કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/માદ્રી
← ઉપોદ્ઘાત | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો માદ્રી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
ચુલ્લબોધિની પત્ની → |
१–माद्री
આમાદ્રી રાજા પાંડુની પત્ની અને નકુલસહદેવની માતા માદ્રી નથી; પણ પ્રાચીન કાળની એક બીજીજ સન્નારી છે. એ સમયમાં શિબિ દેશમાં સંજય નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના કુમારનું નામ વેસ્સંતર હતું. રાજકુમાર ઘણો પુણ્યાત્મા અને દાન કરવામાં છૂટા હાથવાળો હતો. તેમના રાજ્યમાં ધોળા હાથી હતા અને એમ મનાતું કે, એ હાથીઓના પ્રતાપે શત્રુઓ એ રાજ્ય ઉપર આક્રમણ કરીને ફાવી શકતા નહોતા. એક દિવસ કલિંગ દેશના આઠ બ્રાહ્મણો આવીને રાજકુમાર પાસેથી માગીને એ ધોળા હાથીઓ દાનમાં લઈ ગયા. પ્રજા, એ વાતની ખબર પડતાં ઘણી ગુસ્સે થઈ. હવે પોતાના રાજ્ય ઉપર અવશ્ય આફત આવશે એ ભય એમને ઉત્પન્ન થયો. પ્રજાજનોએ જઈને રાજા સંજય આગળ પ્રાર્થના કરી. એ વખતના રાજાઓ ઘણાજ ન્યાયી અને નિષ્પક્ષપાતી હતા. મહારાજા સંજયને પ્રજાની ફરિચાદ વ્યાજબી જણાઈ અને તેમણે પુત્રને દેશનિકાલની સજા કરી.
રાજકુમારને જ્યારે પિતા તરફની વનગમનની આજ્ઞાની ખબર પડી ત્યારે તેણે સાત વસ્તુઓના મહાદાનની ક્રિયા કરવા સારૂ એક દિવસની મુદત માંગી. એ આખો દિવસ એણે દાનાલયમાં જઈને અનેક કિંમતી પદાર્થોનું દાન કર્યું અને રાત પડી ત્યારે મનમાં વિચારવા લાગ્યો. “કાલ સવારે મારે આ દેશ છોડીને ચાલ્યા જવું પડશે. ચાલ, હમણાંજ પિતામાતાની પાસે જઈને વિદાય લઈ આવું તથા છેલ્લા પ્રણામ પણ કરી આવું. રાતોરાત જ હું મહેલનો ત્યાગ કરીશ અને મહેલમાં ફરીથી પ્રવેશ નહિ કરું.”
ત્યાર પછી વેસ્સંતર અશ્ચોવાળા રથમાં બેસીને પિતાના મહેલમાં ગયો. તેની રાણી માદ્રી મનમાં ને મનમાં વિચારવા લાગી: “હું પણ ફરીથી આ મહેલમાં પ્રવેશ નહિ કરૂં. હમણાંજ સાસુજી તથા સસરાજીને ભક્તિપૂર્વક પગે લાગી આવીને, તેમની પાસે વિદાય માગીને હું પણ પતિદેવની સાથે સાથે જઈશ.”
એવો વિચાર કરીને રાજપુત્રવધૂ માદ્રી પણ એજ રથમાં પતિની સાથે ચઢી બેઠી. વેસ્સંતરે પિતાની સમીપ જઈને તેમના ચરણમાં પડીને ભક્તિપૂર્વક કહેવા માંડ્યું: “પ્રજાએ મને દેશનિકાલ કર્યો છે. કાલે હું બંક પર્વત તરફ જવા નીકળીશ. પિતાજી ! મનુષ્યમાત્ર લાભ અને નુકસાન, યશ અને અપયશ, નિંદા અને સ્તુતિ, સુખ અને દુઃખ એ આઠ પ્રકારના લોકધર્મને આધીન છે. આ દુનિયામાં જીવમાત્રને કદી સુખ અને કદી દુઃખ ભોગવવું પડ્યું છે, પડે છે અને પડશે. આખી જિંદગી સુધી લાગલાગટ સુખ કોઈ પણ મનુષ્ય કદાપિ ભોગવી શકતો નથી. બધાને મૃત્યુના મુખમાં એક દિવસ સપડાવું પડશે, એમ ધારીને એ બધા દુઃખના વિચારથી ત્રાસ પામીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી મારા મહેલમાંની બધી વસ્તુઓને મેં ખપવાળા લોકોને દાન કરી દીધી છે અને તેમની પ્રાર્થનાનુસાર આ રાજ્યનો પણ ત્યાગ કરવાની મને ફરજ પડી છે. માણસ સંપત્તિ અને વિપત્તિમાંથી કદી પણ સંપૂર્ણરૂપે મુક્ત રહી શકતો નથી, માટે હાલ તો જો કે હું વાઘ, ચિત્તા, રીંછ વગેરે ફાડી ખાનારાં વિકરાળ જાનવરોથી વસાયલા ઘોર ભયાનક જગલોમાં દીનતાથી વાસ કરીશ, તોપણ મારી ખાતરી છે કે, એ અરણ્યવાસમાંજ મારે હાથે કોઈ એવું કાર્ય થશે કે, જેથી મારૂં પ્રયોજન સિદ્ધ થશે, પિતાજી ! આ મોહ અને સુખમાં આપજ નિરાંતે પડ્યા રહો !”
પિતાની સાથે એ પ્રમાણે વાતચીત કરીને વેસ્સંતર માતાની સમીપ ગયો અને માતાને સંબોધન કરીને કહેવા લાગ્યો “મા ! તારા સ્નેહ અને લાડનો બદલે હું કોઈ દિવસ વાળી શકું એમ નથી. મેં મારી પોતાની મિલકત દાન કરી દીધી તેથી પ્રજાજનોને ઘણું લાગી આવ્યું છે. એ પાપને લીધે મને દેશવટો મળ્યો છે, બંક પર્વત ઉપર જઈને ગરીબાઈથી સંન્યાસીરૂપે હું મારું જીવન ગાળીશ. માતા ! મને શુભેચ્છાઓ સહિત વિદાય કરો !”
જનનીએ કહ્યું: “બેટા ! બંક પર્વત ઉપર જઈને તું યતિ બનીને અભિજ્ઞાન અને સમાપત્તિ પ્રાપ્ત કરજે. હું ખુશીથી તને રજા આપું છું, પણ આ મારી કોમળાંગી વધૂએ કદી પણ ટાઢતડકો વેઠ્યો નથી. ગંભીર અરણ્ય એ તેને રહેવા લાયક સ્થાન કદાપિ નથી. જ્ઞાનની શોધખોળ કરવા નીકળેલા પતિની સાથે જવું, એ તેને માટે વ્યાજબી નથી. દીકરા ! તારી સાથે એને પણ વનમાં લઈ જવાની જરૂરજ શી છે ? પુત્ર સહિત એને તો ઘર આગળજ રહેવા દે !”
વેસ્સંતરે કહ્યું: “માતા ! મારા પોતાના દેહ ઉપર પણ મારી કોઈ સત્તા નથી, ખાસ કરીને હાલ તો હું મારા ખરીદેલા એક ગુલામને પણ મારી સાથે જવાની ફરજ પાડી શકું એવી દશામાં નથી. માદ્રીની પોતાની મરજી મારી સાથે જંગલમાં આવવાની હોય તો ભલે આવે અને ઘેર રહેવાની ઈચ્છા હોય તો સુખેથી ઘર આગળ રહે.”
માદીકરાની આ પ્રમાણે વાતચીત ચાલી રહી હતી તે સાંભળીને રાજા સંજય પણ આગળ આવીને કહેવા લાગ્યા:―
“દીકરી માદ્રિ ! તમને તો રાજમહેલમાં રહીને ચંદન આદિ સુગંધી દ્રવ્ય શરીરે ચોળવાનો અભ્યાસ છે. અરણ્યમાં જઈ ધૂળથી શરીરને ખરડી નાખવાનો અભિલાષ શા સારૂ કરો છો ? તમે તો કાશીમાં બનેલા લાખ રૂપિયાનાં કિંમતી વસ્ત્ર પહેરનારાં છો, હવે વલ્કલ ધારણ કરવાની અભિલાષા શું કામ કરો છો ? વધૂ – માતા ! અરણ્યનો નિવાસ કાંઈ નાનાં છોકરાંની રમત નથી. સંસારત્યાગી અને દુઃખ વેઠવાના અભ્યાસી સાધુસંતોને તથા રાજ્ય તરફથી સજા પામેલા અપરાધીઓને પણ એ વસમો લાગે છે, તો તમારૂં શું ગજું ? તમે તો શરીર અને મન બન્નેમાં દુર્બળ છો, સહજ વાતમાં ભયભીત થઈ જાઓ છો, અરણ્ય એ તમારે યોગ્ય સ્થાન નથી; માટે મારી એજ સલાહ છે કે, તમે કુમારની સાથે ત્યાં જશો નહિ.”
માદ્રીએ ઉત્તર આપ્યો: “આર્ય ! આપ જે કાંઈ કહી રહ્યા છો તે બધું ખરૂં છે; પરંતુ હું સ્વામીથી વિખૂટી પડીને અંગ ઉપર તેલ, ફૂલેલ, ચંદન વગેરેનો લેપ કરવાની કે, કુમળી સુખશય્યામાં સૂવાની કે, લાખ રૂપિયાના મૂલ્યનાં કાશીનાં વસ્ત્રો પહેરવાની અભિલાષા જરાયે રાખતી નથી. હું તો સ્વામીની સાથે ધૂળવાળા રસ્તાઓમાં ફરવાનું, વલ્કલ ધારણ કરવાનું અને કંદ, મૂળ જે કાંઈ મળે તે ખાઈને, અરણ્યમાં ભોંય ઉપરજ સૂઈ રહેવાનું પસંદ કરૂં છું. એમાંજ હું પરમ સુખ માણું છું. મારે માટે તમે જરાયે ફિકર કરશો નહિ.”
મહારાજ સંજયે હવે માદ્રીને ભય બતાવવા માંડ્યો. “બેટા ! મારી વાત ધ્યાન દઈને સાંભળ. અરણ્ય એ આપણા રાજમહેલ જેવું નથી, ત્યાં તો ભમરા, મધમાખ, વીંછી વગેરે ઘણા જીવ છે જેના કરડ્યાથી બહુ વેદના થાય છે, એ ક્લેશ તમારાથી નહિ સહન થાય. વળી ત્યાં માણસને આખો ને આખો ગળી જાય એવા મોટા અજગર રહે છે. વળી ત્યાં કાળા અને મોટા મોટા વાળવાળાં રીંછ રહે છે. એક વાર નજરે પડ્યાં તો પછી ઝાડ ઉપર ચઢી ગયે પણ છૂટકો નથી. વળી ત્યાં એક નદીને કાંઠે સોયની અણી જેવાં તીણાં શીંગડાંવાળા પાડાઓ રહે છે. આટલી બધી આપત્તિઓમાંથી તમે તમારૂં રક્ષણ કેવી રીતે કરશો ? સંતાનનું મુખ જોયા વગર વાછરડું ખોવાઈ ગયું હોય એવી ગાયની પેઠે તમે વલખાં નહિ મારો કે ? દીકરિ ! અહીંયાં મહેલમાં બેઠે બેઠે કોઈ કોઈ વાર શિયાળની ચીસ સાંભળો છો, તો તમને મૂર્છા આવી જાય છે, તો પછી બંક પર્વત ઉપર જવું એ તમારે માટે કેવી રીતે સંભવિત છે ? બપોરે પક્ષીઓ એકઠાં થઈને કલરવ કરે છે, તેનો અરણ્યમાંથી જે પડઘો નીકળે છે તે ઘણોજ ભયાનક હોય છે. જે વનમાં આવા અનેક પ્રકારના ભયનાં કારણો હાજર છે ત્યાં તમે કેવી રીતે રહી શકશો ?”
માદ્રીએ ઉત્તર આપ્યો: “હે દેવ ! હે શિબિરાજ્યના અધીશ્વર ! અરણ્યમાં આપે વર્ણવેલી બધી આફતો હોવા છતાં પણ હું સ્વામીનું અનુગમન કરીશ અને એમ કરવાથી જેટલાં કષ્ટ પડશે તે બધાં ધીરજપૂર્વક સહન કરીશ. દેવ ! દુઃખ છોડીને ફક્ત સ્વામીના સુખમાંજ હું ભાગ પડાવું, તો પછી હું પતિની સહધર્મિણી કેવી રીતે થઈ શકું ? ગાઢા વનમાં થઈને જવાનો પ્રસંગ આવશે, ત્યારે હું સ્વામીની આગળ આગળ જઈશ અને ઘાસ તથા નાનાં નાનાં ઝાડવાંને સ્વામીના માર્ગમાંથી ખસેડીને આઘાં કરીશ. હું તેમની સગવડ પ્રત્યે નજર રાખીશ, એટલે સુધી કે કોમળ વેલ કે ઘાસનું તણખલું પણ એમને અડવા ન પામે તેની કાળજી રાખીશ. આર્ય રમણીને માટે સારા પતિનો સંયોગ એ દુર્લભ વસ્તુ છે. સારો પતિ મળે એટલા સારૂજ કન્યાઓ કર્તવ્યપરાયણ થઈને માબાપની સેવાચાકરી કરતી રહે છે. સદાચાર અને પવિત્રતાપૂર્વક નીતિનું પાલન કરે છે અને કાળજીપૂર્વક સારાં વસ્ત્રાભૂષણ ધારણ કરે છે. દેવ ! સ્ત્રીજાતિને માટે ભરથારહીન થવું એ અત્યંત મોટું દુઃખ છે, તો પછી આપ સમજુ થઈને પતિનું અનુકરણ ન કરતાં ઘેર બેસીને વિધવાના જેવું જીવન ગાળવાની મને સલાહ આપો છો ? હું બીજું એક દૃષ્ટાંત આપની આગળ રજૂ કરીશ. મનોહર પુલિનદ્વીપ અને સુંદર તટવાળી નદી હોય પણ જો એમાં જળ ન હોય, તો બધું વ્યર્થ છે. ઊંચા કોટ અને કિલ્લાઓ, પહેરેગીરો, ઉદ્યાન, સુંદર દરવાજાઓ, હવેલીઓ એ બધાથી સુશોભિત નગર હોય; પણ જો એમાં શાસન કરનારનો અભાવ હોય તો એ બધું ફોગટ છે. માણસની પાસે ધન અને કુળ બન્ને હોય પણ વિદ્યા ન હોય તો એ બન્ને વૃથા છે. માણસના શરીર ઉપર લાખો રૂપિયાનાં વસ્ત્રાભૂષણ હોય પણ જો તેનામાં સારી ચાલચલગત ન હોય તો એ બધું મિથ્યા છે, એટલું જ નહિ પણ રમણીને દશ ભાઈ હોવા છતાં જો એને સ્વામી ન હોય તો એનું જીવન વૃથા છે. વળી એક ઉદાહરણ આપને બતાવું છું. જેવી રીતે રથની શક્તિ જયપતાકા છે, અગ્નિની શક્તિ ધુમાડો છે, રાજ્યની શક્તિ રાજા છે, મનુષ્યની શક્તિ વિદ્યા છે તેમ રમણીની શક્તિ તેનો સ્વામી છે. આર્ય ! કોઈ પતિવ્રતા સ્ત્રી સ્વામીના સુખદુઃખમાં ભાગ પડાવે છે, ત્યારે દેવતાઓ, બ્રાહ્મણો અને સાક્ષાત્ ઇંદ્ર પણ એની પ્રશંસા કરે છે. હવેથી આપના પુત્ર ભગવાં વસ્ત્ર ધારણ કરશે, એટલે હું પણ એમની સાથે એવાં વસ્ત્ર ધારણ કરીને બધી ઋતુઓમાં તેમના દુઃખમાં ભાગ પડાવતી સાથે ને સાથે રહીશ. પર્વતમાં કે ખીણોમાં કોઈ ફાડી કે કરડી ખાનાર જાનવર આવશે, તો પહેલી હું આગળ થઈશ કે પહેલું મને મોત આવે. એકલી તો આ રાજ્યમાં રહીને આખા રાજ્યની શાસક થવાની પણ મારી મરજી નથી, આપના પુત્ર રાજ્ય કરતા હોત, તો જરૂર હું એ રાજ્યસુખમાં ભાગી બનત. જે રમણી સુખમાં તો સ્વામીની સાથે રહે પણ દુઃખમાં તેનો સંગ છોડી દે, તે રમણી પિશાચી અને રાક્ષસ જેવી નિકૃષ્ટ છે; માટે હું તો મારા સ્વામીની સહચારિણીજ થઈશ.”
મહારાજ સંજયે કહ્યું: “વધુમાતા ! સ્વામીની સુપત્નીરૂપે તેના સુખદુઃખની ભાગીદાર બનવા સંબંધી તમે જે જે દલીલો બતાવી તે બધી વ્યાજબી છે. એને લીધે તમને અરણ્યમાં જતાં રોકવાની મારી જરા પણ ઈચ્છા નથી, પણ મારાં આ બે ફૂલ જેવાં બાળકોનું શું ! તેમને માટે તો અરણ્ય યોગ્ય સ્થાન નથી જ. તમે એમને મારી પાસે જ રાખતાં જાઓ. તમારાં કરતાં પણ વધારે કાળજી અને લાડથી અમે એમને ઉછેરીશું.”
માદ્રીએ ઉત્તર આપ્યો: “પિતાજી ! આપનાં એ સંતાનોને હું પ્રાણ કરતાં પણ અધિક ચાહું છું. અરણ્યમાં વસતી વખતે, નગર અને રાજમહેલની વાસનાઓ મનમાં જાગી આવશે તે વખતે દુઃખને લીધે મરણતોલ દશા થઈ જશે. એવે સમયે આ સુકુમાર પ્યારાં બાળકોના સુખ સામું જોઈને હું દુઃખ વીસરી જઈશ અને શાંતિ મેળવીશ.”
પરંતુ રાજા સંજયનું ચિત્ત એટલાથી શાંત થયું નહિ, પૌત્ર– પૌત્રીની પ્રત્યે એમને વિશેષ સ્નેહ હતો; એટલે વનનાં દુઃખ ફરીથી ગણાવીને તથા અહીંયાં જે રાજવૈભવમાં બાળકો ઉછરી રહ્યાં છે તેની સાથે સરખાવીને ફરીથી એમને રાજમહેલમાંજ મૂકી જવા સારૂ માદ્રીને આગ્રહ કર્યો. તેના ઉત્તરમાં માદ્રીએ જણાવ્યું: “આર્ય ! આપ જરા પણ ચિંતા રાખશો નહિ. આપનાં પૌત્ર– પૌત્રીની દેખરેખ હુંજ રાખીશ. મને જે કાંઈ ખાવાપીવાનું અને પહેરવાઓઢવાનું મળશે તે પહેલાં એમને આપીને પછી હું કામમાં લઈશ. એમને કોઈ પણ જાતની અડચણ ન પડે તે માટે હું ખાસ કાળજી રાખીશ.”
સસરા અને પુત્રવધૂ માદ્રી વચ્ચે આ પ્રમાણે વાતચીત થતાં થતાં આખી રાત વીતી ગઈ અને પ્રભાત થવા આવ્યું. એ વખતે ચાર ઘોડા જોડેલો રથ મહારાજા સંજયના મહેલને બારણે આવીને વાટ જોતો હતો. માદ્રીદેવી વિનયપૂર્વક સાસુસસરાને પગે પડી, વિદાય માગીને તથા દાસીઓ સાથે છેવટની થોડી મીઠી વાતો કરીને, બાળકોને સાથે લઈ રાજમહેલમાંથી વિદાય થઈ અને રાજા વેસ્સંતરના પણ પહેલાં રથમાં બેસી જઈ તેની વાટ જોવા લાગી.
ત્યાર પછી રાજકુમારે પણ બહુ સન્માનપૂર્વક જનકજનનીની પ્રદક્ષિણા કરીને એ રથમાં પ્રવેશ કર્યો અને બંક પર્વત ભણી પ્રયાણ કર્યું. હજારો દાસદાસીઓ તેમને વળાવવા સારૂ ગયાં.
માદ્રીદેવીના જીવનનો ઉત્તરાર્ધ પણ બોધજનક છે. પવિત્ર સીતાદેવીના ઉચ્ચ ચરિત્રે, પતિભક્તિનો કેવો સુંદર અને ઉજ્જવલ આદર્શ આર્યરમણીઓ આગળ મૂક્યો છે અને સંસ્કારી પતિવ્રતા રમણીઓના જીવનમાં એ ઉચ્ચ આદર્શનું કેવી ખૂબી સાથે પુનરાવર્તન થતું રહ્યું છે, તે આ ચરિત્રના અવલોકન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
વનયાત્રામાં યાચકોએ રાજકુમાર પાસેથી રથ પણ માગી લીધો, એટલે વેસ્સંતરે જલિ નામના પુત્રને તેડી લીધો અને રાણી માદ્રીએ કણ્હાજિના નામની પુત્રીને કેડે બેસાડી. પતિપત્નીએ પગે ચાલીને મુસાફરી કરવા માંડી અને બંક પર્વત ઉપર પહોંચીને એક રમ્ય સ્થાનમાં સુંદર પર્ણકુટિ બાંધીને નિવાસ કરવા લાગ્યાં.
એ પ્રમાણે ઘણો સમય વીતી ગયો. એક દિવસ પતિવ્રતા માદ્રીદેવી પતિને સારૂ સવારના પહોરમાં ફળ, કંદમૂળ તથા પુષ્પ લાવવા સારૂ ગઈ હતી. એવામાં જૂજક નામના એક બ્રાહ્મણે આવીને રાજકુમારને પ્રાર્થના કરી કે, “હું વૃદ્ધ બ્રાહ્મણ છું. મારી પત્નીને દાસદાસીની જરૂર છે, આપ આપનાં પુત્રપુત્રીને આપો તો મારૂં ઘડપણ સચવાય.”
વેસ્સંતર ના કહેવાનું શીખ્યાજ ન હતા. તેમણે બન્ને બાળકો તરતજ બ્રાહ્મણને સોંપી દીધાં. માદ્રીદેવી ફળમૂળ વીણીને આશ્રમમાં આવી, ત્યારે એણે સંતાનને જોયાં નહિ. આકુળવ્યાકુળ થઈને તેણે પતિને સમાચાર પૂછ્યા, પણ તેમણે તો મૌનવ્રત લીધું હતું. રડતી કકળતી રાણી જંગલમાં બાળકોની શોધ કરવા લાગી. એના વિલાપથી અરણ્યવાસી પશુઓનાં હૃદય પણ પીગળ્યાં.
બીજે દિવસે પતિએ પત્નીને બાળકોના દાન સંબંધી ખરી હકીકત કહી, ત્યારે એ શાંત ચિત્તની સતીએ એટલું જ કહ્યું કે, “આપે બાળકોનું દાન કર્યું તેમાં મારી પૂર્ણ સંમતિ છે, પણ આ વાત આપે મને કાલેજ કેમ ન કહી ?”
વેસ્સંતરના દાનની પ્રશંસા સાંભળીને ઇંદ્રને ઘણો ડર લાગવા માંડ્યો કે, આ રાજા પત્નીને પણ કાંઈ દાનમાં ન આપી દે. એકવાર ઈંદ્રે સાધુનો વેશ ધારીને એની કુટિરમાં પ્રવેશ કર્યો અને સદ્ગુણી ભાર્યા માદ્રી દાનમાં માગી.
વેસ્સંતરે તરતજ સાધુવેશધારી ઈંદ્રના હાથમાં પાણી મૂકીને પત્નીનું દાન કર્યું. ઈંદ્રે પ્રસન્ન થઈને પોતાનો વેશ બદલીને ખરૂં સ્વરૂપ ધારણ કરીને જણાવ્યું: “મહારાજ ! આ પતિવ્રતા માદ્રી દેવી હવે મારાં થઈ ચૂક્યાં, પણ એક અનામત વસ્તુ તરીકે હું એમને તમારી પાસે મૂકી જાઉં છું. તેનું સારી પેઠે પાલન કરજો અને હવે બીજા કોઈને એમનું દાન કરવાનો આપનો હક્ક નથી રહ્યો એ ધ્યાનમાં રાખશો.”
થોડા સમય પછી જૂજક બ્રાહ્મણની મારફતે રાજકુમારના નિવાસના ખબર મળ્યા અને એ પોતાના પ્રધાન સાથે બંક પર્વત ઉપર જઈને પુત્ર તથા પુત્રવધૂને તેડી લાવ્યા.
કહેવાય છે કે, વેસ્સંતર એ પૂર્વાશ્રમના બોધિસત્ત્વ હતા અને એ જન્મમાં પ્રિયપત્ની અને બાળકોનું દાન કરીને ‘દાનપારમિતા’ ગુણનો અભ્યાસ કર્યો હતો.
દેવી માદ્રી (મદ્દી)નું જીવન ખરેખર બોધક અને પ્રશંસાને પાત્ર છે.*[૧]
- ↑ શ્રીયુત ગજેંદ્રલાલ ચૌધરીના ‘શ્વસુર ઓ પુત્રવધૂ’ નામના લેખ તથા આચાર્ય કૌશામ્બીના ‘બુદ્ધલીલાસારસંગ્રહ’ ઉપરથી.