લખાણ પર જાઓ

કલ્યાણિકા/આવરણ

વિકિસ્રોતમાંથી
← કમળતલાવડીનો હંસલો કલ્યાણિકા
આવરણ
અરદેશર ખબરદાર
મુસાફર →





આવરણ


• રાગ ભૈરવી—તાલ ત્રિતાલ ને દીપચંદી •


રાખમાં જળે છે અંગારા, રે ભાઈ!
તારી રાખમાં જળે છે અંગારા;
તિમિરે ઢંકાય જેવા તારા, રે ભાઈ!
તેવા તારા છે પ્રાણના ઝગારા! -(ધ્રુવ)


સંતાઈ ઊંડી ખાણમાંહીં રત્ન કો ચમક્યા કરે,
છિપમાં છુપાઈ સાગરે કો મોતીડું દમક્યા કરે;
અણદીઠ માનવદેહમાં હૈડું સદા ઠમક્યા કરે,
મગજે ભરાઈ રહ્યા વિચારો સ્વપ્ન શા ટમક્યા કરે,
રે ભાઈ! તારું જીવન પળપળ ઝંખતું ઝમક્યા કરે!


આ તે શા ધૂળના ધખારા, રે ભાઈ?
તારી ધૂળે ઢંકાયા મિનારા:
રાખમાં જળે છે અંગારા, રે ભાઈ!
તારી રાખમાં ઝળે છે અંગારા!