કુસુમમાળા/દિવ્ય કાવ્ય
← એક અદ્ભુત દેખાવ | કુસુમમાળા દિવ્ય કાવ્ય નરસિંહરાવ દિવેટિયા |
અનુત્તર પશ્ન → |
દિવ્ય કાવ્ય
ગગને અતિગૂઢ લખ્યું વિધિયે
કંઈ કાવ્ય ગભીર કલાનિધિયે,
ચળકંત રૂડા કંઈ તારલિયા
જહિં શબ્દ અનુપમ ર્હે બનિયા. ૧
મન અદ્ભૂત ભાવ કળે ન કળે,
કળતું કદી ઈશ્વરદત્ત પળે;
કદી ચાંદનીની રજની નીકળે
તહિં કાવ્યતણાં સહુ પૃષ્ઠ ખૂલે. ૨
જગ શૂન્ય થકી જ રહ્યું ઊપની,
થતી ઝાંખી ઝીણી તહિં તેહતણી;
કંઈ ગાન ઊંડું લયકાળતણું
કદી એ કવિતા મહિં જાય સુણ્યું.
ધૂમકેતુ સમુજ્જવલ ભવ્ય કદી
પ્રગટે ગગને જહિં જ્યોતિનદી,
ઊંડી વીથી અનન્તપણાની તહિં
શી અગાધ દીસે ઊઘડી જ રહી ! ૪
સહુ તારલિયા ચમકંત ઝીણા
શુભ બોધ દિયે પરકાળતણા;
પરભૂમિ વસે પ્રિય આ ઘડિયે
સહુ તેતણી વાણી તહિં સુણિયે. ૫
પરલોક તણા ઉપકણ્ઠ પરે
સુખિયા જન જે કંઈ વાસ કરે,
સહ તે જન નૅન સમક્ષ તરે,
પઢતા ગૂઢ કાવ્ય જ પ્રેમભરે. ૬
સહુ તારકમંડળ રમ્ય વિશે
કંઈ પ્રાણી અજાણ વસે ન વસે;
નહિં એ વિષયે જ વિવાદ કશો,
તહિં પ્રાણી ભણે જ વસો ન વસો; ૭
પણ તારક ઉત્તમ કાર્ય કરે,
બની કાવ્યપદો કંઈ બોધ ઝરે,
લખ્યું કાવ્ય જ જે ગગને વિધિયે,
ધરી મર્મ ગભીર કલાનિધિયે. ૮