કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઉપોદ્ઘાત
કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો ઉપોદ્ઘાત શિવપ્રસાદ દલપતરામ પંડિત |
માદ્રી → |
અમારી ઘણી વાંચક બહેનોને બૌદ્ધધર્મ સંબંધી બરોબર ખબર નહિ હોય તેથી બૌદ્ધ સન્નારીઓનાં ચરિત્રનો પરિચય કરાવતાં પહેલાં બૌદ્ધ ધર્મ વિષે બે શબ્દો કહેવા અનુચિત નહિ ગણાય.
આજથી અઢી હજાર કરતાં પણ વધારે વર્ષ પૂર્વે ગૌતમ બુદ્ધ નામના એક મહાપુરુષે ભારતવર્ષમાં એ ધર્મની સ્થાપના કરી હતી. બુદ્ધદેવના મૃત્યુ પછી ઘણાં વર્ષો સુધી એ ધર્મ આપણા દેશનો મુખ્ય ધર્મ રહ્યો હતો. ભારતની બહાર ચીન, જાપાન વગેરે દેશોમાં આજ પણ એ ધર્મને લોકો માને છે અને બુદ્ધદેવને જન્મ આપનાર પવિત્ર ભારતભૂમિની યાત્રા કરવા સારૂ એ દેશથી અનેક યાત્રીઓ આવે છે. જૈન ભાઈઓના તીર્થંકર મહાવીર સ્વામીનાજ સમયમાં, પણ એમનાથી જરાક પાછળ બુદ્ધદેવ ઉત્પન્ન થયા હતા. એમના વખતમાં આર્યોનો વૈદિક ધર્મ વિકાર પામી ચૂક્યો હતો. સાપ ગયા અને લિસોટા રહ્યા એ પ્રમાણે વેદ અને ઉપનિષદ્ના ઉત્તમ ગહન સિદ્ધાંતો સમજનારા અને તે પ્રમાણે વર્તનારા તો થોડા રહ્યા હતા અને કર્મકાંડ, ખોટા વાદવિવાદ અને જીવહિંસા આદિ વખોડવા લાયક કામ કરનારા ઘણા લોકો રહી ગયા હતા.
જેને ખરો બોધ થયેલ હોય, જે મોહનિદ્રામાંથી જાગ્યા હોય તેને બુદ્ધ કહે છે. બુદ્ધદેવનો ઉપદેશ એ હતો કે કેવળ વૈદિક યજ્ઞયાગ કર્યાથી ધર્મ સધાતો નથી, પવિત્ર જીવન ગાળવું, સારા વિચારો રાખવા, એજ ખરો ધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા બરાબર રીતે એ ઉચ્ચ ધર્મના અધિકારી છે. યજ્ઞમાં પશુનું બલિદાન આપવું અથવા અન્ય કોઈ પ્રકારે જીવની હિંસા કરવી એ મહાપાપ છે. બ્રાહ્મણશૂદ્રનો ભેદ ભૂલી જઈને સર્વ પ્રકારની જીવહિંસાનો ત્યાગ કરીને, બધાએ ભોગવિલાસહીન પવિત્ર જીવન ગાળવું અને જગતનું કલ્યાણ કરવું. આ પ્રમાણે જીવન ગાળવાથી ધીમે ધીમે મનુષ્યનો આત્મા બધા પ્રકારના મોહ અને પાપવાસનામાંથી છૂટી જઈને નિર્વાણ મેળવશે.
બૌદ્ધધર્મના મહામંત્રમાં ત્રણ વિષય બતાવેલા છે.
‘बुद्धं शरणं गच्छामि – હું બુદ્ધને શરણ જાઉં છું.’
‘धर्मं शरणं गच्छामि – હું ધર્મને શરણ જાઉં છું.’
‘संघं शरणं गच्छामि – હું સંઘને શરણ જાઉં છું.’
ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ એ હતો કે આ સંસારમાં દરેક વસ્તુ ક્ષણભંગુર અને દુઃખના કારણરૂપ છે.
સંસારના એ દુઃખનો ઇલાજ શો ? ઇલાજ કરતાં પહેલાં રોગનું કારણ શોધવું જોઈએ. તૃષ્ણા—સુખ ભોગવવાની રાતદિવસ લાલસામાંથી દુઃખ ઊપજે છે, માટે આત્મવાદ ત્યજી અનાત્મવાદ ગ્રહણ કરવો; એટલે કે હુંપદ છોડી દેવું.
“તૃષ્ણા અને તૃષ્ણામાંથી ઊપજતા ‘ઉપાદાન’ (વિષય– ગ્રહણ)નો નાશ થાય, એટલે પુનર્જન્મ અને પુનર્જન્મ સાથે જોડાયલાં જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ વગેરેનાં દુઃખો શમી જાય. આ દુઃખરહિત સ્થિતિ તે નિર્વાણ. ‘નિર્વાણ’ એટલે બુઝાઈ જવું – મનુષ્યના હૃદયમાં હુંપણું અને રાગદ્વેષ વગેરે જે જે વૃત્તિઓ સળગે છે તેનું બુઝાઈ જવું.” (–ધર્મવર્ણન)
એ નિર્વાણ પામવાને માટે બુદ્ધદેવે જે ઉપાય બતાવ્યા છે છે તેને ‘મધ્યમ પ્રતિપદા’ અથવા ‘આર્ય અષ્ટાંગ માર્ગ’ કહે છે. એ આઠ માર્ગ નીચે મુજબ છે:—
- (૧) સમ્યગ્ દૃષ્ટિ–સારી સમજણ, જ્ઞાન.
- (૨) સમ્યક્ સંકલ્પ–સારો સંકલ્પ (ક્રિયા કરવાનો નિશ્ચય.)
- (૩) સમ્યગ્ વાક્–સારી વાણી; જેમકે અસત્ય ન બોલવું, ચાડી કે નિંદા ન કરવી, ગાળ ન દેવી, મિથ્યા બકવાદ ન કરવો.
- (૪) સમ્યક્ કર્મ–સારાં કર્મ, શીલ અને દાન.
- (૫) સમ્યગ્ આજીવ–સારી આજીવિકા, સારો ધંધો કરીને ગુજરાન ચલાવવું.
- (૬) સમ્યગ્ વ્યાયામ–સારો પ્રયત્ન.
- (૭) સમ્યક્ સ્મૃતિ–સારી સ્મૃતિ તથા વિચાર.
- (૮) સમ્યક્ સમાધિ–સારી સમાધિ, ચિત્ત એકાગ્ર કરવું તે.
આ નિર્વાણ પ્રાપ્ત કરવાના માર્ગમાં જે વિઘ્નો નડે છે તેને ‘દશ સંયોજન’ કહે છે. એ વિઘ્નો આ પ્રમાણે છે:—(૧) સત્કાર્ય દૃષ્ટિ–આત્મવાદ=હુંપણાની દૃષ્ટિ, (૨)વિચિકિત્સા=સંશય,(૩) શીલવ્રતપરામર્શ=શીલ અને વ્રતનું ચિંતન કર્યા કરવું અને અને પોતાના હું૫દ સાથે જોડવાં. (શીલ અને વ્રત પાળવાં સારાં છે, પણ એનાજ ચિંતનમાં ભરાઈ રહેવાથી નુકસાન છે. આ ત્રણ ‘સંયોજન’ તોડનાર ‘સોતાપન્ન’ થાય છે અર્થાત્ તે નિર્વાણના વહેણમાં પડે છે.) તે ઉપરાંત (૪) કામ, (૫) દ્વેષ, (૬) રૂપરાગ, (૭) અરૂપરાગ (અણદીઠ સ્વર્ગના સુખની આસક્તિ), (૮) માન, (૯) ઉદ્ધતપણું અને (૧૦) અવિદ્યા (એ પણ નિર્વાણના માર્ગમાં આડે આવનારી અને મનુષ્યને સંસાર સાથે બાંધી રાખનારી સાંકળો છે.)
બૌદ્ધધર્મમાં વળી દશ શીલ, દશ શિક્ષા અને છ પારમિતાઓ કહી છે.
(૧) હિંસા ન કરવી, (૨) ચોરી ન કરવી, (૩) જૂઠું ન બોલવું, (૪) મદ્ય ન પીવું, (૫) બ્રહ્મચર્ય પાળવું, (૬) રાતે ભોજન ન કરવું, (૭) પુષ્પહાર, ચંદન વગેરે સુગંધી પદાર્થો ધારણ ન કરવા. (૮) જમીન ઉપર સાદડી પાથરીને સૂવું, (૬ થી ૮ સુધીનાં શીલ ગૃહસ્થ માણસે પણ અઠવાડિયામાં એક વાર પાળવાનાં છે.) (૯) નાચ અને ગાનતાનથી વિરમવું અને (૧૦) સુવર્ણાદિ ધાતુનો પરિગ્રહ ન કરવો. (સાધુઓએ દશે શીલ ખાસ પાળવાનાં છે.)
દશ શિક્ષા આ પ્રમાણે છે. (૧) હિંસા કરવી નહિ, (૨) વગર આપ્યું લેવું નહિ) (૩) બ્રહ્મચર્ય પાળવું (ગૃહસ્થે પોતાનીજ પત્ની ઉપર સ્નેહ રાખવો), (૪) જૂઠું ન બોલવું, (૫) ચાડી ન ખાવી, (૬) ઉદ્ધતાઈ ન વાપરવી, (૭) વૃથા પ્રલાપ ન કરવો, (૯) લોભ ન કરવો, (૯) દ્વેષ ન રાખવો અને (૧૦)વિચિકિત્સા એટલે કે શાસ્ત્ર અને પરમાર્થ સંબંધે સંશયપણું ન રાખવું.
છ પારમિતાઓ અર્થાત્ સંસારસાગરમાંથી પાર તરી જવાનાં છ સાધનો આ પ્રમાણે છે:―
(૧) દાનપારમિતા. (દ્રવ્ય, વિદ્યા, ધર્મોપદેશ વગેરેનાં દાન) (૨) શીલપારમિતા.(ઉપર વર્ણવેલાં શીલ પાળવાં), (૩) ક્ષાંતિપારમિતા, (દુઃખ ખમવાં તથા પારકાના અપકારની ક્ષમા આપવી), (૪) વીર્ય પારમિતા (સંસારની લાલચોને જીતી કલ્યાણને માર્ગે ચઢવાની મારામાં શક્તિ છે એમ ઉત્સાહ રાખવો), (૫) ધ્યાનપારમિતા (ધર્મ અને બુદ્ધ ભગવાનનું ધ્યાન કરવું) અને (૬) પ્રજ્ઞાપારમિતા (જ્ઞાન પ્રાપ્ત કરવું)*[૩]
બુદ્ધદેવને સ્ત્રીજાતિ પ્રત્યે ઘણું માન હતું અને જનસમાજમાં સ્ત્રી જાતિનો આદર થાય એવી એમની ઈચ્છા હતી. છ દિશાઓની પૂજાનું રહસ્ય સમજાવતાં એમણે પત્નીપુત્રને દક્ષિણ દિશારૂપ માનીને તેમની પૂજન વિધિ નીચેના શબ્દોમાં બતાવ્યો છે. પશ્ચિમ દિશા જે પત્ની તેની પૂજાનાં આ પાંચ અંગ છે. (૧) તેને માન આપવું, (૨) તેનું અપમાન ન થવા દેવું, (૩) એક પત્નીવ્રત આચરવું, (૪) ઘરનો કારભાર તેને સોંપવો, (૫) વસ્ત્રાલંકારની તેને ખોટ ન પડવા દેવી. આ પાંચ અંગોથી જે પતિ પત્નીની પૂજા કરે તે પત્ની તે પતિ ઉપર પાંચ પ્રકારનો અનુગ્રહ કરે છે:―
(૧) ઘરમાં સારી વ્યવસ્થા રાખે છે, (૨) નોકરચાકરોને પ્રેમથી સંભાળે છે; (૩) પતિવ્રતા થાય છે; (૪) પતિએ મેળવેલી સંપત્તિનું રક્ષણ કરે છે; ઉડાઉ થતી નથી અને (૫) સર્વ ગૃહકૃત્યોમાં તત્પર રહે છે.× [૪]
બૌદ્ધકાળમાં ભારતવર્ષની સ્ત્રીઓનો શો દરજ્જો હતો, એ સંબંધમાં ‘પ્રબુદ્ધભારત’માં એક વિદ્વાન લખે છે કે, “ભિક્ષુઓ કરતાં ભિક્ષુણીઓની સંખ્યા ઓછી હતી, પણ સમાજમાં એમને ઘણું ઉચ્ચ સ્થાન મળેલું હતું. એમની વિદ્યા, બુદ્ધિ તથા સમાજ ઉપરની તેમની ખાસ અસર સંબંધી હકીકત આપણને ‘માલતીમાધવ’ જેવા સંસ્કૃત પુસ્તકોમાંથી મળી આવે છે. કોઈ કોઈ ભિક્ષુણી સમનેરા તથા અર્હત્ પદને પણ પામી શકતી હતી. મહાત્મા ગૌતમબુદ્ધના જીવનકાળમાં સુતપિતકની થેરીગાથા અનેક વૃદ્ધ ભિક્ષુણીઓને હાથેજ રચાઈ હતી; એમાંની ઘણીખરી ગાથાઓ ઉત્તમ છે એટલું જ નહિ, પણ સ્ત્રીઓની ઈશ્વરભક્તિ તથા બુદ્ધિનાં જ્વલંત ઉદાહરણ પણ આપણને એમાંથી મળી આવે છે. એમણે નીતિના સિદ્ધાંતો તથા બૌદ્ધધર્મના ઉપદેશોનું વર્ણન બહુજ સરસ રીતે કર્યું છે. એ થેરીઓના ઉપદેશને સાંભળવા સારૂ અનેક ભિક્ષુ તથા ભિક્ષુણીઓ એકઠાં થતાં.
બૌદ્ધ સાહિત્ય સ્ત્રીઓને ઘણું જ ઉચ્ચ સ્થાન આપે છે. સ્ત્રીઓને પહેલાં તો બૌદ્ધ મંદિરોથી દૂર રાખવામાં આવી હતી, પણ ધીમે ધીમે બૌદ્ધ ધર્મનાં મંદિરોની એજ ધણીધોરી થઈ પડી હતી.
બૌદ્ધધર્મની પ્રબળ લહેર બધી જાતિઓમાં ફેલાઈ ગઈ હતી. એના શિક્ષણની અસર બહુજ ઊંડી હતી. એ સમયના રાજવંશ, વણિકસમાજ તથા કારીગરોમાં પણ આદર્શ સ્ત્રીઓનાં એવાં ઉદાહરણ મળી આવે છે, જે ઉપરથી સિદ્ધ થાય છે કે વિદ્યા અને બુદ્ધિ, ધર્મ અને ઉદારતા તથા દાન અને પુણ્યની પ્રવૃત્તિ કોઈ ખાસ ન્યાતની સ્ત્રીઓમાંજ જોવામાં આવતી એમ નહોતું. પ્રત્યેક જાતિ અને પ્રત્યેક વર્ણમાં એ પ્રવૃત્તિ વિદ્યમાન હતી.
બૌદ્ધયુગમાં બાળલગ્ન નહોતાં. કન્યા પુખ્ત વયની થતી ત્યારેજ તેનું લગ્ન થતું. વરની પસંદગીની બાબતમાં તેને સ્વતંત્રતા હતી. વિધવાવિવાહ નીચ જાતિઓમાંજ નહિ પણ ઉચ્ચ જાતિઓમાં પણ થતો હતો. બાળક સમજણું થાય ત્યારેજ તેને પરણાવવાનો વિચાર કરવામાં આવતો. પ્રેમ અને સંવનનનો રિવાજ પણ હોય એમ જણાય છે. કુમારિકાઓનાં લગ્ન પણ યુવાવસ્થાને પ્રાપ્ત થતાં લગી થતાં નહોતાં. મામાની પુત્રી સાથે લગ્ન કરવાનો રિવાજ રાજકુટુંબોમાં અને ખાસ કરીને શાક્ય વંશીઓમાં પ્રચલિત હતો.
સ્ત્રીઓને ભ્રષ્ટ ગણીને એકદમ ત્યજી દેવામાં નહોતી આવતી. અંબપાલી ગણિકા તથા સમાજથી ભ્રષ્ટ થયેલી બીજી કેટલીક સ્ત્રીઓ પ્રત્યે ભગવાન તથાગતે બતાવેલી દયા તથા સહાનુભૂતિ એ વાતની સાક્ષી પૂરે છે અને પ્રકટ કરે છે કે બુદ્ધિની દુર્બળતાને લીધે–મનુષ્યમાં રહેલા કુદરતી સ્વભાવને લીધે—ઇંદ્રિયના વિકારને વશ થઈ સત્પથમાંથી ચળેલી સ્ત્રીઓને પણ સુધારી શકાય છે અને એમના જીવનનો વિશેષ તિરસ્કાર ન કરીએ તો તેઓને હાથે પણ સમાજની અધિક લાભદાયક સેવા થઈ શકે છે.
- ↑ × આ ગ્રંથની આ અગાઉની બે આવૃત્તિઓ ‘ભારતનાં સ્ત્રીરત્નો’ના નામથી પ્રસિદ્ધ થયેલી છે. તેની ત્રીજી આવૃતિ ‘ભારતની દેવીઓ’ ના નામથી પ્રસિદ્ધ થાય છે. —પ્રકાશક
- ↑ * ૧–માદ્રીથી ૯૧–દેવસ્મિતા સુધીની દેવીઓ બૌદ્ધયુગની છે.
- ↑ * બૌદ્ધધર્મ સંબંધી ઉપરની બધી હકીકત આચાર્ય શ્રીઆનંદશંકર બાપુભાઈ ધ્રુવ રચિત ‘ધર્મવર્ણન’ નામના ઉત્તમ ગ્રંથમાંથી લેવામાં આવી છે. —લેખક
- ↑ × પ્રોફેસર ધર્માનંદ કાશામ્બીકૃત ‘બુદ્ધલીલાસારસંગ્રહ’માંથી