ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ભૌતિકવાદનું અધૂરાપણું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← યુરોપિયનોને પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
ભૌતિકવાદનું અધૂરાપણું
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
દાદાભાઈ નવરોજીને પત્ર-૪ →


૪૪. ભૌતિકવાદનું અધૂરાપણું
મો. ક. ગાંધી
ડરબન,
ધિ એસોટેરિક ક્રિશ્વિયન યુનિયન અને
જાન્યુઆરી ૨૧, ૧૮૯૫
ધિ લંડન વેજિટૅરિયન સોસાયટીના એજન્ટ

શ્રી તંત્રી

धि नाताल एडवर्टाइझर

સાહેબ,

ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયને અને ધિ લંડન વેજિટૅરિયન સોસાયટી વિષે તમારી જાહેરખબરો માટેની જગ્યામાં જે સૂચના આપવામાં આવી છે તેના તરફ તમારા વાચકોનું ધ્યાન ખેંચવા દેશો તો હું તમારો આભારી થઈશ.

એ યુનિયન જે વિચારપદ્ધતિની હિમાયત કરે છે તેમાં દુનિયાના બધા મહાન ધર્મોની એકતા ને તેમના સમાન ઊગમનું પ્રતિપાદન છે અને જેમની જાહેરખબર આપવામાં આવેલી

છે તે પુસ્તકો બરાબર દર્શાવી આપે છે તે મુજબ ભૌતિકવાદ તદ્દન અધૂરો સાબિત થાય છે. કેમ કે તે પહેલાં કદી જોવામાં આવ્યો નથી અને જેનાથી માનવજાતનું વધારેમાં વધારે ભલું થયાનું કહેવાય છે એવો સુધારો દુનિયાને લાવી આપ્યાની બડાશ હાંકે છે, પણ તેમ કરતાં પોતાને ફાવતું આવે છે તેથી વીસરી જાય છે કે સંહારનાં ભયાનકમાં ભયાનક શસ્રોની શોધ, રાજ્યપલટો કરવાને બૉમ્બ અને વ્યક્તિઓનાં ખૂનો કરવાના પંથનો ભયંકર વિકાસ ને ફેલાવો, મૂડીદારો ને મજૂરો વચ્ચેના બિહામણા ઝઘડા, અને જે વિજ્ઞાન “ખોટી રીતે વિજ્ઞાન નામથી ઓળખાય છે” તેને નામે નિર્દોષ, મૂંગાં, જીવતાં પ્રાણીઓ પરની ફાવે તેવી શેતાની ક્રૂરતા, એ બધી તેની મોટામાં મોટી સિદ્ધિઓ છે.

અને છતાં થિયૉસૉફિકલ સોસાયટીને મળેલી લગભગ અસાધારણ કહી શકાય તેવી સફળતા, પાદરીઓના વર્ગ તરફથી માણસના બંધારણના મૂળમાં પવિત્ર રહેલાં છે એ સિદ્ધાંતનો આસ્તે આાસ્તે થતો જતો સ્વીકાર, તેથીયે વિશેષ धि परफेक्ट वे(પૂર્ણ માર્ગ)માં જેની નિર્ણાયક સાબિતી પૂરી પાડવામાં આવી છે તે પુનર્જન્મના સિદ્ધાંતનો પ્રોફેસર મૅકસમૂલરે કરેલો અંગીકાર, ઇંગ્લંડમાં તેમ જ બીજા સ્થળોએ વિચારવાન લોકોના માનસમાં તે ઊતરતો જાય છે એવું તેમનું વિધાન, અને धि अननोन लाईफ ऑफ जिसस क्राईस्ट(ઈસુ ખ્રિસ્તનું ન જણાયેલું જીવન) પુસ્તકનું પ્રકાશન, એ બધાં ભૌતિકવાદની સામે પ્રત્યાઘાત શરૂ થઈ ચૂક્યાનાં લક્ષણો દેખાવા માંડયાં છે. એ બધાં પુસ્તકો દક્ષિણ આફ્રિકામાં મેળવી શકાતાં નથી. તેથી તેમને વિષેની મારી જાણકારી મેં તેમનાં અવલોકનો પરથી મેળવી હોઈ તેમના પૂરતી મર્યાદિત છે. એકલા ઈસુના નહીં, જેમને સુધરેલી દુનિયાં હવે સામાન્યપણે જૂઠા પેગંબરો તરીકે પહેલાંના જેટલા અવગણી કાઢતી નથી પણ જેમના ઉપદેશો ઈસુના ઉપદેશોની સાથે એકબીજાના પૂરક મનાવા લાગ્યા છે તે બુદ્ધ, જરથુષ્ટ્ર અને મહંમદના નિર્ભેળ રહસ્યમય ઉપદેશો તરફ સુધ્ધાં આપણને આવા ક્રૂર રીતે સ્વાર્થી બનાવી મૂકનારી ભૌતિકવાદી વૃત્તિઓમાંથી નીકળીને પાછા વળવાનું આપણે શરૂ કર્યાની આ અને એવી બીજી ઘણી હકીકતો અચૂક નિશાનીઓ છે એમ હું સૂચવું છું.

શાકાહાર પરનાં પુસ્તકો ભૂલથી હિંદુસ્તાન રવાના થયાં છે એટલે તેમને અહીં ડરબન આવતાં થોડો વખત જશે તેથી તેમની જાહેરખબર હજી હું આપી શકું એમ નથી માટે દિલગીર છું. શાકાહારની ચોક્કસ અસર કરવાની શક્તિને લગતી એક મહત્ત્વની હકીકત જોકે જણાવી લઉં. પીધેલપણાથી વધારે જોરાવર બૂરાઈનું બીજું સાધન નથી અને હું જણાવવાની રજા ચાહું છું કે જે લોકો દારૂ પીવાની બેકાબૂ તરસના ભોગ બન્યા છે, પણ જેમને તે શાપમાંથી ખરેખર છૂટવું છે તેમણે તે તરસમાંથી તદ્દન મુક્ત થવાને ઓછામાં ઓછું એક મહિના સુધી મુખ્યત્વે બ્રાઉન બ્રેડ (સફેદ આટાની નહીં પણ ઘઉંના થૂલાવાળા લોટની રોટી) અને નારંગી અને લીલી દ્રાક્ષના ખોરાક પર રહેવાનો અખતરો કરવાની જરૂર છે. મેં જાતે એક પછી એક અનેક અખતરાઓ કર્યા છે અને તેમને આધારે હું કહી શકું છું કે કોઈ પણ પ્રકારના મસાલાઓ વગરના અને તાજાં રસાળ ફળોનો જેમાં સારી પેઠે ઉપયોગ હોય એવા શાકાહાર પર દિવસો સુધી ચા, કાફી અથવા કોકો અને પાણી વગર સુધ્ધાં હું કશીયે તકલીફ વગર રહ્યો છું. આ કારણે વિલાયતમાં સેંકડો લોકો શાકાહારી બન્યા છે અને એક વખતના અઠંગ પીધેલા હવે એવી હદે પહોંચ્યા છે કે ગ્રોંગ (પાણી સાથે રમ) અથવા વિસ્કીની વાસની પણ તેમને સૂગ આવે છે फूड फोर मॅन (માણસ માટે ખોરાક) નામના પોતાના પુસ્તકમાં ડૉ. બી. ડબલ્યુ. રિચાર્ડસન પીધેલપણાની બીમારીના ઇલાજ તરીકે શુદ્ધ શાકાહારની ભલામણ કરે છે. જયાં ફળફળાદિ અને જાતજાતનાં શાકો ભરપૂર મળે છે તે નાતાલ જેવા પ્રમાણમાં ગરમ મુલકમાં માંસના બનેલા ખોરાકો કરતાં વિજ્ઞાનનાં, આરોગ્યનાં ને સ્વચ્છતાનાં, આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક કારણોસર શાકાહાર ઘણો ચડિયાતો છે તે વાત બાજુએ રહેવા દઈએ તોયે લોહીમાંસ વગરનો ખોરાક બધી રીતે ફાયદો કરનારો નીવડયા વગર રહે નહીં.

એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયનનાં પુસ્તકોનું વેચાણ પૈસા કમાવાનું સાધન બિલકુલ નથી એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. કેટલાક દાખલાઓમાં તો એ પુસ્તકો એમ ને એમ વહેંચવામાં આવ્યાં છે. બીજા કેટલાક દાખલાઓમાં તેમને ખુશીથી વાંચવા માટે ઉછીનાં આપવામાં આવશે. એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન વિષે અથવા લંડન વેજિટેરિયન સોસાયટી વિષે વધારે માહિતી મેળવવાની ઇચ્છાવાળા તમારા કોઈ પણ વાચક સાથે પત્રવહેવાર કરવામાં અને આ (કંઈ નહીં તો મારે માટે) મહત્ત્વના સવાલો પર શાંતિથી વાતચીત કરવામાં મને ઘણો આનંદ આવશે. એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયનના ઉપદેશની બાબતમાં રેવરન્ડ જૉન પુસફર્ડ, ડી. ડી.એ કહ્યું છે તે અહીં ઉતારી મારો પત્ર પૂરો કરું :

આ ઉપદેશો દિવ્ય તારકોના પટની અંદરથી પહોંચાડવામાં આવ્યા છે તે બાબતમાં શંકા ઉઠાવવાનું આધ્યાત્મિક બુદ્ધિવાળા વાચકને સારુ અશકય છે. તે બધામાં પવિત્ર આકાશ અને ઈશ્વરનું એકત્રિત અને સધન ડહાપણ ભરેલું છે. ખ્રિસ્તીઓને પોતાનો ધર્મ સમજાયો હશે તો આ અમૂલ્ય અધિકૃત નોંધોમાં તેમને પ્રભુ ઈસુ અને તેમના જીવનની પ્રક્રિયાનો પૂરેપૂરો નમૂનો અને તેની સાબિતી મળી રહેશે. આવા સંદેશાઓ મળી શકે છે અને દુનિયાને પહોંચાડી શકાય છે એ બીના આપણા જમાનાનું એક એંધાણ છે, ખૂબ ઉજજવળ ભાવિની આશા આપનારું પાકું એધાણ છે.
હું છું, વગેરે

 

મો. ક. ગાંધી

  [મૂળ અંગ્રેજી]

धि नाताल एडवर्टाइझर, ૧–૨–૧૮૯૫