કલાપીનો કેકારવ/બે કળી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એ રસીલું કલાપીનો કેકારવ
બે કળી
કલાપી
દૂર છે સારુ →


બે કળી

પ્રિયે ! તે ગ્રીષ્મ તણી હતી લ્હાય !
આપણે ફરતાં કુંજની મ્હાંય;
ફૂલો સહુ નિદ્રામાં પોઢેલ,
ઢળી'તી શાંત શ્વાસમાં વેલ;
નમ્યાં'તાં વૃક્ષ વૃક્ષનાં અંગ,
હતી ના મ્હેક, હતો ના ગંધ.

ત્યાં કળી કો ખીલતી હતી રમતી વાયુ સાથ,
'ચૂંટી લે ભોકતા ! મને' એ લવતી'તી વાત.

ભરેલો હજુય હતો મકરન્દ,
થયો ના હતો ભ્રમરનો સંગ;
હતી તેમાં શી રસિક સુવાસ !
જવાનું મને ગમ્યું તે પાસ.
ચૂંટી તે ત્હેં દીધી ઝટ મ્હને,
કર્યું મેં ચુંબન કેવું ત્હને !

ઉન્હી લૂ ઊડી ગઈ! શીત થયાં સહુ અંગ;
આભારી મુજ નેત્રમાં નવો ભરાયો રંગ.

પ્રિયે ! તો મૃદુ મુખકળી એ આજ
ડરે તું કેમ આપવા કાજ ?
દહે લૂ ગ્રીષ્મઝિન્દગી તણી,
ઔષધિ નહીં વિના એ કળી .
પ્રેમમાં સદા બધું અર્પાય:
અર્પતાં પ્રેમ કેમ વિલાય ?
શ્વાસ આ રસ એ લેતો ભલે,
શ્વાસ જે આખર અર્પું તને!

ભૂલું ક્યમ તુજને, પ્રિયે ! કળીનો લઈ પરાગ ?
આભારી બનશે દગો! બૂઝાશે ઉઅર આગ !

ઉઠે છોને એ મીઠો ભાવ,
હ્રદય છોને લે મીઠા લ્હાવ !
કળી તું જો નવ દેશે આજ,
મને પ્રભુ માળી દેશે કાલ;
દિવસ જતાં શી લાગે વાર ?
કરી કાં નવ લે તું ઉપકાર ?
જીવનની સાર્થક ક્ષણ પણ એક,
પ્રેમમાં ઘટે ન લુંટી છેક.

માળી દે ફૂલ તે લઈ ગાય ન કો ઉપકાર !
પ્રિય કરથી કંઈ પામતાં વહે હર્ષની ધાર !

પ્રિયે ! તો અર્પ અર્પ તું તું જ !
પડું છો પુષ્પપાંખમાં હું ય !

૨૯-૬-૧૮૯૭