કલાપીનો કેકારવ/એ રસીલું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સુકાની શબ્દ કલાપીનો કેકારવ
એ રસીલું
કલાપી
બે કળી →


એ રસીલું

એ મુજ ભવનો સાર રસીલું ! એ મુજ નેત્ર રસાલ !
મોતીડે મોતીડે રસ રસ એ આ ઉરનો હાર !
                         રસીલું એ મુજ નેત્ર રસાલ !

ભાવ ભર્યો મુજ ચન્દ્ર પ્રકાશિત
     સ્નેહસુધા મુજ ચેતનનું ચિત્ત,
      
          ક્યાં દે તે દાતાર ?
               અરેરે !
          ક્યાં છે એ આકાર ?

જોવાનું ચાલ્યું ગયું ! આંખ રહી તે જાય !
કામ વિનાનું કોઈથી કેમ આંહીં રહેવાય ?

       આંખથી કેમ રાન રહેવાય ?
       ગયેલું કેમ ગયેલ મનાય ?
       હૃદયનું છેક લગાડ્યું તાન !
       હૃદય આ ચાલ્યું છૂટી ભાન !

       રસીલું હવે કેમ વીસરાય !
       તે વિણ કેમ હલાય ચલાય !

એ વિણ જગ અન્ધાર ! અરેરે ! એ વિણ જીવિત ભાર !
એ વિણ વિશ્વ તણું કટુ ગાયન, ગાયન સહુ બેતાલ !
                          અરેરે ! એ વિણ શું મુજ હાલ ?
           
        હાલ વિના થઇ આ મુજ હાલત !
        આ દુનિયા મહીં ક્યાં મુજ દોલત !

              ખોયાં મૂડી માલ !
                    રહી છે
              એ જ ગરીબી બાલ !
       
          બાલક ખેલ ઉડી ગયા ! વૃધ્ધા અન્ધ જણાય !
          વચમાં કાંઇ મિષ્ટ તે આ અનુભવની બહાર !
                  
             હતું પણ ચટકું મધુરૂં એક !
             સ્પર્શતાં સળગી ઉઠ્યું છેક !
             ગઇ તે ઝાંય ! ગયું તે નૂર !
             રહ્યું ના એક બિન્દુ ! હતું પૂર !

             રહી આખર આ એક જ હાય !
             કાળજા મહીં રહી કોરાય !

        ખેંચાતાં જ રહી શકે આ બ્રહ્માંડ અપાર !
        ખેંચાવાનું ના મને ! ના કર કો દેનાર !

જ્યાં હું ત્યાં મુજ જહાજ ડૂબે છે ! જ્યાં હું ત્યાં આ આજ !
નિત્ય હમારી એ જ હકીકત ! એ જ ગુલામી તાજ !
                            ડૂબે ને એ જ ડૂબે ફરી જહાજ !

૨૦-૬-૯૭