કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/શુક્લા
← કુવલયા | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો શુક્લા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
ખેમા (ક્ષેમા) → |
१९–शुक्ला
કપિલવસ્તુ નગરમાં શુક્લા નામની એક ઘણી સુંદર અને ગુણવતી નારી રહેતી હતી. એ બૌદ્ધધર્મ પાળતી હતી. એક તો તેનું સૌંદર્ય અપૂર્વ હતું અને બીજું એ કે એ પોતાના પિતાની અઢળક દોલતની એ એકલી વારસ હતી. એવી સુંદરીનું પાણિગ્રહણ કરવાને અનેક રાજકુમારો ઉત્સુક રહેતા હતા, પરંતુ શુક્લાના કાન ઉપર બચપણથીજ બુદ્ધદેવના નિર્વાણધર્મ અને વૈરાગ્યતત્ત્વનો અમૃતમય ઉપદેશ પડી ચૂક્યો હતો. પિતાના અતુલ વૈભવનો ત્યાગ કરીને તેણે થોડા સમયમાં આદર્શ તપસ્વિની તરીકે પ્રસિદ્ધિ મેળવી. બૌદ્ધધર્મમાં એવી દંતકથા ચાલે છે કે તપસ્યા કરતાં કરતાં એણે એવી ઉન્નતિ કરી હતી કે તે આખરે ‘અર્હત્’ પદ પામવાને ભાગ્યશાળી થઈ હતી. તેનું ઊંડું તત્ત્વજ્ઞાન તથા તેનો મધુર સારરૂપ ઉપદેશ સાંભળ્યાથી અનેક રાજકુમારોની મોહનિદ્રા ઊડી ગઈ હતી. બૌદ્ધશાસ્ત્રમાં તેનું અગાધ પાંડિત્ય હતું. તેની વિદ્વત્તા જોઈને મોટા મોટા બ્રાહ્મણ પંડિતો પણ આશ્ચર્યચકિત થઈ જતા. અધ્યયન, અધ્યાપન, તપ, દાન અને અતિથિસત્કાર આદિ સત્કાર્યોમાં રાતદિવસ નિમગ્ન રહીને શુક્લા માનવજીવનનું સાર્થક કરી ગઈ છે.