કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/વિમળા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સોમા (બીજી) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
વિમળા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
બડ્‌ઢેસી →
५४–विमळा

ક વારાંગનાને પેટે, વૈશાલી નગરમાં તેનો જન્મ થયો હતો. વિમળા મોટી થઈ ત્યારે માતાના કુસંગની અસર તેના ઉપર પણ પડી અને વિષયવાસના ચરિતાર્થ કરવાની ઈચ્છા તેનામાં પ્રબળ થઈ પડી. એવામાં એક દિવસ બુદ્ધ ભગવાનના પરમપ્રિય શિષ્યોમાંના એક પૂજ્યપાદ મહા મોગ્ગલ્લાન ભિક્ષા માગવા સારૂં ત્યાં આગળ થઈને જતા હતા. એ ભિક્ષુના સૌંદર્યથી વિમળા મુગ્ધ થઈ ગઈ અને સાંજે તેમના આશ્રમમાં જઈ, અનેક પ્રકારના સુખવૈભવ અને ભોગવિલાસની લાલચ બતાવી; પરંતુ એ ભિક્ષુનું મન જરા પણ ચળ્યું નહિ. તેણે વિમળાને ઘણો જ ઠપકો આપ્યો તથા ઉપદેશ આપીને તેના મલિન હૃદયને વિમળ બનાવ્યું. વિમળાને પછી પોતાના કૃત્ય માટે ઘણોજ પસ્તાવો થવા લાગ્યો અને તે બૌદ્ધધમની ગૃહસ્થ ઉપાસિકા થઈ. પાછળથી તેણે ભિક્ષુણી–વ્રત ધારણ કરીને દુર્લભ અર્હંત્‌પદ પ્રાપ્ત કર્યું. પોતાનું ચરિત્ર તેણે થેરી ગાથામાં નીચે પ્રમાણે વર્ણવ્યું છે:—

“વર્ણ, રૂપ, ભાગ્ય, યશ, અને યૌવનના ગર્વથી હું છકી ગઈ હતી. એ વખતે સત્ય વસ્તુ મારા જાણ્યામાં નહોતી આવી. અંગ ઉપર સુગંધીવાળા પદાર્થોનો લેપ કરીને તથા સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરીને, એક પારધિની પેઠે હું મારી જાળ ફેલાવીને બારણા આગળ બેસતી હતી. રસ્તે જનારા પુરુષોના ધર્મનો નાશ કરવા સારૂ હું કેટલી જાતના છળપ્રપંચ કરતી હતી. પરંતુ આજે કેશ મૂંડાવીને તથા ભગવાં વસ્ત્ર ધારણ કરીને હું ભિક્ષા માગી રહી છું, વૃક્ષની નીચે બેસીને શુદ્ધ ધ્યાન ધરૂં છું. મનુષ્યોને અને દેવોને બાંધી રાખનારાં બધાં બંધનોમાંથી હું હવે મુક્ત થઈ ગઈ છું. મારા પ્રાણને નશો ચડાવનારા આસવોને શરીરમાંથી કાઢી નાખીને હું આજ નિર્વાણસુખ અનુભવું છું”