લખાણ પર જાઓ

કુસુમમાળા/રાત્રિ

વિકિસ્રોતમાંથી
← કૉયલ કુસુમમાળા
રાત્રિ
નરસિંહરાવ દિવેટિયા
સૂર્યોદય →


રાત્રિ.

[[] *ગરબી]

જ્વલંત ઝળહળ જ્યોતનો રે
સાળૂ રૂડો પ્હેરી, હાંહાં રે સાળ રૂડો પ્હેરી,
ચમકતી મહિં ટપકી ઝીણી રે
તારાની વેરી, હાંહાં રે તારાનીο ૧

મધ્ય ભાળ શુભ ચાંદલો રે
ચ્હોડ્યોછ રુપેરી, હાંહાં રે ચ્હોડ્યોછο
બની ઠની રજની ! રૂડી રે
લહી કાન્તિ અનેરી, હાંહાં રે લહીο ૨

ક્યહાં ચાલી ચપળા ! કહે રે ?
પ્રિય કૉણ કર્યો છે ? હાંહાં રે પ્રિયο

કૉણ ચિત્ત ચમકાવવા રે
શુભ વેશ ધર્યો છે ? હાંહાં રે શુભ૦ ૩

ધરે તું નિત્યનિત્ય જુજવાં રે
કંઈ રૂપ રસીલાં; હાંહાં રે કંઇં૦
કદી કાળી રૂડી ચૂંદડી રે
ધરી લીલા; હાંહાં રે ધરી૦ ૪

કદી સાદી ઘનશ્યામળી રે
સાડી પર હોડે, હાંહાં રે સાડી૦
શાલ ગાઢી, તુજ કાજ જે રે
ગૂંથી મેઘે કોડે; હાંહાં રે ગૂંથી૦ ૫

એમ રૂપ રળિયામણં રે
ધરી નવનવ નાચે, હાંહાં રે ધરી૦
કો'નું કાળજું કોરવા રે ?
મુજને કહે સાચે, હાંહાં રે મુજને૦ ૬

ન હોય પ્રિય દિનરાય તો રે
જાય તું નવ પાસે, હાંહાં રે જાય૦
ઉષા સપત્ની ભેટતો રે
નિરખી તું ન્હાસે, હાંહાં રે નિરખી૦ ૭

ક્યમ તનડે નિજ ત્યહારે રે
શણગાર તું સાજે ? હાંહાં રે શણગાર૦

કોઈ મનડું લલચાવવા રે ?
કે નિજ રુચિ કાજે ? હાં હાં રે કે૦ ૮

નહિં જ મુજ દિનરાય કે રે
પ્રિય અવર ન ક્‌હેશો, હાંહાં રે પ્રિય૦
ન કોઈ ચિત્ત લલચાવવા એ
ધરું અભિનવ વેશો; હાંહાં રે ધરું૦ ૯

એક મનડું મુજ રંજવા રે
વિવિધ વસન ધારું, હાંહાં રે વિવિધ૦
કે કવિજનચિત ચોરવા રે
ધરું રૂપ હું ચારુ. હાઃહાં રે ધરું રૂપ હું ચારુ. ૧૦



આ કાવ્યમાં પણ ઉપર ગયેલા કાવ્યની પેઠે જ પ્રકૃતિનાં સ્વરૂપોનો મનુષ્યોની રુચિનેરપેક્ષ વ્યવહાર દર્શાવો છે; પરંતુ એટલો વિશેષ સહૃદય થઇ મનુષ્ય પ્રકૃતિનાં તે તે સ્વરૂપના સત્ત્વ જોડે યોગ તો ત્‍હેને આનન્દ મોહ ઇત્યાદિ ઉપજાવે છે તેટલે અંશે મનુષ્યના ચિત્તને મોહ પમાડવા - "કવિજન-ચિત ચોરવા" (કડી ૧૦, ઉત્તરાર્ધ) પ્રકૃતિ વ્યવહાર કરે છે.

પ્રકૃતિના સત્વ સાથે સહૃદયતાથી યોગ રાખનાર તે જ 'કવિજન.'

કડી ૫. 'હોડે'-નું કર્મ 'શાલ.'

કડી ૭. સૂર્ય અને ઉષાનો સંયોગ થાય છે એટલે (પ્રભાત મટી સૂર્યોદય થતાં) રાત્રિ જતી રહે છે, એ ઉઘાડું જ છે.

કડી ૯-૧૦માં રાત્રિયે આપેલો (કલ્પિત જ) ઉત્તર છે.

-૦-
  1. *‘સમી સન્ધ્યાએ હમે સાંચર્યાં રે જમુનાંની તીરે, હાંહાં રે જમુનાંની તીરે.’— એ ઢાળ