કુસુમમાળા/હુનાળાના એક પ્‍હરોડનું સ્મરણ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ત્‍હારી છબિ નથી કુસુમમાળા
હુનાળાના એક પ્‍હરોડનું સ્મરણ
નરસિંહરાવ દિવેટિયા
શિયાળાનું એક સ્‍હવાર →


વસંતતિલકા

વ્હાલી તને સ્મરણ છે? કડી એક વેળા
સાથે પ્‍હરોડ મહિં આપણે બે ઊભેલાં;
કે'વું હતું સઘળું શાંત જ તે સમે ત્ય્હાં!
શીળી ઉષા પણ સૂતી હુતી જાગતી જ્ય્હાં; ૧

હેની સલૂણી રૂડી કાન્તિ તું જોતી ઊભી,
ને હું ઉષાતણી અને તુજ જોઉં ખુબી;
આવે સમીર મૃદુ રમ્ય ઉષામુખેથી
તે ચૂમતો તુજ કપોલ પૂરે સુખેથી. ૨

ને એક વાળલટ ભાળ પરે પડેલી,
ત્‍હેને સમીર નચવે હળવે ખશેડી;
ને મન્દહાસ તુજ નિરખીને ઉષાએ
જે હાસ કીધ મૃદુ તે વિસર્યું ન જાએ. ૩

"આ કે'વું રૂડું સઘળું અહિંયાં દીસે છે!"
બોલી તું એમ મીઠું સાદું જ તે સમે જે
તે તો વશ્યું હૃદય આ નહિં જાય ડૂબી,
સંભારી તે તુજ છબિ અહિં થાતી ઊભી. ૪

ને બોલતાં તહિં થયું સ્મિત ત્‍હારું ધીરે,
ને ઝીણી ગાલલહરી અમી ત્ય્હાં રહી જે,
ત્‍હેને ચૂમી લીધી રસીલી! રસે ત્ય્હાં મ્હેં
તે દીઠું ઝીણી નજરે તહિં તારલાએ. ૫

-૦-

ટીકા

કડી ૧, ચરણ ૪. ઉષા -પ્રભાતનો સમય (તે સમયનું પૂર્વાકાશ) રૂપક આપી વેદસમયમાં ઉષા દેવીરૂપે મનાયલી છે. ઉષા પણ જાગતી સૂતી હતી = પ્રભાત પૂરું ઝળકવા ન્હોતું માંડ્યું.

કડી ૩, ઉત્તરાર્ધ - ઉષાના આકાશ તરફ જોતાં જોતાં ત્‍હેનું સૌંદર્ય તે હાસરૂપ જ જણાઈ જાણે પ્રતિહાસ ના હોય એમ કલ્પના કરી છે.

તેમ જ -

(કડી ૫. ચરણ ૪. અહિં પણ) તારા ઉપર નજર જતાં, તારાએ જાણે નજર નાખી હોય એમ કલ્પ્યું છે.

-૦-