કુસુમમાળા/એક અદ્ભુત દેખાવ
← લાગટ વૃષ્ટિ પછી એક સ્હવારનો સમય | કુસુમમાળા એક અદ્ભુત દેખાવ નરસિંહરાવ દિવેટિયા |
દિવ્ય કાવ્ય → |
એક અદ્ભુત દેખાવ
અદ્ભુત રચનાયોગ રમ્ય આ રાત્રિ વિશે શો !
ચંદા વર્ષા સંગ રંગ રમતાં જ દીસે જો !
જળકુંડળમાં બેશી ચન્દ્ર વરસે શીળી ચંદા,
ચૉગમ પડી વાદળી ઝરે ઝરમર જળ મંદા. ૧
ચંદા લઈ નિજ રજત-સૂત્ર, જો આ શી પરોવે
મોતીડાં જે રૂડાં રચ્યાં વર્ષાએ સોહે;
ચંદા વર્ષા ગૂંથી મોતીની માળા હેવી
લલિત લતાને કણ્ઠ દિયે લટકાવી કે'વી ! ૨
જો અટકી ગઈ વૃષ્ટિ અને તરુપર્ણ પરેથી
ટપકી રહ્યા જલબિન્દુ શાન્તિમાં મન્દરવેથી;
ચળક ચળક ચળકંત લીલાં પર્ણો ચંદામાં,
ને તાલીતરુ શ્યામ શ્યામ છાય કરે સ્હામાં. ૩
ચંદા હસતી આમ, આમ ઘન નિરખે ઘેરું,
આમ ધરે વનવેલી ભૂષણ મોતીડાં કેરું,
ને તાલીવન ઘોર ઊભું છાય કરી ઘેરી;-
શાન્તિમૂર્તિ ને ભવ્ય મૂર્તિ પ્રભુની દીઠી ભેળી. ૪
ટીકા
[ફેરફાર કરો]કડી ૧. રચનાયોગ=સૃષ્ટિના દેખાવનું મળવું; બે દૃશ્ય એકઠાં થયાં.
ચાંદની અને વૃષ્ટિ બે હોવાનો યોગ. ચાંદની છતાં વૃષ્ટિ મધ્ય-રાત્રિયે થતી હતી ત્હેનું વર્ણન છે.
ચરણ ૨. ચંદા=ચંદ્ર; ચરણ ૩. ચંદા=ચાંદની. કડી ૨, ચરણ ૧, ચરણ ૩. ચંદા=ચંદ્ર. કડી ૩. ચંદા=ચાંદની. કડી ૪. ચંદા=ચંદ્ર.
કડી ૨. રજતસૂત્ર=રૂપાનો દોરો.
પૂર્વાર્ધ-વર્ષાએ રચેલાં રૂડાં મોતીડાં (જળબિંદુ) જે સોહે છે તે ચંદા પોતાનું રજતસૂત્ર (રૂપેરીદોરો-કિરણ) લઈને આ શી પરોવે છે!
હસતી ચંદા, ચળકતાં જળબિંદુ, વગેરે શાન્તિમૂર્તિનાં અંગ; અને ઘેરો મેઘ, ઘોર શ્યામ તાલીવન, એ ભવ્યમૂર્તિનાં અંગ, બંને એક વખત એક ઠેકાણે મળ્યાં દીઠાં.