કાશ્મીરનો પ્રવાસ/તા. ૧૧-૧૧-૯૧

વિકિસ્રોતમાંથી
← તા. ૧૦-૧૧-૯૧ કાશ્મીરનો પ્રવાસ
તા. ૧૧-૧૧-૯૧
કલાપી
તા. ૧૨-૧૧-૯૧ →


તા. ૧૧-૧૧-૯૧ :- સવારે ઉઠ્યા, કિસ્તીમાંજ ચા પીધો. અમારૂં આ નાનું ઘર સંકેલ્યું, લબાચા ઉપાડ્યા, એકામાં અને ગાડીમાં સામાન ભર્યો.

૨. ગરીબ, મહેનતુ અને આજ્ઞાંકિત માંજીઓને ઇનામ આપી સરટીફીકેટો લખી આપી, ખુશી કરી, આશરે સવારના આઠ વાગે રસ્તે પડ્યા.

૩. જ્યારે અમે બારામુલ્લા આવ્યા ત્યારે દોઢસો માંજી અમારી આસપાસ વિંટળાઇ વળ્યા હતા અને દરેક પોતાની કિસ્તીના વખાણ કરી સર્ટીફીકેટોના થોકડા બતાવતા હતા. આ વખતે કિસ્તી પોતે જોઈનેજ પસંદ કરવી કેમકે દરેક માંજી પાસે સર્ટીફીકેટો હોય છે અને દરેક માંજી પોતાની કિસ્તીના સરખાં વખાણ કરે છે. અમે અમારી કિસ્તી પસંદ કરી રાત તેમાંજ રહ્યા હતા. આ વખતે પ્રાણજીવનભાઈ ખુલ્લે શરીરે નાહ્યા હતા તેથી એક્દમ ટાઢ ચડી ગઈ હતી અને તુરત તાપ્યા ન હત તો તાવ ચડી આવત. ત્યારથી એમણે રાતે નહાવાનું અને જમવાનું બંધ કર્યું હતું. આ વખતે સવારમાં કિસ્તી પર લોટ જેવો બરફ પથરાઈ ગયો હતો અને સામાન ફેરવતાં માણસો લપસી પડતાં હતાં.

૪. પર્વત પરની આડી અવળી સડકપર અમારી ગાડી ચાલવા લાગી. સફેદાના લીલા સોટા અને ચિનારના સોનેરી ગોટા નજરે પડતા બંધ થયા. તેઓની જગ્યાએ મયૂરપિચ્છ જેવાં ચળકતાં સરોનાં અસંખ્ય વૃક્ષો અને બીજા જુદા જુદા રંગના સુશોભિત ગાલીચા દરેક ડુંગર અને ખીણમાં પથરાઇ ગયા છે, સ્લેટના પર્વતોની દીવાલો અને ઘીટ વૃક્ષ ઘટા ડાબી બાજુપર ઝૂમી રહી છે. જમણી બાજુએ ઊંડી ખીણમાં જેલમ નદી વહે છે. આ જેલમ જેમાં બારામુલ્લાં સુધી કિસ્તી ચાલી શકે છે અને જે માત્ર તળાવ જેવી સ્થિર દેખાય છે તેમાંથી પહેલાં મુગ્ધાના નૂપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાલાના રથના ઘુઘરા જેવો, પછી મદમત્ત્ ગંધગજની ગર્જના, સિંહના ઘર્ઘરઘોર અથવા, વાંસની ઝાડીમાં ફુંકતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સાથે ખડખડી પડતા કૈલાસ શિખરના ગડગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલુમાંથી શંકર જટા પર અને શિવ મસ્તક પરથી મેરુ પર્વત પર પડતી ભગીરથીના ઘુઘવાટ જેવો, પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો, અને ઇંદ્ર ધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવાં ઉછળતા, નીચે જતાં, ફેલાઇ જતાં અને ભેગા થતાં ફીણના ગોટાને ઉત્પન્ન કરતો, ભમર અને વમળને જન્મ આપતો, ખેંચી જતો અને લય કરતો પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઇ રહેતો, વૃક્ષ વેલી અને પથ્થરોને ધ્રૂજાવતો, પાતાળ ફાડી નાખવા યત્ન કરતો, કાશ્મિરને સપાટ કરવા મથતો, આંખને પોતા તરફ ખેંચતો, કર્ણ વિવર બંધ કરતો, ફોડી નાંખતો, નદીના ઉકળતા, ઉછળતા, પછડાતા ધોધનો ગંભીર અવાજ બહાર નીકળી ચારે દીશામાં ફેલાય છે; સૃષ્ટિના સંધિબંધ તોડી નાખવા ઇચ્છતો હોય તેમ દેખાય છે અને બીજા દરેક અવાજને દબાવી દે છે. તેથી પક્ષીઓ મુંગા હોય, વૃક્ષો હલતાં અને ઘસાતાં છતાં અવાજ ન કરતાં હોય, અને પવન સાચવી સાચવીને સંચરતો હોય તેમ ભાસે છે. આથી યુદ્ધમાં ગયેલા પતિઓને માટે શોક કરવાથી પડતાં અનેક સહસ્ત્ર સુંદરીઓના અશ્રુ જેવાં, વરસાદની અખંડ હેલી જેવાં, અને વસંતમાં ઉંચી ચડી વિખરાઇ જતી, શ્રીમંતના જલયંત્રમાંથી નીકળતી જલધારા જેવાં જલ બિંદુઓ અહર્નિશ ચોપાસ છંટાયા કરે છે. ગંગા, શંકરે મસ્તકપર ધરી અને મને શામાટે નહિ એવી રીસથી જેલમ જાણે પર્વતોપરથી નીચે સૃષ્ટિ પર અને સૃષ્ટિ પરથી નીચે પાતાળમાં શંકર પાસે જ‌ઇ પ્રલય કરવા માગતી હોય તેવી દેખાય છે. ડાબી અને જમણી તરફના ઊંચા ડુંગરો અને ઝાડીમાંથી તે નદીનાંજ બચ્ચાં જેવા અસંખ્ય ધોધ વહી આવતા, માતુશ્રીને મળતા અને અવાજમાં વધારો કરતા નજરે પડે છે.

૫. આ અદ્‌ભૂત જલના સુંદર દેખાવ સિવાય આંખ અને મનને હરી લેનાર, ઊંચા નીચા, લીલા અને ભુરા, બરફથી ઢંકાયેલા અને બરફ વિનાના, ગોળ અને અણીવાળા શિખરોવાળા, પાણીનાં ઝરણ અને પુષ્પલતાવાળા, છરેરા અને ઊંડી ગુફાવાળા, દૃષ્ટિમર્યાદાથી પણ વિશેષ લંબાઈ અને પહોળાઇવાળા પર્વતો, તેઓની રમણીયતા, તેઓની કલ્પી ન શકાય તેવી ઉંચાઈ અને તેઓ પરના અસંખ્ય, નાના પ્રકારના રંગનું ગૌરવ કાંઈ મન પર ઓછી અસર કરે તેવાં નથી.

૬. આવાં સમાન સુંદર સ્થલમાં ઊંચી નીચી અને આડી અવળી સડક પર કોઈ વખત ધીમે અને કોઈ વખત ઉતાવળે અમારી ગાડી ચાલી જતી હતી. તેની ગતિને અટકાવતી કરાંચીની હાર, અષ્ટાવક્ર પશુઓ(સાંઢીયા)ની કતાર, પનોતાં પ્રાણીઓ (ગધેડાં)નાં ટોળાં, પોઠિયાનાં જુથ, અથવા બ્યુગલના અવાજ સાથે દોડી આવતા ટાંગા જ્યારે આડા આવતા ત્યારે ઘણી સંભાળ રાખવી પડતી હતી, કેમકે, સડક સાંકડી છે અને પડખે પાતાલ ફાટી પડેલું છે, આમાં જો કોઇ ભુલ્યાં ચુક્યાં પડે તો જેલમ નદીમાં સ્નાન કરી તુરતજ સ્વર્ગવાસી થવું પડે. કરાંચીના બળદને રાશ હોતી નથી એ હું અગાડી લખી ગયો છું, અને તેમાં વળી હાંકનાર કોઈ કોઈ વખતે આ ગાડાં પર હોતા નથી તેથી ગાડીનું પ‌ઇ ઘણી વખત કરાંચી સાથે ભરાઇ જાય છે. આ વખતે શું કરવું એ સુજતું નથી. કુદકો મારતાં ખાઇમાં જવાય અને બેસી રહેવું એ પણ ઘણું મુશ્કેલ છે, કેમકે ગાડી જરાક જમણી તરફ ખસે તો, રામરામ. આ પ્રમાણે થતું ત્યારે અમે ધીમેથી નીચે ઉતરીને ગાડીને ઉપાડી સમી મૂકી કરાંચીને ખેસવી અગાડી ચાલતા હતા.

૭. ટાંગાના ઘોડામાં એકને વચમાં રાખે છે અને બીજાને એક બાજુ રાખે છે; આમ કરવાથી એક ઘોડાને વધારે ખેંચવું પડે છે, આમ ઘોડા જોડવાનો રીવાજ ઘણોજ ખરાબ છે.

૮. પર્વત પર ચરતી વિલાયતી જેવી ગાયો, ઘોડાની યાળ જેવા લાંબા વાળવાળાં બકરાં અને તેઓની સાથે એકાદ રીંછ જેવો રૂંછાવાળો કુતરો પણ વારંવાર નજરે પડે છે. નદીના કિનારા પર, તેની પેલી ગમના પર્વતોની ખીણોમાં અને અમારા ડાબા હાથ પરના ડુંગરોનાં શિખરો પર અને મધ્યભાગ પર નાનાં નાનાં ગામડાં દેખાતાં હતા. આ ગામમાં માત્ર પાંચ છજ માટીનાં ખોરડાં હોય છે. ઘરની પાસે પગથિયાં જેવાં નાનાં ગોળ, લંબગોળ, ચોરસ અને અર્ધચંદ્રાકારનાં કમોદ અથવા મકાઈનાં ખેતરો હોય છે. આ ખેતરો અથવા ક્યારા ઢાળવાળા હોય છે. અને ઢાળને છેડે નાની માટીની પાળ કરેલી હોય છે. વરસાદ વધારે પડતો નથી તેમ વરસાદ અથવા કુવાની જરૂર પણ નથી, કેમકે વસંતમાં પર્વતો પરનો બરફ પીંગળે છે અને તેનું શીતળ જળ આ ખેતરોમાં સિંચાતું સિંચાતું જોઈએ તેટલું પાળને લીધે ખેતરોમાંજ રહી બાકીનું જેલમ નદીમાં વહી જાય છે. પીવાનું પાણી પણ ગોતવા જવું પડે તેમ નથી, કેમકે કેટલાક, દૂરથી સરપ અથવા રૂપાના રસ જેવા દીસતા ધોધ, દરેક ઋતુમાં વહ્યાંજ કરે છે. ઘર પર નળિયાંને બદલે ધૂળનાં અગાશી જેવા સપાટ છાપરાં રાખવામાં આવે છે. આ છાપરાં તે જ આ ગરીબ ખેડૂતોની ખળાવાડ છે. આ ખળાવાડ પર ખેડૂતો ચડી સુપડામાં દાણા ભરી ભરી ઉછાળતા અથવા વાવલતા નજરે પડતા હતા.

૯. આ ગોકુળ જેવાં રમણીય ગામડાંની પાસેના પાણીના ધોધ પર પાણીથી ફરતી અનાજ દળવાની ચક્કીઓ દેખાતી હતી. આ પ્રમાણે આ જંગલી લોકો પણ પાણીનો ઘણો સરસ ઉપયોગ કરી શકે છે. આ ચક્કીની ગોઠવણી ઘણીજ સાદી અને કાઠીયાવાડમાં અથવા બીજી કોઈ પણ જગ્યાએ દાખલ થ‌ઇ શકે તેવી છે. આ જંગલી લોકોની આવી સ્થિતિ જોઇ થોડા અગાડી ચાલ્યા ત્યારે કેટલાંક માણસો સડક માપતાં નજરે પડ્યાં. ગાડી ઊભી રખાવી તેઓને આમ કરવાનું કારણ પૂછ્યું. તેમાંનો એક જે અમલદાર જેવો દેખાતો હતો તેણે કહ્યું કે 'રાવલપીંડીથી શ્રીનગર સુધી ટ્રેન કરવાનો સરકારનો વિચાર છે.' અમે પૂછ્યું કે 'કેટલું ખરચ થશે ? કેવા ગેજની ટ્રેન કરવા વિચાર છે ? પૈસા કોણ આપશે ? ટ્રેન આ જ રસ્તે લાવવી છે કે બીજો કોઈ રસ્તો ત‌ઇયાર કરવો પડશે ?' તેણે કહ્યું કે 'બ્રોડગેજ કરવાનો ઇરાદો છે. ખરચ આશરે ૭૦,૦૦૦,૦૦૦ (સાત કરોડ) રૂપિયાનું થશે. રસ્તો આજ લેશે પણ તેમાં કેટલોક ફેરફાર કરવો પડશે. અને મસુરી (મરિહીલ) ઘણું ઉંચું છે તેથી તેને છોડી દેવું પડશે. ખરચ કોણ આપશે તેની મને ચોકસ ખબર નથી પણ ઘણું કરી કાશ્મીરના મહારાજા આપશે. વળી આ ટ્રેન થશેજ એમ પણ કહી શકાતું નથી.' આવા પર્વતોમાં ટ્રેન લાવવી એ ખરેખાત મુશ્કેલ કામ છે, કેમકે એક તસુ પણ સપાટ જમીન ક્યાંઇ નજરે પડતી નથી અને ડુંગરો પરથી વારંવાર પથ્થરનાં તોળાઇ રહેલા હાથી જેવડાં ચોસલાં ગબડી પડે છે.

૧૦. આ ટ્રેનને વિષેજ વાતો કરતા અમે અગાડી ચાલ્યા અને રામપુર જ્યાં એક ડાકબંગલો છે ત્યાં જ‌ઇ દોઢેક કલાક રોકાયા, ઘોડાને થાક ખવડાવ્યો અને અમે જમ્યા. હું રામપુરમાં હતો તેથી કાઠીયાવાડમાંનું લાઠીનું ગામ રામપુર જ્યાંથી લાઠી ચોખ્ખું નજરે પડે છે તે યાદ આવ્યું. ક્યાં એ સપાટ જમીન અને વિશાલ ખેતરોવાળું રામપુર અને ક્યાં આ સ્વર્ગ પરનું સરોનાં ઘુ ઘુ અવાજ કરતાં વૃક્ષોથી ભરેલું ઊંચી ટેકરી પર આવી રહેલું કાશ્મીરી રામપુર ! એ વખતે હું કાશ્મીરમાં છતાં જાણે કાઠીયાવાડમાં હોઉં, મારા મિત્રો સાથે જાણે લાઠી અથવા રાજકોટમાંજ ફરતો હોઊં, બેઠેલો હોઊં અથવા સ્વર્ગનું વર્ણન વાંચતો હોઊં તેમ ભાસ્યું. એ કાશ્મીરી પર્વતો, નદી, ખળખળિયાં, ઝરણ અને શીતલતા જાણે મારા મન સાથેજ કાઠીયાવાડમાં આવી વસ્યાં હોય, એ વૃક્ષની કુંજોને જાણે મારા હૃદયના વિચારો કાઠિયાવાડમાં ઉપાડી ગયા હોય, એ બરફનાં શિખરોને મારૂં મન જાણે કાઠિયાવાડમાં ઊંચકી ગયું હોય અથવા કાશ્મીર અને કાઠિયાવાડ જાણે એક થઈ ગયાં હોય અથવા મળી ગયાં હોય તેવીજ મને ભ્રાંતિ થવા લાગી. આવાજ વિચારોમાં જમી રહ્યા પછીનો અર્ધો કલાક અર્ધી ક્ષણની માફક વીતી ગયો. ગાડી જોડાણી, કોઈએ મને બોલાવ્યો, સ્વપ્ન ઊડી ગયું અને હું ગાડીમાં બેસી કુદરતથી ચકિત થઈ તેના ને તેનાજ સ્વપ્ન જેવા વિચારો કરતો, બીજાની સાથે અગાડી ચાલ્યો. આંખોને બદલે મનથી દેખતો હોઊં, દરેક અવયવ અને ઇંદ્રિય જ્ઞાન જાણે મનમાં સમાઇ ગયું હોય અથવા દરેક દેખાવ જાણે દિલ પર ચિતરાઇ અથવા કોતરાઇ જતા હોય તેમ મને લાગ્યું. આ હૃદય છબી પાડવાનું નવું યંત્ર બન્યું !

૧૧. આવી સુખકર નિંદ્રાવસ્થામાં હું હતો તેટલામાં અમે એક જૂનાં ખંડેર પાસે આવી પહોંચ્યા. કાશ્મીરની માર્ગોપદેશિકામાં લખ્યું છે કે રામપુર અને ઉરીની વચમાં એક પાંડુગઢ નામનો પુરાતની પડી ગયેલો કિલ્લો આવે છે. બારામુલ્લા જતાં અમે અહીં રોકાયા નહતા અને તેવું બીજું ખંડેર જોયું નહતું. તેથી આજ તે પાંડુગઢ છે તેમ ધારી અમે તેની અંદર ગયા. અંદર એક નીલા પથ્થરનું ખળભળી ગયેલું શિવાલય જોયું. ચોકમાં લીલું ઘાસ, બોરડી અને એવા બીજા નાના છોડ અને ગુંચવાઈ ગયેલાં મોટાં વૃક્ષો જોયાં, ચારેકોર કિલ્લાનો પાયો હતો પણ તે ગઢ ઘણી લાંબી મુદતથી પડી ગયેલો હોવાને લીધે તેના પર મોટાં ઝાડનો કુદરતી કિલ્લો થઈ ગયો હતો. આ સુંદર પથ્થરની એક ખાંભી મુસાફરો બહાર સડક પર લ‌ઇ આવેલા છે અને તેનો ઉપયોગ હજામની સલ્લ‌ઇ જેવો કરે છે, અથવા તેના પર ઘાસના જોડા, જેને કાશ્મીરમાં ચપલાં કહે છે તે રાખી વિશ્રાંતિ લે છે.

૧૨. વટેમાર્ગુનું આ વિશ્રામસ્થાન અને અસલી ખંડેર જોઈ અગાડી ચાલ્યા. ખાઇ વધારે વધારે ઊંડી થતી ગઈ. દેખાવ વધારે ભયાનક અને શાંત દીસવા લાગ્યા. સૂર્યાસ્ત સમય પાસે આવ્યો છે એમ સૂચવતાં પક્ષીઓ કિલકિલ કરી આમ તેમ ઊડવા લાગ્યાં. સૂર્યનાં ઝાંખા પડતા લાલ કિરણો વૃક્ષોનાં પાનની ગાઢી ઘટામાંથી સોંસરાં નીકળી પર્વતોને રંગવા લાગ્યાં. ઉરી ગામનો ડાક બંગલો જ્યાં અમારે રાત રહેવું હતું તે પણ દૃષ્ટિએ પડ્યો. જેલમ નદીના એક વિચિત્ર કાશ્મીરી પુલ પાસે આવી પહોંચ્યા. બન્ને કિનારે મોટાં લાકડાં અથવા ઝાડનાં થડ સાથે બે જોડાજોડ મજબુત ચામડાનાં દોરડાં બાંધેલાં હોય છે, તેની ઉપર આશરે દોઢ હાથ બીજાં બે છૂટાં દોરડાં હોય છે, ઠેઠ નીચલાં દોરડાં અન ઉપલાં બન્ને દોરડાંને છૂટાં રાખવા, નીચેનાં અને ઉપલાં દોરડાં વચ્ચે નાના લાકડાના ડંડિકા બાંધેલા હોય છે. નીચલાં દોરડાં પર પગ રાખી ઉપલાં દોરડાંને ઝાલી માણસો સામસામા ઘાસની ભારીઓ ઉપાડી અને સ્ત્રીઓ બાળકને તેડી ચપલાં પગમાં પહેરી વગર બીકે પુલ ઓળંગ્યા કરે છે. પુલમાં ઘણો ઝોળ પડી જાય છે અને હિંચક્યા કરે છે. એક વખતે કેટલા માણસોએ આ પુલ પર ચાલવું તેનો કાંઈ નિયમ નથી તેથી ઘણા માણસો ચાલવાથી કોઈ કોઈ વખતે અતિ બોજો થવાથી આ ઝુલતો પુલ તુટી જાય છે. નીચે પથ્થરમાં પછડાતી, ઘુઘવાતી, ફૂફવતી જેલમ નદી પૂર જોસથી ચાલી જાય છે. માણસના પગ પાણીથી માત્ર ત્રણચાર હાથ ઊંચા રહે છે. દોરડાનાં આ ભયંકર પુલ પર ચાલવાની અમારામાંથી કોઈની હિમ્મત ચાલી નહિ. કાશ્મીરમાં આવા ઘણા પુલ હોય છે. નાનાં નહેરાં પર એક આડું ગોળ મોટું ઝાડનું થડ મૂકી દે છે. અને તે વિચિત્ર પુલ પર કાશ્મીરી ટટુ અને માણસ દહેશત વિના ચાલ્યાં જાય છે. જેલમ નદી એટલા જોરથી વહે છે કે બારામુલ્લાં પછી વચમાં થાંભલાવાળો એકે પુલ બાંધી શકાયો નથી.

૧૩. એ દોરડાનો પૂલ જોઈ જરા અગાડી ચાલ્યા એટલે એક મોટું મેદાન આવ્યું. લીલું ઘાસ તે પર છવાઇ ગયું હતું. ચોપાસ સુંદર લીલા અને સંધ્યા રાગથી ગુલાબી દીસતા પર્વતો છવાઇ ગયા છે. આવા મેદાનની વચ્ચે એક સારી સગવડવાળો ડાક બંગલો છે તેમાં અમે રાત રહ્યા.