કુસુમમાળા/સૂર્યોદય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← રાત્રિ કુસુમમાળા
સૂર્યોદય
નરસિંહરાવ દિવેટિયા
સન્ધ્યા →


[ગરબી - આસો માસો શરદ પુન્યમની રાત્ય જો. - એ ચાલ]

જો ને પેલી દીન કુમુદિની એકલી
મુખડું નીચું ઢાળી આંસુડાં ઢાળતી;
પ્હણે ચન્દ્ર પણ પ્રિયાવિયોગે વ્યાકુળો
મન્દકાન્તિ અતિ મન્દ મન્દ પગલાં ભરે. ૧

તેજસ્વી ઓ પેલું રાતું બિમ્બ જો
ઉદયશિખરમસ્તકમણિશું શું શોભતું !
કમલિની ખીલી ખીલી હશી ધોળા કેસરે
મધુકરગુંજારે એ ગાતી ગીતડાં. ૨
-૦-

ટીકા

કડી ૧, ચરણ ૨. આંસુડાં ઢાળતી - ઝાકળ પડતાં તે

ચરણ ૩. પ્રિયા -કુમુદિની.

રણ ૪. અસ્ત પામતે જાણે ધીમો જતો જણાય છે.

કડી ૨, ચરણ ૧. બિમ્બ - સૂર્યનું.

ચરણ ૨. ઉદયશિખર - (સપ્તમી); મસ્તકમણિશું -૦જેવું.

ચરણ ૩-૪. કેસર તે જ હાસ, અને ગુંજાર તે ગાન.

આ સંસારમાં એકે જ વખતે એક ઠેકાણે આનન્દોત્સવ તો બીજે શોકવિલાપ - એ ધ્વનિ આ ચન્દ્રકુમુદિનીવિયોગ અને રવિકમલિની સંયોગની એકકાલીનતાથી થાય છે.

-૦-