કાશ્મીરનો પ્રવાસ/તા. ૧૦-૧૧-૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← તા. ૯-૧૧-૯૧ કાશ્મીરનો પ્રવાસ
તા. ૧૦-૧૧-૯૧
કલાપી
તા. ૧૧-૧૧-૯૧ →


તા. ૧0-૧૧-૯૧ :-સવારના છ વાગ્યા ત્યારે પથારીમાંથી ઊઠ્યા. પાણીનાં હલેસાં જોરથી કિસ્તી સાથે અથડાતાં હતાં અને જે કિસ્તી હમેશાં જેલમ નદીનાં શાંત, મંદગતિવાળા પાણીમાં સ્થિર ચાલી જતી હતી તે આજ આમતેમ ડોલતી હતી અને ઉંચી નીચી થઈ પાણી સાથે અથડાયાં કરતી હતી. પાણીની છોળ તુતકપર આવતી હતી, કિસ્તી બુડશે તેવી શંકા કરાવતી હતી, અને બહાર જવા ના કહેતી હતી. માંજી લોકો જોરથી બુમો પાડી હલેસાં મારતા હતા. આ વુલર લેક હતું. આ સરોવરમાં ઘણા અકસ્માત્‌ બને છે કેમકે આ સમુદ્ર જેવા સરોવરનાં મોજાં સામે માત્ર ચાર તસુજ પાણીમાં રહેતી કિસ્તીની શી વિસાત ? માંજી કાં‌ઇ ગુસ્સે થઇ અંદર અંદર વાતો કરતા હતા. આ શું છે એમ એક માંજીને પુછતાં તેણે કહ્યું કે "આજ ત્રણ વાગે ચારે કિસ્તીઓને સાથે બાંધી અમારે વુલર લેકમાં ચાલવું હતું જેથી કોઈને જોખો વાગે નહિ પણ સાહેબ(પ્રાણજીવનભાઈ) વાળી કિસ્તીના માંજીએ અગાડી પહોંચી જવા માટે અમને કોઇને ખબર આપ્યા વિના કિસ્તી રાતના બે વાગે ચલાવે દીધી. સામાનવાળી કિસ્તી વુલરને કિનારેજ ચોંટી ગ‌ઇ અને રસોડાવાળી કિસ્તી વાંસે રહી ગ‌ઇ તેથી આવું મોટું જોખમ માથે લઈ અમે વુલર સરોવરમાં આ એકલી કિસ્તીને નાખી છે. હવે ઘણુંકરી હરકત તો નહિ આવવા દ‌ઇએ પણ અમને ઘણી ધાસ્તી લાગે છે." આટલું કહી તે હલેસાં મારવા લાગ્યો અને અમે ઉઠીને "ઇશ્વરની ઇચ્છા વિના કાંઈ થતું નથી" એમ ધારી આ તળાવ અથવા સાગર જોવા લાગ્યા. માંજી લોકોએ બહાર આવવા ના કહી પણ આ તોફાનથી સરોવરનો દેખાવ કેવો લાગે છે તે જોવાની જિજ્ઞાસા શાંત ન થવાથી અમે આંખો ચોળતા ચોળતા તુતકપર ઉભા રહ્યા. શ્રીનગર જતી વખતે આ સરોવરનું જલ એક મોટા અરિસા જેવું નજરે પડ્યું હતું પણ આજ તો તે બીજો સમુદ્ર જ થઇ ગયો હતો. મોટાં મોજાંથી પાણી કૂદતું હોય, બિચારી કિસ્તી પર ગુસ્સે થ‌ઇ ચોતરફથી તેના પર ધસી આવતું હોય અથવા તેને ગળી જવા ઇચ્છતું હોય તેવું દેખાયું. નજરે માત્ર નાની નાની ટેકરી જેવી તરંગ પરંપરાજ પડતી હતી. બીજી એકે કિસ્તી દૃષ્ટિએ પડતી નહોતી. ચોતરફ કિનારા સરખાજ દૂર દેખાતા હતા તેથી અમે મધ્ય ભાગમાં હતા. દુરબીનથી જોતાં માલમ પડ્યું કે આ તળાવમાં ચાલનારી બધી કિસ્તીઓ એક દૂરના ટાપુના કિનારાપર જતી રહી છે. વાદળાં અને ધુમ્મસથી સૂર્ય દૃષ્ટિએ પડતો નથી. બરફના પર્વતો માત્ર ઝાંખા ઝાંખાજ દેખાય છે. કિનારા પરનાં વૃક્ષ, ડુંગરની વનસ્પતિ, અથવા ખીણોમાં વહેતાં ઝરણ જોઇ શકાતાં નથી. પવન સુસવાટ કરતો ફુંકે છે. આવા ભયંકર પણ અદ્‌ભૂત, જોખમવાળા પણ રમણીય, ધીરજની કસોટી કરતા પણ આનંદકારી, તોફાની પણ મનને આલ્હાદક અને શ્યામ પણ સુખકર દેખાવો જોતાં જોતાં થોડા વખતમાં કિનારા પાસે આવી પહોંચ્યા. માંજી લોકોએ એક બીજાને ભેટી સલામ કરી "સાબ અબી કુછ હરકત નહિ" એમ કહી તેઓની હથેલીઓ બતાવી ખીલ્યા, હલેસાં એટલા જોરથી માર્યાં હતાં, કે હથેલીઓમાં ફોડલા પડી ગયા હતા.

૨. કિનારા પર કીચડમાં એક વાંસ ખોડી તે સાથે દોરડાવડે કિસ્તી બાંધી અમે નીચે ઊતર્યા. આશરે એક કલાક પછી રસોડાની કિસ્તી દૂર એક ડાઘા જેવી દેખાઇ અને થોડીજ વારમાં અમારી પાસે આવી પહોંચી. આ તોફાને તેઓને પણ હરકત કરી હતી. અમે દાતણ કરી ચા પીધો. જોકે મને ચા પીવાની ટેવ નહતી તો પણ કાશ્મીરમાં વારંવાર ઉષ્ણોદકપાન કરવું પડતું હતું; કોઇ કોઇ વખતે એક દિવસમાં પાંચ છ વખત ચા પીવો પડતો કેમ જે જમવાનું નિયમસર બની શકતું નહતું, અને નિયમસર મળતું ત્યારે પણ ભાવતું નહતું કેમકે ઘી કડવું અને દુર્ગંધી હતું. બિસ્કીટ અને ચા એજ અમારો મુખ્ય ખોરાક હતો.

૩. થોડા વખતમાં સૂર્ય વાદળાં બહાર નીકળ્યો, તડકો થયો, ધુમ્મસ વીખરાઇ ગયો, લીલું ઘાસ ચળકવા લાગ્યું અને સામાનની કિસ્તી પણ આવી ગ‌ઇ. તે પણ તોફાનની લાણમાં થોડી ઘણી આવી હતી. "અમે હજી કેમ ન આવ્યા ? શું થયું હશે ?" એવી ચિંતાથી પ્રાણજીવનભાઇએ ડાક્ટર પુરુષોત્તમદાસને અમારી સામે મોકલી આપ્યા. તે અમને થોડા વખતમાં આવી મળ્યા. એમને અમારી કિસ્તીમાં લ‌ઇ જે કિસ્તીમાં તે આવ્યા હતા તેને રાવબહાદુરને "હમે હમણાં આવીએ છીએ" એવા સમાચાર આપવા પાછી મોકલી દીધી. સાંજ પહેલા અમે પણ બારામુલ્લા પહોંચી ગયા અને બધી કિસ્તીઓ જોડાજોડ ઉભી રાખી રાતે તેમાંજ સુઇ રહ્યા.

૪. કિસ્તીની મુસાફરી આજ ઈશ્વર કૃપાથી સમાપ્ત થ‌ઇ. સવારમાં અમારે ગાડીમાં બેસી ચાલવાનું હતું. એક ઘોડાગાડી અને સાત એકા જેમાં બેસી અમે રાવલપિંડીથી બારામુલ્લા સુધી આવ્યા હતા તેમાંજ પાછું જવાનું હતું.