કુસુમમાળા/કરેણા
← ફૂલ સાથે રમત | કુસુમમાળા કરેણા નરસિંહરાવ દિવેટિયા |
આશાપંખીડું → |
કરેણા
તૃણશૂન્ય સૂકી ગિરિભૂમિ વિશે
સહસા મીઠી આ રચના શી દીસે !
લઘુ-સ્ત્રોતપટે મળી એકરસે
શું અનન્ત કરેણકુસુમ હસે ! ૧
મૃદુ રંગ ગુલાબી મુખે વિલસે
શી પ્રભાતરવિદ્યુતિ ત્યાંહિં વસે !
સહુ ટોળું મળી અહિં રંગરસે
રમતાં રમતાં શું હસે જ હસે ! ૨
શીળી વૃક્ષઘટા લઘુ સ્રોત પરે
રચીને પ્રકૃતિ અતિ પ્રેમભરે
કંઈ ન્હાનકડો અહિં બાગ રચ્યો,
તહિં આ ફૂલનો સુખરંગ મચ્યો. ૩
ગિરિટોચ થકી ઊતરી સઘળી
ગિરિદેવી શકે અહિં આવી મળી
રમવા રસભેર સુબાગ વિશે !
ત્યમ આ ફૂલડાંતણું જૂથ દીસે. ૪
સહુને જહિં ધીર સમીર ચૂમે,
સ્મિત મન્દ રમે કુસુમે કુસુમે;
સરલા કંઈ ગ્રામકુમારીસમે
અહુને મુખ કૌતુકહર્ષ રમે. ૫
પ્રકૃતિજનની થકી પ્રેમભરે
ફૂલડાં સઘળાં અહિં આ ઊછરે,
નહિં કૃત્રિમ બન્ધન કાંઈ ધરે,
શું સ્વતન્ત્ર સુખે રમતાં જ ફરે ! ૬
નિરખી ફૂલ આ મન ઊર્મિ ઊઠે;-
મનુજે ક્યમ આ ધરણીની પીઠે
પ્રકૃતિજનનીની ઉછેર તજી,
નિજકૃત્રિમબન્ધનબેડી સજી ? ૭
ટીકા
[ફેરફાર કરો]પાછલા કાવ્યમાં કહેલા ભાવનો કાંઈક સંબંધ આ કાવ્યમાં પણ છે. જનસમાજના બંધારણમાં જ કાંઈક મનુષ્યના હ્રદયમાં દોષ ઉત્પન્ન કરવાનું વલણ રહેલું છે તેથી ઊલટું પ્રકૃતિની સ્વાભાવિક અવસ્થામાં સમાજનાં કૃત્રિમ બંધનથી મુક્ત રહી ઊછરવામાં - નિર્દોષ, આનંદમય હ્રદય ઉત્પન્ન કરવાનું વલણ છે. આ વિચારો પ્રકૃતિની પ્રેમમય ઉછેરમાં ઊછરતાં કરેણાનાં ફૂલની આનંદમય મૂર્તિ જોવાથી સૂઝેલા કાવ્યને અંતે સૂચવ્યા છે.
આસપાસ સર્વત્ર સૂકી પથ્થરની પર્વતમય ભૂમિમાં ન્હાના વ્હેળાના પટમાં જથાબંધ, ગુલાબી રંગના છાંટવાળાં, કરેણનાં ફૂલના છોડનાં ઝૂમખાં ને ઝૂમખાં એકાએક જણાઈ આવેલાં વર્ણવેલાં છે. સ્હવારનો સમય છે. શોલાપુર જિલ્લાના માળશિરસ તાલૂકામાંના એક પ્રદેશમાં આ દૃશ્ય નજરે પડ્યું હતું.
કડી ૨. ચરણ ૨. પ્રભાતના સૂર્યનું તેજ એ કરેણાનાં ફૂલ ઉપર પડેલું તે.
કડી ૩. ચરણ ૨. પ્રકૃતિ - પ્રકૃતિયે. તૃતીયાનો પ્રત્યય લુપ્ત. લઘુ સ્રોત ઉપર શીળી વૃક્ષઘટા રચીને પ્રકૃતિયે અતિ પ્રેમભેર અહિં ન્હાનો સરખો બાગ રચ્યો છે, ત્ય્હાં આ ફૂલનો રંગ મચ્યો છે.
વ્હેળા કિનારે ઝાડની ઘટા -સ્વાભાવિક બાગ જેવી; - અને તે પાસે પટમાં કરણાનાં ભોથાં; - એમ સ્થિતિ છે.
કડી ૪. કરેણાનાં ફૂલને વિશે ગિરિદેવીઓની સંભાવના કરી છે. જાણે (ઉપર કહેલા સ્વાભાવિક) બાગમાં રમવા માટે પર્વતની ટોચ ઉપરથી ગિરિદેવીઓ ઊતરી આવી ના હોય ! એમ આ ફૂલનું મણ્ડળ દેખાય છે. શકે = જાણે કે; સ. शङ्के ઉપરથી; આ શબ્દ પ્રેમાનંદ વગેરેની કવિતામાં રૂઢ છે.
કડી ૫. સહુને - સર્વ ફૂલને. જહિં - જે વખતે. જે વખત સમીર ચૂમે તે વખતે પ્રત્યેક કુસુમ ઉપર મન્દ સ્મિત રમે.
ચરણ ૩. સમે = પેઠે.