ગાંધીજીનો અક્ષર દેહ - ૧/કેટલાક હિંદી તહેવારો

વિકિસ્રોતમાંથી
← હિંદના શાકાહારીઓ ગાંધીજીનો અક્ષરદેહ
કેટલાક હિંદી તહેવારો
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદના ખોરાક →


૮. કેટલાક હિંદી તહેવારો

આ ઈસ્ટરના ઉત્સવ[૧] વખતે મારો વિચાર ઈસ્ટરના ગાળામાં આવતા તહેવારોને વિષે લખવાનો હતો; પણ એ તહેવારોની સાથે સંકળાયેલાં સ્મરણો દુ:ખદ હોઈ તેમ જ તે હિંદુઓનો સૌથી મોટો ઉત્સવ ન હોઈ તેના કરતાં મહત્ત્વમાં અને ઉજવણીની ભવ્યતામાં કયાંયે ચડિયાતા દિવાળીના તહેવારોનું વર્ણન તેમના વર્ણનને બદલે કરું એ વધારે ઉચિત છે.

દિવાળીને હિંદુઓની નાતાલ કહી શકાય. તે હિંદુ વિક્રમ સંવત્સરને અંતે એટલે કે નવેમ્બર માસ દરમિયાન આવે છે. એ સામાજિક તેમ જ ધાર્મિક એમ બન્ને પ્રકારનો તહેવાર છે. એ લગભગ એક આખા મહિના પર ફેલાયેલો હોય છે. હિંદુ વિક્રમ સંવત્સરના બારમા આસો માસની પહેલી તિથિએ એ ભવ્ય ઉત્સવ આવી પહોંચ્યાની જાહેરાત બાળકો પહેલવહેલા ફટાકડા ફોડીને કરે છે. પહેલા નવ દિવસો નવરાત્રી એ નામે ઓળખાય છે. એ નવ દિવસો મુખ્યત્વે ગરબીઓથી વરતાઈ આવે છે. વીસ, ત્રીસ કે તેથીયે વધારે માણસો મોટાં કૂંડાળાં બનાવે છે. તેમની વચ્ચે એક મોટો થાંભલો રોપી સુંદર રીતે શણગારી તેના પર ચારે બાજુ દીવા ગોઠવવામાં આવે છે અને ત્યાં જ તે કુંડાળાની વચ્ચે લોકરુચિને અનુકૂળ ગીતો ગાતો એક આદમી બેસીને ઢોલક વગાડે છે. કુંડાળે વળેલા માણસો તાળીથી તાલ આપી એ ગીતો ઝીલે છે. ગીતની કડીઓ ઝીલતાં ઝીલતાં તે બધાયે દીપમાળની આસપાસ ફરે છે અને સાથે તાલ આપતાં આપતાં કેડમાંથી વાંકા વળી પાછા ટટાર થતા જાય છે. આ ગરબીઓ સાંભળવામાં ઘણી વાર બહુ આનંદ આવે છે.

અહીં જણાવવું જોઈએ કે છોકરીઓ અને તેમાંય મોટી ઉમરની સ્ત્રીઓ આ ગરબી રમવામાં કદી સામેલ થતી નથી. અલબત્ત, તેઓ પોતાની અલગ ગરબી રાખે છે અને તેમાંથી પુરુષોને બાદ રાખવામાં આવે છે. કેટલાંક કુટુંબોમાં આ દિવસોમાં અર્ધો ઉપવાસ કરવાનો રિવાજ હોય છે આખા કુટુંબમાંથી એક જણ એવું વ્રત કરે તો ચાલે. એ ઉપવાસ કરનાર માણસ દિવસમાં એક જ વાર અને તે પણ સાંજે જ જમે છે. વળી તે અનાજ કે કઠોળ નહીં પણ માત્ર ફળફળાદિ, દૂધ અને બટાટા જેવાં કંદમૂળ લઈ શકે છે.

દસમા દિવસને દસેરો કહે છે .અને તે દિવસે મિત્રો ભેગા મળી એકબીજાને જાફતો આપે છે. એ દિવસે મિત્રોને અને તેમાંયે આશ્રયદાતાઓને કે ઉપરી અમલદારોને મીઠાઈઓ ભેટ તરીકે મોકલવાનો પણ રિવાજ છે. એક દસેરાનો દિવસ બાદ કરતાં નવરાત્રીમાં બધી આનંદપ્રમોદની પ્રવૃત્તિ રાતને વખતે ચાલે છે અને રોજેરોજની સામાન્ય નિત્ય પ્રવૃત્તિ દિવસે પૂરી કરવામાં આવે છે. દસેરા પછી એક પખવાડિયા સુધી બધું પ્રમાણમાં શાંત થઈ જાય છે. માત્ર સ્ત્રીઓ તે દરમિયાન આવી રહેલા મોટા તહેવારની ઉજવણી સારુ મીઠાઈની અને બીજી ખાવાની વાનગીઓ રાંધવામાં ને તૈયાર કરવામાં રોકાય છે કેમ કે હિંદુસ્તાનમાં ઊંચામાં ઊંચા


  1. ઈશુ કબરમાંથી ઊઠયા તે દિવસની ઉજવણીને ખ્રિસ્તી ધર્મને તહેવાર. દર વર્ષે માર્ચ માસની ૨૧મી અને એપ્રિલ માસની ૨૬મી તારીખ વચ્ચેના રવિવારે આવે છે,
વર્ગની સ્ત્રીઓ જાતે રસોઈ કરવામાં નાનમ માનતી નથી. ઊલટું, હકીકતમાં દરેક સ્ત્રીએ રસોઈની

કળા સિદ્ધ કરેલી હોવી જોઈએ એમ મનાય છે.

આમ રાતને વખતે ભોજન અને ગીતગરબાની મજા કરતાં કરતાં આપણે આસો મહિનાની વદ તેરસ સુધી પહોંચીએ છીએ. (હિંદમાં દરેક માસના કૃષ્ણ પક્ષ અથવા વદ અને શુકલ પક્ષ અથવા સુદ એવા બે ભાગ પાડવામાં આવે છે અને પૂર્ણિમા પછીના તેમ જ અમાવાસ્યા પછીના પડવાથી તે બન્નેની શરૂઆત ગણાય છે; આમ પૂનમ પછીનો પડવો વદ અથવા અંધારિયાનો અને અમાસ પછીનો સુદ અથવા અજવાળિયાનો પહેલો દિવસ ગણાતો હોઈ તિથિની ગણતરી એ રીતે આગળ ચાલે છે.) તેરસનો દિવસ અને તે પછીના ત્રણ દિવસ આખા ને આખા ઉજવણીમાં અને આનંદપ્રમોદમાં જાય છે. આ તેરમા દિવસને અથવા તેરસને ધનતેરસ કહેવામાં આવે છે એટલે કે એ તેરસ સંપત્તિની દેવી લક્ષ્મીની પૂજાને માટે જુદી રાખવામાં આવેલી છે. તવંગર લોકો તે દિવસે જુદી જુદી જાતનું હીરા મોતી અને બીજું ઝવેરાત, નાણાંના સિક્કા વગેરે ભેગું કરી સંભાળથી એક પેટીમાં મૂકે છે. પૂજા સિવાય એનો તેઓ બીજો ઉપયોગ કરતા નથી. દર વરસે આ સંધરામાં કંઈ ને કંઈ ઉમેરવામાં આવે છે. અને થોડા વિરલ અપવાદ બાદ કરતાં કોણ લક્ષ્મીનો લોભ નથી રાખતું એટલે કે તેને નથી ભજતું? એથી તે ભજન એટલે બહારની પૂજા સિક્કા વગેરેને પાણીથી અને દૂધથી ધોઈને તેના પર કંકુ ને ફૂલ ચડાવીને કરવામાં આવે છે.

ચૌદમો દિવસ કાળી ચૌદસ કહેવાય છે; પણ કાળી ચૌદસ હોવા છતાં તે દહાડે લોકો મળસકે ઊઠે છે અને એદીમાં એદી માણસને પણ બરાબર નાહવાની ફરજ પડે છે; માતાઓ શિયાળો હોવા છતાં તે દિવસે વહેલી સવારના પોતાનાં નાનાં બાળકોને પણ નવડાવ્યા વગર રહેતી નથી. કાળી ચૌદસની રાતે સ્મશાનમાં ભૂતો ટોળે વળે છે એવું મનાય છે. જે લોકો ભૂતપ્રેતની વાતમાં શ્રદ્ધા રાખે છે તે પોતાના એ મિત્રોને મળવાને એ સ્થળો પર જાય છે અને બીકણ માણસો ભૂત કયાંક નજરે ન પડી જાય એવી બીકનાં માર્યા ઘરમાંથી બહાર પણ ટૂંકતાં નથી.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૮–૩–૧૮૯૧

પણ જુઓ ! હવે પંદરમા દિવસનું સવાર પડયું ને દિવાળી આવી પહોંચી. આ દિવાળીને દહાડે ભારી ભારી દારૂખાનું ફોડવામાં આવે છે. આ દિવસે કોઈ પણ પોતાની પાસેનું નાણું છોડવા માગતું નથી. કોઈ પૈસા ઉછીના લેશે નહીં કે આપશે નહીં. જે કંઈ ખરીદી કરવાની તે બધી આગલે દિવસે થઈ ગયેલી ગણાય છે.

હવે તમે એક જાહેર રસ્તાના ખૂણે ઊભા છો. જુઓ, ધોળાં દૂધ જેવાં કપડાં પહેરી પેલો ભરવાડ સામે ચાલ્યો આવે છે, એ કપડાં એણે પહેલી જ વાર પહેર્યા છે. તેની લાંબી દાઢી તેણે ચહેરા પર બે બાજુ ઊંચી લઈ પોતાના ફળિયાની નીચે દબાવી છે અને તે કોઈક ગીતની તૂટક કડીઓ લલકારે છે, લાલ રંગે ને લીલા રંગે રંગેલાં અને અણી પર ચાંદીની ખોળીઓવાળાં શીંગડાંવાળી ગાયોનું ધણ તેની પાછળ વહ્યું આવે છે. તેની પાછળ નાની નાની મહિયારીઓનું ટોળું માથે ઊઢણ પર ગોઠવેલી નાની નાની મટુકીઓ લઈ થોડી વારમાં ચાલી આવતું તમારી નજરે પડે છે. તમને થાય છે કે આ મટુકીઓમાં શું હશે ! પેલી બેપરવા મહિયારીની મટુકીમાંથી છલકાતું દૂધ જોતાંવેંત તમારી શંકા દૂર થાય છે. પછી ધોળા થોભિયાવાળો, ધોળી પાઘડી માથે મૂકી તેમાં બરુની લાંબી કલમ ખોસી ચાલ્યો આવતો પેલો પડછંદ આદમી જુઓ. તેણે કેડે લાંબું ફાળિયું વીંટાળ્યું છે અને તે ફાળિયામાં રૂપાનો શાહીનો ખડિયો ગોઠવ્યો છે. તમારે જાણી લેવું જોઈએ કે એ મોટો શરાફ છે. આમ જુદી જુદી જાતનાં માણસો આનંદ અને મસ્તીભર્યા રસ્તેથી ચાલ્યાં જતાં તમને જોવાનાં મળશે.

પછી આવી રાત. શહેરની શેરીઓ બધી આંખને આંજી નાખનારી રોશનીથી ઝળાંઝળાં થઈ રહી છે; અલબત્ત, જેણે લંડનના રિજન્ટ સ્ટ્રીટ અથવા ઓકસફર્ડ સ્ટ્રીટ જોયા નથી તેને જ એ આંજી નાખનારી લાગે અને તેની સરખામણી ક્રિસ્ટલ પેલેસ પર જે પ્રમાણમાં રોશની કરવામાં આવે છે તેની સાથે કરવાની હોય નહીં, મુંબઈ જેવાં મોટાં શહેરોની વાત વળી જુદી છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પોતાનાં સારામાં સારાં વસ્ત્રો પહેરી ફરવા નીકળે છે, એ વસ્ત્રોના રંગોની વિવિધતાનો પાર નથી, તેથી અદ્ભુત એવી ચિત્રવિચિત્ર અસર પેદા થાય છે ને બધાં વસ્ત્રો એકઠાં મળી સુમેળવાળું અખંડ રંગબેરંગી સુંદર દૃશ્ય ઊભું કરે છે. વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા પણ આજે રાતે કરવાની હોય છે. વેપારીઓ ત્યારે નામાનો પહેલો આંકડો પાડી નવા ચોપડા શરૂ કરે છે. પૂજા કરાવનારો સર્વવ્યાપી બ્રાહ્મણ પૂજામાં થોડા શ્લોક બબડી જઈ દેવી સરસ્વતીનું આવાહન કરે છે. પૂજા થઈ રહે છે એટલે છેક અધીરાં થઈ ગયેલાં બાળકો દારૂખાનું ફોડવા મંડી પડે છે; અને આ પૂજાનું મહુરત આગળથી નક્કી થયેલું હોવાથી શહેરની બધી શેરીઓ ફટાકડાઓના અને બીજા દારૂખાનાના ફૂટવાના ફટફટ અને સૂસૂ અવાજોથી ગાજી ઊઠે છે. ધાર્મિક વૃત્તિના લોકો પછી મંદિરોએ દર્શને જાય છે પણ ત્યાંયે આ રાતે તો આનંદ અને ઉત્સાહ, આંજી નાખનારી રોશની અને જાતજાતની શોભા વગર બીજું કંઈ જોવામાં આવતું નથી.

ત્યાર પછીનો એટલે કે બેસતા વરસનો દિવસ મુલાકાતો લેવા જવાનો અને મુલાકાતોએ આવનારાઓને મળવાનો દિવસ છે. રસોડાનો ચૂલો તે દિવસે ટાઢો રહે છે અને તેથી આગળના દિવસોએ તૈયાર કરેલી વાનીઓથી ચલાવી લેવામાં આવે છે. પણ ખાઉધરને ભૂખે મરવું પડતું નથી કારણ કે ખાવાની વાનીઓ એટલી બધી હોય છે કે તે વારે વારે ખાય છે તોયે પૂરી થતી નથી ને કેટલુંયે વધે છે. સારી સ્થિતિના વર્ગના લોકો હરેક પ્રકારનાં શાકભાજી, અનાજ અને કઠોળ ખરીદી રાંધે છે અને બેસતે વરસે તે દરેકનો ચાખીને સ્વાદ લે છે.

નવા વરસનો બીજો દિવસ પ્રમાણમાં ધમાલ વગરનો શાન્ત હોય છે રસોડાના ચૂલા ફરી સળગે છે આગલા દિવસોનાં ભારી ભોજનો પછી આ દિવસે સાધારણ રીતે હલકો ખોરાક લેવાય છે. કોઈક તોફાની છોકરાં ફોડે તે સિવાય દારૂખાનું પણ હવે ફૂટતું નથી. રોશનીનું પ્રમાણ પણ ઘટી જાય છે. આ બીજની સાથે દિવાળીના તહેવારો લગભગ પૂરા થાય છે.

આ તહેવારોની સમાજ પર કેવી અસર થાય છે ને અજાણપણે પણ લોકો કેવાં કેવાં કેટલાંક કરવા લાયક કામો કરે છે તે જોઈએ. સામાન્યપણે આ તહેવારોને માટે કુટુંબનાં બધાં માણસો પોતાના રહેઠાણના મુખ્ય સ્થળ પર એકઠાં મળવાને કોશિશ કરે છે. આગલું આખું વરસ ધંધાના રોકાણને લીધે પતિને બહાર રહેવાનું થયું હોય તોપણ તે પત્નીને મળવા આવવાને હંમેશ ઘેર પહોંચવાની કોશિશ કર્યા વગર રહેતો નથી. પોતાનાં બાળકો ભેળા થવાને પિતા લાંબી સફર ખેડીને પણ આવે છે. દીકરો ભણવાને બહારગામ ગયો હોય તોયે પોતાની નિશાળેથી આ તહેવારોમાં ઘરભેગો થાય છે અને આમ હંમેશ કુટુંબને એકઠા મળવાનો પ્રસંગ મળે છે. વળી, જેમને પરવડે તે સૌ નવાં કપડાંલત્તાં વસાવે છે. તવંગર વર્ગોમાં ખાસ આ પ્રસંગને માટે નવાં ઘરેણાં ઘડાવવામાં આવે છે. કુટુંબના જૂના કજિયા પતાવવામાં આવે છે. કંઈ નહીં તો તે માટે પૂરો પ્રયાસ અવશ્ય થાય છે. ઘરો સમરાવવામાં ને ધોળાવવામાં આવે છે, લાકડાની પેટીમાં બંધાઈને પુરાઈ રહેલા જૂના રાચરચીલાને બહાર કાઢી સાફ કરી પ્રસંગ પૂરતું ઓરડાઓ શણગારવાને કામમાં લેવામાં આવે છે. જૂનાં દેવાં હોય તો બને ત્યાં લગી પાછાં વાળવામાં આવે છે. દરેક જણ નવું ધાતુનું વાસણ કે એવું જ કંઈક રાચ બેસતા વરસને માટે ખરીદે એવી અપેક્ષા રહે છે. છૂટે હાથે દાન અપાય છે. પ્રાર્થનાપૂજા કરવાની અથવા મંદિરોએ દર્શને જવાની ઝાઝી પરવા ન રાખનાર લોકો આ પ્રસંગે બન્ને વાનાં ખસુસ કરે છે.

બીજાઓ સાથે વાતવાતમાં ટંટોફિસાદ અને ગાળાગાળી કરવાની ભૂંડી આદત ખાસ કરીને સમાજના નીચલા વર્ગેમાં ખૂબ ફેલાયેલી છે પણ તહેવારોમાં કોઈએ બીજા સાથે તેવું કરવાનું હોય નહીં ટૂંકમાં બધુંયે શાન્તિભર્યું ને આનંદભર્યું હોય છે જિંદગી બોજારૂપ ન રહેતાં પૂરી ઉલ્લાસભરી બને છે. આવા તહેવારોને જોકે કેટલાક લોકો વહેમના અવશેષ અને નકામી ધિંગામસ્તી કહીને વખોડી કાઢે છે છતાં તેમાંથી સારાં લાંબા ગાળા સુધી અસર કરનારાં ફળ નીપજયા વગર રહેતાં નથી એ બીના સહેજે જણાઈ આવે છે. વળી, સાચું જોતાં આવા તહેવારો માણસજાતને આશીર્વાદ જેવા છે કેમ કે મજૂરી કરીને જીવનારાં કરોડોની જિંદગીના કંટાળાજનક એકધારાપણામાં તે રાહતરૂપ બને છે.

દિવાળીના તહેવાર આખાયે હિંદુસ્તાનમાં ઊજવાય છે છતાં ઉજવણીની વિગતોમાં જુદા જુદા ભાગમાં ફેર હોય છે. વળી, હિંદુઓના સૌથી મોટા ઉત્સવનું આ બ્યાન અધૂરું ગણાય. અને કોઈએ એવું માની લેવાનું નથી કે આ તહેવારોનો ખોટો ઉપયોગ નથી થતો. બીજી બધી વસ્તુઓની માફક આ ઉત્સવની કાળી બાજુ હોવાનો સંભવ છે અને ઘણુંખરું હોય છે ખરી. પણ તેની વાત અહીં છેડવાની જરૂર નથી. એટલું ચોક્કસ છે કે તેનાં જે ઇષ્ટ પરિણામ આવે છે તે અનિષ્ટના કરતાં કયાંયે વધારે હોય છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૪-૪-૧૮૯૧

દિવાળીના તહેવારોથી મહત્ત્વમાં બીજા નંબરના હોળીના છે અને તેમનો ઉલ્લેખ ૨૮મી માર્ચના धि वेजिटेरियनના અંકમાં થઈ ગયો છે.

વાચકને યાદ હશે કે હોળીના તહેવાર ઈસ્ટરના અરસામાં આવે છે. હિંદુ વિક્રમ સંવત્સરના ફાગણ મહિનાની પૂનમે હોળી થાય છે. આ બરાબર વસંત ઋતુનો સમય છે. ઝાડોને નવી કુંપળો ફૂટે છે. લોકો ગરમ કપડાં બાજુએ મૂકે છે, હલકાં ઝીણાં કપડાંની ફેશન શરૂ થાય છે. વસંતના આગમનની વાત મંદિરોમાંથી એકાદને જોતાં વળી વધારે સ્પષ્ટ થાય છે. મંદિરમાં (તમે હિંદુ હો તો જ તેમાં પ્રવેશ કરી શકો) પેસતાંવેંત તમને ફૂલોની મીઠી સુગંધ વગર બીજી કોઈ ગંધ આવતી નથી, ધાર્મિક વૃત્તિના લોકો મંદિરના ઓટલા પર બેસી ઠાકોરજીને માટે માળા ગૂંથે છે, ફૂલોમાં તમને ગુલાબ, ચંપેલી, મોગરો વગેરે જોવાનાં મળે છે. દર્શનને માટે બારણાં ખોલી નાખવામાં આવે છે ત્યારે પુરબહારમાં ઊડતા પાણીના ફુવારા તમારી નજરે પડે છે. તમને મંદ સુગંધી વાયુની મોજ પણ ભોગવવાની મળે છે. ઠાકોરજીએ ઝીણા કાપડનાં ખુલ્લા રંગનાં વસ્ત્રો સજ્યાં છે. તેમની આગળ ઢગલાબંધ ફૂલો છે અને તેમના ગળામાંના હારની વચમાંથી તેમનું દર્શન માંડ થઈ શકે છે. તેમને હિંડોળે ઝુલાવવામાં આવે છે અને હિંડોળાને પણ લીલાં પાનથી શણગારી તેના પર સુગંધી જળનો છંટકાવ કરવામાં આવેલો છે.

મંદિરની બહારનું દૃશ્ય નીતિપોષક નથી. હોળીની આગળના એક પખવાડિયા દરમિયાન અહીં અશ્લીલ ભાષા સિવાય બીજું કંઈ તમારે કાને પડશે નહીં. નાનાં ગામોમાં સ્ત્રીઓને ઘરબહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે અને નીકળે છે તો કાદવથી છંટાયા વગર રહેતી નથી. વળી, તેમને ઉદ્દેશીને અશ્લીલ સંબોધનો પણ થાય છે. પુરુષો તરફ પણ કોઈ પ્રકારનો ભેદ કર્યા વગર એવી જ જાતનું વર્તન રાખવામાં આવે છે. લોકો નાની નાની ટોળીઓ બાંધે છે. પછી એક ટોળી બીજીની સાથે અશ્લીલ ગાળો બોલવાની અને તેવાં જ અશ્લીલ ગીતો ગાવાની હરીફાઈએ ચડે છે. સ્ત્રીઓ સિવાય બધાં જ પુરુષો અને બાળકો સુધ્ધાં આ ધૃણાજનક ચડસાચડસીમાં ભાગ લે છે.

અરે, આ મોસમમાં અશ્લીલ શબ્દો વાપરવામાં સુરુચિનો ભંગ થયેલો પણ ગણાતો નથી ! જે સ્થળોમાં લોકો અજ્ઞાનમાં ડૂબેલા હોય છે ત્યાં તેઓ એકબીજા પર કાદવ વગેરેની ફેંકાફેંક પણ કરે છે. તમારાં કપડાં પર તેઓ અશ્લીલ શબ્દો ચીતરી વળે છે અને સફેદ કપડામાં બહાર નીકળો તો પાછા ઘેર આવતાં કાદવથી સારી પેઠે ખરડાયા વગર રહો જ નહીં. આ બધાની હોળીને દિવસે હદ થઈ જાય છે. તે દિવસે ઘરમાં હો કે બહાર, અશ્લીલ બોલો તમારા કાન પર અથડાયા જ કરે છે. મિત્રને મળવા ગયા હો તો જેવું સ્થળ હોય તે પ્રમાણે કાં તો મેલા પાણીથી અથવા સુગંધી જળથી ખાસા તરબોળ થયા વગર રહેવાના નહીં.

સંધ્યાકાળે લાકડાંનો અથવા છાણાંનો મોટો ઢગ રચી તેને સળગાવવામાં આવે છે. આ ઢગ ઘણી વાર વીસ ફૂટ કે તેથીયે વધારે ઊંચો હોય છે અને લાકડાંના ટોલા એવા જાડા હોય છે કે સાત આઠ દિવસ સુધી ઓલવાતા નથી. બીજે દિવસે હોળીના દેવતા પર લોકો પાણી ગરમ કરી તેનાથી નહાય છે.

અત્યાર સુધી હોળીના તહેવારનો કેવો દુરુપયોગ થાય છે તેની વાતો મેં કરી. એટલું જણાવતાં રાહતનો અનુભવ થાય છે કે કેળવણી તેમ જ સારા સંસ્કારની પ્રગતિની સાથે આવાં દૃશ્યો ધીમે ધીમે પણ ચોક્કસ નાબૂદ થતાં જાય છે. પણ તવંગર અને સુધરેલા લોકો આ તહેવારોનો બહુ શિષ્ટ ઉપયોગ કરે છે. કાદવને બદલે તે લોકો રંગીન અને સુગંધી જળ વાપરે છે. બાલદીઓ ભરીને કોઈના પર પાણી ઢોળવાને બદલે અહીં માત્ર નામનો છંટકાવ કરી સંતોષ માનવામાં આવે છે. આ દિવસોમાં ઘણુંખરું કેસરિયા રંગનું પાણી વપરાય છે. કેસૂડાનાં સૂકાં ફૂલ, જે કેસરિયા રંગના હોય છે તેમને પાણીમાં ઉકાળવામાં આવે છે. જ્યાં લોકોને પરવડે ત્યાં તેઓ ગુલાબજળ પણ વાપરે છે. મિત્રો ને સગાંવહાલાં એકઠાં મળી એકબીજાને જમાડે છે અને એ રીતે વસંતનો આનંદ માણે છે. દિવાળીના તહેવારોની ઘણે મોટે ભાગે અપવિત્ર હોળીના તહેવારો સાથે સરખામણી કરતાં ઘણી બાબતોમાં મજાનો વિરોધ જોવાનો મળે છે. દિવાળીના તહેવારો ચોમાસાની મોસમ પૂરી થતાં તરત જ આવે છે. અને ચોમાસું ઉપવાસની ઋતુ છે તેથી દિવાળીના ઉત્સવ દરમિયાન થતી જાફતો વિશેષ આનંદ અપાવનારી બને છે. એથી ઊલટું હોળી હરેક પ્રકારના સંગીન આહારને લાયકની શિયાળાની ઋતુ પછી તરત જ આવે છે તેથી એવો આહાર હોળીના તહેવારોમાં રાખવામાં આવતો નથી. હોળીમાં વપરાતી અશ્લીલ ભાષા દિવાળીનાં અત્યંત પવિત્ર ગીતો પછી આવે છે. વળી, દિવાળીમાં લોકો શિયાળાને લાયકનાં ગરમ કપડાં પહેરવાં શરૂ કરે છે. જયારે હોળીમાં તેને છોડી દેવામાં આવે છે. ખુદ દિવાળીનો દિવસ આસો માસના અંધારિયાનો છેલ્લો પંદરમો અમાસનો દિવસ હોય છે અને તેથી ખૂબ રોશની કરવામાં આવે છે; એથી ઊલટું હોળી પૂનમને દિવસે આવતી હોવાથી તે દિવસે રોશની કરવાનો કશો અર્થ રહેતો નથી.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, રપ-૪-૧૮૯૧