કુસુમમાળા/આનન્દ-ઑવારા

વિકિસ્રોતમાંથી
← બહુરૂપ અનુપમ પ્રેમ ધરે કુસુમમાળા
આનન્દ-ઑવારા
નરસિંહરાવ દિવેટિયા
કવિનું સુખ →


આનન્દ ઓવારા

વિષમ હરિગીત

ઊજળા આકાશમાં કદી મેઘકકડો નિરખું
સ્વચ્છ્ન્દ તરતો, કે તરત આ દેહમાંથી હું કૂદું,
કૂદી બેસું મેઘકકડા એ ઉપર ત્યહાંથી પછી
પેલા "સુખદ આનન્દ-ઑવારા" ઉપર થોભું જઈ; ૧

જઈ એ આનન્દસિન્ધુ પડ્યો વિશાળો વિસ્તરી
ત્હેને નિહાળું નજર ફેંકી દૂર દૂર ઝીણી ઝીણી,
પાન કરું નૅને શીળા ચળકંત હેના જળતણું,
ને સિન્ધુ કરતો ગાન મીઠું ગભીર તે ત્યહાં રહી સુણું. ૨




ટીકા[ફેરફાર કરો]

વિષમ હરિગીત - પ્હેલા ને ત્રીજા ચરણમાં ૨૬ માત્રા, અને બીજા ને ચૉથા ચરણમાં ૨૮ માત્રા; પ્હેલા ને ત્રીજા ચરણમાં પ્હેલી માત્રાથી અને બીજા અને ચૉથામાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે.

કડી ૧, ચ. ૪. "સુખદ આનન્દ-ઑવારા" -'મનને બોધ' એ મથાળા નીચે ઇડરના નીલકણ્ઠે કરેલી હોરી ઇ૦ સ૦ ૧૮૮૩ના એપ્રિલ માસના 'બુદ્ધિપ્રકાશ'માં આવી હતી. ત્હેમાં છેલ્લી કડીમાં "ટળશે મરણ જન્મારા, સુખદ એ આનન્દ ઓવારા" એ વાક્ય હતું, ત્હેમાંથી આ શબ્દ કાઢી લીધા છે.

ઑવારા = કિનારા, આનંદસિંધુના કિનારા. (ઑવારો એ શબ્દ સૂરત જીલ્લા તરફ ખાસ વપરાય છે; અમદાવાદ તરફ 'આરો' શબ્દ પ્રચરિત છે.)

સ્વચ્છ આકાશમાં રખડતા મેઘકકડાથી ઊછળી આવતા આનંદનું આ ટૂંકા કાવ્યમાં વર્ણન કરવનો પ્રયત્ન છે.

-૦-