લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદના ખોરાક

વિકિસ્રોતમાંથી
← કેટલાક હિંદી તહેવારો ગાંધીજીનો અક્ષરદેહ
હિંદના ખોરાક
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
લંડનની બૅન્ડ ઑફ મર્સી – જીવદયા મંડળીને આપેલું ભાષણ →


૯. હિંદના ખેારાક

[લંડનના धि वेजिटेरियनના ૧૮૯૧ની સાલના મે માસની ૬ઠ્ઠી તારીખના અંકમાં નીચે મુજબનો ઉતારો છે : "શનિવાર, મે ૨જી, બ્લૂમ્ઝબરી હૉલ, હાર્ટ સ્ટ્રીટ, બ્લૂમ્ઝબરી . . . મિસિસ હૅરિસન પછી મિ. એમ. કે. ગાંધી (મુંબઈ ઇલાકામાંથી આવેલા એક બ્રાહ્મણ)નો વારો હતો. પોતાની આગળ બોલી ગયેલા વક્તાને અભિનંદન આપી પોતાના નિબંધની બાબતમાં ક્ષમા માગી લીધા બાદ તેમણે તે વાંચવાનું શરૂ કર્યું. તેમના નિબંધનો વિષય 'હિંદના ખોરાક' હતો. શરૂઆતમાં તેમને થોડો સભાક્ષોભ થયેલો લાગતો હતો." અહીં લેવામાં આવેલો નિબંધનો પાઠ પોર્ટસ્મથમાં થયેલી વેજિટેરિયન સોસાયટીની સભામાં ફરી વાર વંચાયેલો અને ૧૮૯૧ની સાલના જૂન માસની ૧લી તારીખના धि वेजिटेरियन मेसेन्जरના અંકમાં પ્રસિદ્ધ થયેલો તે છે.]

મારા ભાષણના વિષય ઉપર આવું તે પહેલાં આ કામ માથે લેવાની મારી લાયકાત કેટલી છે તે જણાવું, પોતે હિંદ કદી ગયો ન હતો અને હિંદની ભાષાઓનું પોતાને જ્ઞાન નહોતું છતાં हिस्टरी ऑफ इन्डिया (હિંદનો ઇતિહાસ) નામનું પુસ્તક લખવાની પોતાની લાયકાત શી હતી તે મિલે તે પુસ્તકની ઘણી રસિક પ્રસ્તાવનામાં દર્શાવ્યું છે. તેથી મને લાગે છે કે તેનો દાખલો લઈને ચાલવામાં મારે જે કરવા યોગ્ય છે તે જ હું કરું છું. અલબત્ત, કોઈક વક્તા કે લેખક કોઈક કામને માટેની પોતાની પાત્રતાનો ઉલ્લેખ કરે તેમાં તેની કોઈક પ્રકારની અપાત્રતાની વાત આવી જાય છે અને હું કબૂલ કરું છું કે 'હિંદના ખોરાક' વિષે બોલવાને લાયક અસલ વક્તા હું નથી. આ વિષય પર બોલવાને મારી પૂરેપૂરી લાયકાત તેમ જ આવડત છે, તે કારણથી હું આ ભાષણ આપવા તૈયાર થયો નથી પણ એ ભાષણથી હું જે કાર્ય તમારા અને મારા બંનેના દિલમાં વસેલું છે તેને ઉપયોગી થઈશ એમ મને લાગ્યું તેથી તૈયાર થયો છું. મારું નિવેદન મેં મોટે ભાગે મારા મુંબઈ ઇલાકાના અનુભવ પરથી કર્યું છે. હવે તમે સૌ જાણો છો કે હિંદુસ્તાન સાડી અઠ્ઠાવીસ કરોડ માણસોની વસ્તીવાળો વિશાળ દ્વીપકલ્પ છે. યુરોપમાંથી રશિયાનો મુલક બાદ કરો તેટલો મોટો તેનો વિસ્તાર છે. આવા વિશાળ દેશમાં જુદા જુદા ભાગમાં અવશ્ય જુદા જુદા રીતરિવાજો હોવાના એટલે હું જે કહું તેનાથી કંઈ જુદું તમારા સાંભળવામાં આવે તો ઉપર કહેલી હકીકત ધ્યાનમાં રાખવા મારી તમને સૌને વિનંતી છે. સામાન્યપણે મારું નિવેદન આખાયે હિંદુસ્તાનને લાગુ પડે છે.

મારા વિષયને હું ત્રણ ભાગમાં વહેંચી નાખીશ. પહેલું, આ ખોરાક પર રહેનારા લોકો વિષે કંઈક પ્રાસ્તાવિક મારે કહેવાનું થશે, બીજું, હું તે ખોરાકનું વર્ણન કરીશ; અને ત્રીજું, તેમના ઉપયોગ વગેરેની વાત કરીશ.

સામાન્યપણે મનાય છે કે હિંદુસ્તાનના બધા રહેવાસીઓ શાકાહારી હોય છે, પણ એ વાત બરાબર નથી; અને આમ તો બધા હિંદુઓ પણ શાકાહારી હોય છે એવું નથી. પણ હિંદુસ્તાનના મોટા ભાગના વતનીઓ શાકાહાર કરે છે એ વાત તદ્દન સાચી છે. તેમાંના કેટલાક ધર્મને કારણે માંસાહાર કરતા નથી અને બીજાને માંસ ખરીદવાનું પોસાતું નથી તેથી ફરજિયાત નિરામિષ આહાર પર ગુજારો કરવો પડે છે. હું તમને જણાવું કે હિંદમાં કરોડો માણસોને રોજના એક પૈસા પર એટલે કે એક પેનીના ત્રીજા ભાગ પર ગુજારો કરવો પડે છે તો એ બીના સ્પષ્ટ સમજાશે કેમ કે હિંદ જેવા ગરીબ મુલકમાં પણ એટલી નજીવી રકમમાં ખાવા લાયક માંસ તેમને મળી શકતું નથી. આ ગરીબ લોકોને દિવસમાં એક જ ટંક ખાવાનું મળે છે. અને તેમાં વાસી રોટલા ને મીઠું એટલું જ હોય છે, અને એ મીઠા પર પણ ભારે વેરો લેવાય છે. પણ હિંદી શાકાહારીઓ તેમ જ હિંદી માંસાહારીઓ અંગ્રેજ શાકાહારીઓ અને અંગ્રેજ માંસા- હારીઓ કરતાં તદ્દન જુદા હોય છે. અંગ્રેજ માંસાહારીઓ માને છે કે પોતે માંસ વગર મરી જાય તેવું હિંદી માંસાહારીઓ નથી માનતા. મારી ખબર પ્રમાણે તે લોકો (હિંદી માંસાહારીઓ) માંસને જીવનની એક જરૂરિયાતની નહીં પણ કેવળ શોખની ચીજ ગણે છે તેમને રોટલો મળી જાય તો તેમને માંસની ખોટ લાગતી નથી. પણ અહીં આપણા અંગ્રેજ માંસાહારીને જુઓ; મારે મારું માંસ जोईए ज जोईए એવું તે માને છે. રોટી તો માત્ર તેને માંસ ખાવાને કામમાં આવે છે જયારે હિંદી માંસાહારીને લાગે છે કે માંસ મને મારી રોટી ખાવામાં કામ લાગશે.

આહારની નીતિ વિષે પેલે દિવસે મારે એક અંગ્રેજ બાનુ સાથે વાત ચાલતી હતી તેમાં હું તેને તે પોતે પણ કેવી સહેલાઈથી શાકાહારી થઈ શકે તે સમજાવતો હતો તે સાંભળીને તે પોકારી ઊઠી, “તમારે જે કહેવું હોય તે કહો. મારે તો મારું માંસ જોઈએ જ જોઈએ. અહા ! તે મને કેટલું બધું ભાવે છે ! અને મને ચોક્કસ લાગે છે કે મારાથી તે વગર જિવાય જ નહીં.” મેં કહ્યું, “પણ બાનુ, ધારો કે તમને કેવળ શાકાહાર પર રહેવાની फरज पाडवामां आवे તો તમે કેવી રીતે ચલાવો?” તેણે જવાબ આપ્યો, “ઓહ ! એની વાત ન કરશો. હું જાણું છું કે મને એવી ફરજ પડે જ નહીં અને ધારો કે ફરજ પડે તો મને ઘણી બેચેની લાગે.” અલબત્ત, આવું કહેવાને સારુ એ બાનુનો વાંક કાઢવા જેવું નથી. સમાજની સ્થિતિ અત્યારે એવી છે કે કોઈ પણ માંસાહારી ભારે અગવડ વેઠયા વગર માંસનો આહાર છોડી નહીં શકે.

એવી જ રીતે હિંદી શાકાહારી પણ અંગ્રેજ શાકાહારીના કરતાં તદ્દન જુદી જાતનો છે. હિંદી શાકાહારી જેમાં જીવની અથવા જીવ બને તેવી વસ્તુની હિંસા સમાયેલી હોય તેવી બધી વાતોથી આઘો રહે છે અને ત્યાંથી આગળ વધતો નથી. તેથી તે ઈંડાં નહીં ખાય કારણ કે તે માને છે કે ઈંડું ખાવામાં જેમાંથી જીવ બની શકે એવી વસ્તુની હિંસા થાય છે. (મને જણાવતાં દિલગીરી થાય છે કે દોઢેક માસથી હું ઈંડાં ખાઉં છું.) પણ દૂધ તેમ જ માખણ લેવામાં તેને જરાયે આંચકો આવતો નથી. અહીં જેને પ્રાણિજ પદાર્થો કહીને ઓળખાવવામાં આવે છે તેવી આવી બધી ચીજો દર પખવાડિયે આવતા ફળાહારના દિવસોએ સુધ્ધાં તે વાપરે છે એ દિવસે ઘઉં, ચોખા વગેરે ધાન્યની તેને મનાઈ છે પણ દૂધ ને માખણ તે ફાવે તેટલાં ઉપયોગમાં લઈ શકે છે; ઊલટું, અહીં શાકાહારીઓમાંના કેટલાક દૂધ અને માખણનો ત્યાગ કરે છે, કેટલાક રાંધવાનું માંડી વાળે છે તો બીજા કેટલાક ફળ અને મગફળી ને બદામ વગેરે જેવા કાછલિયાળા મેવા પર ગુજારો કરવાની કોશિશ કરે છે.

હવે હું અમારા જુદા જુદા ખોરાકના વર્ણન પર આવું. મારે કહી દેવું જોઈએ કે માંસના બનેલા ખોરાકની વાત હું બિલકુલ છેડવાનો નથી કેમ કે એ બધી વાનીઓ વપરાય છે ત્યારેયે આહારની મુખ્ય વસ્તુ હોતી નથી. હિંદુસ્તાન મુખ્યત્વે ખેતીવાડીનો મુલક છે અને ઘણો વિશાળ મુલક છે તેથી તેની પેદાશની ચીજો અનેક અને ભાતભાતની છે, હિંદુસ્તાનમાં બ્રિટિશ અમલનો પાયો છેક ઈસવી સન ૧૭૪૬ની સાલમાં નંખાયો અને અંગ્રેજ લોકોને તેનો પરિચય ૧૭૪૬ની સાલથી કેટલાયે વખત આગળનો છે છતાં ઇંગ્લંડમાં હિંદુસ્તાનના ખોરાક વિષે નહીં જેવી જ માહિતી છે એ બીના દિલગીર થવા જેવી છે. આનું કારણ સમજવામાં બહુ ઊંડા ઊતરવું પડે એવું નથી. હિંદમાં જનારા લગભગ બધા અંગ્રેજો પોતાની અસલ રહેણીકરણીને ચુસ્તપણે વળગી રહે છે. ઇંગ્લંડમાં પોતાને જે ચીજો મળતી હતી તે બધી હિંદમાં મેળવી વાપરવાનો એટલું જ નહીં, તેમને પોતાની અસલ પદ્ધતિથી રંધાવવાનો પણ તેમનો આગ્રહ હોય છે. આ બધું કેમ અને શાથી બને છે તેની ચર્ચા કરવાનું અત્યારે મારું કામ નથી. કંઈ નહીં તો કુતૂહલના માર્યા પણ તેઓ લોકોની રહેણીકરણીની ટેવો જાણવાજોવાનો પ્રયાસ કર્યા વગર ન રહે એવું સહેજે લાગે, પણ તેમણે એવો કશો જ પ્રયાસ કર્યો નથી અને તેમની જક્કી ઉપેક્ષાને પરિણામે ખોરાકના સવાલનો અભ્યાસ કરવાની સારામાં સારી કેટલીયે તક ઘણાખરા એંગ્લોઇંડિયનો એટલે કે હિંદમાં વસતા અંગ્રેજોને જતી કરતા આપણે જોઈએ છીએ, પણ ખોરાકની મૂળ વાત પર પાછા વળીએ; હિંદમાં એવાં ઘણાં ધાન્ય પેદા થાય છે જેને વિષે અહીં બિલકુલ કશી જાણ નથી.

ધઉં જોકે અલબત્ત અહીંની માફક ત્યાં પણ સૌથી મહત્ત્વનું અનાજ છે. પછી બાજરી છે (જેને એંગ્લોઇંડિયનો મિલેટ કહીને ઓળખાવે છે), જુવાર છે, ડાંગર છે અને બીજાં છે. આ બધાંને હું રોટીધાન્ય કહું કેમ કે તેમનો મુખ્ય ઉપયોગ રોટી ને રોટલા બનાવવામાં થાય છે. ઘઉંનો વપરાશ અલબત્ત ઘણો છે પણ તે પ્રમાણમાં મોંઘા હોવાથી ગરીબ વર્ગોમાં તેને બદલે બાજરી અને જુવાર વપરાય છે. આ સ્થિતિ દક્ષિણના અને ઉત્તરના પ્રાંતોમાં ઘણે મોટે ભાગે છે. દક્ષિણના પ્રાંતોની વાત કરતાં સર ડબલ્યુ ડબલ્યુ. હંટર પોતાના હિંદના ઇતિહાસમાં કહે છે, "સામાન્ય લોકોના ખોરાકમાં મોટે ભાગે જુવાર, બાજરી અને રાગી જેવાં હલકાં અનાજ આવે છે." ઉત્તરને વિષે તે કહે છે, "છેલ્લાં બે (એટલે કે જુવાર અને બાજરી) આમજનતાનો ખોરાક છે કેમ કે ડાંગર પીતની જમીનમાં થતી હોઈ તવંગર લોકોમાં વપરાય છે." જુવાર જેમણે ચાખી ન હોય એવાં માણસો ઘણાં જોવાનાં મળે છે. જુવાર ગરીબ લોકોનો ખોરાક હોવાથી કેમ જાણે ન હોય પણ તેને માટે પૂજ્યભાવ રાખવામાં આવે છે. વિદાય વખતે છૂટા પડવાના નમસ્કારમાં હિંદમાં ગરીબ લોકો એકબીજાને "જુવાર કહે છે જેનો વિસ્તાર કરી તરજુમો કરીએ તો મારી સમજ મુજબ "તમને કદી જુવારની ખોટ ન પડજો," [૧] એવો અર્થ


  1. ૧.અહીં ગાંધીજીએ એક અનાજને માટે વપરાતો શબ્દ 'જુવાર' અને હિંદની ભાષાઓમાં નમસ્કારને માટે વપરાતો શબ્દ “જુહાર” એ બન્નેનો ગોટાળો કર્યો લાગે છે.
થાય. ડાંગર એટલે કે ચોખાનો પણ ખાસ કરીને બંગાળમાં રોટલારોટલી બનાવવામાં ઉપયોગ

થાય છે. બંગાળીઓ ઘઉંના કરતાં ચોખા વધારે વાપરે છે. બીજા ભાગોમાં રોટલા રોટલી બનાવવામાં ચોખા વપરાતા હશે તોયે જવલ્લે જ વપરાય છે. એંગ્લોઇંડિયનો જેને ગ્રામ કહીને ઓળખાવે છે તે ચણાનો પણ એવો જ ઉપયોગ કાં તો ઘઉંના લોટ સાથે ભેળવીને અગર તે વગર થાય છે. ચણા સ્વાદમાં તેમ જ દેખાવમાં પીઝ એટલે કે વટાણાને ઘણા મળતા આવે છે. આ પરથી મારે જુદી જુદી જાતનાં કઠોળ જે દાળ બનાવવામાં વપરાય છે તેની વાત પર આવવાનું થાય છે. દાળ બનાવવાને કામમાં આવતાં મુખ્ય કઠોળ ચણા, વટાણા, લાંગ, મસૂર, વાલ, તુવર, મગ, મઠ ને અડદ છે. એ બધાંમાંથી હું માનું છું કે તુવર દાળ માટેના વપરાશમાં અને લોકપ્રિયતામાં પહેલે નંબરે છે. આ બંને પ્રકારના ખોરાક સૂકવ્યા પછી ઉપયોગમાં લેવાય છે. હવે હું લીલાં શાકભાજીની વાત પર આવું. બધાં લીલાં શાકનાં નામ તમારી આગળ ગણાવી જવાનો અર્થ નથી. તે એટલાં બધાં છે કે તેમાંનાં ઘણાં હું પણ જાણતો નથી. હિંદુસ્તાનની જમીન એવી સમૃદ્ધ છે કે તમને ફાવે તે લીલાં શાક તમે તેમાં ઉગાડી શકો તેથી આપણે ખુશીથી કહી શકીએ કે ખેતીનું બરાબર જ્ઞાન થાય તો હિંદની જમીનમાંથી પૃથ્વી પર થતું કોઈ પણ શાક પેદા કરી શકાય.

હવે રહી ફળો અને કાછલિયાળાં ફળોની વાત. મને જણાવતાં દિલગીરી થાય છે કે ફળોની ખૂબી અથવા કિંમત હિંદુસ્તાનમાં હજી સમજાઈ નથી. ફળનો ઉપયોગ હિંદમાં ખૂબ થાય છે એ સાચું પણ બીજાં કોઈ કારણસર નહીં, શોખને ખાતર થાય છે. ફળો તંદુરસ્તીની દૃષ્ટિથી વપરાય છે તેના કરતાં તેમના રૂચિકર સ્વાદને ખાતર વધારે વપરાય છે. તેથી આપણને હિંદમાં આરોગ્યની દૃષ્ટિથી કીમતી ગણાય એવાં નારંગી, મોસંબી, સફરજન વગેરે ફળો ભરપટ્ટે મળતાં નથી; અને તેથી તે બધાં માત્ર તવંગર લોકોને મળી શકે છે. પણ ત્યાં મોસમી ફળો અને સૂકાં ફળ જોઈએ તેટલાં મળે છે. બીજાં બધાં સ્થળોની માફક હિંદમાં ઉનાળો મોસમી ફળોને માટે સારામાં સારી ઋતુ છે. એમાં કેરી સૌથી મહત્ત્વનું ફળ છે. મારા ખાવામાં હજી એથી વધારે સ્વાદિષ્ટ ફળ આવ્યું નથી. કેટલાક લોકો અનનસને પહેલો નંબર આપે છે; પણ કેરી જેણે જેણે ચાખી છે તેમાંના ઘણા મોટા ભાગના લોકો તેને વધારે પસંદ કરે છે. તેની મોસમ ત્રણ મહિનાની હોય છે, તે દરમિયાન તે ઘણી સસ્તી મળે છે અને તેથી ગરીબ ને તવંગર બને તેની મજા લઈ શકે છે. બેશક, મોસમમાં મળતી હોય ત્યારે મેં એવું સાંભળ્યું છે કે કેટલાક લોકો તો એકલી કેરી પર ગુજારો કરે છે. પણ કમનસીબે કેરીનું ફળ લાંબો વખત સારી સ્થિતિમાં ટકતું નથી, ઊતરી જાય છે. તે સ્વાદમાં પીચને મળતું આવે છે અને ગોટલાવાળું છે. ઘણી વાર કેરી નાના તરબૂચ અથવા નાની ટેટી જેટલી મોટી હોય છે. અહીં આપણે તરબૂચ અને ખરબૂચની જાતનાં ફળની વાત પર આવીએ. તે બધાં ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. અહીં મળે છે તેના કરતાં ત્યાં હિંદમાં ઘણાં વધારે સારાં મળે છે. હવે જોકે ફળોનાં વધારે નામો ગણાવી મારે તમને કંટાળો નથી આપવો; એટલું જણાવું તો બસ છે કે હિંદમાં ઘણી જાતનાં મોસમી ફળો થાય છે પણ તે લાંબો વખત ટકતાં નથી અને અમુક મુદ્દતમાં ઊતરી જાય છે. એ બધાં ફળ ગરીબ લોકોને પણ મળી શકે છે; દિલગીરીની વાત એટલી જ છે કે તે લોકો કદી તેમનું એકલાનું આખું ભોજન બનાવતા નથી. સામાન્યપણે અમારે ત્યાં એવું મનાય છે કે ફળના આહારથી તાવ આવે છે અને મરડો વગેરે થાય છે. ઉનાળામાં અમારે ત્યાં હંમેશ કૉલેરા ફાટી નીકળવાનો ડર રહે છે ત્યારે ઘણા દાખલાઓમાં યોગ્ય રીતે તરબૂચ અને એવાં જ બીજાં ફળોના વેચાણની અમલદારો મનાઈ કરે છે. તરેહ- તરેહનાં સૂકાં ફળ અથવા સૂકા મેવાની જાતો અહીં જેટલી મળે છે તેટલી લગભગ બધી ત્યાં પણ મળે છે. હવે કઠણ કાચલાંવાળાં ફોડીને અંદરથી જેનો ગર કાઢીને ખાવામાં આવે છે તેવાં નટ કહેવાતાં કાછલિયાળાં ફળોની વાત રહી. તેમાંની કેટલીક જાતો જે અમને હિંદમાં મળે છે તે અહીં મળતી નથી અને બીજી બાજુથી અહીં જે કેટલીક જાતો મળે છે તે ત્યાં જોવાની મળતી નથી, આ જાતનાં ફળ હિંદમાં ખોરાક તરીકે કદી વપરાતાં નથી અને તેથી ખરું જોતાં તેમને 'હિંદના ખોરાકમાં સમાવવાં ન જોઈએ. હવે મારા વિષયના છેવટના ભાગની વાત પર આવું તે પહેલાં ખોરાકની બાબતમાં મેં જે નીચે મુજબના ભાગ પાડયા છે તેમનો ખ્યાલ રાખવાની તમને સૌને વિનંતી કરું છું: પહેલાં અનાજ, જે રોટલીરોટલા બનાવવાના કામમાં આવે છે તે જેવાં કે ઘઉં, બાજરી વગેરે; બીજાં કઠોળ, જે દાળ બનાવવાને વપરાય છે; ત્રીજાં લીલાં શાકભાજી; ચોથાં ફળ; અને છેલ્લાં ને પાંચમાં, કાછલિયાળાં ફળ.

અલબત્ત, ખોરાકની જુદી જુદી વાનીઓ બનાવવાને માટેની સૂચનાઓ હું અહીં આપવા માગતો નથી, એ મારા ગજા બહારનું કામ થાય, એ વાનગીઓ કેમ રંધાય છે અને તેમનો બરાબર ઉપયોગ કેમ કરવો તેની વાત હું સામાન્ય ધોરણે કરીશ. આહારચિકિત્સા અથવા આરોગ્યશાસ્ત્રની શોધ ઇંગ્લંડમાં પ્રમાણમાં નવી છે. હિંદમાં અમે તેનો અમલ જેની સ્મૃતિ પણ નથી એટલા સમયથી કરતા આવ્યા છીએ. દેશી વૈદો બેશક ઔષધોનો ઉપયોગ કરે છે પણ પોતે જે ઔષધો આપે છે તેમની રોગ દૂર કરવાની શક્તિ પર રાખે છે તેના કરતાં ખોરાકના ફેરફાર પર વધારે આધાર રાખે છે. કેટલાક દાખલાઓમાં તેઓ તમને કહેશે કે મીઠું ન ખાશો; બીજા ઘણામાં કહેશે કે ખટાશવાળા ખોરાક છોડી દેજો વગેરે. દરેક ખોરાકનો કંઈક ને કંઈક ઔષધ જેવો ગુણ હોય છે, રોટલીરોટલા બનાવવાને કામમાં આવતું અનાજ ખોરાકનો મુખ્ય પદાર્થ છે. સગવડને ખાતર લોટની બનાવટને મેં રોટી અથવા રોટલી કહ્યા છે પણ રોટલી તેને ઓળખાવવાને માટે વધારે સારું નામ છે. તેની બનાવટની આખી ક્રિયા હું અહીં વર્ણવવા બેસતો નથી પણ એટલું કહું કે થૂલું અમે નાખી દેતા નથી, આ રોટલી હમેશ તાજી બનાવવામાં આવે છે અને ઘીની સાથે ગરમ ગરમ ખવાય છે. અંગ્રેજને જેવું માંસ તેવી હિંદીને માટે આ રોટલી છે. માણસ કેટલું ખાય છે તેનું માપ તે કેટલી રોટલી ખાય છે તે પરથી કાઢવામાં આવે છે. કઠોળ કે શાકને ગણતરીમાં લેવામાં આવતાં નથી. તમે દાળ વગર જમી શકો, શાક વગર જમી શકો પણ રોટલી વગર કદી જમ્યા ન ગણાઓ. અનાજમાંથી બીજી તરેહતરેહની વાનીઓ તૈયાર થાય છે પણ તે બધી એક યા બીજે રૂપે રોટલી જ હોય છે.

દાળ બનાવવામાં વપરાતાં વટાણા, મસૂર વગેરે જેવાં કઠોળની વાત લઈએ. તેમને કેવળ પાણીમાં ઉકાળવામાં આવે છે. પણ તેમાં અનેક મસાલા ઉમેરવાથી તે આહારની બહુ સ્વાદિષ્ટ વાની બને છે. આ ખોરાકોમાં રસોઈની કળા સોળે કળાએ ખીલે છે. વટાણામાં મીઠું, મરી, તજ, લવિંગ, એલચી અને એવા મસાલા નંખાયેલા મેં જોયા છે. દાળનો ખરો ઉપયોગ તે રોટલીની સાથે ખાવાનો છે તબિયતની દૃષ્ટિથી વધારે પડતું કઠોળ ખાવું સારું ગણાતું નથી. ચોખા વિષે અહીં જ કંઈક કહી લેવું સારું. પહેલાં હું કહી ગયો તેમ ચોખા ખાસ કરીને બંગાળમાં રોટલારોટલી બનાવવામાં વપરાય છે. કેટલાક દાક્તરો બંગાળીઓને ઘણી વાર મધુપ્રમેહ અથવા મીઠી પેશાબની બીમારી લાગુ પડે છે તેનું મૂળ તેમના ચોખાના આહારમાં જએ છે. ચોખાને હિંદમાં કોઈ પૌષ્ટિક ખોરાક કહેતું નથી. તે તવંગર એટલે જે લોકો મજૂરી કરવા નથી માગતા તેમનો ખોરાક છે. મજૂરી કરનારા લોકો ચોખા જવલ્લે જ ખાય છે, તાવમાં પડેલા પોતાના દરદીને દાક્તરો ચોખાના આહાર પર રાખે છે. હું પણ તાવમાં સપડાયો છું (બેશક, ડૉ. એલિન્સન કહેશે તેમ આરોગ્યના નિયમોનો ભંગ કરવાથી) અને તે વખતે મને ભાત અને મગના પાણી પર રાખવામાં આવ્યો હતો. હું ઝટ સાજો થયેલો.

હવે લીલાં શાકભાજીની વાત લઈએ. કઠોળની વાનીઓ જે રીતે રંધાય છે તે જ રીતે શાક પણ રંધાય છે. શાક રાંધવામાં તેલ અને ઘી ઘણાં કામમાં આવે છે. ઘણી વાર તેમાં ચણાનો લોટ નાખવામાં આવે છે. કેવળ ઉકાળેલાં કે બાફેલાં શાક કદી ખવાતાં નથી. હિંદમાં બાફેલો બટાટો કદી મારા જોવામાં આવ્યો નહોતો. ઘણી વાર તે લોકો બે, ત્રણ કે તેથીયે વધારે શાક ભેગાં કરીને શાકની વાની બનાવે છે શાકની મજાની વાનીઓ તૈયાર કરવામાં હિંદ ફ્રાંસને કયાંયે ટપી જાય છે એ જણાવવાની પણ જરૂર નથી. તેમનો ખરો ઉપયોગ દાળના જેવો જ છે. તેમનું મહત્ત્વ તેનાથી બીજે નંબરે છે. શાક ઘણુંખરું શોખની ચીજો ગણાય છે અને તેને લીધે માંદા પડી જવાય છે એવું મનાય છે. ગરીબ લોકો અઠવાડિયે માંડ એક કે બે વાર શાક ખાતા હશે. તે લોકો રોટલી ને દાળ ખાય છે. કેટલાંક શાકભાજીમાં ઔષધ તરીકેનો ઘણો ગુણ હોય છે. ત્યાં તાંદળજો નામની ભાજી થાય છે તેનો સ્વાદ પાલખની ભાજીને ઘણો મળતો આવે છે. વધારે પડતાં મરચાં ખાઈને આંખ બગાડનારા દરદીઓને વૈદો તાંદળજાની ભાજીનું સેવન કરવાનો ઇલાજ બતાવે છે.

હવે રહી ફળોની વાત, તેમનો ઉપયોગ મુખ્યત્વે 'ફળાહારના દિવસો'એ થાય છે પણ સામાન્ય ભોજનને અંતે તે વપરાતાં હશે તોયે ભાગ્યે જ વપરાય છે. લોકો વચ્ચે વચ્ચે કોઈક વાર ખાય ખરા. કેરીની મોસમમાં કેરીનો રસ ઘણો વપરાય છે. તે રોટલી અગર ભાતની સાથે ખવાય છે. અમારે ત્યાં પાકાં ફળ કદી ઉકાળવામાં કે બાફવામાં આવતાં નથી. અમે લોકો કાચાં ફળ ને તેમાંયે મોટે ભાગે કાચી કેરી ખાટી હોય તે વખતે તેનાં મુરબ્બા કે અથાણાં બનાવીએ છીએ. આરોગ્યની દૃષ્ટિએ કાચાં ફળ સામાન્યપણે ખટાશવાળાં હોવાથી તાવ લાવે છે એવું મનાય છે. સૂકો મેવો બાળકો ઠીક ઠીક પ્રમાણમાં ખાય છે અને એમાં ખજૂર અને ખારેકની કંઈક વાત કરી લેવા જેવી ગણાય. તે શક્તિવર્ધક મનાય છે અને તેથી શિયાળામાં અમારે ત્યાં શક્તિવર્ધક વસાણાં લેવાનો રિવાજ છે ત્યારે તેમને દૂધ અને બીજી અનેક ચીજો સાથે તૈયાર કરી રોજ અધોળને હિસાબે લેવામાં આવે છે.

છેવટમાં, કાછલિયાળાં ફળ અંગ્રેજી મીઠાઈની વાનીઓની જગ્યાએ ખવાય છે. બાળકો ખાંડમાં આથેલાં એવાં ફળ ખૂબ ખાય છે. તેમનો ઉપયોગ 'ફળાહારના દિવસો' એ ઘણો થાય છે. અમારે ત્યાં તેમને ધીમાં તળવામાં આવે છે અને દૂધમાં ઉકાળવામાં પણ આવે છે. બદામ મગજને માટે બહુ સારી ગણાય છે. નારિયેળનો અમે જે અનેક જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ તેમાંથી એકનો જ નિર્દેશ કરી લઉં. પહેલાં સૂકા કોપરાને છીણવામાં આવે છે. પછી તેને ધી ને ખાંડમાં ભેળવામાં આવે છે. આ મીઠાઈનો સ્વાદ ઘણો મજાનો હોય છેઃ કોપરાપાકના લાડુને નામે ઓળખાતી આ વાનીનો અખતરો તમારામાંથી થોડા ઘર આગળ કરી જોશો એવી હું આશા રાખું છું. આ, બાનુઓ અને ગૃહસ્થો, હિંદના ખોરાકના વિષયની રૂપરેખા છે, ઘણી જ ઝાંખી, અધૂરી રૂપરેખા છે. હું આશા રાખું છું કે તેમને વિષે વધારે જાણવાનું તમને મન થશે અને મને ખાતરી છે કે તેથી તમને લાભ થશે. વળી, આ પૂરું કરતાં હું એવી પણ આશા રાખું છું કે માંસાહારી ઇંગ્લંડ અને ધાન્યાહારી હિંદુસ્તાન વચ્ચેનો આહારની ટેવો અથવા તેને લગતી રૂઢિઓનો મોટો ફેર બિલકુલ દૂર થાય એવો વખત આવશે અને તેની સાથે બન્ને દેશો વચ્ચે ખરેખર હોવી જોઈએ તેવી એકતા અને સહાનુભૂતિના ભાવને બાધા કરનારા બીજા જે કેટલાક ભેદ કેટલીક જગ્યાએ જોવાના મળે છે તે પણ ટળી જશે. ભવિષ્યમાં, મને આશા છે કે, રીતરિવાજોની અને ઉપરાંત હૃદયની એકતા તરફ આપણે વળીશું.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन मेसेन्जर, ૧–૬–૧૮૯૧