કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ચંદા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પટાચારા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ચંદા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વાશિષ્ઠી →


६५–चंदा

ક અત્યંત દરિદ્ર બ્રાહ્મણના ઘરમાં તેનો જન્મ

થયો હતો. એક વખત એના ગામમાં કોઈ ચેપી રોગ પ્રસર્યો અને તેનાથી તેના માતાપિતા વગેરે સર્વે સગાંસંબંધી મરણ પામ્યાં. ચંદા પાસે ઉદરનિર્વાહનું બીજું કોઈ સાધન નહિ હોવાથી, તેણે ભિક્ષાવૃતિનો આશ્રય લીધો. એક દિવસ પરમ સાધ્વી પટાચારા ભોજન કરીને પોતાની શિષ્યાઓ સહિત બેઠી હતી, ત્યાં ચંદા આવીને ઊભી, તેની કંગાલ અવસ્થા જોઇને પટાચારાની શિષ્યાઓને દયા ઉપજી અને તેમણે પોતાના ભાગમાંથી બચેલું ભોજન તેને આપ્યું. તેમના આવા પરોપકારી આચરણથી ચંદા ઘણી પ્રસન્ન થઈ અને તેમને વિનયપૂર્વક નમસ્કાર કરીને તેમની પાસે એક કોરાણે જઈને બેઠી.

એ વખતે થેરીઓમાં શાસ્ત્રસંબંધી ચર્ચા ચાલી રહી હતી. ચંદાને ધર્મશાસ્ત્રની વાતમાં ઘણો રસ પડ્યો. તેને પણ જીવનમરણના ફેરામાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા થઈ અને એ ઈચ્છા પૂર્ણ કરવાના ઈરાદાથી સંસારનો ત્યાગ કરીને તેણે ભિક્ષુણી વ્રતને અંગીકાર કર્યું. પટાચારા જેવી વિદુષી અને પરમ જ્ઞાની સાધ્વીના રાતદિવસના સમાગમથી તથા તેના અમૃતમય ઉપદેશથી ચંદાને થોડા સમયમાં અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યાર પછી યથાર્થ સમયે તે અર્હંત્‌પદને પામી.

‘થેરીગાથા’માંના ૧૨૨ થી ૧૨૬ સુધીના શ્લોકો ચંદાના રચેલા છે.