લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/વૃદ્ધ માતા

વિકિસ્રોતમાંથી
← અતિ મોડું કલાપીનો કેકારવ
વૃદ્ધ માતા
કલાપી
ના ચાહે એ →
દૂર વસતા પુત્રને, છંદ = મંદાક્રાંતા


વૃદ્ધ માતા

દૂર વસતા પુત્રને

બાપુ! તું તો ક્યમ ભટકવા દૂર ચાલ્યો? અરેરે!
ત્‍હારી માતા, તુજ ગરીબડી ઝૂંપડી કેમ ત્યાગી?
સંદેશો એ કંઈ નવ મળે! કાગળે કાંઈ ના ના!
આશા રાખી રડી રડી અરે! વર્ષ મેં આઠ ગાળ્યાં!

આશામાં તો ભય બહુ અને ભોળવે છે મને એ,
શું એ કાયા ભડભડ થતી બાળી નાખી ચિતાએ?
ત્‍હારૂં મૃત્યુ કદિ થઈ ગયું ત્‍હોય હું કાં અજાણી?
રે! જાણું તો દુઃખ મુજ બધું - શાન્તિ પામું - નિવારી.

ના ભીંજાવું નયનજલથી નામ ત્‍હારૂં પછી હું,
ના આપે આ હૃદય ઠપકો પાપથી એ બચે તું;
કે વિચારો હૃદયગમતા આવીને ઉડી જાતા!
બાપુ! આવું તિમિર કદિ એ કોઈ દિલે હશે ના!

ન્હાનું બચ્ચું રમત કરતાં ચીસ પાડે અજાણ્યે,
શું જાણે ક ફડફડી ઉઠે માતનો જીવ ત્યારે?
તું તો મ્હોટો પણ જરૂર કૈં બાલબુદ્ધિ રહી છે,
ત્‍હારી માતા તુજ વિણ દુઃખી - કેમ જાણી શકે એ?

શું એ ત્‍હારૂં હૃદય કુમળું કોઈ કન્યા મહીં છે?
આ ડોશીને હૃદય તુજ શું, ભાઈ! ભૂલી ગયું છે?
બાળ્યું મ્હારૂં હૃદય બહુ એ, ભાઈ! બૂરા વિચારે,
મ્હારૂં હૈયું તુજ શિર નહીં દોષ એ કો દી ઢોળે.

વ્હાલા! ત્‍હારૂં મુજ સમ હશે દગ્ધ હૈયું કદાપિ!
ના વિસામો તુજ હૃદયને, બાપલા! કૈં કદાપિ!
લક્ષ્મી, કીર્તિ, પ્રણય, સહુની વ્યર્થ આશા થઈ શું?
ગાંડોઘેલો થઈ ભટકતો જંગલે તું હશે શું?

એવો ત્‍હોયે ડરીશ કદિ ના માતની ઝુંપડીથી,
કાલોઘેલો નિરખીશ તને, બાપુ! હું આંસુડાંથી;
આ મ્હોટાઈ જગતની મને કાંઈ વ્હાલી નથી હો!
મ્હારાં ઘેલાં મુજ હૃદયને ડાહ્યલાંથી વધુ, હો!

જે ઘંટીને દળી દળી તને પોષતી હેતથી હું,
ન્હાના ત્‍હારા સહુ જ કજિયા પૂરતી કોડથી હું;
હોંશે ઘંટી દળીશ ફરી તે જોઈ મ્હોં, બાપ ત્‍હારૂં,
જ્યાં સુધી હું શિથિલ મુજ આ દેહમાં જીવ ધારૂં.

ત્‍હારી માની તુજ જિગરમાં રાખજે ના દયા તું,
ત્‍હારી માની ગરીબ સ્થિતિને માનજે ના દુઃખી તું;
ત્‍હારૂં માગ્યું દઈશ સઘળું ઘંટી એ વેચી નાખી,
ર્‍હેજે તું તો જ્યમ ઠીક પડે આળસુ તેમ, ભાઈ!

રે રે બાપુ! તુજ બૂમ સૂણે કેદની શું દિવાલો?
કે કોઈથી જખમી થઈને એકલો, ભાઈ સૂતો?
કે ફેંકાયો વન મહીં દૂરે સિંહની કો ગુફામાં?
શું એ હાડો વિખરી પડી સૌ શ્વાસ લેતાં હશે ના?

કે સિન્ધુમાં, ગરક જ થયો સોબતી સર્વ સાથે?
જ્યાંથી કાંઈ ખબર કદિ એ પાઠવી ના શકાયે!

બાપુ! બાપુ! મમ હૃદય તો આંધળું છેક થાતું!
કેવી રીતે તુજ સ્થિતિ તણી વાત રે! મેળવું હું?

આંહીં ત્યાં મેં ભટકી ઘસવી ડાંગ છે બાપુ! મ્હારી,
રસ્તા સર્વે નયનજલથી ભીંજવી આંખ ખોઈ,
મ્હોં જોવું છે, મુજ જીવિતનો અન્ત આવી પહોંચ્યો.
આ ડોશીનું મુખ નિરખવા, બાપુ! તું આવજે, હો!

ત્‍હારું મત્યુ થયું જ સમજી ભૂતને શોધતી હું!
જૂઠી આશા - મૃત સહ નકી વાત ના થાય, બાપુ!
ના તો તેને ક્યમ મળ નહીં નિત્ય તુંને જપીને
ત્‍હારે માટે રડી તલફી જે શેર લોહી સૂકાવે?

કમ્પે છે આ દિલ જરી સળી ઘાસની કમ્પતાં, ને
દોડે છાયા ઘન તણી અને દિલ મ્હારૂં ડરે છે!
ઘેલું મ્હારું દિલ કંઈ કંઈ પૂછતું વાત તેને,
ને અન્તે એ વધુ દુઃખી બની ઊંઘતું કે રડે છે.

ભાસે છે આ જગત સઘળું ક્રૂર, બાપુ! મને તો!
ત્‍હારી ના તે નીરસ સઘળી વાત, બાપુ! મને તો!
આવે છે સૌ મુજ ઘર મહીં જોઈતું આપવાને
કિન્તુ મ્હારા દરદ પર ના કોઈને કૈં દયા છે!

કાં સંતાયો? પ્રિય પ્રિય અરે! આવને આવને તું!
તું વિના આ જગત પર છે કોઈ ના મિત્ર મ્હારૂં!
ના આવે તો સમજણ મને કાંઈ ના આપશે શું?
શું દૈવે ના કંઈ પણ દયા રાંકની લાવશે શું?

બીજાંને તો જરૂર સુખડાં શોધતાં હાથ લાગે,
મ્હોટાં ત્‍હોયે જરૂર વિરમે સર્વ તોફાન અન્તે;
પાપી એ સૌ સમય વીતતાં પાપની માફી પામે,
એ શાન્તિ શું કદિ પણ મને આપશે ના પ્રભુ એ?

ક્યારે મ્હારી દુઃખની ફરશે ક્રૂર શિક્ષા? અરેરે!
ક્યારે ત્‍હારું મરણ સુણતાં મૃત્યુ થાશે? અરેરે!
સૂકાયું આ રુધિર સઘળું ત્‍હોય ના જીવ જાતો!
જૂઠી આશા ઉપર જીવ આ કેમ વીંટાઈ ર્‍હેતો?

વીતેલો આ સમય મુજને સર્વ ચોક્ખું કહે છે,
ના ના, બાપુ! મુજ મગજમાં કૈં જ શંકા રહી છે;
શ્વાસે શ્વાસે ક્યમ હજી જપે ત્‍હોય આ દિલ મ્હારૂં,
'બાપુ! બાપુ! પ્રિય પ્રિય અરે! આવને આવને તું?'

૨૪-૫-'૯૬