કુસુમમાળા/આશાપંખીડું
← કરેણા | કુસુમમાળા આશાપંખીડું નરસિંહરાવ દિવેટિયા |
વિધવાનો વિલાપ → |
આશાપંખીડું
સીતાના મહિનાની ચાલ
આશાપંખીડું મ્હેં તો પૂર્યું કનકમય પાંજરે,
રમ્ય રંગ ધરંતું અનેક, જેવો મેધ સાંઝરે;
ઝીણી ચંચૂ સુવર્ણની મેખસમી શી ઓપતી !
ઇન્દ્રધનુરંગધારી એક કલગી શિર શોભતી; ૧
ધોળી બરફ્શી ડોકની મધ્ય સુનેરી કાંઠલો,
આસમાની પાંખની માંહિં પચરંગી ચાંદલો,
પીંછે કરમજી રંગ સોહાય, ને ચરણ સુવર્ણના,
હીરાસરિખાં બે ઝીણા નૅન ચમકચમકે ઘણાં; ૨
સુવાળું શુ હેનું શરીર ભર્યું દિવ્ય કાન્તિયે !
પણ બદલી ઘડી ઘડી રંગ મ્હને નાંખે ભ્રાન્તિયે;
વળી અમૃતશું મીઠું ગાન કરે દિવ્ય પંખીડું,
ત્ય્હારે નાચંતું ભૂલી ભાન હઇડું મુજ મૂરખું. ૩
પણ એક દિવસ એ તો, હાય! ઉડીને ચાલિયું,
તોડી કનકનું પંજર ત્યહાં ય, રહ્યું નવ ઝાલિયું;
તોએ ગાન કરંતું જાય, પાછળ દોડ્યો જાઉં હું,
પણ એ તો નવ પકડાય, અધિક લલચાઉં હું; ૪
ઊડી પેઠું એ એક દિવ્ય હતું વન તે મહિં,
હું પણ રવ-અનુસારે ઘાઈ પેઠો ત્યહાં તો સહી;
દીઠું બેઠું ગુલાબને છોડ, ગયો હું ઝાલવા;
ઊડી બેઠું બીજે ઝાડ; ગાઈ લાગ્યું મ્હાલવા; ૫
વૃક્ષે વૃક્ષે, છોડે છોડ, મુને ભટકાવિયો,
આવ્યું તોએ એ નવ હાથ, અધિક અકળાવિયો;
અંતે બેઠું ઊંચી ડાળ, પછી લાગ્યું બોલવા:-
"અરે મૂર્ખ મનુજના બાળ! ફાંફાં શાં આ મારવાં ! ૬
નવ આવું કદી તુજ હાથ, મૂરખ ઓ માનવી !
હું તો ધારી નવા નવા રંગ ધારું મૂર્તિ નવનવી;
પૂર્યું પાંજરે મુજને તેંહ, ધારીશ નહિં મન વિશે;
એ તો ઘડિયું મ્હારે પ્રભાવ, ત્હને ઉલટું દીસે. ૭
પણ મન નવ થઈશ ઉદાસ, કહું સુણ્ય વાત તું-
પ્હણે નાંખ્ય નજર, પ્હણે દૂર, વ્યોમ જ્ય્હાં ડૂબી જતું;
પેલી રુધિરભરેલ કપાળે ઘડેલી કમાન જે;
અંતરિક્ષ ઊભી, જે'ના સ્તમ્ભ રચ્યા મ્હોટા હાડકે;- ૮
દીસે તુજને ભયંકર તેહ, તથાપિ એ રમ્ય છે,
બીજી બાજુ કનકનો ઘાટ ઘડેલો ભવ્ય છે; -
આણી કોરે રાક્ષસ એક બેઠો છે બિહામણો,
મૃત્યુ હેવું હેનું નામ, તુંને અળખામણો. ૯
પણ તું જઈશ હેને દ્વાર, પછી પેલી પાર તું;
જઈ જોઈ પામીશ આનન્દ ત્યહાં તે વાર તું;
ત્ય્હારે ત્યાંહિં જો ! ભેટીશ તુંને હું આનન્દથી,
ત્યહાં લગી થઇ ધીર તું થીર ર્હેજે મન શાન્તથી." ૧૦
એમ બોલી ઊડી ગયું એહ પંખીડું ના રહ્યું,
ઊડતાં ઝળકંતી હેની દેહ, ગાતું ગાતું એ ગયું;
જઈ લય પામ્યું ચન્દ્ર માંહિં, વશી ગાતું ત્ય્હાં રહે,
શાન્ત અજવાળી રાતે કો વેળ સુણું હેનું ગાન એ. ૧૧
ટીકા
[ફેરફાર કરો]મનુષ્યનું જીવન આશાને આધારે ચાલે છે. પ્રત્યેક પ્રસંગે આશાભંગ થાય તો પણ વળી બીજો આશાનો વિષય પકડી આગળ ચાલે છે. આશાપંખીડું ઊડ્યે જાય છે ત્હેની પાછળ મનુષ્ય દોડ્યે જાય છે. પરંતુ ખરું સ્વરૂપ આશાનું મૃત્યુની પેલી પાર ભાવિકાળની મ્હોટી આશાનું સાફલ્ય તે છે. આ તત્પર્ય આ કાવ્યનું છે.
કડી ૭, ચરણ ૪. મ્હારે પ્રભાવ - મ્હારા પ્રભાવે- મ્હારા પ્રભાવ વડે.
કડી ૮, ચરણ ૩. કપાળ =ખોપરી.
કડી ૧૧, ઉત્તરાર્ધ. ભાવિ પરકાળમાં સુખ અને આનન્દનું સ્વરૂપ હોવાને લીધે આનન્દમૂર્તિ ચન્દ્રમાં આશાખીડું જઈ રહ્યું કલ્પ્યું છે. અને તે ભાવિકાળના આશાના સાફલ્યની સૂચનાઓ ચાંદનીની રાત્રિમાં આત્મામાં પ્રેરણારૂપે થવાથી આશાપંખીડાનું ગાન તે વખતે કદી કદી સંભળાતું કહ્યું છે.