ગાંધીજીનો અક્ષર દેહ - ૧/આ પુસ્તકની પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સામાન્ય પ્રસ્તાવના ગાંધીજીનો અક્ષરદેહ
આ પુસ્તકની પ્રસ્તાવના
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલની ઐતિહાસિક ભૂમિકા  →


આ પુસ્તકની પ્રસ્તાવના

આ પુસ્તકમાં જે ગાળાનાં લખાણો વગેરે સમાવવામાં આવ્યાં છે તે ગાંધીજીના જીવનનો તદ્દન પ્રારંભનો સમય સંપાદકોની દૃષ્ટિથી કઠણમાં કઠણ છે. તે ગાળાના પાછલા અને પ્રમાણમાં વધારે પ્રવૃત્તિમય ભાગ દરમિયાન ગાંધીજી હિંદુસ્તાનની બહાર હતા અને તેથી તે સમયની તેમનાં લખાણો વગેરેની અસલ સામગ્રી તેઓ જયાં વિદ્યાર્થી તરીકે રહ્યા હતા ત્યાં ઇંગ્લંડમાંથી અને જ્યાં શરૂઆતમાં વકીલ તરીકે ગયેલા ત્યાં દક્ષિણ આફ્રિકામાંથી મેળવવાની હતી.

આપણે સારે નસીબે એ ગાળાને લગતી થોડી સામગ્રી ગાંધીજીએ સાચવી રાખી હતી અને તેઓ તે હિંદુસ્તાન લેતા આવ્યા હતા. પોતાના પત્રવહેવારની કાર્બન કાગળથી કાઢેલી કોઈ કોઈ નકલો, પત્રોના તેમ જ જાહેર ફરિયાદોના નિકાલ માટે કરેલી નિવેદનરૂપ અરજીઓના હાથના લખેલા મુસદ્દા, અરજીઓની•અને પોતે તૈયાર કરેલાં ચોપાનિયાંઓની છાપેલી નકલો, દક્ષિણ આફ્રિકાનાં છાપાંઓમાંથી કાઢેલી કાપલીઓ અને પોતાના થોડા પત્રો, થોડી અરજીઓ અને થોડાં નિવેદનો જેમાં પ્રસિદ્ધ થયેલાં તેવાં થોડાં દક્ષિણ આફ્રિકાની સરકારનાં પ્રકાશનો એવું બધું તે સામગ્રીમાં છે.

ગાંધીજીએ જોકે પોતાનાં બધાં લખાણો સંઘરી રાખ્યાં નહોતાં. હિંદુ ધર્મનાં મૂળતત્વો પર પોતે તૈયાર કરેલા લખાણનો ઉલ્લેખ કરી दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहास (૧૯૫૬, પા. ૨૫૫)માં તેમણે લખ્યું છે, "આવી વસ્તુઓ તો ઘણીયે મેં મારી જિદગીમાં નાખી દીધી છે કે બાળી નાખી છે. એ વસ્તુઓને સંઘરી રાખવાની આવશ્યકતા મને જેમ જેમ ઓછી જણાતી ગઈ અને જેમ જેમ મારો વ્યવસાય વધતો ગયો તેમ તેમ મેં આવી વસ્તુઓનો નાશ કર્યો. મને તેનો પશ્ચાત્તા૫ નથી. એ વસ્તુઓનો સંગ્રહ મને બહુ બોજારૂપ અને ખરચાળ થઈ પડત. તેને સાચવવાનાં સાધન મારે ઉત્પન્ન કરવાં પડત, એ મારા અપરિગ્રહી આત્માને અસહ્ય થાત."

લંડનમાં અને દક્ષિણ આફ્રિકામાં મળી શકે એવાં સરકારી તેમ જ અન્ય દફતરોમાંથી મદદનીશ સંશોધકો અમારે માટે સામગ્રી એકઠી કરે છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન જે સામગ્રી લેતા આવ્યા હતા તેમાં એથી ઉમેરો થયો છે.

દક્ષિણ આફ્રિકાની સામગ્રીમાં હિંદી કોમની વતી ગાંધીજીએ ત્યાંની સરકાર આગળ રજૂ કરેલી ઘણી અરજો અને અરજનાં નિવેદનો છે. તેમના પર તેમની નહીં પણ કોમનું પ્રતિનિધિત્વ ધરાવનારા આગેવાનો અથવા નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ કે ટ્રાન્સવાલ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન જેવી સંસ્થાના હોદ્દદ્દારો સહી છે. ૧૮૯૫ના સપ્ટેમ્બરની ૨૫મી તારીખના તેમના પત્ર (જે આ પુસ્તકમાં પા. ૧૯૦ પર પ્રસિદ્ધ કર્યો છે તે)માંના તેમના પોતાના વિધાન પરથી સ્પષ્ટ દેખાય છે કે એ અરજો તેમણે ઘડી હતી. તે પત્રમાં તેમણે લખ્યું છે," . . . અનેક અરજીઓના ખરડા ઘડવાની જવાબદારી સંપૂર્ણ રીતે મારે શિર છે." ૧૮૯૪ની સાલના જુલાઈ માસમાં લૉર્ડ રિપનને મોકલવામાં આવેલી અરજીના દાખલા પરથી આ વાતની સાબિતી મળે છે. તેના પર તેમની સહી નથી, બીજા લોકોની છે; પણ તેને વિષે आत्मकथा (૧૯૫૨ની આવૃત્તિ, પા. ૧૪૨)માં તેઓ લખે છે, "અરજીની પાછળ મેં બહુ મહેનત લીધી. હાથ આવ્યું તે બધું સાહિત્ય મેં વાંચી લીધું." ૧૪૯૪ની સાલ પછી થોડાં વરસ ગાંધીજી નાતાલમાં રહ્યા હતા છતાં પાછળથી જે ટ્રાન્સવાલ નામથી ઓળખાયું તે સાઉથ આફ્રિકન રીપબ્લિક એટલે કે દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકમાંની અરજીઓને પણ આ પુસ્તકમાં લઈ લીધી છે. એ અરજીઓને ગાંધીજીના લખાણમાં ગણાવવાનું કારણ એવું છે કે દક્ષિણ આફ્રિકામાં પોતાનું પહેલું વર્ષ એટલે કે ૧૮૯૩ની સાલનો કંઈક અને ૧૮૯૪ની સાલનો થોડો ભાગ તેમણે ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં ગાળ્યો હતો અને તે દરમિયાન તેમને ત્યાંના હિંદીઓનો અને તેમના સવાલોનો ઘાડો પરિચય થયો હતો. પોતાની आत्मकथाમાં (પા. ૧૨૬ પર) તેઓ લખે છે, ". . . પ્રિટોરિયામાં ભાગ્યે કોઈ હિંદી રહ્યા હશે જેને હું ઓળખતો નહીં થયો હોઉં, અથવા તો જેની સ્થિતિથી હું વાકેફ નહીં થયો હોઉં." વળી, (પા. ૧૨૫ પર) તેઓ જણાવે છે, "ને છેવટમાં, એક મંડળ સ્થાપી હિંદીઓને પડતી હાડમારીઓનો ઇલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું, ને તેમાં મને મળે તેટલો વખત વગર વેતને આપવાનું મેં જણાવ્યું." ત્યાર બાદ તેમણે નાતાલમાં રહી કાર્ય કર્યું એ ખરું, છતાં ટ્રાન્સવાલના હિંદીઓ પોતાની અરજીઓ તૈયાર કરાવવાને તેમની પાસે પહોંચી જતા હોય એવો પૂરો સંભવ છે. નાતાલમાં કે ટ્રાન્સવાલમાં ગમે ત્યાં રહ્યા હોય, પણ આખાયે દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલમાં તેમને ઊંડો રસ હોઈ દક્ષિણ આફ્રિકાના ઓરેન્જ ફ્રી સ્ટેટ અને કેપ કોલોની જેવા ભાગોમાં અને રોડેશિયામાં પોતે નહોતા રહ્યા તોપણ તે બધા ભાગોમાં રહેતા હિંદીઓના સવાલો વિષે તેમણે હંમેશ લખ્યાનું જોવા મળે છે.

છતાં એટલું કહેવું જોઈએ કે હિંદીઓએ અમલદારોને અગર સરકારમાં કરેલી બધી અરજીઓ ગાંધીજીએ ઘડી નહોતી; તેઓ દક્ષિણ આફ્રિકામાં પહોંચ્યા તે પહેલાં પણ એવી કેટલીક અરજીઓ આપવામાં આવી હતી. એ અરજીઓ તેમને યુરોપિયન વકીલોએ પોતાના ધંધાની રાહે ઘડી આપી હતી એ સહેજે દેખાય એવું છે. તેમ છતાં ગાંધીજી એ ઠેકાણે પહોંચ્યા તે પછી અને હિંદીઓના સવાલોમાં તેમણે ઊંડો રસ લેવા માંડયો તે પછી સામાન્યપણે હિંદીઓએ તેમની પાસેથી જ પોતાની અરજીઓ ઘડાવવા માંડી હોય એવો પૂરો સંભવ છે. શ્રી છગનલાલ ગાંધી અને શ્રી પોલાક બન્નેએ લગભગ ૧૯૦૪ની સાલથી માંડીને ગાંધીજી સાથે કાર્ય કર્યું અને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના બાકીના વખતના વસવાટ દરમિયાન જે બન્ને તેમની સાથે જોડાયેલા રહ્યા તેમનો પણ એવો જ અભિપ્રાય છે.

બીજાં બે લખાણો પર ગાંધીજીની સહી નથી છતાં તે બન્ને આ પુસ્તકમાં લેવામાં આવ્યાં છે. નાતાલ ઇન્ડિયન કોંગ્રેસનું બંધારણ અને તેના કામકાજનો પહેલો હેવાલ એ બે તે લખાણો છે. ગાંધીજીએ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી હતી અને તેઓ તેના પહેલા મંત્રી હતા. ગાંધીજીએ પોતાને હાથે લખેલો એ બંધારણનો એક ખરડો મળી આવ્યો છે.

મળી આવતા પુરાવા પરથી સ્પષ્ટ થાય છે કે ગાંધીજીએ પહેલી અરજી ૧૮૯૪ની સાલના જૂન માસમાં ઘડી હતી, ત્યાર બાદ તેમણે અવિશ્રાન્તપણે એક પછી એક ઝપાટાબંધ અરજીઓ તૈયાર કરી હોય એમ લાગે છે. પોતાના સાર્વજનિક કાર્યમાં આ તબક્કે અન્યાયો દૂર કરાવવાને તેમણે હીકકતો મેળવીને પ્રસિદ્ધ કરવાની અને દલીલો રજૂ કરી તર્કબુદ્ધિને તેમ જ અંત:કરણને એટલે કે ધર્મબુદ્ધિને અપીલ કરવાની રીત અખત્યાર કરી હતી. બાર વર્ષથીયે વધારે સમય સુધી દક્ષિણ આફ્રિકામાં આ કાર્યપદ્ધતિનો પ્રયોગ કર્યા પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે સ્થાપિત હિતો દલીલને નમતું ન આપે ત્યારે સત્યાગ્રહ કરવાની અથવા કોઈક પ્રકારનું સીધું પગલું ભરવાની જરૂર ઊભી થાય છે.

આ પુસ્તકમાં જે ગાળાનાં લખાણો વગેરે સમાવવામાં આવ્યાં છે તે દરમિયાન ગાંધીજીની ઉંમર માત્ર વીસથી ત્રીસની વચ્ચેની હતી એ બીના વાચકે ખ્યાલમાં રાખવા જેવી છે. એ બધાં લખાણો તેમ જ ભાષણો સહેજે નજરે ચડે તેવો સંયમ અને અતિશયોક્તિનો અભાવ, સત્યને વળગી રહેવાની ચીવટ, અને સામાની દૃષ્ટિને પૂરો ન્યાય કરવાની આકાંક્ષા એ બધાં તેમના આખાયે જીવન દરમિયાન તેમનામાં રહેલાં લક્ષણો બરાબર પ્રગટ કરે છે.

૧૮૯૩ની સાલથી માંડીને ૧૯૧૪ની સાલ સુધીના ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યને લગતી વિગતો સમજવામાં સામાન્યપણે ઉપયોગી થાય તેટલા ખાતર દક્ષિણ આફ્રિકાના રાજબંધારણના માળખા પર એક નોંધ, દક્ષિણ આફ્રિકાની તવારીખ, ત્યાંના ઇતિહાસની ભૂમિકા, અને એક નાતાલનો ને બીજો દક્ષિણ આફ્રિકાનો એમ બે નકશા પુસ્તકમાં આપવામાં આવ્યા છે.

ગાંધીજીનું જીવનચરિત્ર ટૂંકમાં આપવાનું કાર્ય આ પુસ્તકશ્રેણીના કાર્યની મર્યાદામાં ન હોવાથી પુસ્તકમાં આપવામાં આવેલી કાલાનુક્રમણિકામાંથી જન્મથી માંડીને આ પુસ્તકમાં આપવામાં આવેલાં લખાણોની છેલ્લામાં છેલ્લી તારીખ સુધીના ગાંધીજીના જીવનનો તેમ જ કાર્યનો વાચકને ખ્યાલ આવે તેવી કોશિશ કરવામાં આવી છે.

આ પુસ્તકમાં લેવામાં આવેલી સામગ્રી સારુ પોતાનાં પુસ્તકો તેમ જ ગાંધીજીના પત્રો ને બીજાં પ્રસિદ્ધ ન થયેલાં ગાંધીજીનાં લખાણોની છબીઓના સંગ્રહવાળા ઉપયોગી પુસ્તકાલય તેમ જ સંગ્રહાલયનો અમને છૂટથી ઉપયોગ કરવા દેવાને માટે નવી દિલ્હીમાં આવેલા ગાંધી સ્મારક નિધિના અમે આભારી છીએ. તેવી જ રીતે દક્ષિણ આફ્રિકાનાં છાપાંઓની કાપલીઓ, ત્યાંની સરકારનાં પ્રકાશનો, અને તે ઉપરાંત ગાંધીજીના પત્રો અને તેમણે દક્ષિણ આફ્રિકામાં વખતોવખત બહાર પાડેલાં લખાણો જેવી મૂલ્યવાન સામગ્રીનો ઉપયોગ કરવા દેવાને માટે અમે સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટના ઋણી છીએ.

જરૂરી સામગ્રી મેળવવાને પોતાનાં પુસ્તકાલયોમાં તેમ જ જૂનાં દફતરો સંઘરવાના ખંડોમાં અમારા લંડનમાં કાર્ય કરતા મદદનીશને સંશોધન કરવાની સગવડ આપવાને માટે લંડનની સંસ્થાનોની કચેરી, બ્રિટિશ મ્યુઝિયમ, અને લંડન વેજિટેરિયન સોસાયટીની ઓફિસનો પણ અમારે આભાર માનવાનો છે.

સામગ્રી એકત્ર કરવામાં જરૂરી સગવડ આપવાને માટે અમે કલકત્તાની નેશનલ લાઇબ્રેરીના અને કલકત્તા, મુંબઈ ને મદ્રાસમાં આવેલી છાપાંઓની ઓફિસોના ઋણી છીએ.

અમદાવાદમાં આવેલું ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, નવી દિલ્હીમાં આવેલી એ.આઈ. સી.સી.ની લાઇબ્રેરી અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ ઍફેર્સ લાઈબ્રેરી, દિલ્હી યુનિવર્સિટી લાઈબ્રેરી (ડિપાર્ટમેન્ટ ઓફ આફ્રિકન સ્ટડીઝ), દિલ્હીમાં અને મુંબઈમાં આવેલી યુ.એસ.આઈ.એસ. લાઈબ્રેરીઓ, મુંબઈમાં આવેલી યુનિવર્સિટી લાબ્રેરી અને એશિયાટિક સોસાયટી લાઈબ્રેરી એ બધી સંસ્થાઓએ અમને માહિતી અને મદદ મેળવવામાં સગવડ આપી તે માટે અમે તેમના આભારી છીએ.

પુસ્તકમાંની બાબત નં. ૩, પ, ૬ અને ૧૩ અને પા. ૯૭ની સામેની છબીને માટે અમે શ્રી ડી. જી. તેન્ડુલકર અને महात्माના પ્રકાશકોના અને લખાણોની છબીઓ માટે ગાંધી સ્મારક નિધિના ઋણી છીએ.