લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ખુલ્લો પત્ર

વિકિસ્રોતમાંથી
← વેચાણ માટે પુસ્તકો ગાંધીજીનો અક્ષરદેહ
ખુલ્લો પત્ર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
યુરોપિયનોને પત્ર  →


૪૨. ખુલ્લો પત્ર
ડરબન,

 

[ડિસેમ્બર, ૧૮૯૪][]

માનનીય લેજિસ્લેટિવ કાઉન્સિલ અને માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલીના માનનીય સભ્યો જોગ સાહેબો,

મારું નામ આપ્યા વગર આ હું તમને નનામું લખી શકયો હોત તો મને ઘણો આનંદ થાત, પણ આ પત્રમાં મારે જે વિધાનો કરવાનાં થશે તે એટલાં ગંભીર અને મહત્ત્વનાં છે કે મારું નામ જાહેર ન કરવું એ માત્ર કાયરતાનું કામ ગણાય. છતાં હું તમને સૌને ખાતરી આપવાની રજા ચાહું છું કે કોઈ સ્વાર્થી હેતુથી, અથવા મારી જાતને આગળ વધારવાને ખાતર, અથવા યેન કેન પ્રકારેણ મારી આબરૂ વધારવાને માટે હું લખતો નથી. મારો એકમાત્ર આશય હિંદુસ્તાન જે જન્મના અકસ્માતને કારણે મારા વતનના મુલક તરીકે ઓળખાયો છે તેની સેવાનો અને આ સંસ્થાનમાં વસતી કોમોના યુરોપિયન અને હિંદુસ્તાની વિભાગ વચ્ચે વધારે સાચી સમજ કેળવવાનો છે.

તે કામ માત્ર જેઓ જાહેર પ્રજામતના પ્રતિનિધિ છે અને તેની સાથે તે અભિપ્રાયને ઘાટ આપે છે તેમને અપીલ કરવાથી થઈ શકે.

તેથી, સંસ્થાનના યુરોપિયનો અને હિંદુસ્તાનીઓ કાયમ ઝઘડાની સ્થિતિમાં રહેશે તો તેના અપજશનો ટોપલો તમારે માથે આવશે. બંને સાથે હળીમળીને ચાલતા થશે અને શાંતિથી એકબીજા સાથે ઘર્ષણ વગર રહી શકશે તો તેનો બધો જશ પણ તમને જ મળશે.

દુનિયાભરમાં આમલોકો ઘણે મોટે ભાગે પોતાના આગેવાનોના અભિપ્રાયોને અનુસરે છે એ વાત સાબિતી આપીને પુરવાર કરવાની રહેતી નથી. ગ્લૅડસ્ટનના અભિપ્રાય અર્ધા ભાગના ઇંગ્લંડના અભિપ્રાય છે અને સેલિસબરીના બીજા અર્ધા ભાગના છે. બંદરના કામદારોની હડતાળ વખતે હડતાળિયાઓને માટે વિચારવાનું કામ બર્ન્સ જેવો કોઈક આગેવાન કરતો હતો. લગભગ : આખા આયર્લેન્ડને માટે પ્રાર્નેલ વિચારતો. શાસ્ત્રો, મારા કહેવાની મતલબ એવી છે કે અાંખી દુનિયાનાં શાસ્ત્રો એમ જણાવે છે. એડવિન આર્નોલ્ડ કૃત सॉंग सेलेश्चियल [] કહે છે: “શાણા લોકો જે પસંદ કરે છે તે બીજા ઉપાડી લે છે; શ્રેષ્ઠ માણસો જે કરશે તેને સમુદાય અનુસરશે.”

આ પત્રને માટે તેથી માફી માગવાની જરૂર નથી. તે લખવામાં અવિવેક થયેલો પણ ભાગ્યે જ કહી શકાશે.

કેમ કે વધારે યથાર્થ રીતે આવી અપીલ બીજા કોને થઈ શકે એમ છે? અથવા તમારા સૌના સિવાય તેના પર બીજા કોણે વધારે ગંભીરતાથી વિચારણા કરવાની છે?


વિલાયતમાં ચળવળ કરવાથી ઝાઝી રાહત મળવાનો સંભવ નથી કેમ કે તેનાથી સંસ્થાનમાં

બે પ્રજા વચ્ચે વધારે મોટું ઘર્ષણ પેદા થયા વગર રહે નહીં. અને વળી એવી રાહત બહુ તો માત્ર કામચલાઉ મળે. સંસ્થાનમાંના યુરોપિયનોને હિંદીઓ સાથે આથી વધારે સારી રીતે વર્તવાને સમજાવી ન શકાય તો વિલાયતની સરકારની ખબરદારી છતાં પણ જવાબદાર રાજયનંત્રના અમલમાં હિંદીઓને માટે હવે પછી બહુ માઠા દિવસો લખાયેલા હશે.

મારો ઇરાદો વિગતોમાં ન ઊતરતાં હિંદી સવાલની સમગ્રપણે ચર્ચા કરવાનો છે.

હું માનું છું કે સંસ્થાનમાંનો હિંદુસ્તાની આજે એક તિરસ્કૃત જીવ છે એ વિષે શંકા નથી અને તેની સામેના હરેક પ્રકારના વિરોધના મૂળમાં તે તિરસ્કાર રહેલો છે.

એ તિરસ્કારનો ભાવ જે માત્ર તેના રંગને કારણે હશે તો અલબત્ત, તેને માટે કોઈ આશા નથી. પછી તો સંસ્થાન છોડીને તે જેટલો વહેલો નીકળી જાય તેટલું સારું. તે ગમે તે કરે તોયે તેને ગોરી ચામડી મળવાની નથી. પણ એ તિરસ્કારના ભાવનું કારણ બીજું કાંઈ હશે, તેના સાધારણ ચારિત્ર્ય અને શક્તિ તેમ જ સિદ્ધિ વિષેનું અજ્ઞાન તેના મૂળમાં હશે તો સંસ્થાનમાંના યુરોપિયનોને હાથે તેના હક મુજબનું વર્તન તેને મળવાની આશા રહે છે.

હું નમ્રપણે સૂચવવા માગું છું કે સંસ્થાને પોતાને ત્યાંના ૪૦,૦૦૦ હિંદુસ્તાનીઓનો કેવો ઉપયોગ કરવો તે સવાલ સંસ્થાનીઓએ અને ખાસ કરીને જેમના હાથમાં રાજવહીવટની લગામ છે અને જેમને પ્રજાએ કાયદાકાનૂન ઘડવાની સત્તા સેપી છે તેમણે અત્યંત ગંભીરપણે વિચારવા જેવો છે. એ ૪૦,૦૦૦ હિંદુસ્તાનીઓને સંસ્થાનમાંથી જડમૂળથી ઉખેડી ફેંકી દેવાની વાત નિ:શંક અશકય લાગે છે. તેમનામાંના ઘણાખરાએ પોતાના કુટુંબપરિવાર સાથે અહીં વસવાટ કરેલો છે. કાયદા ઘડનારી સંસ્થાના સભ્યો તેમને અહીંથી હાંકી કાઢી શકે એમ નથી કેમ કે તેમના તે પ્રકારના કોઈ કાનૂની પગલાને એકે બ્રિટિશ સંસ્થાનમાં મંજુરી મળે એવી નથી. હવે પછી બીજા હિંદીઓને આ મુલકમાં આવતા રોકવાની અસરકારક યોજના રચવાનું બની શકે એવું છે. પણ હું નમ્રપણે જણાવવા ઈચ્છું છું કે મેં સૂચવેલો સવાલ તમારા સૌના લક્ષ ઉપર લાવવાને અને આ પત્ર કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વગર વાંચી જવાને તમને સૌને વિનંતી કરવાને મને અધિકાર આપે એટલો ગંભીર છે.

હિંદુસ્તાનીઓને સંસ્કારની કક્ષામાં તમે ઊંચા ચડાવશો કે નીચા ઉતારશો? વંશપરંપરાને પરિણામે જે સ્થાન તેમને સહેજે મળે તેના કરતાં નીચેની પાયરીએ તમે તેમને ઉતારી મૂકશો? તેમનાં દિલને તમારાથી પરાયાં કરશો કે તમે તેમને તમારી વધારે નજીક ખેંચશો? ટૂંકમાં, તમે તેમના પર સહાનુભૂતિથી કે જુલમગારની રીતથી રાજ્યનો અમલ ચલાવશો? એ બધા સવાલો વિચારી શું કરવું તે તમારે નક્કી કરવાનું છે.

તમે સૌ ધારો તો જાહેર પ્રજામત એવી રીતે કેળવી શકો કે હિંદુસ્તાનીઓ માટેનો તિરસ્કારનો ભાવ દિવસે દિવસે ઉગ્ર થતો જાય અથવા તમને ગમે તો તેને એવી રીતે કેળવી શકો . કે તે શમવા માંડે.

હવે હું આ સવાલની ચર્ચા નીચે બતાવેલા ચાર વિભાગમાં વહેંચીને કરવા ધારું છું:

૧. હિંદુસ્તાનીઓ સંસ્થાનમાં નાગરિકો તરીકે આવકારવા જેવા છે?
૨. તે કોણ ને કેવા છે?
૩. તેમની સાથે ચલાવવામાં આવતો વર્તાવ ઉત્તમોત્તમ બ્રિટિશ પરંપરા, અથવા ન્યાય

અને નીતિના મૂળ સિદ્ધાંતો, અથવા ઈશુના ધર્મના સિદ્ધાંતો અનુસાર છે ખરો?

૪. તેમને એકાએક એકી સાથે અથવા અાસ્તે આસ્તે સંસ્થાનમાંથી પાછા મોકલી દેવામાં આવે તો કેવળ ભૌતિક આબાદીની અને સ્વાર્થની દૃષ્ટિથી તેનું પરિણામ સંસ્થાનના સંગીન, કાયમના લાભમાં ખરું?

પહેલા સવાલની ચર્ચામાં સૌથી પહેલાં હું જેમનામાંના ઘણાખરા મુદતી કરારથી બંધાઈને સંસ્થાનમાં આવેલા છે એવા મજૂરો તરીકે રોકવામાં આવતા હિંદુસ્તાનીઓની વાત લઉં.

જેમને આ બાબતમાં જાણકાર માનવામાં આવે છે તેમના તરફથી સ્વીકારવામાં આવેલું લાગે છે કે સંસ્થાનની આબાદીને સારુ મુદતી કરારથી બંધાઈને આવનાર હિંદીઓ અનિવાર્યપણે જરૂરના છે; ઘરકામ કરનારા નીચેની પાયરીના નોકરો તરીકે કે હોટલોમાં વેઈટરો તરીકે, રેલવેના નોકરો તરીકે કે માળીઓ તરીકે એ લોકો સંસ્થાનની વસ્તીમાં ઉપયોગી વધારો કરે છે. આ મુલકનો મૂળ વતની જે કામ કરી શકતો નથી અથવા કરવા માગતો નથી તે મુદતી કરારથી બંધાઈને આવનારો હિંદુસ્તાની હોંસથી, ખુશીથી અને સારી રીતે કરે છે. એવું લાગે છે કે દક્ષિણ આફ્રિકાના બગીચા જેવું આ સંસ્થાન આબાદ કરવામાં હિંદુસ્તાની સહાયભૂત થયો છે. એક વાર હિંદુસ્તાનીને ખાંડના કારખાનાને લગતી વાડીમાંથી ઉઠાવી લો તો સંસ્થાનના મુખ્ય ઉદ્યોગનું શું થશે? અને આ મુલકનો મૂળ વતની નજીકના ભવિષ્યમાં એ કામ કરી શકશે એવું પણ કહી શકાય તેમ નથી. દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક રાજય આનો દાખલો પૂરો પાડે છે. મુલકના મૂળ વતનીઓને લગતી તેની દૃઢ તેમ જ પ્રખર કહીને ઓળખવામાં આવતી નીતિ અમલમાં હોવા છતાં અને તેની જમીન ઘણી ફળદ્રુપ છે તોપણ તે લગભગ ધૂળના રણ જેવું વેરાન રહ્યું છે, તેની ખાણોને સારુ સસ્તા મજૂરો મેળવવાનો સવાલ રોજરોજ વધારે ને વધારે ગંભીર બનતો ગયો છે, બગીચો કહીને ઓળખાવી શકાય એવું એક જ સ્થળ નેલમૅપિયસ મિલકત પર આવેલું છે અને તેની સફળતા કેવળ હિંદુસ્તાની મજૂરોને આભારી નથી કે? ચૂંટણી દરમ્યાન કરવામાં આવેલા એક ભાષણમાં કહેવામાં આવ્યું છે :

. . . અને આખરે જે એક જ વસ્તુ કરવાની હતી, હિંદુસ્તાનીઓને અહીં લાવવાના હતા, તે શરૂ કરવામાં આવી, અને આ સૌથી વધારે મહત્ત્વની યોજનાને આગળ લેવાને માટે ધારાસભામાંના પક્ષે શાણપણથી પોતાનો ટેકો આપ્યો અને મદદ કરી. તેનો અમલ શરૂ કરવામાં આવ્યો ત્યારે संस्थाननी प्रगति अने लगभग खुद तेनी हयाती त्राजवे तोळाई रह्या हतां. અને હવે હિંદુસ્તાનીઓને મુલકમાં પ્રવેશ કરાવવાની આ યોજનાનું પરિણામ શું છે? નાણાંની દૃષ્ટિએ જોઈએ તો સંસ્થાનની સરકારી તિજોરીમાં દર વરસે એ યોજના પેટે પા. ૧૦,૦૦૦ આગળથી આપવામાં આવ્યા છે, તેનું પરિણામ શું? એટલું જ કે સંસ્થાનના ઉદ્યોગની ખિલવણીને માટે અથવા આ સંસ્થાનના પોતાના હિતને કોઈ પણ રીતે આગળ વધારવાને માટે ધારાસભાએ જે જે નાણાં મંજૂર કર્યા હશે તેમાંથી આ સંસ્થાનમાં કુલીઓને મજૂરો તરીકે દાખલ કરવાની વાતથી નાણાંની દૃષ્ટિથી જેટલું નફાકારક વળતર મળ્યું હશે તેટલું બીજી કોઈ વાતથી મળ્યું નથી, . . . હું માનું છું કે સંસ્થાનના ઉદ્યોગોની જરૂરિયાતને પહોંચી વળવાને માટે આવી જાતના મજૂરો પૂરા પાડવામાં આવ્યા ન હોત તો ડરબન શહેરની યુરોપિયન વસ્તી આજે છે તેનાથી કંઈ નહીં તો અરધોઅરધ ઓછી હોત અને આજે જ્યાં વીસ કામદારોને ધંધો મળે છે
ત્યાં કેવળ પાંચની જરૂર હોત. ડરબનમાં આજે મિલકતોની જે કિંમત ઊપજે છે તે સામાન્યપણે તેનાથી ત્રણસોથી ચારસો ટકા નીચી રહી હોત, સંસ્થાનમાંની તેમ જ બીજા કસબાઓમાંની જમીનોની કિંમત ડરબન શહેરમાં રહેતી કિંમતના પ્રમાણમાં નીચી રહી હોત અને દરિયાકાંઠા પરની જમીન આજે જે ભાવે વેચાય છે તેટલા તેના ભાવ કદીઊપજ્યા ન હોત.

આ [જેમના ભાષણમાંથી ઉતારો આપવામાં આવ્યો છે તે] ગૃહસ્થ બીજા કોઈ નથી; મિ. ગારલૅન્ડ પોતે છે. જેમની પાસેથી ખરેખર વધારે જાણકારીની અપેક્ષા રાખી શકાય એવા લોકો પણ ગરીબ બિચારા હિંદુસ્તાનીને તુચ્છકારમાં જે નામથી બોલાવે છે તે 'કુલી' પાસેથી આવી કીમતી મદદ મળી હોવા છતાં એ માનનીય ગૃહસ્થ આગળ વધીને નગુરા થઈ હિંદુસ્તાનીના સંસ્થાનમાં વસવાટ કરીને ઠરીઠામ થવાના કુદરતી વલણને માટે અફસોસ બતાવે છે.

धि नातल मर्क्युरीના ૧૮૯૪ની સાલના ઑગસ્ટ માસની ૧૧મી તારીખના અંકમાં ટાંકવામાં આવેલા न्यू रिव्यू માં પ્રગટ થયેલા મિ. જૉન્સ્ટનના લેખમાંથી મેં નીચે આપેલો ઉતારો લીધો છે :

ઉષ્ણ કટિબંધની આબોહવાની સામે ટકી શકે અને સમશીતોષ્ણ આબોહવામાં જેમાં યુરોપિયનો ભરતી થાય છે તેવા ખાસ ધંધાઓની જવાબદારી ઉપાડી શકે તેટલી હોશિયારીવાળી પીળા વર્ણની પ્રજાને દાખલ કરવામાં આ સવાલનો ઉકેલ જડે છે. એ પીળાવર્ણની પ્રજા અત્યાર સુધી પૂર્વ આફ્રિકામાં વધારેમાં વધારે સફળ નીવડી છે અને તે હિંદુસ્તાનની વતની છે – તે પ્રજાએ ભાતભાતના નમૂનાનાં અને વિવિધ ધર્મનાં માણસો મારફતે બ્રિટિશ અથવા પોર્ટુગીઝ આશ્રય નીચે પૂર્વ આફ્રિકાની સમુદ્રકાંઠાની પટ્ટીનો વેપાર ઊભો કરી ખીલવ્યો છે. વાળવા હોય તેમ વાળી શકાય તેવી પ્રકૃતિના, માયાળુ, કરકસરી, ઉદ્યમી, હસ્તકૌશલવાળા, તીક્ષ્ણ બુદ્ધિવાળા, ચતુર હિંદુસ્તાનીને મધ્ય આફ્રિકામાં દાખલ કરવાથી તે ખંડમાંનાં આપણાં હથિયાર દળોને માટે આપણને સંગીન અંતરંગ મળી રહેશે અને ઉષ્ણ કટિબંધમાં આવેલા આફ્રિકાના મુલકમાં સુધરેલો વહીવટ ચલાવવાને જરૂરી તારખાતાના કારકુનો, નાના દુકાનદારો, કાબેલ કારીગરો, રસોઈયાઓ, હલકી પાયરીના નોકરો, કારકુનો, અને રેલવેના અમલદારો આપણને પૂરા પડશે. હિંદુસ્તાનીને કાળા ને ગોરા બંને ચાહે છે અને તે એ બંને ભિન્ન પ્રજાઓને જોડી આપનારી કડીનું કામ આપશે.

જેમને ખોટી રીતે આરબ કહીને ઓળખાવવામાં આવે છે તે હિંદી વેપારીની બાબતમાં તેના સંસ્થાનમાં આવવા સામે જે વાંધા ઉઠાવવામાં આવે છે તેમનો વિચાર કરી લેવો સારો.

છાપાંઓ, ખાસ કરીને ૬–૭–'૯૪ના धि नातल मर्क्युरी અને ૧૫–૯–'૯૩ના धि नातल एडवर्टाइझर પરથી એ વાંધાઓ એવા દેખાય છે કે તે લોકો સફળ વેપારીઓ છે અને તેમની. રહેણીકરણી ઘણી સાદી હોવાથી તે યુરોપિયન વેપારી સાથે નાના નાના વેપારમાં હરીફાઈ કરે છે. જવલ્લે બનતા એકાદ બે ખાસ પ્રકારના બનાવો પરથી જે સામાન્ય વિધાનો તારવવામાં આવે છે કે હિંદીઓ ધંધામાં છેતરપિંડી કરે છે તેને હું વિચારવા લાયક ન લખતાં છોડી દઉં છું. દેવાળું કાઢયાના ચોક્કસ દાખલાઓ બાબતમાં તેમનો બચાવ કરવાનો જરાય આશય રાખ્યા વગર હું એટલું જ કહીશ કે “જે પાપ વગરના હોય તે પહેલો પથ્થર ફેંકે”. આને અંગે દેવાળું જાહેર કરનારી અદાલતનું દફતર તપાસી જવા વિનંતી છે. સફળપણે હરીફાઈ કરવાની બાબતના વાંધાની વાત કરીએ. હું માનું છું કે તે સાચો છે. પણ એ લોકોને સંસ્થાનમાંથી હાંકી કાઢવાને માટેનું એ કારણ હોય ખરું? સંસ્કારી માણસોનો સમાજ એવી પદ્ધતિને અપનાવશે ખરો? તેને અનુમોદન આપશે ખરો? અને તે લોકો હરીફાઈમાં આટલા શાથી ફાવે છે? તેનું કારણ धि नाताल एडवर्टाइझर મનાવવા માગે છે તેમ તેમની જંગલી નહીં પણ અત્યંત સાદી રહેણીની ટેવો છે અને બીજું કશું નથી એવું રસ્તે ચાલનારા ઉપર ઉપરથી જોનારને પણ સહેજે દેખાઈ આવે એવું છે. તેમની સફળતાનું મુખ્યમાં મુખ્ય તત્ત્વ, મારા નમ્ર મત મુજબ, તે લોકો દારૂથી અને દારૂની સાથે આવતાં અનિષ્ટોથી બિલકુલ અળગા રહે છે તે છે. એ સારી ટેવને કારણે પૈસાનો એકદમ ઘણો મોટો બચાવ થાય છે. વળી, તેમની રહેણીકરણીની રુચિ બહુ સાદી હોઈ તેમને પ્રમાણમાં થોડા નફાથી સંતોષ રહે છે કેમ કે તેઓ મોટી મોટી દુકાનો અને એવો બીજો નાહકનો ઠઠેરો રાખતા નથી. ટૂંકમાં, એ લોકો પરસેવો પાડીને પોતાની રોજી રળે છે. સંસ્થાનમાં એ લોકો રહે તેની સામેના વાંધા તરીકે આ હકીકતોને કેવી રીતે આગળ ધરી શકાય એ સમજવું મુશ્કેલ છે. અલબત્ત, એ લોકો જુગાર રમતા નથી, સામાન્યપણે તમાકુ પીતા નથી, નાની નાની અગવડો વેઠી લેવાને ટેવાયેલા છે, અને દિવસના આઠ કલાકથીયે વધારે વખત કામ કરે છે. સંસ્થાનમાં રંજાડ વગર રહેવાની તેમને છૂટ મળે તેટલા ખાતર શું એવી અપેક્ષા રાખવામાં આવે છે અથવા શું એવું ઇષ્ટ માનવામાં આવે છે કે તેમણે એ ગુણોનો ત્યાગ કરી જેનાથી પશ્ચિમની પ્રજાઓ પીડાઈને ત્રાસી રહી છે તે ભયાનક દુર્ગુણો કેળવવા?

હિંદુસ્તાની વેપારીઓ અને મજુરોની સામે જે સામાન્ય વાંધો લેવામાં આવે છે તેનો પણ વિચાર કરી લેવો સારો. તે તેમની ગંદકીની અસ્વચ્છ આદતો અંગેનો છે. મને ડર છે કે મને જેનાથી ઘણી શરમ આવે છે એવો આ આરોપ મારે અમુક અંશે સ્વીકારવો જોઈશે. તેમની ગંદકી કરવાની અસ્વચ્છ આદતોની સામે જે બધું કહેવામાં આવે છે તેનું મૂળ કેવળ તેમના તરફનો દ્વેષ અને તિરસ્કારમાં રહેલું છે. છતાં આ બાબતમાં તેઓ જેવા જોઈએ તેવા નથી એ બીનાનો ઈનકાર થઈ શકે એમ નથી. પણ તેમને સંસ્થાનમાંથી હાંકી કાઢવાને માટેનું એ કદીયે કારણ ન હોઈ શકે. રહેણીના આ ક્ષેત્રમાં તેમનામાં સુધારો થઈ જ ન શકે એવી નિરાશાનું કોઈ કારણ નથી. હું નમ્રપણે સૂચવું છું કે સ્વચ્છ રહેણીના કાયદાના સખત પણ ન્યાયી તેમ જ દયાળુ અમલથી આ અનિષ્ટને અસરકારક રીતે પહોંચી વળવાનું બને એવું છે. એટલું જ નહીં, તેને નાબૂદ કરી શકાય એમ છે. વળી તે અનિષ્ટ એટલું બધું મોટું નથી કે તેની સામે ખાસ કરડાં પગલાં લેવાં પડે, મુદતી કરારથી બંધાઈને આવનારા જે મજૂરો એટલા બધા કંગાળ હોય છે કે શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપી શકતા નથી તેમને બાદ કરતાં બાકીના એમનામાંના બીજા લોકોની અંગત આદતો ગંદી નથી એવું દેખાય છે. મારા અંગત અનુભવને આધારે હું એટલું કહી શકું કે એમનામાંની વેપારી કોમની અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર નાહવાની ધાર્મિક ફરજ મનાય છે અને તેમને કેટલુંક નિત્યકર્મ કરવાનું હોય છે એટલે કે હરેક વખતે નમાજ પઢતાં પહેલાં પોતાનાં મોં અને કોણી સુધી હાથ ધોવાના હોય છે. દિવસમાં ચાર વેળા નમાજ પઢવાની તેમની પાસેથી અપેક્ષા રખાય છે અને તેમનામાંના એવા ઘણા થોડા હશે જે દિવસમાં ઓછામાં ઓછી બે વેળા નમાજ નહીં પઢતા હોય.

એક કોમ સમાજને માટે જે દુર્ગુણોને કારણે ભયરૂપ બને છે તેમાંથી આ લોકો અસાધારણ રીતે મુક્ત છે એટલું સહેજે કબૂલ રાખવામાં આવશે એવી મને આશા છે. બંધારણથી સ્થપાયેલી સરકારની સત્તાને તાબે થવાની વાતમાં તેમનો જોટો જડે એવો નથી. તેઓ કદી રાજકીય દૃષ્ટિએ જોખમરૂપ થાય એવા નથી. મદ્રાસ તેમ જ કલકત્તામાંથી મજૂરોની ભરતી કરી અહીં મોકલનારા ઇમિગ્રેશન એજન્ટો અલબત્ત, અજાણતામાં કેટલીક વાર આમતેમથી ઉઠાવી લઈ જે અણધડ નઠોર માણસોને અહીં મોકલે છે તેમને બાદ કરતાં એ લોકો ગંભીર પ્રકારના ગુનાઓ કરવામાંથી મુક્ત ગણાય છે. ફોજદારી અદાલતોના આંકડા પરથી હું સરખામણી કરી શકયો નથી, તેથી આ મુદ્દા પર બીજું ઝાઝું કહી શકું એમ નથી તે સારુ દિલગીર છું. છતાં नाताल एल्मॅनॅकમાંથી ઉતારો ટાંકવાની હું રજા ચાહું છું: “હિંદુસ્તાની વસ્તીને માટે એટલું કહેવું જોઈશે કે એકંદરે તે નિરુપદ્રવી, શાંતિપ્રિય અને કાયદાને અનુસરીને ચાલવાવાળી છે.”

હિંદુસ્તાની મજૂરો સંસ્થાનના પસંદ કરવા જેવા જ નહીં, ઉપયોગી નાગરિકો પણ છે, તેની આબાદીને માટે અત્યંત જરૂરના છે અને વેપારીઓમાં એવું કશું નથી કે જેથી તેમને નાપસંદ કરી સંસ્થાનમાંથી કાઢી મૂકવા પડે એટલું ઉપર રજૂ કરેલી હકીકતો બતાવી આપે છે એમ હું નમ્રપણે સૂચવું છું.

આ વિષયની રજૂઆત પૂરી કરતાં પહેલાં વેપારીઓની બાબતમાં એટલું ઉમેરી લઉં કે યુરોપિયન કોમના ગરીબ વિભાગને સારુ તેઓ ખરેખર એક આશીર્વાદરૂપ છે, કેમ કે પોતાની તીવ્ર હરીફાઈથી તેઓ જીવનની જરૂરિયાતોના ભાવો નીચા રાખે છે; એને હિંદુસ્તાની મજૂરોની ભાષાના જાણકાર હોવાથી તેમ જ તેમના રીતરિવાજો સમજતા હોવાથી તેઓ તેમને માટે અનિવાર્ય જરૂરના છે કેમ કે તેઓ તેમની જરૂરિયાતો વિચારી તેમને પૂરી પાડે છે અને યુરોપિયન વેપારીઓને મુકાબલે વધારે સારી રીતે અને શરતે તેમની સાથે કામ લે છે.

આપણી તપાસનો બીજો મુદ્દો એટલે કે એ હિંદુસ્તાનીઓ કોણ છે અને કેવા છે, એ સૌથી મહત્ત્વનો છે અને તેથી તેની ચર્ચા હું તમને કાળજીથી વાંચી જવાને વિનંતી કરું છું. હિંદુસ્તાન અને તેના લોકો વિષે અભ્યાસ કરવાની વાતને માત્ર પ્રેરણા મળશે તોયે એ વિષયને અંગેના મારા લખાણનું પ્રયોજન પાર પડશે; કેમ કે હું ચોક્કસ માનું છું કે દક્ષિણ આફ્રિકામાં હિદીઓને વેઠવી પડતી હાડમારીઓના અરધા બલકે પોણા ભાગની હિંદુસ્તાન વિષેની માહિતીના અભાવમાંથી પેદા થાય છે.

આ પત્ર હું કોને સંબોધીને લખું છું તેનું ભાન મારા કરતાં વધારે બીજા કોઈને નહીં હોય. મારા પત્રના આ વિભાગથી કેટલાક માનનીય સભ્યોને અપમાન લાગવાનો અને તેથી રોષ થવાનો સંભવ છે. પૂરેપૂરી અદબ સાથે તેવા માનનીય સભ્યોને હું કહીશ કે, “તમે હિંદુસ્તાનને વિષે ઘણું ઘણું જાણો છો તેનો મને ખ્યાલ છે પણ તમારા જ્ઞાનનો લાભ સંસ્થાનને નામનોયે મળતો નથી એ એક ક્રૂર હકીકત નથી કે? હિંદુસ્તાન વિષેની માહિતી તેમ જ જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરનારા બીજાઓએ મેળવેલા જ્ઞાનના કરતાં તમે તે વિષે મેળવેલું તદ્દન જુદું અને ઊલટું હોય તો વાત જુદી છે, બાકી હિંદુસ્તાનીઓને તો તેથી લાભ નથી થયો એટલું ચોક્કસ છે. વળી, મારો આ નમ્ર પ્રયાસ સીધો તમને સંબોધીને થયો હોવા છતાં તે બીજા અનેકને, હકીકતમાં આજના બધા રહેવાસીઓ સહિતના સંસ્થાનના ભાવિમાં જેમને જેમને રસ છે ને જેમનું જેમનું હિત છે તે સૌને પણ પહોંચે એવી અપેક્ષા છે.” મતાધિકારના ખરડાના બીજા વાચન વેળાએ વડા પ્રધાને આપેલા ભાષણમાં તેમણે વ્યક્ત કરેલો અભિપ્રાય ઊલટો હોવા છતાં તેમના તરફ પૂરેપૂરી અદબ સાથે હું એમ દર્શાવવાનું સાહસ કરું છું કે અંગ્રેજો અને હિંદુસ્તાનીઓ બંને ઇન્ડોઆર્યન નામથી ઓળખાતા સમાન વંશમાંથી ઊતરી આવેલા છે. ઉપર કરેલા વિધાનના આધાર માટે ઝાઝા લેખકોનાં લખાણોમાંથી હું ઉતારા ટાંકી શકતો નથી, કેમ કે મારી પાસે સંદર્ભ ગ્રંથો કમનસીબે બહુ થોડા છે છતાં સર ડબલ્યુ ડબલ્યુ. હંટરના इन्डियन एम्पायर (હિંદી સામ્રાજ્ય)માંથી નીચે મુજબનો ઉતારો ટાંકું છું:

આ વધારે ઊંચી જાતિ (એટલે કે પ્રાચીન આર્યો) આર્ય અથવા ઇન્ડોજર્મેનિક વંશની હતી અને બ્રાહ્મણ, રાજપૂત તેમ જ અંગ્રેજ તેમાંથી ઊતરી આવેલા છે. ઇતિહાસને દેખાયેલું તેનું પ્રાચીનમાં પ્રાચીન વતન મધ્ય એશિયામાં હતું. આ સમાન મુકામની ભૂમિ પરથી તે જાતિની કેટલીક શાખાઓ પૂર્વ તરફ અને બીજી પશ્ચિમ તરફ જવાને નીકળી. પશ્ચિમ તરફ નીકળી ગયેલી એક શાખાએ ઈરાનના રાજ્યની સ્થાપના કરી; બીજીએ એથેન્સ અને લેસિડીમોન બાંધ્યાં અને તે હેલેનિક અથવા ગ્રીક રાષ્ટ્ર બની; ત્રીજી આગળ વધતી વધતી ઈટાલી પહોંચી અને પાછળથી જે સામ્રાજ્યના કેન્દ્ર રોમ તરીકે ખીલ્યું તે સાત ટેકરીઓ પરનું નગર વસાવીને તેણે તેને આબાદ કર્યું. એ જ વંશના એક દૂરના સંસ્થાને પ્રાગૈતિહાસિક સ્પેનની ખાણોમાંથી કાચું રૂપું ખોદીને મેળવ્યું; અને પ્રાચીન ઇંગ્લેંડનું પહેલવહેલું દર્શન આપણને થાય છે ત્યારે તેમાં બરુનાં ગૂંથેલાં માત્ર હલેસાં મારીને ચલાવવામાં આવતાં નાનાં હોડકાંઓમાં બેસી માછલાં પકડનારી અને કૉર્નવાલની ખાણોમાંથી કલાઈ ખોદનારી આર્ય વસાહત નજરે પડે છે.
ગ્રીકોના અને રોમનોના, અંગ્રેજોના અને હિંદુઓના પૂર્વજો એશિયામાં ભેગા વસતા હતા, એક જ ભાષા બોલતા હતા અને એક જ દેવોની પૂજા કરતા હતા.
યુરોપના અને હિંદુસ્તાનના પ્રાચીન ધર્મોનું મૂળ એક જ પ્રકારનું હતું.

આમ, બધા સાચી માહિતી આપનારા આધારોમાંથી જેણે હકીકતો મેળવી લીધી હોવી જેઈએ એવી અપેક્ષા સહેજે રાખી શકાય તેવા આ વિદ્રાન ઇતિહાસકારે ઉપર મુજબનું નિરપવાદ વિધાન નિ:શંકપણે કર્યું છે એમ જોઈ શકાય છે. એટલે મારી ભૂલ થતી હોય તોપણ હું સારી સોબતમાં છું. અને જે બે જાતિઓ કાનૂની અને બાહ્ય રીતે એક જ ધ્વજ હેઠળ પરસ્પર બંધાયેલી છે તેમનાં દિલને એક કરવાને જે લોકો કોશિશ કરે છે તેમની પ્રવૃત્તિના પાયા તરીકે આ ભૂલભરેલી કે પછી સંગીન આધારવાળી શ્રદ્ધા કામ આપે છે.

સંસ્થાનમાં એવી સામાન્ય માન્યતા ફેલાયેલી દેખાય છે કે હિંદુસ્તાનીઓ હશે તોયે જંગલીઓ અથવા આફ્રિકાના મૂળ વતનીઓથી સહેજસાજ ચડિયાતા છે. બાળકોમાં પણ એ માન્યતા કેળવવામાં આવે છે અને પરિણામે હિંદુસ્તાનીને અણઘડ કાફરને દરજજે ઘસડી પાડવામાં આવતો જાય છે.

હું દૃઢપણે માનું છું કે સંસ્થાનના ઈશુના ધર્મને અનુસરનારા ધારાસભાના સભ્યો જાણે તો જેને અસ્તિત્વમાં આવવા દે નહીં અથવા રહેવા દે નહીં એવી આ વસ્તુસ્થિતિ, જો એવો શબ્દપ્રયોગ કરવાનું સાહસ કરીને કહું તો, પોતાના એંગ્લો-સેકસન ભાંડુઓ કરતાં હિંદીઓ જીવનનાં ઉદ્યોગનાં, બુદ્ધિનાં, કાવ્યનાં અને એવાં જ બીજાં વિવિધ ક્ષેત્રોમાં કોઈ પણ રીતે ઊતરતા નહોતા અને નથી એવું એકદમ સાફ બતાવી આપનારા નીચેના વિસ્તૃત ઉતારાઓ આપવાને માટેનું મારું કારણ છે. હિંદી ફિલસૂફી અને ધર્મની બાબતમાં इन्डियन एम्पायर(હિંદી સામ્રાજ્ય)ના વિદ્રાન કર્તા આ મુજબનો સમારોપ કરે છે:

આત્મસંયમ, દાન, ઈશ્વરનું ધ્યાન અને તેને સમર્પણ એ વહેવારુ ધર્મના સવાલોના બ્રાહ્મણધર્મના ઉકેલ હતા. પણ આધ્યાત્મિક જીવનના વહેવારુ સવાલો ઉપરાંત ધર્મને માટે જગતમાં ઈશ્વરની ભલાઈની સાથે જ બૂરાઈના અસ્તિત્વના જેવા અને આ જીવનમાં સુખદુ:ખની અસમાન વહેંચણીના જેવા બુદ્ધિના સવાલો પણ હોય છે. બ્રાહ્મણ તત્ત્વજ્ઞાને બુદ્ધિને મૂંઝવનારી આ મુશ્કેલીઓના અને ત્યાર બાદ ગ્રીસ તેમ જ રોમના શાણા પુરુષોને, તત્ત્વચર્ચામાં નિષ્ણાત મધ્યયુગી સ્કૂલમેનને અને आधुनिक विज्ञानीને (નાગરી મારું કરેલું છે.) મૂંઝવનારા ઘણાખરા બીજા મોટા મોટા સવાલોના સઘળા શકય ઉકેલો વિચારી કાઢયા હોઈ તે અંગે કશું બાકી રહેવા દીધું નથી. વિશ્વની ઉત્પત્તિ, વ્યવસ્થા અને વિકાસને લગતા જુદા જુદા સિદ્ધાંતો પૈકી દરેકની વિગતે છણાવટ કરવામાં આવેલી હોઈ आजना जमानाना शरीरशास्त्रीओना ख्यालो कपिलमुनिना उत्क्रांन्तिना सिद्धांतનું વધારાના જ્ઞાન સાથેનું પુનરાવર્તન છે (આ નાગરી પણ મારું કરેલું છે). ૧૮૭૭ની સાલમાં હિંદુસ્તાનની દેશી ભાષાઓમાં પ્રગટ થયેલાં ધર્મ વિષેનાં પુસ્તકોની સંખ્યા માનસિક અને નૈતિક ફિલસૂફીનાં ૫૬ ઉપરાંત ૧૧૯૨ની હતી. ૧૮૮૨ની સાલમાં એમની કુલ સંખ્યા ધર્મને લગતાં પુસ્તકો માટે ૧૫૪૫ અને માનસિક તેમ જ નૈતિક ફિલસૂફીને માટે ૧૫૩ સુધી વધી હતી.

હિંદી તત્ત્વજ્ઞાનને વિષે મેકસૂમૂલર કહે છે (નીચેનો ઉતારો અને તે પછી લેવામાં આવેલા બીજા થોડા પૂરેપૂરા અથવા અંશત: મતાધિકારને લગતી અરજીમાં ટાંકવામાં આવ્યા છે):

માણસના મને પોતાની ઉત્તમોત્તમ કુદરતી બક્ષિસો પૈકીની કેટલીક કયા આકાશ નીચે અત્યંત પૂર્ણપણે ખીલવી છે, કયાં તેણે જીવનના મોટામાં મોટા સવાલો પર અત્યંત ઊંડાણથી ચિંતન કરી પ્લેટો અને કેન્ટનો અભ્યાસ કરવાવાળાઓએ સુધ્ધાં જેમના પર લક્ષ આપવું પડે એવા તે પૈકીના કેટલાકના ઉકેલ કાઢી આપ્યા છે એવું મને પૂછવામાં આવે તો મારે જવાબમાં હિંદુસ્તાનનો નિર્દેશ કરવો જોઈએ; વળી, અહીં યુરોપમાંના આપણે, લગભગ કેવળ ગ્રીકોના તેમ જ રોમનોના અને સેમિટિક વંશની એક જાતિ એવા યહૂદીઓના વિચારો પર પોષાયેલા આપણે આપણું આંતરજીવન વધારે પરિપૂર્ણ, પોતાનામાં હજીયે વધારે સમાવી લેનારું અને વધારે પ્રમાણમાં સર્વની સાથે એકરૂપ થનાંરું, હકીકતમાં વધારે સાચી રીતે માનવતાભર્યું, કેવળ આ પૃથ્વી પરનું નહીં, રૂપાન્તર પામી ઉજજવળ થયેલું અને શાશ્વત બનાવવું હોય તો કયા સાહિત્યમાંથી અત્યંત જરૂરી સુધારાનું પૂરક તત્ત્વ મેળવવું જોઈએ એવું હું મારી જાતને પૂછું તો ફરીને પણ જવાબમાં મારે હિંદુસ્તાનનો નિર્દેશ કરવો જોઈએ.

ઉપનિષદોમાં સમાયેલા હિંદી તત્ત્વજ્ઞાનની ભવ્યતા સાબિત કરવાને જર્મન ફિલસૂફ શોપનહોર પોતાનો પુરાવો ઉમેરતાં કહે છે:

”હરેક વાકયમાંથી ઊંડા, મૌલિક અને ઉચ્ચ વિચારો ઊઠે છે, અને આખુંયે ઊંચા, પવિત્ર અને અંતરના સચ્ચાઈવાળા ભાવથી વ્યાપેલું છે. આપણી આસપાસ હિંદી વાતાવરણ અને સમાન ભાવવાળા આત્માઓના વિચારો ફેલાય છે. . . . ઔપનિખટના[] અભ્યાસ



  1. ૧. ૧૮૯૪ની સાલના ડિસેમ્બર માસની ૧૯મી તારીખે આ પત્ર નાતાલના યુરોપિયનોમાં ફેરવવામાંઆવ્યેા હતેા (જુએ આગળ પા. ૧૨૩) તેથી એ તે પહેલાં તૈયાર થયેલા હોવા જોઈએ
  2. ૨. શ્રીમદ્ ભગવદ્ગીતાના નીચે આપેલા શ્લોકનું કવિતા પંક્તિએામાં અંગ્રેજી રૂપાંતર :
    यद्यदाचरति श्रेष्ठस्त्रत्तदेवेतरो जनः।

    स यत्मामाणम दुरुते लोकस्तदनुवर्तते॥
  3. સત્તરમી સદીમાં મૂળ સંસ્કૃતમાંથી ફારસીમાં કરવામાં આવેલા પચાસ ઉપનિષદોના તરજુમાને સંગ્રહ
કરતાં વધારે ફળદાયી અને ચિત્તને વધારે ઉચ્ચ સપાટીએ લઈ જનારો મૂળ ઉપનિષદોના અભ્યાસ સિવાયનો બીજો દુનિયાભરમાં મળે એવો નથી. તે મારા જીવનમાં દિલાસારૂપ થયો છે, મારા મરણ વેળાએ પણ એ જ દિલાસારૂપ થશે.

વિજ્ઞાનની વાત પર આવતાં સર વિલિયમ હન્ટર કહે છે:

પશ્ચિમના વ્યાકરણવેત્તાઓ હજી જયારે ભાષાશાસ્ત્રને અકસ્માત્ સરખા ભાસતા શબ્દો કે પ્રયોગોના પાયા પર ચર્ચતા હતા, ખરે જ, તે વખતે હિંદુસ્તાનમાં તે શાસ્ત્રને તેનાં મૂળ તત્ત્વો સુધી લઈ જવામાં આવ્યું હતું; અને આધુનિક ભાષાશાસ્ત્રનો ઊગમ યુરોપિયન વિદ્રાનોએ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો તે પછીનો છે. . . . પાણિનિનું વ્યાકરણ દુનિયાભરનાં વ્યાકરણોમાં શ્રેષ્ઠ સ્થાને શોભે છે. . . . સંસ્કૃત ભાષારૂપી આખીયે પ્રાકૃતિક ઘટનાને તેમાં તર્કશુદ્ધ સુમેળને સ્વરૂપે વ્યવસ્થિત દર્શાવેલી હોઈ માનવીની શોધકબુદ્ધિ અને ઉદ્યમની સુંદરમાં સુંદર સિદ્ધિઓમાંની એક લેખે તે આગળ તરી આવે છે.

विलेज कोम्युनिटीझ(ગ્રામસમાજો)ની છેલ્લામાં છેલ્લી આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલા પોતાના રેડે વ્યાખ્યાનમાં વિજ્ઞાનના એ જ ક્ષેત્ર વિષે બોલતાં સર એચ. એસ. મેઈન કહે છે:

હિંદુસ્તાને દુનિયાને કમ્પૅરૅટિવ ફાઈલૉલૉજી (ભાષાઓની સરખામણીનું વિજ્ઞાન) અને કમ્પૅરૅટિવ માઈથૉલૉજી (પુરાણોની સરખામણીનું વિજ્ઞાન) આપ્યાં છે, ભાષાનું શાસ્ત્ર અને લોકકથાઓનું શાસ્ત્ર એ બંને કરતાં જરાયે ઓછું ઉપયોગી નહીં એવું નવું શાસ્ત્ર હજી તે આપે એવો સંભવ છે. તેને કમ્પૅરૅટિવ જુરિસપ્રુડ્રન્સ (ન્યાયની પદ્ધતિઓની સરખામણીનું વિજ્ઞાન) નામ આપતાં મને સંકોચ રહે છે કેમ કે તે હયાતીમાં આવશે ત્યારે તેનું ક્ષેત્ર કાયદાકાનૂનના ક્ષેત્ર કરતાં ઘણું વધારે વ્યાપક હશે. એનું કારણ એવું છે કે હિંદુસ્તાનમાં સમાન માતૃભાષામાંથી ઊતરી આવેલી બીજી કોઈ પણ ભાષાના કરતાં વધારે પ્રાચીન આર્ય ભાષાનો સમાવેશ થાય છે (અથવા વધારે ચોકસાઈથી કહીએ તો થતો હતો) અને પૌરાણિક વ્યક્તિઓ રૂપે બીજાં સ્થળોએ જેટલી પૂર્ણતાથી નિશ્ચિત થઈ ચૂકયાં છે તેના કરતાં ઓછી પૂર્ણતાથી નિશ્ચિત થયેલાં પ્રાકૃતિક પદાર્થોનાં નામો નો સમાવેશ થાય છે એટલું જ નહીં, હિંદુસ્તાનની સરહદોની પાર જીવતાં રહેલાં જોવાનાં મળે છે તેના કરતાં વૃદ્ધિ અને વિકાસની ઘણી વધારે પહેલાંની કક્ષાનાં આર્ય સંસ્થાઓ, આર્ય રીતરિવાજો, આર્ય કાનૂનો, આર્ય આદર્શો, આર્ય શ્રદ્ધાઓ વગેરેની એક આખી દુનિયાનો પણ સમાવેશ થાય છે.

ભારતીય ખગોળશાસ્ત્ર વિષે તે જ ઇતિહાસલેખક [હંટર] કહે છે:

બ્રાહ્મણોનું ખગોળશાસ્ત્ર વારાફરતી વધારે પડતી સ્તુતિ અને નાહકના તિરસ્કારનો વિષય બન્યું છે. . . . કેટલાક મુદ્દાઓમાં બ્રાહ્મણો ગ્રીક ખગોળશાસ્ત્રીઓ કરતાં પણ આગળ વધ્યા હતા. તેમની કીર્તિ પશ્ચિમના બધાયે મુલકોમાં ફેલાઈ હતી અને क्रॉनिकॉन पाश्चेल નામના ગ્રંથમાં પણ, તેનો ઉલ્લેખ થયેલો છે. આઠમા અને નવમા સૈકામાં આરબો તેમના શિષ્યો બન્યા હતા.

ફરીથી સર વિલિયમ હંટરનાં લખાણોમાંથી ટાંકતાં જણાવું કે :

બીજગણિતમાં તેમ જ અંકગણિતમાં પશ્ચિમની મદદ પર આધાર રાખ્યા વગર બ્રાહ્મણોએ ઊંચા પ્રકારની પ્રવીણતા સાધી હતી. દશાંશની પદ્ધતિના અંકોની નિશાનીઓની શોધને માટે આપણે તેમના ઋણી છીએ. . . આરબોએ એ અંકો હિંદુઓ પાસેથી

લઈ યુરોપમાં મોકલી આપ્યા હતા. . . ગણિતશાસ્ત્ર તેમ જ યંત્રવિદ્યાના હિંદુસ્તાનમાં દેશી ભાષામાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથોની સંખ્યા ૧૮૭૭ની સાલમાં ૮૯ની અને ૧૮૮૨ની સાલમાં ૧૬૬ની હતી.

તે જ ઉચ્ચ કક્ષાનો ઇતિહાસકાર આગળ ચાલતાં કહે છે,

બ્રાહ્મણોનું વૈદકશાસ્ત્ર પણ સ્વતંત્ર રીતે વિકાસ પામ્યું હતું. . . પાણિનિના વ્યાકરણમાં ચોક્કસ રોગોનાં નામો ગણાવવામાં આવ્યાં છે તે પરથી માલૂમ પડે છે કે વૈદકશાસ્ત્રના અભ્યાસમાં તેના જમાના (એટલે કે ઈ. સ. પૂર્વે ૩૫૦)થીયે પહેલાં પ્રગતિ થઈ ચૂકી હતી. . . અરબી વૈદક તે વિષયના સંસ્કૃત ગ્રંથોના તરજુમાઓમાંથી લેવામાં આવેલા આધાર પર રચાયું હતું. . . . અને યુરોપનું વૈદક છેક ૧૭મા સૈકા સુધી અરબી વૈદક પર આધાર રાખતું હતું. . .. હિંદમાં દેશી ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલા વૈદકશાસ્ત્રના ગ્રંથોની સંખ્યા ૧૮૭૭ની સાલમાં ૧૩૦ની અને ૧૮૮૨ની સાલમાં ૨૧૨ની હતી; ભૌતિક વિઘાના ગ્રંથોની સંખ્યા તે સાલમાં એ ઉપરાંત ૮૭ની હતી,

યુદ્ધની કળાની બાબતમાં લખતાં લેખક આગળ જણાવે છે:

એકલા આયુર્વેદને જ નહીં, યુદ્ધ, સંગીત અને સ્થાપત્યની કળાને પણ બ્રાહ્મણો પોતાના દિવ્ય પ્રેરણાથી મળેલા જ્ઞાનનાં વધારાનાં અંગો લેખતા હતા. . . સંસ્કૃત મહાકાવ્યો સાબિત કરી આપે છે કે યુદ્ધની વ્યૂહરચનાના વિચારને ઈશુના જન્મ પહેલાં માન્ય શાસ્ત્રનો દરજજો મળી ચૂકયો હતો અને અગ્નિપુરાણના પાછળના ભાગમાં તેની પદ્ધતિસરની ચર્ચાના કેટલાયે વિસ્તૃત વિભાગો જોવાના મળે છે.

હિંદુસ્તાનના સંગીતશાસ્ત્રને ફાળે એથીયે વધારે વ્યાપક અસર ફેલાવવાનું શ્રેય જાય છે. . . સંગીત લેખન પદ્ધતિ ઈરાનીઓ મારફતે અરબસ્તાન પહોંચી હતી અને અગિયારમા સૈકાની શરૂઆતમાં ગીદો દ' આરેઝોએ ત્યાંથી લઈને તેને યુરોપની સંગીત વિદ્યામાં દાખલ કરી હતી.

સ્થાપત્ય વિષે તે જ લેખક જણાવે છે :

બૌદ્ધો હિંદુસ્તાનના મોટા પથ્થરનાં બાંધકામો કરનારા હતા. ડુંગરાઓમાંથી કોરી કાઢેલી ગુફાઓમાં આવેલાં પથ્થરનાં પ્રાચીનમાં પ્રાચીન મંદિરોથી માંડીને છોબંધીથી ચકચકતાં અને શણગારથી ખીચોખીચ ભરેલાં છેક આધુનિક કાળમાં નિર્માણ થયેલાં જૈન દેરાસરો, એ બધી તેમનાં મઠો અને દેવળોની રચનાઓ બાવીસ સૈકાના લાંબા ગાળાનો સ્થાપત્યકળાનો ઇતિહાસ પ્રગટ કરે છે. યુરોપનાં દેવળોના ઊંચા અણીદાર મિનારા બૌદ્ધ સ્તૂપો પરથી લેવાયાં હોય એવો ઘણો સંભવ છે. . . હિંદુ કળાએ નિર્માણ, કરેલી એવી રચનાઓ મોજુદ છે જે આધુનિક જમાનામાં પણ સ્તુતિનો અને આશ્ચર્યનો એહોભાવ જગાડે છે....

ગ્વાલિયરના મહેલનું હિંદુ સ્થાપત્ય, હિંદની મુસ્લિમ મસીદો, આગ્રા અને દિલ્હીના મકબરાઓ, અને તેમની સાથેનાં દક્ષિણ ભારતનાં પ્રાચીન હિંદુ મંદિરો રેખાના લાવણ્યમાં તેમ જ બારીક કોતરણીવાળા શણગારની સમૃદ્ધિમાં હજી પણ અજોડ રહ્યાં છે. આજના જમાનાની અંગ્રેજી શણગારની કળામાં હિંદી સ્વરૂપો અને આકૃતિઓમાંથી ઘણું લીધેલું જોવા મળે છે. . . રચનાની અસલ પ્રેરણાને વફાદાર હિંદની કળાના નમૂનાઓને હજી પણ યુરોપનાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ઊંચામાં ઊંચું માન મળે છે.

પોતાના राउन्ड धि वर्ल्ड (દુનિયાની સફર)માં આગ્રાના તાજને વિષે ઍન્ડ્રૂ કાર્નેગીએ આ પ્રમાણે લખ્યું છે:

કેટલાક વિષયો એવા પવિત્ર છે જે પૃથક્કરણ તો શું, શબ્દોથી પણ પર હોય છે. અને હવે હું જાણું છું કે એવા પવિત્ર પ્રદેશમાં પ્રવેશ કરી શકે એટલી માણસે ઊભી કરેલી બેનમૂન સુંદર અથવા અપાર્થિવ ઇમારત અસ્તિત્વમાં છે. . . તાજ ખુલ્લા રંગના સ્નિગ્ધ આરસપહાણનો બંધાયેલો હોઈ શુદ્ધ, ઠંડા સફેદ આરસની જેમ માણસના દિલને ટાઢુંબોળ કરતો નથી. તે સ્ત્રી જેવો હૂંફાળો અને હમદર્દીવાળો છે. . . એક મહાન વિવેચકે મુક્તપણે તાજને નારીગુણવાળી ઇમારત કહીને ઓળખાવી છે. તે કહે છે કે તેમાં નરપણું નામનુંયે નથી, તેનાં બધાં આકર્ષણ સ્ત્રીનાં છે. આ સ્નિગ્ધ સફેદ આરસમાં મજાના કાળા આરસની રેખાઓ બેસાડવામાં આવી છે. કહે છે કે તે કાળી રેખાઓ વડે આખું પાક કુરાન અરબી અક્ષરોમાં આખી ઇમારતમાં વણી લેવામાં આવ્યું છે. . . જંગલમાં ડુંગરાઓનાં ઝરણાંઓની સમીપમાં અથવા ચાંદનીમાં રઝળતાં જયાં જયાં અને જયારે જયારે દિલમાં સૌથી પવિત્ર, સૌથી ઉદાત્ત અને સૌથી શુદ્ધ ભાવ શાન્ત મન પર પોતાનો ઉજજવળ પ્રભાવ ફેલાવતા જાગે ત્યારે મારી સ્મૃતિના ખજાનામાંની કીમતીમાં કીમતી ચીજોમાં મારા મરણના દિવસ સુધી તે સુંદર આકર્ષણની સ્મૃતિ, તાજની સ્મૃતિ સંઘરાયેલી રહેશે.

અને કલમવાર બાંધેલા કે બીજા કાનૂનો વગર પણ હિંદુસ્તાન રહ્યું નથી. મનુસ્મૃતિમાં સંઘરાયેલા મનુના કાનૂનો પોતાના ન્યાયીપણાને, માટે અને પોતાની ચોકસાઈને માટે જાણીતા થયેલા છે. તેમના ન્યાયીપણાના ગુણથી સર એચ. એસ. મેઈન એટલા બધા પ્રભાવિત થયેલા લાગે છે કે તેમણે તેને “બ્રાહ્મણોની દૃષ્ટિથી જે ખસૂસ કાનૂન હોવો જોઈએ તેનું આદર્શ ચિત્ર” કહીને ઓળખાવ્યા છે, ૧૮૯૧ની સાલમાં धि नेशनल रिव्यूરમાં લખતાં મિ. પિકટે તેમને વિષે “મનુના દાર્શનિક આદેશો” તરીકે ઉલ્લેખ કર્યો છે.

વળી, નાટ્યકળામાં પણ હિન્દીઓ અધૂરા માલૂમ પડતા નથી. સૌથી પ્રસિદ્ધ હિંદી નાટક शाकुन्तल વિષે ગીથે કહે છે:

તારુણ્યનાં વર્ષોની ખીલતી કળીઓ અને ઊતરતી અવસ્થાનાં ફળો; આત્મા જેનાથી વશ થાય છે, તે જેનાથી આનંદના ઓઘમાં ખેંચાય છે, તેને જેમાંથી સમૃદ્ધ પોષણ અને આહાર મળે છે એવું કંઈ જોયું છે? એક જ નામમાં પૃથ્વી અને સ્વર્ગ એકત્ર થયેલાં જોવાની તારી આકાંક્ષા છે? તો હું હે શકુન્તલા ! તારું નામ લઉં એટલે તેમાં એ બધુંયે કહેવાનું આવી ગયું જાણવું !

હવે હિંદીઓના ચારિત્રય અને સમાજજીવનની વાત લઈએ. તેને વિષેના પુરાવાનો પાર નથી. હું માત્ર થોડા નજીવા ઉતારા આપી શકીશ. આ મેં હંટરના इन्डियन एम्पायर (હિંદી સામ્રાજ્ય)માંથી લીધું છે :

ગ્રીસથી હિંદ આવી ગયેલા મહાન એલચીએ (મૅગેસ્થિનિસે) હિંદમાં ગુલામીની પ્રથાનો અભાવ, ત્યાંની સ્ત્રીઓનું શીલ અને ત્યાંના પુરુષોની હિંમત જોઈને સ્તુતિનાં વચનો લખ્યાં છે, શૂરાતનમાં તે લોકો તેને એશિયાના બીજા બધા લોકો કરતાં ચડિયાતા માલૂમ પડયા; તેમનાં ઘરોને તેઓ કદી તાળાં વાસતા નહીં, અને સૌથી વિશેષ તો કોઈ હિંદીને તેણે કદી જૂઠું બોલતો જોયો નથી. તેમને તેણે નિવ્યર્યસની અને ઉદ્યમી જોયા, તેઓ તેને સારા ખેડૂતો અને હોશિયાર કારીગરો જણાયા; તેઓ કદી અદાલતને આંગણે ચડતા જણાયા નથી, અને પોતાના દેશના વતની રાજાઓની હકૂમતમાં શાન્તિથી રહેતા. મનુએ અસલમાં વર્ણવેલી પેઢીદર ચાલી આવતા સલાહકારો અને સૈનિકોવાળા રાજાઓની રાજ્યવ્યવસ્થા લગભગ જેવી ને તેવી તેના જોવામાં આવી હતી. . . ગામડાંઓના વહીવટની વ્યવસ્થાનું તેણે વિગતે વર્ણન આપ્યું છે અને કહ્યું છે કે હરેક ગ્રામ ઘટક મને स्वतंत्र प्रजासत्ताक जेवो जणायो છે (નાગરી મેં કર્યું છે.)

હિંદના લોકો વિષે બિશપ હેબર કહે છે:

તેમના સ્વાભાવિક ચારિત્ર્યની બાબતમાં મારો એકંદરે બહુ સારો અભિપ્રાય બંધાયો છે. એ બધા માણસો શૂરાતનભરી ઊંચી હિંમતવાળા, વિવેકી, બુદ્ધિમાન અને જ્ઞાન મેળવવાની તેમ જ પોતાની જાતમાં સુધારો કરવાની ઉત્કંઠાવાળા છે. . . તેઓ નિર્વ્યસની, ઉદ્યમી, માબાપ તરફની ફરજ સમજનારા અને પોતાનાં બાળકો માટે પ્રેમાળ છે, તેમનો મિજાજ લગભગ એકધારી નરમ અને ખામોશીભર્યો જણાયો હોઈ મારા જોવામાં આવેલાં ઘણાંખરાં માણસોના કરતાં તેમની જરૂરિયાતો અને લાગણીઓ પર અપાતા ધ્યાનની અને તેમને માટે રખાતા ભાવની તેમના દિલ પર ઝટ અસર થતી માલૂમ પડી છે.

મદ્રાસ ઈલાકાના એક વખતના ગવર્નર સર ટૉમસ મનરો કહે છે:

હિંદુસ્તાનના લોકોને સુધારવાની વાતનો અર્થ હું ચોક્કસ સમજી શકતો નથી. સારા રાજવહીવટના સિદ્ધાંત અને વહેવારની બાબતમાં સંભવ છે કે તે લોકો અધૂરા હોય, પણ ખેતીવાડીની સારી પદ્ધતિ ને વ્યવસ્થા, કારીગરીના માલની અજોડ પેદાશ, સગવડ અને આનંદપ્રમોદને માટે જરૂરી જણાય તે બધું પેદા કરવાની શક્તિ ને આવડત, બાળકોને લખતાંવાંચતાં શીખવવાને માટે નિશાળોની યોજના, સારી મહેમાનગીરીનો અને બીજે માયાળુ વહેવાર, અને સૌથી વિશેષ સ્ત્રીવર્ગને માટે ચીવટથી રાખવામાં આવતો આદર અને તેના તરફ બતાવવામાં આવતી નમ્રતા એ બધાં જ સુધરેલા લોકોને ઓળખાવનારાં લક્ષણો હોય, તો હિંદના વતનીઓ યુરોપના લોકો કરતાં સુધારામાં ઊતરતા નથી.

હિંદીઓના સામાન્ય ચારિત્ર્યની બાબતમાં સર જયોર્જ બર્ડવુડ નીચે મુજબ અભિપ્રાય છે :

તે લોકો ભારે ખામોશ રાખનારા અને ધીરજવાળા, ખડતલ અને સહનશક્તિવાળા, કરકસર કરવાવાળા અને ઉદ્યમી, કાયદાને માન આપી ચાલનારા અને સુલેહશાન્તિ ચાહનારા છે. . . . ભણેલા અને ઉપલા દરજજાના વેપારી વર્ગના લોકો પ્રામાણિક અને સાચા
અને હું કહી શકું તેટલા પ્રમાણમાં વધારેમાં વધારે સ્પષ્ટ અર્થમાં બ્રિટિશ સરકાર તરફ વફાદાર અને તેના પર ઇતબાર રાખનારા છે; અને આ ભાષા તમે સમજી શકો એવી છે. ખુદ ટયુટોનિક વંશના લોકોની માફક નૈતિક સચ્ચાઈ મુંબઈના શેઠિયા (ઉપલા) વર્ગના લોકોનું સહેજે વરતાઈ આવે તેવું ખાસ લક્ષણ છે. ટૂંકમાં, હિંદના લોકો કોઈ પણ પ્રકારના અસલ અર્થમાં આપણાથી ઊતરતા દરજજાના નથી. જે કેટલાંક આપણે માટે પણ ખોટાં ગણાય એવાં ખોટાં ધોરણો સ્વીકારીને આપણે ચાલીએ છીએ તેને માપે મપાતી બાબતોમાં તે લોકો આપણાથી ચડિયાતા છે.

સર સી. ટ્રવેલ્યાન લખે છે :

તેમનામાં ઘણી વહીવટી આવડત અને શક્તિ છે, ઘણી ખામોશ છે, ભારે ઉદ્યમ છે અને ખૂબ તીવ્ર બુદ્ધિની શક્તિ છે.

તેમના કૌટુંબિક સંબંધો માટે સર ડબલ્યુ. ડબલ્યુ. હન્ટર આ પ્રમાણે કહે છે:

હિંદના લોકોના દિલમાં કુટુંબનું હિત અને કુટુંબ માટેના પ્રેમનું જે સ્થાન છે તેની બાબતમાં અંગ્રેજોની સાથે તેમની કોઈ સરખામણી ન હોઈ શકે. તેમનામાં માબાપનો બાળકોને માટે અને બાળકોનો માબાપને માટે જે પ્રેમ જોવા મળે છે તેની સાથે સરખાવી શકાય એવું વિલાયતમાં કશું નથી. આ દેશમાં સ્ત્રીપુરુષ વચ્ચે જેવો પ્રેમ જેવા મળે છે તેવો તીવ્ર પણ નરવો પ્રેમ આપણા પૂર્વના નાગરિક બંધુઓમાં માબાપનો સંતાનો તરફ અને સંતાનોનો વડીલો તરફ હોય છે.

અને મિ. પિકટ માને છે કે,

બધી સામાજિક બાબતોમાં અંગ્રેજો હિંદીઓના ગુરુ થવાનો પ્રયાસ કરે તેના કરતાં તેમના પગ આગળ શિષ્ય થઈને શીખવાને બેસવાને વધારે લાયક છે.

એમ. લુઈ જેકોલિયત કહે છે:

માનવજાતનું પારણું એવી જે નું હિંદની પ્રાચીન ભૂમિ છે તેને નમસ્કાર ! સૈકાંઓના નિષ્ઠુર આક્રમણોથી પણ હજી જે વિસ્મરણની ધૂળ નીચે ઢંકાઈ નથી એવી હે પૂજ્ય ને સાચી ધાત્રી તને નમસ્કાર! ધર્મની, પ્રેમની, કાવ્યની અને વિજ્ઞાનની પિતૃભૂમિ તને વારંવાર નમસ્કાર ! અમારા પશ્ચિમના ભાવિમાં તારા ભૂતકાળનો ફરી ઉદય થાય તેને અમે આવકારીશું !

વિકટર હ્યુગો કહે છે :

આ પ્રજાઓએ યુરોપ, ફ્રાન્સ અને જર્મનીને અવતાર આપ્યો છે. પશ્ચિમને માટે

જેવું જર્મની છે તેવું પૂર્વને માટે હિંદ છે.

આમાં આટલી હકીકતો ઉમેરો : કેટલાંકે લોકોના માનવા મુજબ મર્ત્ય માનવે ગાળેલી જિદગીમાં સૌથી વધારે પવિત્ર અને સારામાં સારી જિંદગી ગાળનાર અને બીજા કેટલાકના માનવા મુજબ એકમાત્ર ઈસુના કરતાં બીજા દરજજાની જિંદગી ગાળનાર બુદ્ધને હિંદુસ્તાને પેદા કર્યો છે, જેની રાજનીતિને નજીવા સુધારાવધારા સાથે બ્રિટિશ સરકાર સુધ્ધાં અનુસરતી આવી છે તે અકબરને હિંદુસ્તાને પેદા કર્યો છે, પોતાની બહોળી તેમ જ ઉદાર સખાવતોથી જેણે એકલા હિંદને નહીં, ખુદ વિલાયતને પણ દિંગ કરી દીધું હતું તે પારસી બેરોનેટને હિંદે હમણાં થોડાં વરસ પર ગુમાવ્યો છે, હિંદના હાલના વાઈસરૉય લૉર્ડ એલ્ગિને જેની યુરોપના સારામાં સારા પત્રકારો સાથે સરખામણી કરી છે તે પત્રકાર ક્રિસ્ટોદાસ પૉલને હિંદ પેદા કર્યો છે; હિંદની અદાલતોની બેઠકો શોભાવનાર યુરોપિયન તેમ જ હિંદુસ્તાની બન્ને જાતિના ન્યાયાધીશો પૈકી જેમના અદાલતી ચુકાદાઓને ઉત્તમ પ્રકારના સમર્થ ચુકાદાઓ ગણાવવામાં આવ્યા છે તે હિંદની વડી અદાલતોના બે ન્યાયાધીશો મહમદ અને મુથુકૃષ્ણ આયરને[] છે; અને છેવટે અનેક પ્રસંગોએ અંગ્રેજ શ્રોતાસમુદાયોને પોતાની વાણીની છટાથી મંત્રમુગ્ધ કરનાર બદરુદ્દીન [તૈયબજી], [સુરેન્દ્રનાથ] બૅનરજી, અને ફિરોજશાહ [મહેતા] જેવા વક્તાઓ હિંદ પાસે છે.

આવું છે હિંદ. આ ચિત્ર તમને વધારે પડતું રંગેલું અથવા તરંગી દેખાય છતાં મારે કહેવું જોઈએ કે તે સાચું છે. બંને પ્રજાઓને એક કરવાને બદલે જુદી રાખવામાં જેમને આનંદ આવતો હોય તે ભલે ચિત્રની બીજી બાજુ બતાવે. તો પછી મારી વિનંતી છે કે બન્નેની ડેનિયલના જેવા નિષ્પક્ષ વલણથી તુલના કરજો અને હું તમને ખાતરી આપું છું કે હિંદુસ્તાન આફ્રિકા નથી અને सुधाराના સાચામાં સાચા અર્થમાં જેને સુધરેલો કહી શકાય એવો તે દેશ છે એવું માનવાને તમને પ્રેરે તેવું ઉપર જે કહ્યું છે તેમાંના ઘણા મોટા ભાગનું જરાયે અાંચ આવ્યા વગરનું બાકી રહેશે.

આમ છતાં આ મુદ્દો પૂરો કરું તે પહેલાં લઈ શકાય તેવા એક વાંધાની ચર્ચા કરી લેવાની હું રજા ચાહું છું. એમ કહેવામાં આવશે કે “તમે કહો છો તે સાચું હોય તો સંસ્થાનમાંના જે લોકોને તમે હિંદી કહો છો તેઓ હિંદી નથી કેમ કે તમે જેમને હિંદી કહીને ઓળખાવો છો, તેમનામાં એવી કેટલીક આદતો ઘર કરી ગયેલી છે કે જે તમારા વિવેચનને ખોટું સાબિત કરી આપ્યા વગર રહેતી નથી. એ લોકો કેવા હડહડતા જૂઠાબોલા છે તે જુઓ.” આ સંસ્થાનમાં જેને જેને મારે મળવાનું થયું છે તે સૌએ હિંદીઓની જુઠું બોલવાની આદતની દલીલ આગળ કરી છે. મર્યાદિત પ્રમાણમાં આ આરોપનો હું સ્વીકાર કરું છું. આ વાંધાના જવાબમાં હું બતાવી શકું કે બીજા વગેના લોકો અને તેમાંયે તે બધા જ્યારે અને જો કમનસીબ હિંદીઓના જેવી સ્થિતિમાં આવી જાય છે ત્યારે અને તો ખાસ કરીને આ બાબતમાં વધારે સારી રીતે ચાલી શકતા નથી તો તેટલાથી મને ઝાઝો સંતોષ નહીં થાય. અને છતાં મને ડર રહે છે કે એવી જાતની દલીલનો આધાર લીધા વગર મારે છૂટકો નથી. મારી તો એવી ઘણી ઇચ્છા છે કે તે લોકો જુદી રીતે ચાલે, પણ તે બધા માણસોની પ્રકૃતિથી પર છે એવું સાબિત કરવાને હું તદ્દન અસમર્થ છું એમ મારે કબૂલ કરવું જોઈએ. તે બધા માંડ ભૂખમરામાંથી બચી શકાય એટલી રોજી પર અહીં નાતાલમાં આવે છે (અહીં હું બાંધી મુદતના કરારથી આવતા હિંદીઓની વાત કરું છું). અહીં આવ્યા બાદ તેમને સમજાય છે કે પોતે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા હોઈ પોતાની આજુબાજુના સંજોગો પ્રતિકૂળ છે જે ક્ષણે તેઓ હિંદ છોડે છે તે ક્ષણથી તે બધા જે સંસ્થાનમાં વસવાટ કરીને રહે છે તો બાકીનો આખો જન્મારો કોઈ પણ પ્રકારની નૈતિક કેળવણી વગર ગાળે છે. તેઓ હિંદુ હોય કે મુસલમાન, જેને નૈતિક અગર ધાર્મિક શિક્ષણ કહી શકાય તેવી નામનીયે કેળવણી તેમને મળતી નથી. બહારની મદદ વગર પોતાની જાતને વધારે કેળવી શકે એવું જરૂરી ભણતર તેઓ પામ્યા હોતા નથી. આવી દશામાં


જૂઠું બોલવાને નામનીયે લાલચ ઊભી થતાંવેંત તે બધા સહેજે તેને વશ થાય છે. થોડો

વખત જતાં જૂઠું બોલવાની તેમને આદત પડી જાય છે અને તે બીમારી તેમને લાગુ પડે છે. પછી કોઈ પણ કારણ વગર, પોતાની ભૌતિક સ્થિતિ સુધારવાની કશી આશા ન હોવા છતાં, અરે, પોતે શું કરે છે તેના ભાન વગર તેઓ જૂઠું બોલે છે, જરૂરી કાળજી ન રાખવાને કારણે નૈતિક શક્તિ તદ્દન ક્ષીણ થઈ જાય એવી જિંદગીની કક્ષાએ તેઓ પહેાંચી જાય છે. આ ઉપરાંત જૂઠાણાંનો એક અત્યંત દુ:ખદ પ્રકાર પણ જોવાનો મળે છે. પોતાનો માલિક રંજાડશે એવા ડરના માર્યા એ લોકો પોતાના નાહક રંજાડ સહન કરનારા ભાઈને ખાતર પણ સાચું બોલવાની હિંમત કરી શકતા નથી. પોતાના માલિકની સામે જુબાની આપવાની હિંમત કરવાથી પોતાને મજૂરી પેટે મળતા કંગાળ ખોરાકમાં પણ ઘટાડો થવાની અથવા સખત મારઝૂડની ધમકીને સમતાથી વેઠી લેવા જેટલી ફિલસૂફી તેઓ કેળવી શકયા નથી. તો આ માણસોનો તિરસ્કાર કરવાને બદલે તેમની દયા ખાવા જેવી નથી કે ? જરાયે દયાને લાયક નહીં એવા બદમાશો ગણીને તેમની સાથે વર્તવું જોઈએ કે સહાનુભૂતિ તેમ જ અનુકંપાની ઊંડી ભૂખવાળા લાચાર જીવો તેમને લેખવા જોઈએ? એમના જેવા સંજોગોમાં એ લોકો જેમ વર્તે છે તેમ ન વર્તવાવાળા લોકોનો કોઈ પણ વર્ગ છે ખરો કે?

પણ એમના જેવા જ જૂઠું બોલવાવાળા વેપારીઓ પણ છે તેમના બચાવમાં તમે શું કહી શકશો એવો સવાલ મને કરવામાં આવશે. આ બાબતમાં હું નમ્રપણે એટલું જ કહેવાની રજા ચાહું કે એ લોકો પર મૂકવામાં આવતો આરોપ પાયા વગરનો હોઈ વેપારના અથવા અદાલતોના કાનૂની કામકાજને અંગે બીજા વગેના લોકો બોલે છે તેનાથી વધારે જૂઠું એઓ બોલતા નથી. એક તો એ લોકો અંગ્રેજી બોલી શકતા નથી તે કારણે અને બીજું, દુભાષિયાનું કામ કરનારાઓનો વાંક નથી છતાં તે લોકો જે કહે છે તેનો તરજુમો કરવામાં ઘણી ખામી હોય છે તે કારણે એ લોકોની બાબતમાં બહુ મોટી ગેરસમજ ચાલ્યા કરે છે. દુભાષિયાઓ પાસે તામિલ, તેલુગુ, હિંદુસ્તાની અને ગુજરાતી એમ ચાર ભાષાઓમાં થતી વાતોનો અર્થ અંગ્રેજીમાં સફળપણે રજૂ કરવાના પાર વગરની મહેનત અને આવડતના કામની અપેક્ષા રાખવામાં આવે છે. વેપારમાં પડેલો હિંદી હંમેશ હિંદુસ્તાની અગર ગુજરાતીમાં બોલે છે. જેઓ એકલું હિંદુસ્તાની બોલે છે તેઓ ઊંચી જાતનું હિંદુસ્તાની વાપરે છે. માત્ર એક અપવાદ બાદ કરતાં બાકીના બધા દુભાષિયા અત્યંત ખરાબ હિંદુસ્તાની વ્યાકરણવાળી તામિલ, ગુજરાતી અને બીજી હિંદની ભાષાઓના તરેહવાર મિશ્રણથી બનેલી સ્થાનિક હિંદુસ્તાનીનો ઉપયોગ કરે છે. એથી કુદરતી રીતે સાક્ષીનો અર્થ પકડી શકે તે પહેલાં દુભાષિયાને તેની સાથે દલીલોમાં ઊતરવું પડે છે. આ ક્રિયા ચાલતી હોય તે દરમિયાન ન્યાયાધીશની ધીરજ ખૂટી જાય છે અને તેને લાગે છે કે સાક્ષી જૂઠું ચલાવે છે, દુભાષિયાને પૂછવામાં આવે છે ત્યારે માણસના સ્વભાવ પ્રમાણે પોતાનું ભાષાનું અધૂરું જ્ઞાન છાવરવાને તે બિચારો ન્યાયાધીશને સાક્ષી સીધા જવાબ આપતો નથી ! એવું કહીને છૂટી જાય છે. બિચારા સાક્ષીને પોતાની સાચી વાત કહેવાની કે જણાવવાની તક સરખી રહેતી નથી. ગુજરાતી બોલનારાઓની બાબતમાં વાત એથીયે ગંભીર હોય છે. અદાલતોમાં એકે ગુજરાતી દુભાષિયો નથી. સાક્ષી બોલે છે તેની કેવળ મતલબ દુભાષિયો મહા મુશ્કેલીથી માંડ જેમ તેમ પકડી શકે છે. ગુજરાતી બોલનારા સાક્ષીઓને પોતાની વાત સમજાવવાને અને દુભાષિયાને ગુજરાતી હિંદુસ્તાની સમજવાને ફાંફાં મારતા મેં જાતે જોયા છે. ખરેખર, અજાણ્યા શબ્દોના ખીચડામાંથી કંઈક મતલબ તારવી લેનારા દુભાષિયાની બુદ્ધિની તીવ્રતા ઘણી હોવી જોઈએ. પણ આ મથામણ ચાલ્યા કરતી હોય તે દરમિયાન સાક્ષી જે કંઈ કહે તેમાંનો એક અક્ષર પણ ન માનવાનો નિર્ણય ન્યાયાધીશ કરી લે છે અને તે પાકો જૂઠો છે એવી મનમાં ગાંઠ વાળે છે.

“તેમની સાથે અત્યારે રાખવામાં આવતું વર્તન ઉત્તમ પ્રકારની બ્રિટિશ પરંપરા અનુસાર, અથવા ન્યાય અને નીતિના સિદ્ધાન્તો અનુસાર અથવા ખ્રિસ્તી ધર્મના સિદ્ધાન્તો અનુસાર છે કે?” એ ત્રીજા સવાલનો જવાબ આપવાને સારુ તે વર્તન કેવું છે તે તપાસી જવાની જરૂર છે. સંસ્થાનમાં હિંદી તરફ ઊંડી ઘૃણા રાખવામાં આવે છે એ વાત સહેજે સ્વીકારવામાં આવશે એમ હું માનું છું, રસ્તે ચાલતો માણસ તેનો તિરસ્કાર કરે છે, તેને ગાળો દે છે, તેના પર થૂંકે છે અને વારંવાર તેને રસ્તાની બાજુ પર આવેલી પગે ચાલવાની પગથી પરથી ધક્કો મારીને હડસેલી દે છે. તેને ગાળ આપવાને સારુ છાપાંઓને ઉત્તમ અંગ્રેજી શબ્દકોશમાંથી પણ પૂરતો સખત શબ્દ જડતો નથી. થોડા નમૂના આપું. “સમાજના ખુદ મર્મને કોરી ખાનારો અસલ કીડો”; “પારકી મહેનત પર જીવનારા આ વાંદા'; “લુચ્ચા, ઠગ, ભૂંડા, અર્ધા જંગલી એશિયાઈઓ”; “કાળી, લાંબી ને પાતળી ચીજ જે ચોખ્ખાઈથી કયાંયે આધી રહે છે અને જેનું નામ છે શાપિત હિંદુ"; “તેનામાં દુર્ગુણનો પાર નથી, તે ચોખા ખાઈને જીવે છે. . . . હું તે હિંદુને મારા અંતરથી શાપ આપું છું”; “સાચ વગરની જીભવાળા, અને જાતજાતનાં કપટવાળા, હીન કુલીઓ”; બધાં છાપાંઓ લગભગ એકમત થઈને હિંદીને તેના અસલ નામથી ઓળખાવવાનો ઈન્કાર કરે છે. તે બધાં તેનો કાં તો “રામસામી"; કાં તો “મિ. સામી”; “મિ. કુલી”; અથવા “મિ. બ્લેક મેન” (મિ. કાળા) કહીને ઉલ્લેખ કરે છે. અને આ બધાં અપમાનજનક નામો એટલાં બધાં સામાન્ય થઈ પડયાં છે કે તે (કંઈ નહીં તો તેમાંનું એક “કુલી”) અદાલતોનાં પવિત્ર ધામોમાં પણ વપરાય છે અને હરકોઈ તેમ જ બધા હિંદીઓને માટેનું કાયદેસરનું ઘટનું નામ હોય તેમ “કુલી” નામથી તો વકીલો ને ન્યાયાધીશો પણ તેમનો ઉલ્લેખ કરે છે. જાહેર કાર્યકરો પણ એ શબ્દોનો છૂટથી ઉપયોગ કરે છે. જેમની પાસેથી વધારે સમજની અપેક્ષા સહેજે રાખી શકાય તેવા લોકોના મોઢામાંથી પણ “કુલી ક્લાર્ક” (કારકુન) એવું દુ:ખદ વેણ નીકળતું વારંવાર મારા સાંભળવામાં આવ્યું છે. એ નામ એકબીજાથી વિરોધી અર્થવાળા શબ્દોનું બનેલું હોઈ જેમને માટે તે વાપરવામાં આવે છે તેમને માટે અત્યંત અપમાન કરનારું છે. પણ આ સંસ્થાનમાં હિંદી તો એક લાગણી વગરનું પ્રાણી છે ને! ટ્રામગાડીઓ હિંદીઓને સારુ નથી… રેલવેના અમલદારો હિંદીઓને ઢોર ગણીને તેમની સાથે કામ લે છે. હિંદી ઉતારુ ગમે તેટલો સ્વચ્છ ને સુઘડ હોય તોપણ તેના દેખાવ માત્રથી સંસ્થાનમાં તો હરેક ગોરો એવો સુગાઈ જાય છે કે થોડા વખતને સારુ પણ તેની સાથે એક ખાનામાં બેસવામાં વાંધો લે છે. હોટેલોનાં બારણાં તેમને માટે બંધ હોય છે. મોભાદાર હિંદીઓને હોટલમાં રાતવાસો રાખવાને ઇન્કાર થયાના દાખલા મારી જાણમાં છે. હિંદી ગમે તે દરજ્જાના હોય પણ જાહેર સ્નાનઘરોમાં તેમને પેસવા દેવામાં આવતા નથી.

સંસ્થાનમાં આવેલી જુદી જુદી મિલકતો પર રહેતા મુદતી કરારથી બંધાઈને આવેલા હિંદી મજૂરોની સાથે રાખવામાં આવતા વર્તનના જે હેવાલો મને મળ્યા છે તેમાંના દસમા ભાગની વાતો માનું તોપણ એ મિલકતો પર રહેનારા માલિકો અને એ મજૂરોના હિતની સંભાળ રાખવાને રોકવામાં આવતા અમલદાર (પ્રોટેકટર) એ બન્નેની માનવતાની સામે ભયંકર તહોમતનામું થાય. પણ આ વિષય એવો છે કે તેને અંગેનો મારો અત્યંત મર્યાદિત અનુભવ મને તેની વધારે ચર્ચા અગર ટીકા કરવાને મના કરે છે.

રોજગાર વગરના રઝળુ લોકોને માટેનો કાયદો નાહકનો જુલમનું નિમિત્ત બને છે અને ઘણી વાર આબરૂદાર હિંદીઓને ઘણી કફોડી દશામાં મૂકી દે છે.

એ લોકોને લોકેશનો (અલગ વાડાઓ)માં ગોંધાઈને રહેવાને ફરજ પાડવી જોઈએ અગર સમજાવવા જોઈએ એવી જે અફવાઓ હવામાં જયાં ત્યાં ફેલાયેલી છે તે આમાં ઉમેરો. સંભવ છે કે એવો માત્ર ઇરાદો રાખવામાં આવતો હોય, તેમ છતાં તેમાંથી યુરોપિયન સંસ્થાનવાસીઓની હિંદીઓ તરફની લાગણી છતી થાય છે. આ બધા ઈરાદા વહેવારમાં અમલમાં મુકાવાની શકયતા હોય તો નાતાલમાં હિંદીઓની કેવી હાલત થાય તેનું ચિત્ર તમારા મનમાં દોરવાને મારી તમને વિનંતી છે.

હવે, હિંદીઓ તરફ રાખવામાં આવતું આવું વર્તન બ્રિટનની ન્યાયની પરંપરા અનુસાર, અથવા નીતિ અનુસાર, અથવા ખ્રિસ્તી ધર્મને અનુસાર છે ખરું કે?

તમારી પરવાનગીથી મૅકોલેનાં વચનોમાંથી એક ઉતારો ટાંકી હિંદીઓ તરફ રાખવામાં આવતા અત્યારના વર્તનને તેનો ટેકો મળ્યો હોત કે કેમ તે સવાલનો જવાબ આપવાનું હું તમારા પર છોડી દઉં છું. હિંદીઓ તરફ રાખવામાં આવતા વર્તનના વિષય પર બોલતાં તેણે પોતાના વિચારો નીચે મુજબ વ્યક્ત કર્યા હતા:

જેને ઈશ્વરે આપણે હવાલે કરી છે તે મહાન પ્રજા આપણા કાબૂને અનુકૂળ થઈ તેનો સરળતાથી સ્વીકાર કરે એવો ભૂંડો આશય પાર પાડવાને ખાતર તેને મૂઢ બનાવવાને તેમ જ તેના ચેતનને હણી નાખવાને તે આખા સમાજને અફીણનો કાવો પિવડાવવાની યોજનાને આપણે હરગિજ મંજૂર નહીં રાખીએ. શાસિતોનાં દુર્વ્યસનોના, તેમના અજ્ઞાનના અને તેમના કંગાળપણાના પાયા પર ઊભી રહેનારી સત્તાની, અને ત્રણ હજાર વરસથી રાજાઓના ને ઠગારા ધર્મગુરુઓના તંત્રના જુલમ હેઠળ કચડાતી આવેલી પ્રજા તરફ પ્રમાણમાં રાજકીય સ્વતંત્રતા તેમ જ બુદ્ધિનો પ્રકાશ સામાન્ય રીતે એક પ્રજાને ભાગે આવે તેનાથી ઘણાં વધારે હાંસલ કરનાર પ્રજાએ શાસકો તરીકે શાસિતો તરફ અદા કરવાની પવિત્રમાં પવિત્ર ફરજોનો સરિયામ ભંગ કર્યા વગર ટકાવી ન શકીએ તે સત્તાની કિંમત કેટલી? आपणे मुक्त छीए; आपणे सुधरेला छीए; पण मानवजातना कोई पण भागने आपणा जेटली ज स्वतंत्रता आपतां आनाकानी करीए तो आपणी स्वतंत्रता अने आपणा सुधारानो झाझो अर्थ रहेतो नथी.

મિલ, બર્ક, બ્રાઈટ અને ફૉસેટ જેવા લેખકોનો હવાલો હું તમને આપું છું તે પરથી તમને વધારે સ્પષ્ટ થશે કે કંઈ નહીં તો એ લોકો સંસ્થાનમાં હિંદીઓ તરફ ચલાવવામાં આવતા વર્તનને ચલાવી લેવા તૈયાર નહીં થાય – માંડ ભૂખમરામાંથી ઊગરી જવાય એટલી રોજી આપવાના કરારથી બાંધીને માણસને અહીં આણવો, તેને ગુલામીનાં બંધનમાં રાખવો, અને પોતે સ્વતંત્ર માણસ છે એવો નામનોયે અણસાર બતાવે અથવા સહેજસાજ ઓછો કંગાળપણાથી જીવી શકે એવી સ્થિતિમાં આવે તેની સાથે જ્યાં પ્રમાણમાં તેને અજાણ્યા થઈને રહેવું પડે અને સંભવ છે કે જ્યાં તે રોજી રળવાને અસમર્થ થાય એવા તેના વતનમાં તેને પાછો મોકલી આપવાની ઇચ્છા રાખવી એ બ્રિટિશ પ્રજાના નિષ્પક્ષપાતીપણાની અથવા ન્યાયીપણાની ભાગ્યે નિશાની ગણાય.

હિંદીઓની સાથે ચલાવવામાં આવતું વર્તન ખ્રિસ્તી ધર્મના ઉપદેશથી વિરુદ્ધનું છે એમ બતાવવાને દલીલમાં ઊતરવાની જરૂર નથી – જે વિભૂતિએ આપણને આપણા દુશમનો માટે પણ પ્રેમ રાખવાનું શીખવ્યું, જેણે તમારો ડગલો માગે તેને તમારો ઝભ્ભો સુધ્ધાં ઉતારી આપવાનો ઉપદેશ આપ્યો, જેણે તમને ડાબે ગાલે તમાચો મારનારને જમણો ગાલ ધરવાનું કહ્યું, અને જેણે યહૂદી ને જેન્ટાઈલ (બિનયહૂદી) વચ્ચેના ભેદ વાળીઝૂડીને સાફ કરી નાખ્યા તે પોતાના જેવા જ માનવના સ્પર્શમાત્રથી અભડાઈ જવાય એવું અભિમાન માણસમાં કેળવે એવી વ્યવસ્થા હરગિજ સહન નહીં કરે.

મને લાગે છે કે તપાસના છેલ્લા મુદ્દાની ચર્ચા પહેલાની કરી તેમાં પૂરતી થઈ ગઈ છે. અને મારા પોતા પૂરતું હું કહું કે સંસ્થાનમાંથી એકેએક હિંદીને હાંકી કાઢવાનો અખતરો કરવામાં આવે તો મને ઝાઝો અફસોસ નહીં થાય. તેમ થતાંમાં એ પગલું જે દિવસે લેવાય તેનો સંસ્થાનવાસીઓ પસ્તાવો કર્યા વગર રહેશે નહીં અને એ ન લીધું હોત તો સારું એમ સમજતા થશે એ વિષે મને તલભાર શંકા નથી. નાના વેપાર અને જીવનવહેવારને માટેના બીજા નાના ધંધાને પછી બીજા કોઈ હાથમાં ધરશે નહીં. જે કામને માટે હિંદીઓની ખાસ લાયકાત છે તે યુરોપિયનો હાથમાં નહીં લે અને અત્યારે હિંદીઓ પાસેથી જે મોટી આવક સંસ્થાનને થાય છે તે તે ગુમાવશે, જે કામ યુરોપિયનો યુરોપમાં સહેલાઈથી કરી શકે છે તે કરવાને દક્ષિણ આફ્રિકાની આબોહવા તેમને અનુકૂળ નથી. છતાં મારે જે કહેવું છે તે પૂરા વિવેક સાથે જણાવું કે હિંદીઓને સંસ્થાનમાં રાખવાનું અનિવાર્ય હોય તો પોતાની આવડત, શક્તિ અને પ્રમાણિકપણાને કારણે મેળવવાને તેઓ લાયક હોય તેવું વર્તન તેમના તરફ રહેવું જોઈએ, એટલે કે ન્યાયની રીતે તેમને જે મળવું જોઈએ તે તેમને આપો, અને ઓછામાં ઓછું એટલું કરો કે પક્ષપાત અગર પૂર્વગ્રહથી મુક્ત ન્યાયની ભાવના તેમને આપવાને તમને પ્રેરે તે આપવાને ચૂકો નહીં.

હવે મારે તમને એટલી જ આજીજી કરવાની રહે છે કે આ બાબતની તમે પૂરી ગંભીરતાથી વિચારણા કરો અને તમને (અહીં મારી મતલબ ખાસ અંગ્રેજોને ઉદ્દેશીને કહેવાની છે) યાદ દેવડાવું કે ઈશ્વરે અંગ્રેજો તેમ જ હિંદીઓને એકત્ર આણ્યા છે ને હિંદીઓનું ભાવી અંગ્રેજોને હવાલે કર્યું છે તો તે બન્નેના એકઠા આવવાનું ફળ ઉદાર સહાનુભૂતિ, મહોબત અને પરસ્પરના મુક્ત સંબંધ તેમ જ હિંદી માનસના બંધારણની સાચી સમજને પરિણામે કેળવાયેલું કાયમનું જોડાણ હશે કે પછી જ્યાં સુધી હિંદીઓને અંકુશમાં રાખવાનાં સાધનો અંગ્રેજો પાસે હશે ને ! કુદરતી રીતે નરમ એવા હિંદીઓ અકળાઈને પારકા લોકોની પોતાને માથે પડેલી ઝૂંસરીનો સીધો સક્રિય વિરોધ કરવા માંડશે ત્યાં સુધી માત્ર એ જોડાણ નભશે એ વાત હરેક અંગ્રેજ હિંદીની બાબતમાં શું કરે છે અને તેની સાથે કેવો વહેવાર ચલાવે છે તેના પર મોટે ભાગે આધાર રાખે છે. વળી તમને આગળ યાદ દેવડાવું કે ઇંગ્લંડમાં રહેતા અંગ્રેજો બન્ને પ્રજાઓનાં હૃદય એક કરવાને ઇચ્છે છે, વર્ણભેદમાં માનતા નથી અને હિંદના ખંડિયેર પર ચડીને પોતે આગળ વધે તેને બદલે તેને પોતાની સાથે આગળ ચડાવવાનું બહેતર લેખે છે એમ તેમણે પોતાનાં લખાણો, ભાષણો અને કાર્યોથી બતાવી આપ્યું છે. આના સમર્થનમાં બ્રાઈટ, ફૉસેટ, બ્રૅડલો, ગ્લૅડસ્ટન, વેડરબર્ન, પિકટ, રિપન, રૅ, નેાર્થબ્રુક, ડફરિન, અને એવા બીજા ઇંગ્લંડના જાહેરમતના પ્રતિનિધિ એવા કેટલાયે ઊંચા દરજજાના અંગ્રેજોનાં લખાણો, ભાષણો અને કામોને જોવાની વિનંતી કરું છું. બ્રિટનના ખુદ વડાપ્રધાને પોતાની ઇચ્છા વિરોધમાં પ્રગટ કરી હોવા છતાં એક અંગ્રેજ મતદારમંડળે બ્રિટિશ પાર્લમેન્ટની આમસભામાં[] પોતાના પ્રતિનિધિ તરીકે એક હિંદીને ચૂંટી મોકલ્યો, લિબરલ તેમ જ કૉન્ઝર્વેટીવ એમ બંને મતવાળાં એટલે કે બ્રિટનનાં લગભગ બધાંયે અખબારોએ તે હિંદી સભ્યને પોતાની સફળતાને સારુ અભિનંદન આપ્યાં અને આ અનન્ય બનાવને પોતાનું અનુમોદન આપ્યું. વળી, લિબરલ તેમ જ કૉન્ઝર્વેટીવ એમ બંને પક્ષોના સભ્યોએ એટલે કે આખી આમસભાએ તેમને ઉમળકાભેર આવકાર્યા એટલી એક જ હકીકત મારી વાતનું સમર્થન કરે છે એમ હું સૂચવું છું. તો પછી તમે તેમને અનુસરશો કે નવો ચીલો પાડશો? “પ્રગતિની શરત” મનાતી એકતાને કે “અવનતિની શરત” મનાતા કુસંપ અથવા જુદાઈને તમે ઉત્તેજન આપશો?

છેવટે જે ભાવથી ઉપરનું લખાયું છે તે જ ભાવથી તેને સ્વીકારવાની તમને વિનંતી કરું છું.

હું છું

 

તમારો આજ્ઞાંકિત સેવક

 

મો. ક. ગાંધી

  [મૂળ અંગ્રેજી]

ડરબનના નાતાલ મકર્યુરી સ્ટીમ પ્રિન્ટિગ વકર્સમાં છપાયેલા ચોપાનિયામાંથી.

  1. ૧. આ ઉલ્લેખ સર ટી. મુથુસ્વામી આય૨ વિષે છે. હિંદુસ્તાને પેદા કર્યા
  2. સેન્ટ્રલ ફિન્સબરી મતદાર મંડળમાંથી ૧૮૯૩ની સાલમાં દાદાભાઈ નવરોજી ચૂંટાયા તેને આ ઉલ્લેખ છે.