કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ખેમા (ક્ષેમા)

વિકિસ્રોતમાંથી
← શુક્લા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ખેમા (ક્ષેમા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઉત્પલવર્ણા →


२०–खेमा (क्षेमा)

દ્ર દેશમાં સાગર નામક નગરમાં રાજાના ઘરમાં એનો જન્મ થયો હતો. જન્મથીજ તેના અંગની કાંતિ સુંદર હતી. માતપિતાની એ ઘણી લાડકી હતી. વિવાહ યોગ્ય વયની થઈ ત્યારે એનું સૌંદર્ય ઘણું ખીલી નીકળ્યું અને એના રૂપની પ્રશંસા સાંભળીને અનેક ક્ષત્રિય રાજકુમારો તેની સાથે લગ્ન કરવાનો અભિલાષ રાખવા લાગ્યા. તેમણે મદ્રાધિપતિની પાસે માગાં પણ મોકલવા માંડ્યાં. કોસલ દેશના લોકપ્રિય રાજા બિંબિસારે પણ ખેમાનું માગું મોકલ્યું.

રાજા બિંબિસાર બુદ્ધદેવનો પરમ ભક્ત હતો. ઘર છોડી અરણ્યમાં નીકળી પડ્યા પછી રાજગૃહ નગરમાં એ રાજા સાથે બુદ્ધદેવનો મેળાપ થયો હતો અને એમણે બોધિસત્વને સમજાવીને પાછા સંસારમાં મોકલવાનો પ્રયત્ન કર્યો હતો; પણ બુદ્ધદેવે પોતાનો પરિચય આપીને ઘરબાર છોડવાનો ઉદ્દેશ જણાવ્યો કે, “હું મનુષ્યજાતિનાં દુઃખોને શમાવવાનો ઉપાય શોધી કાઢવા માગું છું.” ત્યારે એમણે એમને જવા દીધા અને પ્રાર્થના કરી કે, “રાજકુમાર ! તમને જગતના ઉદ્ધારનો માર્ગ જડી આવે તો સૌથી પહેલાં તમારે મારૂં વિહાર–દાન સ્વીકારવું પડશે.” સારાંશ એ કે ગૌતમ બુદ્ધના પ્રથમ શ્રાવક તરીકે તેની ગણતરી હતી. એવા યોગ્ય રાજાના માગાથી પ્રસન્ન થઈ મદ્રરાજે પોતાની ગુણવતી કન્યા એને આપી. ક્ષેમા હવે કોસલેશ્વરની પટરાણી બની.

ક્ષેમાના સુખનો હવે પાર રહ્યો નહિ. યોગ્ય પતિને પ્રાપ્ત થયાથી એના સદ્‌ગુણોનો પણ વિકાસ થયો. સાંસારિક સુખમાં એનાં કેટલાંક વર્ષ વીતી ગયા પછી, બુદ્ધદેવ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પોતાના એક હજાર શિષ્ય સહિત રાજગૃહ પધાર્યા. રાજા બિંબિસાર તેમનાં દર્શને ગયા અને આગ્રહપૂર્વક ભગવાનને પોતાને ઘેર ભોજન કરવા નિમંત્રણ કરી આવ્યા. બુદ્ધદેવ રાજમહેલમાં પધાર્યા ત્યારે બિંબિસાર રાજાએ વેળુવન નામનો પોતાનો સુંદર બગીચો તથા વિહાર બુદ્ધદેવને તથા ભિક્ષુસંઘને અર્પણ કરી દીધાં. બુદ્ધદેવે એ વેળુવનમાં ઘણા સમય સુધી નિવાસ કર્યો હતો. ક્ષેમાએ બુદ્ધદેવના ગુણની તથા એમના ઉપદેશની ઘણી પ્રશંસા સાંભળી હતી; પણ કોઈ દિવસ એમનાં દર્શને ગઈ નહોતી. કારણ એ હતું કે ક્ષેમાને પોતાના સૌંદર્યનું ઘણું અભિમાન હતું. બુદ્ધદેવને સૌંદર્ય પ્રત્યે અભિરૂચિ નહોતી, એટલું જ નહિ પણ એ પોતાના ભાષણોમાં સૌંદર્યના ઘણા દોષ બતાવતા. આથી એને શંકા રહેતી કે, “મારા રૂપની સૌ કોઈ પ્રશંસા કરે છે પણ ભગવાન એમાં કાંઈ ખોડખાંપણ કાઢશે તો !” એ વિચારથી જ્યારે વેળુવનમાં જવાનો પ્રસંગ આવતો, ત્યારે કાંઈ ને કાંઈ બહાનું કાઢીને એ વાતને ઉડાવી દેતી.

બીજી તરફ રાજા બિંબિસારને એવો વિચાર આવ્યો કે, “હું બુદ્ધદેવનો પરમ ભક્ત, ગુરુદેવ મારા ઉપર કૃપા કરીને મારા ઉદ્યાનમાં બિરાજે છે અને મારી પટરાણી એમનાં દર્શને પણ ન જાય એ કેવું અયોગ્ય ગણાય ? કોઈ પ્રકારે એવી યુક્તિ કરવી જોઈએ કે જેથી પટરાણીના મગજમાંથી સૌંદર્યની ખુમારી જતી રહે અને ગૌતમ બુદ્ધ તરફ તેને ભક્તિ ઉત્પન્ન થાય.”

આખરે એણે એક યુક્તિ શોધી કાઢી. તેણે પોતાના દરબારમાંના ભાટચારણોને બોલાવીને કહ્યું કે, “તમે વેળુવનના સૌંદર્યનું વર્ણન મધુરી કવિતામાં રચો અને મીઠે સ્વરે રાણીને કાને પડે એવી રીતે ગાઓ.”

ભાટે તે પ્રમાણે કર્યું. વેળુવન મૂળ તો હતું જ રળિયામણું સ્થાન ને તેનું વળી કવિતામાં રૂપાંતર થયું. સંગીત અને પ્રભાવશાલી કવિતાની અસર પાષાણ હૃદય ઉપર પણ થાય છે. ભાટને મુખેથી વેળુવનની પ્રશંસા સાંભળીને રાણીને એ સુંદર ઉદ્યાન જોવાની ઉત્કંઠા થઈ અને તેણે રાજાની પરવાનગી માગી. રાજાને તો એટલું જોઈતું જ હતું. તેણે પ્રસન્ન થઈને રજા આપી અને કહ્યું કે, “એટલું ધ્યાનમાં રાખજો કે વેળુવન સુધી જાઓ છો તો પછી ભગવાન બુદ્ધદેવનાં દર્શન કર્યા વગર પાછાં નહિ અવાય.”

ક્ષેમાએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. રાજાએ પોતાના નોકરોને કહી રાખ્યું હતું કે, “રાણી પોતાની ખુશીથી બુદ્ધદેવના દર્શને જાય તો ઘણી સારી વાત નહિ તો તમે એમને કહેજો કે, ‘અમને રાજાની આજ્ઞા આપને દર્શન કરવા સારૂ લઈ જવાની છે.’ ગમે તે પ્રકારે દર્શન કરાવીનેજ લાવજો.”

રાતદિવસ અંતઃપુરમાં રહેનારી એ રમણીય બાગને જોઈને ઘણી પ્રસન્ન થઈ. એના ચિત્તને ઘણી શાંતિ વળી. પક્ષીઓના મધુર ગાનથી એના કાનને તૃપ્તિ થઈ. પુષ્કળ ચાલ્યા છતાં એને જરાયે થાક જણાયો નહિ, પાછા ફરતી વખતે નોકરો એને એવે રસ્તે લાવ્યા કે જ્યાં બુદ્ધદેવ બિરાજતા હતા. બુદ્ધદેવે તેને પોતાની તરફ આવતી જોઈને પોતાની ઋદ્ધિના બળ વડે એક સ્વર્ગીય સૌંદર્યની પૂતળી ઊભી કરી. એ પૂતળી હાથમાં પંખા લઈને બુદ્ધદેવને વાયુ નાખી રહી. ક્ષેમાદેવીને એ દૃશ્ય જોતાં વારજ વિચાર આવ્યો કે, “મારા કરતાં અનેકગણી સૌંદર્યવતી આ સુંદરી બુદ્ધદેવની સેવા કરી રહી છે અને હું તો એમનાં દર્શન સુધ્ધાંત કરવા ગઈ નથી, ધિક્કાર છે મારા જીવતરને.” ક્ષણમાત્રમાં એના રૂપનો ગર્વ જતો રહ્યો. આટલું વિચારતાં જ તેની વૃત્તિઓ બહારના સુખ ઉપરથી ઊઠીને અંતર્મુખી થઈ. તે બુદ્ધદેવની પાસે જઈને પગે લાગી. થોડી વારમાં તેણે જોયું કે પેલી તરુણ સ્ત્રી મધ્યમ અવસ્થાને પ્રાપ્ત થઈ છે. વળી થોડી વાર પછી તેને ઘરડી ડોશી બનેલી જોઈ. તેનું રૂપ નાશ પામી ગયું હતું, અંગ ઉપર કાંતિ નહોતી, વાળ ધોળા થઈ ગયા હતા, શરીર કદ્રૂપું થઈ ગયું હતું, બળ રહ્યું નહોતું, દાંત પડી ગયા હતા, કમર વળી ગઈ હતી, થોડી વાર પછી તેણે જોયું તો એ ડોશી મરણ પામેલી.

અભિમાનમાં છકેલી પોતાના રૂપ આગળ સંસારને તુચ્છ ગણનારી ક્ષેમાને વિચાર આવ્યો: “શું મારા શરીરની પણ છેવટે આજ ગતિ થશે ? હું કેવી મૂર્ખ છું કે, અજ્ઞાનમાં આટલું બધું આયુષ્ય ગુમાવ્યું.” હવે તેણે બુદ્ધદેવનું શરણ લીધું. બુદ્ધદેવે તેને ઉપદેશ આપીને ધર્મનું રહસ્ય સમજાવ્યું. ક્ષેમા તીવ્ર બુદ્ધિની અને વિદુષી તો હતી જ. અહંકારનાં પડળ ઊતરી જવાથી હવે એને જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરતાં વાર ન લાગી. થોડા સમયમાં તેને સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો અને તેણે વિધિપૂર્વક થેરી પદ ગ્રહણ કર્યું. થેરી થઈને તેણે એક ગાથા ગાઈ કે, “જે પ્રમાણે પોતે તૈયાર કરેલા જાળામાં કરોળિયો ફસાય છે, તે પ્રમાણે ઐહિક સુખને વળગી રહેનારા લોકો જન્મમરણના ફેરામાં પડે છે; પણ અનપેક્ષી લોકો એ પ્રવાહમાંથી પાર ઊતરીને પ્રવજ્યા ગ્રહણ કરીને કામથી ઉત્પન્ન થનારા સુખનો નાશ કરે છે.” ત્યાર પછી અર્થ, ધર્મ, નિરુક્તિ અને પ્રતિભાન એ ચાર પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત કર્યા. ‘પટિસંભિદા શાસ્ત્ર’માં પૂર્ણ સાક્ષાકાર થયા પછી તેણે ‘અર્હંત્’ ૫દ પ્રાપ્ત કર્યું અને બુદ્ધદેવની ઈચ્છાનુસાર પ્રવજ્યા લેવા સારૂ પતિની આજ્ઞા મેળવવા ગઈ.

રાજા તેને જોતાંજ સમજી ગયો કે, રાણી ‘અર્હંત્’ પદને પામી છે, છતાં પૂછયું: “કેમ, બુદ્ધદેવનાં દર્શન કરી આવ્યાં ?”

રાણીએ કહ્યું: “આ૫ ભગવાન બુદ્ધનાં દર્શન કરવા વારંવાર જાઓ છો, પણ તે ઉપરચોટિયાજ. મેં તેમનાં દર્શન પૂર્ણરૂપે કર્યાં છે અને આપના કરતાં વધારે સારી રીતે એમને ઓળખી શકી છું, મહારાજ ! મને પ્રવજ્યા લેવાની રજા આપો.”

કેવો પરીક્ષાનો દિવસ ! અસાધારણ રૂપવતીને સ્નેહાળ પતિનો સદાને માટે ત્યાગ કરવાનો પ્રસંગ છે ! રાજાએ “દેવી, ઘણું સારૂં” કહી તરતજ રજા આપી અને એક સોનાના મ્યાનામાં બેસાડીને ભિક્ષુણી સંઘના નિવાસસ્થાનમાં મોકલી આપી. બુદ્ધદેવે તેના ગુણની પરીક્ષા કરીને ‘મહાપ્રજ્ઞાવર્તી’ની ઉપાધિથી તેને વિભૂષિત કરી.

થેરી થયા પછી પણ અસાધારણ રૂપલાવણ્યને લીધે તેને કુમાર્ગે લઈ જવાના ઘણા પ્રયત્ન પાપીઓ તરફથી થયા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની લાલચમાં ફસાયા વગર એણે શુદ્ધ બ્રહ્મચર્યયુક્ત સાત્ત્વિક જીવન ગાળ્યું હતું.

થરી ગાળામાં ૧૩૯ થી ૧૪૪ સુધીના શ્લોક તેના રચેલા છે. બુદ્ધદેવે તેની ગણના આદર્શ ભિક્ષુણીઓમાં કરી છે.