કુસુમમાળા/કવિનું સુખ
← આનન્દ-ઑવારા | કુસુમમાળા કવિનું સુખ નરસિંહરાવ દિવેટિયા |
ફૂલ સાથે રમત → |
કવિનું સુખ
કુસુમ કોમળું એક ખીલી હું રહું આ વનમાં,
સુગન્ધ મધુરો મુજ પસરતો જેહ પવનમાં,
પસરે કેટલે ? ઘૂમી ઘૂમી આંહિં વિરમશે,-
તો એ ત્હેનો કદી મને શોક નવ વસે. ૧
લઈ મુજ રમ્ય સુગન્ધ હસું હું ભર આનન્દે,
સુગન્ધ મુજ જે તે જ સુખડું મુજ, ત્ય્હાં રમું છન્દે;
ને ઊંચું આકાશ હસે મુજ ભણી નિહાળી,
ત્હેને દઉં પ્રતિહાસ ઉમંગે ઊંચું ભાળી. ૨
બીજાં ફૂલડાં વળી ભલે નિજ ગન્ધ નચાવે
ફેલાવી ચોપાસ, મ્હને કંઈ ઇર્ષ્યા નાવે;-
મ્હેં દીઠો છે એક, નજર ઝાંખી ઝાંખીએ,
સુગન્ધસિન્ધુ વિશાળ સતત રમતો લહરીએ; ૩
ત્ય્હાં મુજ વહી સુગન્ધ ભળી છાનો એ જાએ;
ને ફૂલડાં આ સમે ખીલે બીજાં વનમાંહે,
થયાં અને જે થશે કુસુમ વળી તે સઘળાંનો
સુગન્ધ એ સિન્ધુમાં જતો લય પામી છાનો. ૪
એક સિન્ધુની આમ વહેતી ચાલે નદિયો
આમ કુસુમોથકી જહિં નીકળીને એ બધિયો,
તો અવિચારી બની ધરું શિદ શોક હું મનમાં ?
કુસુમ કુમળું હું, કહો, કેમ હસું નહિં આ વનમાં ? ૫
ટીકા
[ફેરફાર કરો]કવિનું સુખ કવિતા કરવામાં જ સમાયલું છે; કીર્તિ વગેરે ભાવનો સ્પર્શ હેને નથી; - એમ ભાવ આ કાવ્યનો છે.
કવિની કવિતાનો પ્રવાહ ત્હેને સુગંધ ગણ્યો છે, કવિ તે પુષ્પ, કવિતા તે સુગંધ.જગત્ ના સર્વે નાના મ્હોટા કવિયોનો કવિતામાં જે મહાન્ ઉદ્દેશ -મનુષ્યની જીંદગી ઉન્ન્ત આદર્શ બનાવી ઉન્નત દશાએ પ્હોંચાડવી તે - તે તરફ પ્રયત્ન કરતાં સર્વ કવિયો મળી એક મહાન્ અદ્ભૂત કાવ્ય જ રચે છે, તો પછી કોઈ પણ કવિયે પોતાની કવિતા વિશે વિશેષ ચિન્તા શું કામ કરવી? પ્રશંસા, લાંબી કીર્તિ, પરસ્પર ઇર્ષ્યા એ ઉપર લક્ષ શું કામ આપવું ? આ તાત્પર્ય આ કાવ્યનું છે. આ ઉપર કહેલું મહાન્ કાવ્ય તે જ સુગંધસિંધુ - મહાન્ લક્ષ્ય કવિયોએ નજર આવળ રાખેલું તે.