કુસુમમાળા/અનુત્તર પશ્ન
← દિવ્ય કાવ્ય | કુસુમમાળા અનુત્તર પશ્ન નરસિંહરાવ દિવેટિયા |
માનવબુદ્બુદ → |
અનુત્તર પ્રશ્ન
[૧]ગરબી
આ અણગણ તારાનૅન ભર્યાં અદ્ભૂત તેજે,
તે નૅને કંઇ કારમી દૃષ્ટિયે નિરખે જે; ૧
ગમ્ભીર શી રજની શ્યામ વિશ્વ લેતી વીંટી,
વિસ્તારી નિજ પટ આમ શામળું અણદીઠી; ૨
કંઈ તીણા તમરાંનાદ વડે ઝણઝણ શી કરે,
કો સ્મશાન દેવી સમાન ભયંકર રૂપ ધરે; ૩
પૂછ્યો નહિં કોઈ જને પ્રશ્ન પૂછું તુજને:-
કદી ગૂઢ ભાવિનું રૂપ બતાવીશ તું મુજને ? ૪
ચંદા ચળકંતાં સ્મિતો વ્યોમ જે વેરંતી,
નિજ ઉજ્જવળ પટમાં ભૂમિ-સખીને ઘેરંતી; ૫
શીતળ કંઈ થળ થળ અમી વરસતી પ્રેમભરી,
સ્થાવર જઙ્ગમ જગ સકળ ઠારતી શાન્તિ કરી; ૬
ત્હેને પણ પૂછું પ્રશ્ન પૂછ્યો નવ જે કોઇ—
અતિ ગૂઢ ભાવિનું ચિત્ર કદી હું સકીશ જોઈ ? ૭
અંધારપછેડી ઢાંકી વિશ્વ લેતો ઘેરી,
ચમકારા વીજળીતણા મહિં દેતો દેરી; ૮
કરતો ગર્જન કંઈ ઘોર મેઘ નભમાં મ્હાલે,—
ત્હેને પૂછું એ પ્રશ્ન-ભાવિ દીઠું કો કાળે ? ૯
સન્ધ્યા સલૂણી સુન્દરી ! ઉષા વળી લાજાળી !
હું પૂછું ત્હમને એ પ્રશ્ન, દિયો ઉત્તર વાળી. ૧૦
ઉન્નત ગમ્ભીર ગિરિમાળ, પહોંચી નભમંડળ જે,
આ ભાવિપ્રશ્ન ગમ્ભીર તુંથી કંઈ ઊકલશે ? ૧૧
ઘનઘોર રજની શામળી, ચળકતી ચંદા ને,
ગર્જંતો ઘેરો મેઘ, સલૂણી સન્ધ્યા ને, ૧૨
લાવણ્યમયી વળી ઊષા, ગિરિ નભ કોતરતા,—
સહુ સુણી પ્રશ્ન મુજ ઊંડો મૌન ઊંડું ધરતાં. ૧૩
આ હૃદયમથન પ્રશ્નનો ન કો ઉત્તર વાળે;—
હા ! કૉણ એહવો આંહિં સંશય મુજ ટાળે ? ૧૪
ટીકા
[ફેરફાર કરો]પાછલા કાવ્યમાં ('દિવ્યકાવ્ય'માં) સૃષ્ટિના સુંદર તથા અદ્ભુત દેખાવોની મનુષ્યના આત્મા ઉપર શાન્તિપ્રદ અસર દેખાડી છે, ભાવિ સુદ્ધાં ગંભીર સૂચનાથી જણાતું દેખાડ્યું છે. આ કાવ્યમાં તેથી ઊલટું કાંઈંક બીજી દૃષ્ટિએ જોવાનું, તથા મનુષ્યના હ્રદયની જુદી દશાનું પરિણામ દેખાડ્યું છે. ઘોર તારક્તિ રજની, તેજોમયી ચંદા, ગમ્ભીર મેઘ, સુંદર સંધ્યા, મધુર ઉષા, ગગને ગયેલા ગિરિ, - વગેરે સર્વે તરફ ભાવિ જાણવાની ઇચ્છાથી મનુષ્ય પૃચ્છકભાવે ફરે છે, પરમ્તુ મનુષ્યના હ્રદયની જ અશ્રદ્ધાયુક્ત દશાને લીધે - એઓ તરફથી કાંઈં પણ ઉત્તર નથી જણાતો. ભાવિનું વિશેષ સ્વરૂપ તો અજ્ઞાત જ છે, તે અંશ તો સત્ય રીતે પણ આ કાવ્યના તાત્પર્યમાં છે.
કડી ૫ તથી કડી ૧૨. ચંદા = ચંદ્ર.
કડી ૧૪. હ્રદયમંથન = હ્રદયને મથી નાંખે હેવો; સંશયના બળે કરીને હ્રદયને અસ્વસ્થ રાખતો.
- ↑
ઈતિહાસની આરશી સાહી મ્હેં જોયું માંહિં,
થિરપાવર દીઠું ન કાંઈ ફરસી છે છાઈ – એ ચાલ