંસુધી કેવી જ રીતે આવી શકે ? અને તેમાંયે વળી પ્રેમી માનવીની?

[૧૬]કલાપીએ રાત્રિ શોભનાની સાથે અને દિવસ રમાની સાથે ગાળવા રાખ્યું. રાતે જમવાનું શોભના સાથે કરવાનું કહેતાં રમાએ એવી રીતે જોખમ બે શિર રહે એ સારું માન્યું નહિ. કલાપી શોભનાનાં હાથનું પાન પણ ન ખાય, તો જ રમા કલાપીનું રસોડું રાખે એવી શરત તેમણે મૂકી. પણ કલાપીને તે બની શકે નહિ તેવું લાગ્યું, તેથી પોતાનું રસોડું પણ જુદું રાખ્યું. રમાની જીવાઇનો બંદોબસ્ત કર્યો. નવું લગ્ન કર્યા છતાં કલાપીના ફરજના ભાનમાં જરાએ ફેર પડ્યો ન હતો. સાત દિવસમાંથી બે રમાના, બે કોટડાંવાળાં રાણીના અને ત્રણ શોભનાના એ પ્રમાણે ગોઠવણ કરી.[૧૭] શોભનાના મનમાં સ્વાભાવિક રીતે જ પોતાના નવા સ્થાનના સંબંધમાં ચિંતા રહ્યા કરતી. તેને કલાપીએ એક જ વાક્યથી અભયદાન આપી દીધું [૧૮]'તારૂં દાસત્વ આખી ઝિન્દગીનું સ્વીકાર્યા પછી જ મેં જે કાંઈ કર્યું છે તે કર્યું છે, એટલે હવે આવી શંકા રાખવી એ તો વ્યર્થ મારા જેવા બહુ દુઃખમાં રહેલાને દુઃખ આપવા જેવું છે.'

  1. ૧ કાન્તને પત્ર, તા. ૧૧-૧૨–૯૭ સં. કલાપીના પત્રો (મુનિકુમાર ભટ્ટ) પૃ. ૨૪-૨૮
  2. ૧ મણિલાલ નભુભાઈને પત્ર
    શ્રી. કલાપીની પત્રધારા પૃ. ૨૫ થી ૨૯
  3. ૩ કેકારવ
  4. ૪ કેકારવ : 'વહાલીને નિમંત્રણ'
  5. ૫ કેકારવ:'પ્રપાત'
  6. ૧. કેકારવ : બે કળી
  7. ૭ કેકારવ: બેપરવાઈ 'હું ત્હારો હતો'
  8. ૮.૦ ૮.૧ ૮ મણિલાલને પત્ર તા. ૬−૧૧−૯૭ ( ‘કલાપીના પત્રો’ સંપાદક મુનિકુમાર ભટ્ટ )
    ‘શ્રી. કલાપીની પત્રધારામાં પણ મણિલાલ ઉપર કલાપીએ લખેલો આ વિસ્તૃત પત્ર છપાયો છે,’ પણ તેમાં છેવટની સહી કર્યા પછી લખાયેલી કંડિકા નથી, જેમાં ઉપર ઉતારેલી પંક્તિઓ છેલ્લે આવે છે.
  9. ૯ કેકારવ : 'ના ચાહે એ.'
  10. ૧૦ કેકારવ : 'જાગર્તિનું સ્વપ્ન.'
  11. ૧૧ 'શ્રી કલાપીની પત્રધારા.'
  12. ૧૨ શ્રી. કલાપીની પત્રધારા
  13. ૧૩ મણિલાલને પત્ર ('શ્રી. કલાપીની પત્રધારા " પૂ. ૬૬-૬૭).
  14. ૧૪ શ્રી, હરિશંકર પંડયાને પત્ર તા. ૧૫-૧૧-૯૮
     (“ શ્રી. કલાપીની પત્રધારા” પૃ. ૪૬૬-૬૭)
  15. ૧૫ કેકારવ : 'ઉસુક હૃદય.'
  16. ૧૬ શ્રી. કલાપીની પત્રધારા પૃ. ૬૭
  17. ૧૭ શ્રી. કલાપીની પત્રધારા પૃ. ૭૦
  18. ૧૮ શ્રી. કલાપીની પત્રધારા પૂ. ૭૫−૭૬