કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ધર્મદિન્ના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સંઘા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ધર્મદિન્ના
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મુક્તા (મુત્તા–બીજી) →
२९–धर्मदिन्ना

ગલા ચરિત્રમાં રાજા બિંબિસારનો કાંઈ પરિચય અમે આપી ગયા છીએ. એ રાજાને એક પરમ ઈષ્ટ મિત્ર હતો. તેનું નામ વિશાખ હતું. વિશાખ બુદ્ધદેવનો પરમ ભક્ત હતો અને એ ધર્મના માર્ગમાં એણે સારી ઉન્નતિ કરી હતી. ધર્મદિન્ના એ પરમ શ્રદ્ધાવાન ઉપાસકની સહધર્મચારિણી હતી. સદ્‌ભાગ્યે તેનો પતિ જેવો શ્રદ્ધાળુ અને ભક્ત હતો તેવો જ પ્રેમી પણ હતો, ધર્મદિન્ના પણ પરમ સુંદરી, વિદુષી અને સદાચારી હાવાથી એ પ્રેમને પાત્રજ હતી. પતિ પત્ની એકબીજા પ્રત્યેના અપૂર્વ પ્રેમની સાંકળથી બંધાયલાં હતાં. રાતદિવસ પતિને પ્રસન્ન રાખવો, એને પ્રિય હોય એવાં કાર્ય કરવાં, મધુરી વાતો કરીને એના કાનને તૃપ્ત કરવા એજ તેના જીવનનો એક માત્ર ઉદ્દેશ હતો. હજુ સુધી ધર્મદિન્નાને બુદ્ધ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થઈ નહોતી. વિશાખ પણ પત્નીની સ્વતંત્રતામાં આડે આવે એવો પતિ નહોતો. એણે પરાણે બુદ્ધદેવનો ધર્મ પાળવવાની પત્નીને આજ્ઞા ન આપી. એને ખાતરી હતી કે ધર્મદિન્ના મારી આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરે એવી નથી. એને પોતાને બુદ્ધદેવની શક્તિનું ભાન થશે એટલે એ એમનાં દર્શન કરવાની ઈચ્છા કરશે. વિશાખના મન ઉપર ધીમે ધીમે બુદ્ધદેવના ઉપદેશની વધારે ને વધારે અસર થવા માંડી. એ એમનો શિષ્ય બન્યો અને આધ્યાત્મિક માર્ગમાં એક એક પગથિયું આગળ ચડતો ગયો. જેમ જેમ ધર્મની પ્રાપ્તિ થતી ગઈ તેમ તેમ સંસારની આસક્તિ ઓછી થતી ગઈ; છતાં પણ પોતાની સ્નેહાળ પત્નીને ઓછું ન આવે તેને માટે એ બનતો પ્રયત્ન કરતો. ધર્મ સાધતાં સાધતાં એ ત્રીજે પગથિયે, અર્થાત્‌ અનાગામિ ફળ ઉપર પહોંચવા આવ્યો. એ સ્થિતિએ પહોંચનારને જન્મમરણનું દુઃખ ટળી જાય છે.

એ સ્થિતિમાં વિશાખ એક દિવસ બુદ્ધદેવની મધુર વાણી સાંભળીને ઘેર આવ્યો. પ્રેમમૂર્તિ ધર્મદિન્ના પતિના આવવાની વાટ જોતી દાદરમાં સામી મળી, પણ આજે વિશાખે તેને પ્રેમપૂર્વક બોલાવી નહિ. દરરોજના નિયમનો આજ ભંગ થતાં તેણે કોમળ સ્વરે પતિને પૂછ્યું: “વહાલા ! આજે તમે મારી સાથે વાતચીત કેમ ન કરી ? આજ મને આલિંગન કેમ ન આપ્યું ? શું આજ મારાથી કાંઈ અપરાધ થચો છે ?”

વિશાખે ઉત્તર આપ્યો: “દેવિ ! તારો કાંઈ અપરાધ થયો નથી; પરંતુ આજથી હું સ્ત્રીને સ્પર્શ કરવાને તથા સ્વાદિષ્ટ ભોજન કરવાને યોગ્ય રહ્યો નથી. જે નવા આશ્રમમાં મેં પ્રવેશ કર્યો છે, તેમાં એ બધા ભોગવિલાસનો નિષેધ છે. તને યોગ્ય લાગે તે પ્રમાણે કર. આ ઘરમાં રહેવું હોય તો એ તારૂં છે, ખુશીથી રહે. પિતાને ઘેર જવાની ઈચ્છા હોય તો મારી ના નથી. જેટલું દ્રવ્ય તથા દાગીના લઈ જવા હોય તેટલા લઈ જા.” ધર્મદિન્નાની સહનશીલતાની હદ આવી રહી. જે પતિની જિંદગીપર્યંત સેવા કરી રહી હતી, જેના પ્રેમમાં એ ગાંડીઘેલી બનીને આ લોક અને પરલોકને પણ વીસરી ગઈ હતી તે આજે આવા શબ્દો કાઢે ! તેણે વિનયપૂર્વક કહ્યું: “વહાલા ! મારાથી એ બેમાંથી એક પણ માર્ગ ગ્રહણ થવાનો નથી. મને ધન, ૨ત્ન તથા વૈભવનો મોહ નથી. આપની પાછળ એ બધું હતું. આપ મારો ત્યાગ કરીને સાધુ બનવા તૈયાર થયા છો, તો હું પિયેરમાં જઈને વૈભવ ભોગવું એ અસંભવિત છે. આપ મને પણ પરવાનગી આપો. હું પણ સંસારનો ત્યાગ કરીને બુદ્ધદેવનું શરણ લઈશ અને ધર્મમાર્ગની પ્રવાસી બનીશ.”

વિશાખે કહ્યું: “તારી ઇચ્છા વ્યાજબી છે. હું પ્રસન્ન ચિત્તે તને ભિક્ષુણી બનવાની રજા આપું છું.” એ પ્રમાણે કહીને સુવર્ણના મ્યાનામાં બેસાડીને તેણે ધર્મદિન્નાને ભિક્ષણીઓના મઠમાં મોકલી, ત્યાં આગળ તેણે દીક્ષા લીધી. ત્યાં રહ્યા છતાં પણ એને પતિપ્રેમ અને પતિસુખમાં ગાળેલા આનંદમય દિવસોનું સમરણ થઈ આવતું. એ સ્મરણો પોતાના નવા આશ્રમને નહિ છાજે અને આધ્યાત્મિક ઉન્નતિની આડે આવશે એમ ધારી એણે પોતાની ઉપદેશિકા તથા બીજી થેરીઓને કહ્યું: “બહેનો ! આવી ભીડવાળી જગ્યામાં રહેવાથી મારા આત્માને શાંતિ મળતી નથી. મને એકાંતવાસ ઘણો પ્રિય છે; માટે આપ રજા આપો તો હું કોઈ નાના સરખા ગામડામાં જઈ વસું.”

ભિક્ષણીઓએ તેને એકાંત સ્થળમાં મોકલી આપી. એ શાંત, એકાંત અને રમણીય સ્થળમાં ધર્મદિન્નાને ઘણો આનંદ આવ્યો. ધ્યાન ધરવાને માટે એવાંજ સ્થળો અનુકૂળ હોય છે. ત્યાં આગળ એણે ઇંદ્રિયોની વૃત્તિનું દમન કરવાનો અભ્યાસ કર્યો. ધ્યાન ધરતાં ધરતાં એ થોડા સમયમાંજ ‘અર્હત્‌’ પદને પામી. જન્મમરણના ચક્રમાંથી એ બચી ગઈ. ત્યાર પછી એણે વિચાર કર્યો કે, “મારે અહીંયાં એકાંત સ્થળમાં જીવન ગાળવું વૃથા છે. હવે હું કોઈ મોટા નગરમાં જાઉં તોપણ મારું ચિત્ત ચળે એમ નથી તથા મારા સંત્કાર્યમાં વિઘ્ન આવી શકે એમ નથી; બલ્કે રાજગૃહમાં ગયાથી હું બુદ્ધદેવના ચરણની સેવા કરી શકીશ અને મારાં સગાંસંબંધીઓ તથા અજ્ઞાનપાશમાં પડેલી મારી ભગિનીઓને ઉપદેશદ્વારા લાભ પહોંચાડીશ.” એવા શુભ ઉદ્દેશથી એ ૨ાજગૃહ નગરમાં ગઈ. ત્યાં ગયા પછી તેના પતિ વિશાખને ખબર પડી કે ધર્માદિન્ના પાછી આવી છે. એના મનમાં શંકા થઈ કે, “જન્મથીજ સુખ અને વૈભવમાં ઉછરેલી હોવાથી એનાથી ભિક્ષુણીવ્રતના સખ્ત નિયમો નહિ પળાયા હોય અને એ કંટાળીને અહીં મારી પાસે આવી હશે.” એ એને મળવા સારૂ ગયો અને એકાંતવાસમાંથી પાછા ફરવાનું કારણ પૂછ્યું. તેના ઉત્તરમાં જ્યારે ધર્મદિન્નાએ પોતાનો હેતું સમજાવ્યો ત્યારે એ ઘણો પ્રસન્ન થયો. પછી એણે પત્નીના ધર્મજ્ઞાનની પરીક્ષા લેવા સારૂ ધર્મજ્ઞાન સંબંધી કેટલાક પ્રશ્નો પૂછ્યા. જેટલી સહેલાઈથી કોઈ કમળના દાંડાને છરી વડે કાપી નાખે તેટલી જ સહેલાઈથી ધર્મદિન્નાએ પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર ઘણી સરળતાથી અને જલદીથી આપ્યો; ધર્મના પાંચ થાંભલા (રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન) હોય છે તે સમજાવ્યું. ધર્મના ત્રણ માર્ગ સંબંધી પ્રશ્નના ઉત્તર આપ્યા અને પછી આગળ પોતાના અધિકાર ઉપરાંત વિશાખ પ્રશ્ન કરવા ગયો, ત્યારે ધર્મમાર્ગમાં આગળ વધેલી ધર્મદિન્નાએ સમજાવ્યું કે, “આયુષ્યમન્‌ વિશાખ ! આપની જ્ઞાનેંદ્રિયથી અગોચર એવા પ્રશ્નોના ઉત્તર તમને આપવાની મારામાં શક્તિ નથી, દાખલા તરીકે નિર્વાણ, બ્રહ્મચર્યનાં કર્તવ્ય, નિર્વાણ પછી શું થાય છે ? નિર્વાણમાં અંતે સુખ શું મળે છે ? વગેરે પ્રશ્નોના ખુલાસા કરવા એ અઘરૂં છે. તમે ભગવાન બુદ્ધદેવની પાસે જઈને ને એ પ્રશ્નો કરે અને એ જે ઉત્તર આપે તે ચિત્તમાં ઠસાવો.”

વિશાખે સઘળો વૃત્તાંત બુદ્ધદેવની આગળ કહી સંભળાવ્યો. એ વૃત્તાંત સાંભળીને બુદ્ધદેવ ઘણાં પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, “મારી એ છોકરીના મનમાં ભૂત, વર્તમાન કે ભવિષ્યકાળના થાંભલાઓની તૃષ્ણા નથી.” એમ કહીને તેમણે ધર્મની એક ગાથા સંભળાવીઃ “જેને ભવિષ્ય, ભૂત કે વર્તમાન કોઈ પણ કાળના બંધનો સાથે સંબંધ નથી, તેનેજ અકિંચન કહે છે. જે કોઈ એવા અર્થમાં અકિંચન અને નિરાસક્ત હોય છે, તેને જ હું બ્રાહ્મણ કહું છું.” બુદ્ધદેવે ધર્મદિન્નાના જ્ઞાનની ઘણી પ્રશંસા કરીને કહ્યું: “વિશાખ ! ઉપાસિકા, ભિક્ષુણી ધર્મદિન્ના ઘણી મોટી પંડિતા અને મહા પ્રજ્ઞાવતી છે. તું મારી પાસે પૂછવા આવ્યો હોત તો હું પણ તને ધર્મદિન્નાએ આપ્યા છે, એજ ઉત્તર આપત. તેણે જે અર્થ કહ્યો છે તે ખરો છે. તેનેજ તું ધ્યાનમાં રાખજે.”

ત્યાર પછી એક દિવસે જેતવનમાં શાસ્તા (બુદ્ધદેવ) બિરાજ્યા હતા. ભિક્ષુણીસંઘ ત્યાં એકઠો થયો હતો. ભિક્ષુણીઓને તેમની યોગ્યતા પ્રમાણે જુદા જુદા વર્ગમાં બુદ્ધદેવ ગોઠવી રહ્યા હતા. બૌદ્ધધર્મના નવે અંગમાં ધર્મદિન્ના પ્રવીણ હતી. જીવાત્મા છે કે નહિ, જીવાત્માને કેવી રીતે ઓળખાય, આર્યોના ધર્મનાં આઠ અંગ કયાં ? સંસ્કાર એટલે શું ? વગેરે અઘરા પ્રશ્નોનો તેણે ખુલાસો કર્યો હતો, તેથી બુદ્ધદેવે ભિક્ષુણીસંઘમાં તેને મુખ્ય સ્થાન આપ્યું. ધર્મની કથા કરવા માટે તે પ્રસિદ્ધ થઈ હતી. પોતાના સુંદર વ્યાખ્યાન વડે એ અનેક શ્રોતાઓના ચિત્તનું ધર્મની તરફ આકર્ષણ કરતી. એણે પોતાની કેટલીએ બહેનોને ધર્મકથા કહેવામાં પ્રવીણ કરી દીધી હતી. શુક્લા, બટકેશી વગેરે તેની શિષ્યાઓ હતી.

જનસમાજને શિક્ષણ આપવાનું અને ધર્મમાર્ગમાં લાવવાનું કાર્ય ધર્મદિન્નાએ ઘણી ઉત્તમ રીતે સંપાદન કર્યું હતું.

એની રચેલી એક ગાથાનો સારાંશ એવો છે કે, “સર્વોચ્ચ શાંતિની તૃષ્ણા જ્યારે મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ચિત્તમાં વાસના રહેતી નથી અને જીવ ઉચ્ચ માર્ગે ઊડવા માંડે છે.”