કાશ્મીરનો પ્રવાસ/તા. ૯-૧૧-૯૧
← તા. ૮-૧૧-૯૧ | કાશ્મીરનો પ્રવાસ તા. ૯-૧૧-૯૧ કલાપી |
તા. ૧૦-૧૧-૯૧ → |
તા. ૯-૧૧-૯૧ :- રાત્રે સારી નિદ્રા લેવાથી પ્રભાતે વહેલાં ચાલ્યા જવાનું શરૂ કીધું. કાગા નીંદરના સુરસ્વપ્નો એક પછી એક ચાલ્યાં જવાં લાગ્યાં. કિસ્તી ચાલતી હતી. પાણીનો ખળખળાટ કાને પડતો હતો અને વળી કાંઇ સ્વપ્ન આવવાથી બંધ થઇ જતો હોય તેમ લાગતું હતું. ટાઢ સખત હતી અને ઉઠવાનું મન થતું નહતું, તેથી બધા સુતા છે કે કોઇ ઉઠ્યું છે તે જોઈ બધાને સુતેલા દેખી આંખો મીચી જતા હતા, પણ થોડી વારમાં પાટીયાંપર પથારી કરી સુતા હતા તેથી પડખાં તપવા લાગ્યાં, કાગડાના અવાજો કાને પડવા લાગ્યા અને નિદ્રા બિલકૂલ જતી રહી તેથી એક માંજીને, "સગડી તૈયાર કર" એમ કહી પથારીમાં જ બેસી ગરમ કપડાં પહેરવા લાગ્યા અને સગડી તૈયાર થઇ એટલે બહાર નાના તુતક પર જઇને બેઠા. શ્રીનગરને ઘણું દૂર છોડી દીધું હતું. નદીના કિનારાની આસપાસ માત્ર મેદાનો અને દૂર પર્વતો હતા. પાણી ધીમે ધીમે વહેતું હતું અને તેમાં સૂર્યના હલતાં લાલ પ્રતિબિંબ પડવાથી ઘુમ્મર ગેરૂ જેવું દીસતું હતું. પર્વતો, પૃથ્વી, પાણી આકાશ અને ઊંચી ટેકરીઓપરના બરફ્નો રંગ સૂર્ય વધારે ઊંચે ચડ્યો તેથી બદલાઈ ગયો અને ટાઢ પણ ઓછી થઈ, આકાશ નિર્મલ આસ્માની, અને પ્રકાશિત થયું; માત્ર કોઈ કોઈ ડુંગર પર જ વિરલ વિરલ વાદળાં નજરે પડતાં હતાં. બતકની હારો અને નાની નાની માછલી પાણીની ઉપર અને અંદર આમતેમ દોડતી દેખાતી હતી. ક્યાંઈ સારસ જોડાં ધીમી ગતિથી આમતેમ ફરતાં દેખાતાં હતાં. પાણીમાં વેલા ક્યાંઇ ક્યાંઇ છવાયેલા હતા. રમણીય ફુલોની ઝાકળથી ભીની પાંખડીઓ અહીં તહીં કિનારા પર ચળકતી હતી. કેટલાંક પક્ષી ઝીણી મચ્છી મારવા ઉંચેથી પાણીમાં પડતાં હતાં. અને પાછાં બહાર નીકળતાં હતાં. આવા સુંદર દેખાવો જોતા જોતાં અમે ચાલ્યા જતા હતા. થોડી કસરત થાય તે માટે થોડો વખત હલેસાં મારી અને રસોડાની કિસ્તીમાં જઈ ચા પી પાછા અમારા તુતકપર આવી કુદરતી આશ્ચર્યકારક લીલા જોવા બેઠા. બરફનો દરેક ડુંગર અમે એક પછી એક છોડવા લાગ્યા, તેઓ અદ્રશ્ય થઈ જવા લાગ્યા અને પૃથ્વીમાં ડૂબી જવા લાગ્યા.
૨. ચા પીધા પછી માનસબલ જે પાસે જ હતું તે જોવા અમારે જવું હતું પણ પ્રાણજીવનદાસભાઈની કિસ્તી ઘણીજ અગાડી ચાલી ગઈ હતી તેથી એકલા તે તળાવમાં જવું એ અમને વાજબી ન લાગ્યું કેમકે વખતે તોફાન થાય તો સારું નહીં : એમ વિચારી અમારી કિસ્તી અમે અગાડી ચલાવી. ગુરુજનની આજ્ઞા વિના કાર્ય કરવું એ મૂર્ખાઇ છે. આ વખતે નદીના પાણીની ગતિની દિશાએ જ ચાલવાનું હતું તેથી કિસ્તીને ખેંચવી પડતી નહતી પણ હલેસાંથીજ વધારે ઝડપથી ચાલતી હતી.
૩. અમે દિવસનો ઘણો ભાગ તુતક પરજ બેસી રહ્યા કેમકે બપોરે પણ તડકો વહાલો લાગતો હતો અને દ્રષ્ટિ સૌંદર્યથી સંતોષ પામતી નહતી.
૪. અમારી ચાર કિસ્તીમાં અમે કેવી રીતે બેઠા હતા તે હું આગળ લખી ગયો છું. જમવાની વખતે રસોડાની કિસ્તીમાં જતા અને પછી પાછા અમારી કિસ્તીમાં આવી બેસતા.
૫. સાંજ પડી, સૂર્ય અસ્ત થયો, અંધારૂં થઇ ગયું, ધુમ્મસ ચોતરફ વિંટળાઇ વળ્યો. વુલર લેકનો કિનારો આવ્યો. પાણી વિશાળતા પામ્યું. મોજાં નજરે પડવા લાગ્યાં. કિસ્તી ઊભી રાખી. રાતે આ સરોવરમાં ચાલવું એ જરા જોખમ ભરેલું છે તેથી આ કિનારા પર જ રાતે કિસ્તીને રાખી, સુઈ રહ્યા. સવારે ચાર વાગે ચાલવું હતું કેમકે એ વખતે હવા સારી હોય છે, અને તોફાનનો ભય ઓછો હોય છે.