કલાપીનો કેકારવ/ના ચાહે એ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વૃદ્ધ માતા કલાપીનો કેકારવ
ના ચાહે એ
કલાપી
મહાત્મા મૂલદાસ →


ના ચાહે એ

"ના ચાહે એ" કહીશ નહિ તું! વ્યર્થ ક્‌હેવું નકી એ!
હું ચાહું ને ક્યમ નવ મને, ભાઈ ચાહે અરે એ?
વ્હાલા! વ્હાલી મુજ હૃદયની આરસી છે નકી એ,
અર્પું છું હું જિગર મુજ તો કેમ ઝીલે નહીં એ?

'ના ચાહે એ' અરર! કદિ એ સત્ય શબ્દો હશે જો;
ના સ્વીકારે મુજ હૃદયને અર્પતા એ કદિ જો;
ના શું ત્હોયે મુજ દિલ પરે કાંઈ તેને દયા એ?
શું ફેંકી એ મુજ દિલ શકે એક અશ્રુ વિના એ?

ના ચાહે એ, વળી નવ દયા - એ જ સાચું હશે શું?
ત્હોયે બાપુ! હૃદયની દયાપાત્ર ના એ થતી શું?
અર્પાયેલુ જિગર ચીરીને કોણ પસ્તાય છે ના?
પસ્તાશે એ દિલ પર ઘટે, ભાઈ! કૈં શું દયા ના?

ના ચાહે ને નિરદય થશે કોઈ દી એ દુઃખી ના,
ત્હોયે શું છે? સુખી રહી શકે તે ન સુખી રહે કાં?
'ના ચાહે તે સુખી નવ હજો' ઇચ્છવું યોગ્ય ના એ?
ચાહે તેને ફરજ સમજી ચાહવું શે પરાણે?

'ના ચાહે' એ કહી ફરજ તેં, બાપુ! ત્હારી બજાવી,
દીવાઅની આ પણ ફુદડી તું કેમ લેશે બચાવી?
ઝાલી રાખે મિજ હૃદય તે કાંઈ શક્તિ ન ત્હારી!
જાવા દેને! અનુભવ થશે! કાંઈ જોશું અગાડી!

નાચાહે એ પણ હૃદયનું એ જ છે સ્નેહસ્થાન,
ચાહે તેને મળતર તણું હોય ના કાંઈ ભાન!
અર્પી દીધું! બસ થઈ ગયું! લૂંટનારૂં લૂંટે છો!
ના પ્રીતિ ને હૃદયરસનો કાંઈ વેપાર થાતો!

૨૫-૫-૧૮૯૬