લખાણ પર જાઓ

કુસુમમાળા/પ્રભાત

વિકિસ્રોતમાંથી
← મેઘગર્જન કુસુમમાળા
પ્રભાત
નરસિંહરાવ દિવેટિયા
મેઘ →


પ્રભાત.

વસન્તતિલકા


સ્હામેથી દૂર થકી નિરખી સૂર્યસિંહ,
તેજસ્વી થાળ ભરી ફાળ, કરાળ દેહ,
આવંત અગ્નિભરીયાં ધરી નૅન તાતાં,
અંગો બધાં ઝળકતાં રુધિરેથી રાતાં. ૧

હેવો નિહાળી ભયભીત શશી થઈને,
ધોળી સમસ્ત નિજ ગાય લઈ લઈને,
વાડો જ ગોળ નિજ તે મહિં પૂરી આ તો,
જો મન્દકાન્તિ થઈ આમ લપાઈ જાતો! ૨

ને તારલાહરણટોળું ભયેથી ફીકું
જો આમ તેમ અહિં ન્હાસતું વેગથી શું!
ને મેઘઝાડી થકી નીકળી સિંહ પેલો
જો એકલો નભ વિશે વિચરે શું ઘૅલો! ૩




કડી ૨. કિરણો તે ગાય, અને ચન્દ્રનું બિમ્બ તે વાડો - એમ કલ્પના છે. ચન્દ્રનાં કિરણ તે હેની ગાયો એક કલ્પ્ના છે ત્‍હેનું મૂળ કાંઇક નીચેની ઋગ્વેદની ઋચાના સંસ્કારમાં છેઃ-

उदपतन्नरुणाः भानवो वृथा स्वायुजो अरुषीर्गा अयुक्षत । अक्रन्नुषासा वयुनानि पूर्वथा रुशन्तं भानुमरुषीरशिश्रयुः॥

(ઋગ્વેદ સંહિતા ૧-૯૨-૨.)

અર્થઃ - અરુણવર્ણ કિરણો આપોઆપ પ્રગટી નીકળ્યાં છે. હેમણે પોતાની મેળે જોડાનારી રાતી ગાયોને જોડી છે. ઉષાઓએ પૂર્વની પેઠે હમારામાં જાગૃતિ આણી છે; રાતી ગાયોએ દીપ્તિવાળો પ્રકાશ ધારણ કર્યો છે.'

पशून्न चित्रा सुभगा प्रथाना सिन्धुर्न क्षोद उविंया व्यश्वैत ।

(ઋગ્વેદ સંહિતા ૧-૯૨-૧૨)

અર્થઃ- જુદી જુદી દિશામાં પશુઓને હાકતી ના હોય, અથવા કોઈ સિન્ધુ (નદી) પોતાના ઓધ વહી જતી ના હોય, - તેમ એ તેજસ્વી સુભગ દેવતા (ઉષા)એ પોતાનાં કિરણો વિસ્તારથી ફેલાવ્યાં છે.

આ ઋચાઓમાં ઉષાનાં કિરણોને ગાયો અથવા પશુનું રૂપક છે; અને અહિં ચન્દ્રનાં કિરણોને ગાયો કહી છે.

કડી ૩, ચરણ ૧,૨. તારલાહરણટોળું ન્હાસતું - એ કલ્પના અંગ્રેજી કવિ શેલીના 'Dawn' નામના ન્હાનાસરખા કાવ્યમાંના એક રૂપક ઉપરથી આવી છે; અને વસ્તુતઃ એ બીજમાંથી જ આ ' પ્રભાત' કાવ્યનો વિકાસ છે.

તે કાવ્ય નીચે પ્રમાણે છેઃ-

“The pale stars are gone!
For the sun, their swift shepherd,
To their folds them compelling,
In the depths of the dawn,
Hastes in meteor-eclipsing array, and they flee
Beyond his blue dwelling,

As fawns flee the leopard.”
:::::(Prometheus Unbound)

અહિં તારાઓ અને સૂર્ય વચ્ચે ઘેટાં (અથવા ગાયો) અને ભરવાડના સંબન્ધની પ્રથમ કલ્પના કરી, પછી સૂર્ય તે દીપડો અને તારા તે હરણાં એમ કલ્પના આણવામાં રૂપકોનો જરાક સંકર થઈ ગયો છે. પરંતુ ચન્દ્રનાં કિરણ તે ગાયો અને ચન્દ્ર તે ભરવાડ - એ રૂપકનું મૂળ આ કાવ્યના સંસ્કારમાં પણ કાંઈક હશે.

-૦-