કુસુમમાળા/શિયાળાનું સ્‍હવાર

વિકિસ્રોતમાંથી
← હુનાળાના એક પ્‍હરોડનું સ્મરણ કુસુમમાળા
શિયાળાનું એક સ્‍હવાર
નરસિંહરાવ દિવેટિયા
કૉયલનો ટહુકો  →


શિયાળાનું એક સ્‍હવાર

ઉધોર છંદ

પ્રિય! જો, રમ્ય આ શું સ્‍હવાર!
રવિનું તેજ જો સહુ ઠાર
રેલી રહ્યું કરંતું હાસ
પૃથ્વી પર અને આકાશ! ૧

દેતું ઊંફ સુખમય આજ,
જીતી શીતકેરું રાજ્ય.
હાવા તેજસાગર માંહ્ય
પંખીડાં પ્‍હણે શાં ન્હાય! ૨

ઊડતાં અહિં તહિં સ્વચ્છન્દ ,
રમતાં જુગલ ભર આનન્દ;
બેસે એક ક્ષણ તરુડાળ,
પાછાં ઊડી જઇ તત્કાળ, ૩

તરતાં તેજસાગર માંહ્ય
મીઠું ગાન ગાતાં જાય!

ત્‍હેને પ્રેમભર જો આજ
નિરખી શો રહ્યો રવિરાજ! ૪

છાયામિશ્ર તડકે આમ
રચનાચિત્ર રચ્યું આ ઠામ
તે પર ઊભું તરુવરવન્દ
મન્દ ઝૂકે સમીરે મન્દ, ૫

ત્ય્હાં આ એક તરુને ડાળ
બેઠું શુકનું યુગ્મ રસાળ;
કાન્તા લઈ સમીપે આજ
બોલે મીઠડું શુકરાજ. - ૬

"કાન્તે! આજ દિન આનન્દ
રમિયે આપણે સ્વચ્છન્દ.
જો, આ હાસ કરી રવિરાય
લાંબા કર પસારી આંહ્ય ૭

અલિઙ્ગન ભરે ભરરંગ
ધરણીને ધરી શું ઊમંગ!
ને આ ગાન ગાઈ સમીર
ચૂમે તરુઘટાને ધીર. ૮

ચાલ્યા પ્રેમકેલિતરઙ્ગ
ચોગમ વ્યાપિયો ઉછરંગ;

આજે આપણે પણ આંહિં,
ઝીલિયે રસતરઙ્ગો કાંઈ. ૯

ધરિયો જન્મ સુખને કાજ,
તો શું તજવું ત્‍હને આજ?
ભૂલી ભૂતભાવિખેલ,
આ ઘડી રંગ રમિયે રેલ." ૧૦

હાવાં ચાટુ વચન ઉચરી,
શુક શો ચુમ્બતો નિજ પ્યારી!
વ્હાલી! નિરખી આ સુખમૂળ,
વર્તન રાખ્ય તે-અનુકૂળ. ૧૧





ટીકા[ફેરફાર કરો]

કડી ૨, ઉત્તરાર્ધ - રવિના તેજમાં પંખી ઊડતાં તે પ્રકાશના સાગરમાં ન્હાતાં હોય એમ જણાતાં.

કડી ૫. ઝાડના જથામાં સૂર્યનો પ્રકાશ તથા ઝાડનો છાંયડો મળી ચિત્ર જેવું થયેલું; તે ચિત્રરચના ઉપર તરુવૃંદ ઊભેલું પણ ગણાય.

કડી ૧૦. ભૂતભાવિખેલ - ભૂતકાળના તથા ભવિષ્યકાળના ખેલ,- કાળની રમત તે કાળમાં થયેલા તથા થનાર વૃતાન્ત.

કડી ૧૧, ચરણ ૨. પ્યારી - 'ચુમ્બતો'નું કર્મ. ચરણ ૩. સુખ-મૂળ- આ શુકયુગ્મનું સુખ આપનારું ઉદાહરણ. ચરણ ૪. તે અનુકૂળ=ત્‍હેને અનુકૂળ, ત્‍હેના જેવું.

-૦-