લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/સામાન્ય પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
← પરિચય ગાંધીજીનો અક્ષરદેહ
સામાન્ય પ્રસ્તાવના
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
આ પુસ્તકની પ્રસ્તાવના →


સામાન્ય પ્રસ્તાવના

પોતાની સ્વતંત્રતાના ઘડવૈયા પ્રત્યેનું રાષ્ટ્રનું ઋણ અદા થવું જોઈએ એટલી જ બુદ્ધિથી નહીં, ભાવી પ્રજાના હિતને ખાતર પણ મહાત્મા ગાંધીનાં લખાણો, ભાષણો અને પત્રો ભેગાં એક જ ઠેકાણેથી મળી શકે એવી રીતે સંઘરાવાં જોઈએ એવી પ્રતીતિને કારણે તે બધાંને એકઠાં કરી ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવાની આ યોજના ભારત સરકારે ઉપાડી છે.

દિવસાનુદિવસ અને વર્ષાનુવર્ષ ગાંધીજીએ જે કાંઈ કહ્યું અને લખ્યું તે બધું આ ગ્રંથશ્રેણીમાં એકત્ર કરવાનો ઇરાદો રાખવામાં આવ્યો છે. તેમનું કાર્ય એક આખા અર્ધા સૈકા પર ફેલાયું હતું અને આપણા પોતાના દેશ ઉપરાંત બીજા દેશો પર પણ તેનો પ્રભાવ પડયો છે. દુનિયાભરમાં થઈ ગયેલા ઘણા ઓછા મહાપુરુષોએ જીવનના અનેકવિધ સવાલોમાંથી આટલા બધા વિધવિધ સવાલોમાં પોતાનું ધ્યાન પરોવ્યું હશે. પોતે જે માનતા તેનો વહેવારમાં અમલ કરવાને પ્રતિક્ષણ મથામણ કરતા. જેમણે તેમને આ પૃથ્વી પર દેહ ધરીને વિચરતા જોયા છે તે લોકોની, જેમને તેમનાં પ્રત્યક્ષ દર્શન તેમ જ ઉદાહરણથી જાણવા-શીખવાનો લહાવો મળી શકે એવો નથી એવી ભાવિ પેઢીઓને, તેમની એકંદર શીખનો સમૃદ્ધ વારસો જેવો હોય તેવો અણિશુદ્ધ અને બની શકે તેટલા પ્રમાણમાં પૂરેપૂરો અકબંધ સોંપવાની ફરજ છે.

૧૮૮૪થી ૧૯૪૮ના લાંબા ગાળામાં અને લગભગ સાઠ વરસના ઉગ્ર કર્મશીલ જાહેર જીવન દરમિયાન ગાંધીજીએ લખાણો અને ભાષણો કર્યા છે અને પત્રો લખ્યા છે. તે બધાં દુનિયાભરમાં અને ખાસ કરીને હિંદુસ્તાન, ઇંગ્લંડ અને દક્ષિણ આફ્રિકા એ ત્રણ દેશોમાં વેરાયેલાં પડયાં છે.

એ બધાં લખાણ અને ભાષણ પોતાના જીવનકાળમાં તેમણે જે પુસ્તકો લખ્યાં અથવા જે પ્રસિદ્ધ થયાં તેમાં સંઘરાયેલાં પડયાં છે એટલું જ નથી, ધૂળ ખાતી ફાઈલોમાં, સરકારી દફતરોમાં તેમ જ પ્રકાશનોમાં અને અંગ્રેજી, ગુજરાતી તેમ જ હિંદી ભાષાનાં જૂનાં વર્તમાનપત્રો ને સામયિકોના ઢગલાઓમાં પણ છે. તેમના પત્રો ઊંચી અને નીચી ગણાતી, તવંગર અને ગરીબ, દરેક જાતિની અને ધર્મની અગણિત વ્યક્તિઓની પાસે આખી દુનિયામાં છે. આવી બધી સામગ્રી નાશ પામે અગર રવડી જાય તે પહેલાં એકઠી કરી લેવાનું જરૂરી છે.

તેમનાં લખાણો અને ભાષણોના કેટલાક સંગ્રહો અથવા વધારે સાચી રીતે ઓળખાવીએ તો સંપાદિત પુસ્તકો બેશક મોજૂદ છે. તેમાંનાં ઘણાં ખાસ કરીને ખુદ ગાંધીજીએ સ્થાપેલા ટ્રસ્ટના વહીવટમાં ચાલતા અમદાવાદના નવજીવન પ્રકાશન મંદિરે પ્રસિદ્ધ કર્યા છે. એ બધાં પ્રકાશનો કીમતી એટલે કે ઉપયોગી છે એ સાચું, પણ તેમાંનાં ઘણાંખરાં ગાંધીજીએ જે દરમિયાન હિંદુસ્તાનમાં કાર્ય કર્યું તે સમય પૂરતાં અને મુખ્યત્વે તેમનાં પોતાનાં नवजीवन, यंग इन्डीया અને हरिजन સાથે સંકળાયેલાં અઠવાડિકોમાં જે પ્રસિદ્ધ થતું તેટલા પૂરતાં મર્યાદિત છે. વળી, મોટે ભાગે એ બધાં લખાણો તેમ જ ભાષણોની ગોઠવણી જુદા જુદા વિષયવાર થયેલી હોવાથી કેટલીક વાર જે તે વિષયને પ્રસ્તુત હોય તેવાં લખાણ કે ભાષણમાંના ઉતારા લઈ તેના બીજા ભાગ તેમાં છોડી દેવામાં આવ્યા છે.

પત્રોની બાબતમાં એવું બન્યું છે કે પોતાનાથી મેળવી શકાય તેટલા એકઠા કરી તેમની છબી ઉતારી લઈ ગાંધી સ્મારક નિધિએ ઘણી ઉપયોગી કામગીરી બજાવી છે, પણ તે હજી પ્રસિદ્ધ થયા નથી. અત્યાર સુધીમાં નિધિએ એકઠા કરેલા પત્રોની સંખ્યા હજારોની થવા જાય છે, પણ હજી તેથીયે વધારે સંખ્યાના કાગળો મેળવવાના અને પ્રસિદ્ધ કરવાના બાકી છે.

આમ, ગાંધીજીના જીવનના ગમે તે ગાળાનાં લખાણો, ભાષણો અને પત્રો જયાંથી મળે ત્યાંથી શોધીને મેળવી તે બધાંને જેવાં ને તેવાં આખાં ને આખાં કાળક્રમે ગોઠવીને પ્રસિદ્ધ કરવાનો હજી સુધી કોઈ પ્રયાસ થયો નથી. ખાનગી વ્યક્તિઓ અથવા સંસ્થાઓના ગજા બહારનું એ કામ હતું. એટલું સાધન તેમાંથી કોઈની પાસે હોય નહીં. તેથી હિંદી સરકારે તે કામ માથે લીધું છે.

ગાંધીજીએ કરેલાં ભાષણો, લખેલાં લખાણો તેમ જ મોકલેલા પત્રોનો જથ્થો તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટનાં તેમના કાર્યની શરૂઆતનાં વર્ષોમાં પણ અસાધારણ મોટો હતો. એટલા જ ગાળાની એ પ્રકારની સામગ્રીને સમાવવાને આશરે બાર પુસ્તકો થશે. તેમનાં બધાંયે લખાણો, ભાષણો અને પત્રોની કુલ સામગ્રીને સમાવવાને આમ આખી શ્રેણીનાં સાધારણ અંદાજે ચારસો ચારસો પાનાંનાં તેમનાં સાર્વજનિક જીવનનાં વર્ષોની સંખ્યા જેટલાં પુસ્તકો થશે.

વળી, તેમણે એક જ ભાષામાં ભાષણો કર્યા નથી. તેઓ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લખતો અને બોલતા. તેથી એ બધી સામગ્રીના સંપાદકનું કામ કેવળ તેને એકઠી કરવા પૂરતું જ ન રહેતાં ગુજરાતી ને હિંદીમાંથી અંગ્રેજીમાં અને ગુજરાતી ને અંગ્રેજીમાંથી હિંદીમાં ચોકસાઈથી તરજુમા કરવાનું પણ રહેશે કેમ કે આ શ્રેણી એ બે એટલે કે અંગ્રેજી અને હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરવાનું વિચારાયું છે. ઉપરાંત, તેમના જીવનનાં તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળેલાં શરૂઆતનાં વર્ષોના ગાળાની સામગ્રી લંડનની સંસ્થાનોની કચેરીના દફતરોમાં અને ખુદ દક્ષિણ આફ્રિકામાં હિંદુસ્તાનની બહાર પડેલી હોવાથી કામ વધારે અટપટું બન્યું છે. દક્ષિણ આફ્રિકામાં પડેલી સામગ્રી સુધી પહોંચી તેને મેળવવાનું કામ પ્રમાણમાં વધારે મુશ્કેલ છે. અમલદારોને સંબોધીને કરેલાં લખાણો ઉપરાંત ત્યાં ગાંધીજીએ इन्डीयन ओपीनियनમાં બહોળા પ્રમાણમાં લખ્યું હતું. यंग इन्डीया, नवजीवन અને हरिजनમાં પાછળથી છપાયેલા તેમના લેખો જેમ તેમની સહીથી પ્રસિદ્ધ થયા તેવું इन्डीयन ओपीनियनમાંના તેમના લેખોનું નથી; તેમના પર તેમની સહી નથી. ગાંધીજીનાં તે લખાણો તેમનાં તરીકે પ્રમાણભૂત રીતે ઓળખાવવાના કામમાં આ શ્રેણીના સંપાદકોને એકલા इन्डीयन ओपीनियनના કામમાં જ નહીં પણ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની બીજી પ્રવૃત્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા શ્રી એચ. એસ. એલ. પોલાક અને શ્રી છગનલાલ ગાંધી એ બન્ને તરફથી કીમતી મદદ મળી છે.

ખુદ આ કામનો પ્રકાર એવો છે કે આ સંગ્રહને માટે એ પરિપૂર્ણ છે અથવા છેવટનો છે એવો દાવો થઈ ન શકે. હવે પછી સંશોધન થાય તેમાંથી હમણાં ન મળી શકયાં હોય તેવાં નવાં લખાણો મળી આવેય ખરાં. સંગ્રહને અણિશુદ્ધ સંપૂર્ણ કરવાને ખાતર અનિશ્ચિત સમય સુધી થોભી જવાનું સલાહભરેલું ન થયું હોત. આ કામમાં સુધારોવધારો કરવાનું ભવિષ્ય પર છોડવું સારું. હાલ પૂરતું જોકે જેટલી મળી શકે તેટલી બધી સામગ્રી એકઠી કરવાની, તેની સચ્ચાઈની ખાતરી કરી લેવાની અને મૂળ લખાણ સમજવામાં વાચકને મદદ થાય તેવી ટૂંકી નેાંધો સાથે પ્રસિદ્ધ કરવાની થાય તેવી બધી કોશિશ કરવામાં આવે છે. એકાદ પુસ્તકમાં લેવાલાયક સામગ્રી મેળવતાં મોડું થાય તો તેને અલગ પ્રસિદ્ધ કરવાનું વિચારાયું છે.

પહેલાં કહેવામાં આવ્યું છે તે મુજબ બધી સામગ્રીની ગોઠવણી કાળક્રમે રહેશે અને કોઈ પણ એક તારીખના લેખ, અગર ભાષણ અગર પત્રને એકસાથે રાખવામાં અાવશે. જુદા જુદા વર્ગની શબ્દસામગ્રીને અલગ અલગ શ્રેણીમાં પ્રસિદ્ધ કરવાને બદલે આ પ્રકારની ગોઠવણી પસંદ કરવાનું કારણ એ છે કે તે બધીને એ ઢબે અલગ પાડવામાં કૃત્રિમપણું આવી ગયા વગર રહે નહીં. ઘણી વાર ગાંધીજી એક જ વિષયની અથવા મુદ્દાની ચર્ચા થોડા દિવસ દરમિયાન કયાંક એકાદ લેખમાં તો કયાંક એકાદ ભાષણમાં કે કયાંક કોઈકને લખેલા પત્રમાં કરતા. તેઓ જીવનને અલગ અલગ ખંડ પાડીને નહીં પણ એક અખંડ વસ્તુ તરીકે જોતા. પોતાના વિચારો તેઓ લેખ, ભાષણ અગર પત્રમાં એમ ગમે તે ઢબે વ્યક્ત કરતા તોયે તેમાં ખાસ કશો ફરક પડતો નહોતો. એ બધાં એક જ પુસ્તકમાં ચોકસાઈથી કાળક્રમે પાસે પાસે રાખવામાં આવ્યાં હોય તો ગાંધીજી કેવી રીતે કાર્ય કરતા અને જુદા જુદા મુદ્દાઓ એક પછી એક સામા આવતા જાય તેમ તેમ તેમનો કઈ રીતે વિચાર કરી નિકાલ કરતા તેનો વાચકને વધારે સાચો ને સ્પષ્ટ ખ્યાલ આવે એ રીતે આ પુસ્તકોમાં ગાંધીજીના માનસની સમૃદ્ધિ સોળે કળાએ પ્રગટ થશે કેમ કે તેઓ એક બાજુથી સાર્વજનિક જીવનની દૃષ્ટિથી ઘણા મહત્વની બાબતોની ચર્ચા કરતા હોય તે જ વખતે બીજી બાજુથી વ્યક્તિઓના અંગત જીવન સાથે ઘાડો સંબંધ ધરાવતા સવાલોમાં તેટલી જ ચીવટથી પોતાનું ચિત્ત પરોવતા હોય એવું જોવા મળે છે. જાહેર જીવનના સવાલોની ચર્ચા કરનારાં લખાણો અગર ભાષણોની વચ્ચે વચ્ચે વ્યક્તિઓને અંગત લખેલા પત્રો રાખવાથી તે બધાને અલગ પુસ્તકશ્રેણીમાં પ્રસિદ્ધ કરવાથી મળે તેના કરતાં ગાંધીજીના વ્યક્તિત્વનું વધારે સાચું અને વધારે પૂર્ણ પ્રતિબિમ્બ નીરખવાનું મળશે.

આ પુસ્તકશ્રેણીનો આશય ગાંધીજીના અસલ શબ્દોને બની શકે તેટલા પ્રમાણમાં જેવા ને તેવા આપવાનો હોવાથી તેમનાં ભાષણો, તેમની મુલાકાતો અને વાતચીતોના જે હેવાલો પ્રમાણભૂત સાચા લાગ્યા નથી તેમને છોડી દેવામાં આવ્યા છે અને તેવી જ રીતે પરોક્ષ નિવેદનને રૂપે અપાયેલા હેવાલો પણ એમાં લેવામાં આવ્યા નથી. ભાષણોની બાબતમાં જોકે પરોક્ષ નિવેદનને રૂપે અપાયેલા તેમના હેવાલની પ્રમાણભૂત સચ્ચાઈ વિષે શંકા ન હોય અથવા પ્રત્યક્ષ નિવેદનને રૂપે તેમનો હેવાલ મળે એમ ન હોય, અથવા બીજી રીતે મળી ન શકે એવી માહિતી તેમાંથી મળતી હોય તો તે રૂપમાં તે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે ગાંધીજીએ વકીલ તરીકે કેવળ પોતાના વ્યવસાય પૂરતા લખેલા દસ્તાવેજ અગર પત્રો અને જે માત્ર શિરસ્તા મુજબ લખાયેલા તેમ જ જે તેમના ચરિત્રની દૃષ્ટિથી પ્રસ્તુત ન હોય તેવા કાગળો પણ આમાં સમાવવામાં આવ્યા નથી. વળી, જેને લખાયો હોય તેને જ જાણવાને લાયક ખાનગી પ્રકારના અથવા હાલ જીવતાં માણસોને જેમની પ્રસિદ્ધિથી મૂંઝવણ થવાનો સંભવ હોય તેવા પત્રોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી.

હિંદી ને ગુજરાતીમાંથી અંગ્રેજી તરજુમા કરવાનું અને અંગ્રેજી ને ગુજરાતીમાંથી હિંદી તરજુમા કરવાનું કામ સંભાળથી પસંદ કરવામાં આવેલા અનુભવી અનુવાદકોના મંડળને સોંપાયું છે. શૈલીમાં એકધારાપણું જળવાય તેટલા ખાતર બની શકે ત્યાં સુધી એક જ પુસ્તકમાં સમાવવામાં આવેલાં લખાણોના તરજુમાનું કામ એક જ અનુવાદક કરે છે.

મળેલાં લખાણો વગેરેની સામગ્રીને પુસ્તકશ્રેણીમાં આપતાં પહેલાં અસલને વળગી રહેવાની ચીવટ રાખવામાં આવી છે. છાપકામની દેખીતી ભૂલો સુધારી લેવામાં આવી હોઈ જે શબ્દો મૂળમાં ટૂંકાવીને આપ્યા હોય તેમની સામાન્યપણે પૂરી જોડણી આપવામાં આવી છે.

અખબાર અથવા સામયિકોમાંનો લેખ ન હોય એવા લખાણની અથવા ગાંધીજીએ આપેલા ભાષણની તારીખ બધે ઠેકાણે એક જ રીતે શરૂઆતમાં મથાળે જમણી બાજુને ખૂણે સામાન્ય રીતે ટપાલના કાગળોમાં લખવાનો રિવાજ છે તે મુજબ આપવામાં આવી છે. કોઈ કોઈ દાખલામાં મૂળમાં એ તારીખ છેવટે આપવામાં આવી હોય તોપણ અહીં ઉપર જણાવેલી રીત જ અખત્યાર કરવામાં આવી છે. જયાં મૂળમાં તારીખ આપવામાં આવી ન હોય ત્યાં અંદાજે તારીખ નક્કી કરી તે ચોરસ કૌંસમાં આપી છે અને જરૂરી જણાયું છે ત્યાં તે ઠરાવવાનાં કારણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. લખાણને અંતે મૂકવામાં આવેલી તારીખ તેના પ્રસિદ્ધ થયાની છે. અંગત પત્રની બાબતમાં જેને સંબોધીને તે લખાયો હોય તે વ્યક્તિનું નામ બધે એક જ ઢબે મથાળે મૂકવામાં આવ્યું છે. જે સાધનમાંથી આપવામાં આવેલી બાબત લેવામાં આવી હોય તેનો ઉલ્લેખ તેને છેડે કરવામાં આવ્યો છે. નામોની જુદી જુદી જોડણી મૂળમાં જેવી હોય તેવી રહેવા દીધી છે.

મૂળ લખાણના પરિચયની શરૂઆતની ઈટાલિક અક્ષરમાં આપવામાં આવેલી નેાંધ,[]પાનાને તળિયે આપેલી ફૂટનોટ, તેમ જ મૂળ લખાણની વચ્ચે ચોરસ કૌંસમાં મૂકેલા શબ્દો સંપાદકોનાં છે. લખાણની વચ્ચે ગોળ કૌંસમાં આવતું વસ્તુ મૂળમાંનું છે. જયારે જયારે મૂળમાં ગાંધીજીએ બીજાં સાધનોમાંથી અથવા કેટલીક વાર પોતાનાં લખાણો કે હેવાલો કે નિવેદનોમાંથી ઉતારા લીધા છે ત્યારે તે બધા ફકરા નાના અક્ષરનાં બીબાંમાં થોડા અંદરથી છાપવામાં આવ્યા છે.[]

પાનાને તળિયે મૂકવાની નોંધ બને તેટલી ઓછી કરવાના હેતુથી સ્થળોને લગતી નોંધ, વ્યક્તિઓની ઓળખની નોંધ, કાયદાઓને લગતી નોંધ, વધારે વિસ્તારવાળા ઉલ્લેખો અને બિનઅંગ્રેજી શબ્દોની [] યાદી પુસ્તકને અંતે આપવામાં આવ્યાં છે. દરેક પુસ્તકમાં આપવામાં આવેલાં લખાણો જે ગાળામાં થયાં હોય તેને લગતી એક કાલાનુક્રમણિકા તેમાં આપી છે. લખાણ પ્રાપ્તિનાં સાધનોને લગતી નોંધ પણ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે.

આ યોજનાનો અમલ ઓગણીસસો છપ્પનની સાલના ફેબ્રુઆરી માસમાં શરૂ થયેલો. તેનો મૂળ ખ્યાલ કરવાનું શ્રેય હિંદી સરકારની માહિતી અને રેડિયો ખાતાના મંત્રી શ્રી પી. એમ. લાડને ફાળે જાય છે. ઓગણીસસો સત્તાવનની સાલના માર્ચ માસમાં તેમનું અકાળે અવસાન થયું તે પહેલાં આ યોજનાના કામને સારા પાયા પર ગોઠવી દેવામાં તેઓ સહાયભૂત થયેલા.

આ પુસ્તકશ્રેણીની રચનાનું નિયમન કરવાનું અને તેને ઘટતે રસ્તે લેવાનું કામ એક સલાહકાર મંડળને સોંપવામાં આવ્યું છે. તેના મૂળ સભ્યો શ્રી મોરારજી ર. દેસાઈ (અધ્યક્ષ), શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી દેવદાસ ગાંધી, શ્રી પ્યારેલાલ નય્યર, શ્રી મગનભાઈ પ્ર. દેસાઈ, શ્રી જી. રામચંદ્રન, શ્રી શ્રીમન્નારાયણ, શ્રી જીવણજી ડા. દેસાઈ અને શ્રી પી. એમ. લાડ હતા. ગાંધીજીના જીવન તેમ જ કાર્યની સાથે ગાઢ રીતે સંબંધમાં આવેલા લોકોની સલાહ તેમ જ તેમના અનુભવનો લાભ યોજનાને મળે તે હેતુથી આ સલાહકાર મંડળ રચવામાં આવ્યું હતું.

લખાણો, ભાષણો અને પત્રો વગેરે બધી સામગ્રી એકઠી કરવાની અને પુસ્તકોના સંપાદનની વ્યવસ્થા એક મુખ્ય સંપાદકને સેપવામાં આવી છે. શ્રી ભારતન કુમારપ્પાને મુખ્ય સંપાદક નીમવામાં આવ્યા હતા એને પાછળથી તેમને સલાહકાર મંડળમાં પણ લેવામાં આવ્યા હતા. ઓગણીસસો સત્તાવનની સાલના જૂન માસમાં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે અસાધારણ ભક્તિભાવથી કાર્ય કર્યું. તેમના અવસાન પછી આ યોજના મુજબનું પહેલું પુસ્તક


  1. ૧. अक्षरदेहમાં આ નોંધ માત્ર મોટા કૌંસમાં મૂકી છે.
  2. ૨. अक्षरदेहમાં અક્ષરો સરખા જ રાખ્યા છે.
  3. ૩. अक्षरदेहમાં આ યાદી રાખી નથી.
છાપવાને માટે છાપખાનામાં મોકલવાની તૈયારી પૂરી થઈ તે અરસામાં સલાહકાર મંડળે

શ્રી જયરામદાસ દોલતરામને મુખ્ય સંપાદકનું કામ સંભાળવાને નિમંત્રણ આપ્યું અને તેમની મંડળના સભ્ય તરીકે પણ નિમણૂક કરવામાં આવી.

મુખ્ય સંપાદકની મદદમાં સંપાદકોનું એક મંડળ છે તેમાંથી શ્રી યુ. આર. રાવ લખાણોને લગતું, શ્રી આર. કે. પ્રભુ ભાષણોને લગતું, શ્રી પી. જી. દેશપાંડે પત્રોને લગતું, શ્રી દીક્ષિત હિંદીને લગતું અને શ્રી એમ. કે. દેસાઈ તેમ જ શ્રી રતિલાલ મહેતા ગુજરાતીને લગતું કામ સંભાળે છે.

[મૂળ અંગ્રેજી]