કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/મંડપદાયિકા
← ઉત્તરા (પહેલી) | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો મંડપદાયિકા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
અન્સતરા તિષ્યા → |
२५–मंडपदायिका
એ બુદ્ધસેવિકા ભગિનીનું નામ જન્મસમયે શું હતું તે જાણ્યામાં નથી આવ્યું. ‘અપદાન’માં તેનું નામ મંડપદાયિકા લખવામાં આવ્યું છે. દીક્ષા લીધા પછી અર્થાત્ ‘ઉપસંપદા’ મેળવ્યા પછી તેનું એ નામ પાડવામાં આવ્યું હોય એમ લાગે છે. વૈશાલી નગરીમાં એક ધનવાન ઉમરાવના કુટુંબમાં તેનો જન્મ થયો હતો. તેનો બાંધો ઘણો હૃષ્ટપુષ્ટ હતો. તેનો વિવાહ એક નવયુવક ઉમરાવ સાથે થઈ ગયો અને એ ઘણા પ્રેમપૂર્વક પતિની સેવા કરવા લાગી. એક દિવસ બુદ્ધ ભગવાન વૈશાલી નગરીમાં પધાર્યા ત્યારે તેમના મધુર ઉપદેશના શ્રવણથી બૌદ્ધધર્મ ઉપર તેની શ્રદ્ધા બેઠી અને એ બુદ્ધદેવની શિષ્યા બની; પરંતુ એ સમયે તે ગૃહસ્થાશ્રમધર્મનું યથાવિધિ પાલન કરતી હતી. એક દિવસ મહાપ્રજાપતિ ગૌતમીનું ત્યાં આગળ પધારવું થયું અને તેમણે ત્યાંની સ્ત્રીઓને ધર્મોપદેશ આપ્યો. એ દિવસે સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા એના મનમાં પ્રબળ થઈ પડી. તેણે પોતાના સ્વામી આગળ એ ઈચ્છા પ્રકટ કરી, પરંતુ તેણે પોતાની સંમતિ આપી નહિ. એથી એ પતિવ્રતા સ્ત્રી પોતાનાં સાંસારિક કર્મો કરતી ગઈ અને સાથે સાથેજ ધર્મના રહસ્યનું પણ એકાગ્રચિત્તે ચિંત્વન કરતી ગઈ. એક દિવસ એવું બન્યું કે એ સન્નારી રસોડામાં રસોઈ કરી રહી હતી, એટલામાં એક મોટો ભડકો થયો અને એ તાપથી વાસણ એક મોટા કડાકા સાથે ફાટી ગયું. ભોજન બધું બળીને રાખ થઈ ગયું. આ નજીવા બનાવથી પૃથ્વીમાંની સર્વ વસ્તુઓનું ક્ષણભંગુરપણું તેના સમજવામાં આવ્યું. એ દિવસથી એના ચિત્તમાં ખરો વૈરાગ્ય ઉપન્ન થયો. તેણે સુંદર વસ્ત્રાભૂષણ અને રત્નાલંકારો પહેરવાનું છોડી દીધું. તેના પતિએ એમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે વિનયપૂર્વક જણાવ્યું કે, “સ્વામીનાથ ! સંસાર ઉપરથી મારી આસક્તિ ઉઠી ગઈ છે. હવે વિષયવાસના અને સુખવૈભવમાં મારૂં ચિત્ત જરા પણ ચોંટતું નથી.” તેનો પતિ પણ સંસ્કારી પુરુષ હતો. પત્નીની અભિલાષાને અનુસરીને એ તેને મહાપ્રજાપતિ ગૌતમીની પાસે લઈ ગયો અને નમ્રતાપૂર્વક નમસ્કાર કરીને કહ્યું: “આ મારી ધર્મપત્ની છે. સંસાર ઉપર અરુચિ ઉત્પન્ન થવાથી એને ભિક્ષુણી થવાનું મન થયું છે. આપ એને દીક્ષા આપો.”
ત્યાર પછી તે ધનવૈભવમાં ઉછરેલી મંડપદાયિકાએ યથાવિધિ બૌદ્ધધર્મની દીક્ષા લીધી અને રાતદિવસ ગુરુની આજ્ઞા મુજબ ધર્મનું સેવન અને પાલન કરવાનું આરંભ્યું. આખરે એ ‘અર્હત્’ પદ પામીને મનુષ્યદેહ સાર્થક કરી ગઈ.
‘થેરી ગાથા’માં આ સાધ્વીની એકશ્લોકી રચનાને પ્રથમ સ્થાન મળ્યું છે. એ શ્લોકમાં સાધ્વી પોતાને સંબોધીને કહે છે કે, “હે થેરીકે ! (જ્ઞાનવૃદ્ધ ભિક્ષુની) ચોળા (પગ સુધી પહોંચે એવું સાધુઓને પહેરવાનું વસ્ત્ર) દ્વારા આખા શરીરને ઢાંકીને સુખે સૂઈ રહે–અર્થાત્ વાસનાશૂન્ય થઈને શાંત ભાવ ધારણ કર; કેમકે કોઈ ઘડામાં જળ ન હોય અને એને ચૂલા ઉપર મૂક્યો હોય તો એમાંથી ખળખળ અવાજ થતો નથી, તેવી રીતે તારી વાસનાઓનો વિકાર પણ શમી ગયેા છે.”