ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદ ભણી વતનને રસ્તે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ઍડવોકેટ તરીકે નેાંધાવા માટે અરજી ગાંધીજીનો અક્ષરદેહ - ૧
હિંદ ભણી વતનને રસ્તે
મોહનદાસ કરમચંદ ગાંધી
પટવારીને પત્ર →


૧૪. હિંદ ભણી વતનને રસ્તે

ઇંગ્લંડના ત્રણ વરસના વસવાટ બાદ ૧૮૯૧ની સાલના જૂન માસની ૧૨મી તારીખે હું ત્યાંથી મુંબઈ જવાને નીકળ્યો. દિવસ ઘણો રળિયામણો હતો; સૂર્ય પુરબહારમાં પ્રકાશતો હતો; ઠંડા વાયરાથી બચવાને ઓવરકોટ પહેરવાની જરૂર નહોતી. બરાબર ૧૧–૪પને ટકોરે મુસાફરોને લઈને એક એકસ્પ્રેસ રેલગાડી લિવરપૂલ સ્ટ્રીટ સ્ટેશનથી બંદરને ધક્કે જવાને નીકળી.

પી. ઍન્ડ ઓ. કંપનીની ओशियाना સ્ટીમરમાં પગ મૂકયો ત્યાં સુધી હું હિંદુસ્તાન પાછો જાઉં છું એ વાત હું મારા મનને મનાવી શકતો નહોતો. લંડન અને તેની આજુબાજુના વાતાવરણની સાથે મારે એવી ગાંઠ બંધાઈ ગઈ હતી ! અને કોને ન બંધાય? પોતાની કેળવણીની સંસ્થાઓ, પોતાના સાર્વજનિક ચિત્રસંગ્રહો, સંગ્રહસ્થાનો, નાટકઘરો, પોતાનો બહોળો વેપાર, પોતાના સાર્વજનિક બાગબગીચાઓ અને શાકાહારી રેસ્ટોરાંઓ એ બધાંને કારણે વિદ્યાર્થી, પ્રવાસી, વેપારી અને વિરોધીઓ જેને 'ધૂની' કહીને ઓળખાવે એવા શાકાહારીને સારુ લંડન બહુ મજાની અને લાયક જગ્યા છે. તેથી વહાલા લંડનને છોડતાં મને ઊંંડી ગમગીની થયા વગર ન રહી. સાથે હિંદમાં મારા મિત્રો અને મારાં સગાંવહાલાંને આટલે લાંબે ગાળે મળવાનું થશે એ વિચારથી હું ખુશીમાં પણ હતો.

ओशियाना ઑસ્ટ્રેલિયન સ્ટીમર છે અને કંપનીની મોટામાં મોટીમાંની એક છે. તેનું વજન ૬,૧૮૮ ટન છે અને તેનું અશ્વબળ ૧,૨૦૦નું છે. આ વિશાળ તરતા બેટ પર અમે પગ મૂકયો ત્યાં અમને મજાની સ્કૂર્તિ આપનારી ચા આપવામાં આવી અને અમે બધાએ (મુસાફરોએ તેમ જ વળાવવા આવેલા મિત્રોએ) તે પીધી. અહીં મારે જણાવવાને ચૂકવું ન જોઈએ કે આ ચા અમને કંઈ પણ દામ લીધા વિના આપવામાં આવેલી. અમે બધા જે મોજથી ચા લેતા હતા તે જોઈને કોઈ અજાણ્યાએ અમને બધાયને મુસાફરો માની લીધા હોત (અને તે બધા મળીને સંખ્યા પણ સારી હતી); પણ મુસાફરોનાં મિત્રોને વહાણ હવે લંગર ઉઠાવે છે એવી ખબર આપવાને ઘંટ વાગવો શરૂ થયો તેની સાથે તે સંખ્યા ઠીક ઠીક ઘટી ગઈ. વહાણ બંદર છોડીને નીકળ્યું ત્યારે સારા પ્રમાણમાં આનંદના પોકારો સંભળાયા અને વિદાયની નિશાનીમાં રૂમાલ ફરકતા જોવામાં આવ્યા. મુંબઈ જનારા ઉતારુઓને એડનથી જે સ્ટીમર आसामમાં આ ओशियानाમાંથી ઊતરીને બેસવાનું હતું તેની અને આની વચ્ચે અહીં સરખામણી કરી લેવી સારી. ओशियाना પર અંગ્રેજ નોકરો હતા જે હંમેશ સુઘડ, સ્વચ્છ અને તમારું કામ કરવાને તૈયાર રહેતા. એથી ઊલટું आसाम પર પોર્ટુગીઝ નોકરો હતા, જે રાણીના અંગ્રેજી [શુદ્ધ અંગ્રેજી]નું ડગલે ને પગલે ખૂન કરતા, અને હંમેશ મેલાઘેલા અને વધારામાં ધૂંધવાયેલા ને કામ કરવામાં ધીમા હતા.

વળી, બન્ને સ્ટીમરો પર આપવામાં આવતા ખોરાકમાં પણ ઘણો તફાવત હતો. आसामમાં મુસાફરો જે ઢબે ફરિયાદમાં ગણગણતા સંભળાતા તે પરથી આ તફાવત જણાઈ આવતો. એટલેથી વાત પૂરી થતી નહોતી. ओशियाना પરની રહેવાખાવાની સગવડ आसाम પરની સગવડને મુકાબલે કયાંયે ચડિયાતી હતી; પણ આમાં કંપનીથી બીજું કંઈ થઈ શકે એમ નહોતું: ओशियाना વધારે સારી હતી તેથી आसामને કંઈ કંપની રદ ગણી કાઢી નાખે એવું થોડું જ બને?

વહાણ પર શાકાહારીઓ પોતાનું કેવી રીતે સંભાળતા? આ પૂછવા લાયક સવાલ ગણાય. ત્યારે, પહેલું તો એ જણાવવાનું કે વહાણ પર મારી સાથે અમે બે જ શાકાહારવાળા હતા. બીજું કશું વધારે સારું ન મળે તો બાફેલા બટાટા, બાફેલી કોબી અને માખણથી ચલાવી લેવાની અમારી તૈયારી હતી. પણ એટલી હદે જવાની અમને જરૂર ન પડી. અનુકૂળ અને અમારું કામ કરવાને રાજી એવા સ્ટુઅર્ડ એટલે કે વ્યવસ્થાપકે તરકારીની મસાલેદાર કરી, ભાત અને ઉકાળીને બાફેલાં તેમ જ તાજાં ફળ અને છેલ્લી ગણાવું છું છતાં મહત્વમાં જરાયે ઓછી નહીં એવી થુલાં સાથે બનાવેલી રોટી પહેલા નંબરના સલૂનમાંથી અમને લાવી આપવાનું રાખ્યું હતું એટલે અમારે જે જોઈએ તે બધું મળી રહેતું. અલબત્ત, આ સ્ટીમર કંપનીવાળાઓ ઉતારુઓને પૂરતો અને સારો ખોરાક આપવામાં, ખવડાવવાપિવડાવવામાં ખૂબ છૂટે હાથે કામ લે છે. ઊલટું, એ લોકો વધારે પડતું કરે છે, કંઈ નહીં તો મને એવું લાગે છે.

બીજા નંબરના સલૂનમાં પીરસવામાં આવતી વાનીઓનું અને મુસાફરોને કેટલી વખત ભોજન આપવામાં આવતું તેનું વર્ણન કરવું અસ્થાને નથી.

શરૂઆત કરવાને ખાતર સૌથી પહેલું સવારમાં એક સામાન્ય મુસાફર એક કે બે પ્યાલા ચાના અને થોડાં બિસ્કિટ લેતો. ૮-૩૦ કલાકનો સવારના નાસ્તાની ખબરનો ઘંટ ઉતારુઓને નીચે ભોજન ખંડમાં ખેંચી લાવતો. નિયમિતપણામાં એ લોકો એક મિનિટ પણ ચૂકતા નહોતા; કંઈ નહીં તો ભોજન માટે આવવામાં તો નહીં જ. નાસ્તાની વાનીઓમાં સામાન્યપણે જવના લોટની ઘેંશ, થોડી મચ્છી, જુદાં જુદાં માંસ છીણી બનાવેલી ચૉપ નામની વાનગી, તરકારીની મસાલેદાર કરી, જૅમ એટલે મુરબ્બો, ડબલ રોટી અને માખણ અને ચા કે કાફી વગેરે બધું જોઈએ તેટલું ભરપટ્ટે હોય.

ઉતારુઓને મેં ઘણી વાર જવની ઘેંશ, મચ્છી અને કરી, ડબલ રોટી અને માખણ અને એ બધું ગળે ઉતારવાને ચાના બે કે ત્રણ પ્યાલા પી જતા જોયા છે.

સવારનો નાસ્તો માંડ પચ્યો ન પચ્યો હોય ત્યાં ટન ટન સંભળાય. એ બપોરના દોઢ વાગ્યાના ભોજનનો ઘંટ. આ ભોજન પણ નાસ્તા જેવું જ પૂરું: જોઈએ તેટલાં માંસ ને તરકારી, ભાત અને તરકારીની મસાલેદાર કરી, શીરા જેવી પેસ્ટ્રી અને બીજું કેટલુંયે હોય. અઠવાડિયામાં બે દિવસ બીજા નંબરના સલૂનના ઉતારુઓને સામાન્ય ભોજન ઉપરાંત તાજાં તેમ જ કાછલિયાળાં ફળ પીરસાતાં પણ આટલુંયે પૂરતું નહોતું! બપોરના ભોજનની વાનગીઓ પચાવવાની એટલી સહેલી કે બપોરના ચાર વાગ્યે અમારે 'સ્કૂર્તિદાયક' ચાનો પ્યાલો ને બિસ્કિટ જોઈએ જ. એ ખરું પણ 'એ નાનકડા' ચાના પ્યાલાની બધી અસર સાંજના વાયરા એવી દૂર કરી દેતા કે સાડા છ વાગ્યે અમને 'ભારી ચા' આપવામાં આવતી. તેમાં ડબલ રોટી ને માખણ, જૅમ અથવા મારમેલેડ અથવા એ બન્ને મુરબ્બા, દૂધ કે એવી કોઈક ચીજમાં ભેળેલી લીલી તરકારીની કચુંબર, ચૉપ, ચા, કોફી અને એવું બીજું હોય. દરિયાની હવા તંદુરસ્તીને એટલી બધી માફક આવતી લાગતી કે ઉતારુઓ થોડાં, બહુ થોડાં, માત્ર આઠ કે દસ ને બહુ તો પંદર બિસ્કિટ, થોડું પનીર, અને થોડો વાઈન અથવા બીર લીધા વગર પથારીમાં સૂવાને જઈ શકતા જ નહીં. ઉપરની બધી વાત જાણ્યા પછી નીચેનું વર્ણન ખરેખર સાચું છે એમ નથી લાગતું?

તારું પેટ તારો ઈશ્વર છે, તારી હોજરી તારું મંદિર છે, તારી દુંદ તારી વેદી

છે અને તારો રસોઇયો તારો પૂજારી છે. . . . રસોઈનાં વાસણોમાં તારો પ્રેમ ભડકાની જેમ જાગી ઊઠે છે. રસોડામાં તારી શ્રદ્ધા ઝળહળી ઊઠે છે, અને માંસની વાનગીઓમાં તારી બધી આશા છુપાયેલી પડી છે . . . . વારંવાર ભોજન આપનાર, સારી સારી જાફતો અાપનાર, અને દારૂની પ્યાલી લઈ તંદુરસ્તી ઇચ્છવાને ભાષણો કરવામાં પાવરધા ગૃહસ્થના કરતાં તને કોઈનેયે માટે આદર છે ખરો કે?

બીજા નંબરનું સલૂન બધી જાતના ઉતારુઓથી ખાસું ભરેલું હતું. તેમાં લશ્કરના સિપાઈ, પાદરીઓ, હજામ, ખારવા, વિદ્યાર્થી, અમલદારો અને સંભવ છે કે સાહસ ખેડનારા હતા. ત્રણ કે ચાર સ્ત્રીઓ હતી. અમારો વખત અમે મોટે ભાગે ખાવાપીવામાં ગાળતા. બાકીનો વખત કાં તો ઊંધી કાઢવામાં, અથવા ગપ્પાં મારવામાં અને કોઈક વાર ચર્ચાઓમાં અને રમત- ગમત વગેરેમાં નીકળી જતો. બે કે ત્રણ દિવસ પછી જોકે ચર્ચાઓ, અને ગંજીફાની રમતો અને લોકોની વાતો એ બધું કરવા છતાં વખત કેમે કર્યો જાય નહીં.

અમારામાંથી થોડાકને ઉત્સાહ થઈ આવતાં તેમણે જલસા ગોઠવ્યા, દોરડું ખેંચવાની હરીફાઈ ઊભી કરી, અને ઇનામો કાઢી દોડવાની શરતો કાઢી. એક સાંજ આખી જલસા અને ભાષણોમાં ગઈ.

મને લાગ્યું કે હવે મારે માથું મારવાનો વખત આવ્યો છે. આ બધી વાતોની વ્યવસ્થા સંભાળનાર કમિટીના મંત્રીને મેં વિનંતી કરી કે શાકાહારના સિદ્ધાંત પર ટૂંકું ભાષણ કરવાને મને પા કલાક કાઢી આપો. મંત્રીએ ડોકું હલાવી મારી વિનંતીને મંજૂર રાખવાની મહેરબાની બતાવી.

એટલે પછી હું ભારે મોટી તૈયારી કરવામાં પડયો. મારે જે ભાષણ આપવાનું હતું તે પહેલું મેં મનમાં વિચારી કાઢયું, પછી લખી કાઢયું. અને ફરી એક વાર સુધારીને લખી કાઢયું. હું બરાબર જાણતો હતો કે મારે વિરોધી વલણવાળા શ્રોતાવર્ગની સાથે કામ લેવાનું છે; અને મારા ભાષણથી તે લોકો ઊંઘી ન જાય તેની મારે સંભાળ રાખવાની હતી. મંત્રીએ મને કહ્યું કે જરા હ્યુમરસ [વિનોદી] થજો. મેં તેને કહ્યું કે મારાથી હ્યુમરસ તો નહીં થવાય, કદાચ નરવસ થવાશે [સભાક્ષોભથી હું કદાચ ગભરાઈ જાઉં ખરો].

હવે, ધારો જોઉં એ ભાષણનું શું થયું હશે? બીજો જલસો થયો જ નહીં. અને તેથી ભાષણ પણ રહી ગયું જેથી મને બહુ હીણું લાગ્યું. આનું કારણ મને લાગે છે એવું થયું કે આગલી સાંજે કોઈનેયે મજા પડી નહોતી કેમ કે બીજા નંબરના સલૂનમાં પટ્ટી[૧]જેવા કોઈ ગાનારા કે ગલેડ્સ્ટન[૨] જેવા કોઈ ભાષણ કરનારા નહોતા.

આમ છતાં બે કે ત્રણ ઉતારુઓ સાથે શાકાહારના સિદ્ધાંતની ચર્ચા કરવામાં હું ફાવ્યો. તેમણે મારી દલીલ ધીરજથી સાંભળી. પછી આ મતલબનો જવાબ આપ્યો : "તમારી દલીલ સાચી હશે. પણ જયાં સુધી અમને અમારા આજના ખોરાકથી સમાધાન છે (કોઈક વાર અમને મંદાગ્નિ થઈ આવે છે એ વાત બાજુએ રાખો) ત્યાં સુધી શાકાહારનો અખતરો અમે કેમ કરી કરીએ !"

તેમાંના એક જણે જોયું કે મારા શાકાહારી મિત્રને અને મને રોજ મજાનાં ફળ મળે છે એટલે તેણે વી. ઈ. એમ. નોપા. [૩]અખતરો કરી જોયો પણ છીણેલા માંસના ચૉપનું આકર્ષણ તેને એટલું બધું હતું કે તે તેનાથી છોડાયું નહીં.

બિચારો ભલો આદમી !

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૯-૪-૧૮૯૨

વળી, પહેલા નંબરના સલૂનના ઉતારુઓ બીજા નંબરના સલૂનના ઉતારુઓને પોતે ગોઠવેલા નાટ્યમનોરંજન અને નૃત્યમનોરંજનના જલસાઓમાં વારંવાર બોલાવતા તે એ ઉતારુઓના મળતાવડાપણાનો અને પહેલા નંબરના સલૂનના ઉતારુઓને વિવેકનો દાખલો છે.

પહેલા નંબરના સલૂનમાં કેટલાંક મજાનાં બાનુઓ અને ગૃહસ્થો હતાં. પણ હમેશ આનંદ- પ્રમોદનું વાતાવરણ રહે અને કદી ટંટોતકરાર હોય જ નહીં એવું થોડું જ ચાલે? એટલે કેટલાક ઉતારુઓને પીને છાકટા થવાનું સૂઝયું. (માફ કરજો એડિટર સાહેબ, એ લોકો લગભગ રોજ રાત્રે પીતા પણ આ એક રાતે તેમણે પીધું એટલું જ નહીં, તેઓ છાકટા બની એલફેલ વર્તવા લાગ્યા). એવું લાગે છે કે એ લોકો વ્હિસ્કી પીતા પીતા ચર્ચાને રંગે ચડ્યા હતા તેમાં થોડાએ અસભ્ય ભાષામાં બોલવા માંડયું. એમાંથી પહેલાં શબ્દોની લડાઈ જામી અને પછી વાત વધીને. મુક્કામુક્કીની લડાઈ ચાલી. આ બનાવની સ્ટીમરના કપ્તાનને ખબર આપવામાં આવી. પેલા મુક્કામુક્કીના શોખીન ગૃહસ્થોને તેણે ઠપકો આપ્યો એટલે ત્યાર પછી અમારામાં એવો બખેડો ફરી દેખાયો નહીં.

આમ થોડો વખત ખાવાપીવામાં તો થોડો આનંદપ્રમોદમાં કાઢતા કાઢતા અમે આગળ વધ્યા.

બે દિવસની મુસાફરી પછી સ્ટીમર જિબ્રાલ્ટર પાસેથી પસાર થઈ પણ ત્યાં રોકાઈ નહીં. અમારામાંથી કેટલાકને એવી આશા હતી કે અહીં સ્ટીમર લંગર નાખશે તેથી એકંદરે અને ખાસ કરીને તમાકુ પીનારાઓમાં ઘણી નિરાશા ફેલાઈ કેમ કે જિબ્રાલ્ટરમાં વગર વેરાએ મળતો તમાકુ લેવાની તેમની ખૂબ મરજી હતી. તે પછી અમે જે જગ્યાએ પહોંચ્યા તે માલ્ટા, એ કોલસો ભરી લેવાનું મથક હોવાથી ત્યાં સ્ટીમર લગભગ નવ કલાક રોકાય છે. લગભગ બધા ઉતારુ કાંઠે ઊતરી પડયા.

માલ્ટા રળિયામણો બેટ છે અને ત્યાં લંડનનો ધુમાડો નથી, ત્યાંનાં મકાનોની રચના જુદી જાતની છે. અમે ગવર્નરનો મહેલ જોઈ વળ્યા. ત્યાંનું શસ્ત્રાગાર જોવા લાયક સ્થળ છે. અહીં નેપોલિયનની ધોડાગાડી પણ બતાવવામાં આવે છે. ત્યાં કેટલાંક સુંદર ચિત્રો પણ જોવાનાં મળે છે. બજાર ત્યાંનું ખોટું નથી. ફળ સસ્તાં છે. અને ત્યાંનું દેવળ આલીશાન છે.

અમે ધોડાગાડીમાં નારંગીના બગીચાઓ સુધી છએક માઈલનો મજાનો ફેરો મારી આવ્યા. એ બગીચાઓમાં તમને હજારો નારંગીનાં ઝાડ અને સોનેરી માછલીવાળાં નાનાં તળાવડાં જોવાનાં મળે છે. આ ફેરો બહુ સસ્તો છે; માત્ર એક શિલિંગ ને છ પેન્સ.

ભિખારીઓને લીધે માલ્ટા કેવી ભૂંડી જગ્યા બની ગઈ છે! રસ્તા પર નીકળો કે મેલાધેલા દેખાતા ભિખારીઓનું ટોળું તમને રંજાડવાને આવ્યું જ જાણો અને તમે નિરાંતે આગળ જઈ શકો જ નહીં. તેમાંના કેટલાક તમને કહેશે કે અમે તમારા ભોમિયા થઈએ તો બીજા વળી કહેશે કે અમે તમને સિગાર મળે એવી અને માલ્ટાની જાણીતી મીઠાઈ નૌગૅટ મળે એવી દુકાનોએ લઈ જઈએ.

માલ્ટાથી નીકળેલા અમે બ્રિન્ડિસી પહોંચ્યા. તે બંદર સારું છે પણ તેથી વિશેષ ત્યાં કંઈ નથી. ત્યાં મનોરંજનમાં એક દહાડો પણ તમે ન કાઢી શકો. અમારી પાસે ખાસા નવ કે તેથીયે વધારે કલાક ફાજલ હતા પણ એક કલાકનો સુધ્ધાં ઉપયોગ ન થઈ શકયો.

બ્રિન્ડિસી મૂકયા બાદ અમે પોર્ટ સૈયદ પહોંચ્યા. ત્યાં અમે યુરોપ અને ભૂમધ્ય સમુદ્રની છેવટની વિદાય લીધી. અલબત્ત, સમાજના ઉતાર જેવા માણસોને જોવાનો તમને શોખ હોય તો વાત જુદી છે બાકી પોર્ટ સૈયદમાં જોવા જેવું કંઈ નથી. ત્યાં ઠગ ને બદમાસોનો[૪] પાર નથી.

પોર્ટ સૈયદથી આગળ સ્ટીમર બહુ આસ્તે આસ્તે આગળ વધે છે કેમ કે ત્યાંથી આપણે મેાં. દ લેસેપ્સની સુએઝની નહેરમાં દાખલ થઈએ છીએ. નહેર સત્યાસી માઈલ લાંબી છે. પણ એટલું અંતર વટાવતાં આગબોટને ચોવીસ કલાક થયા. અહીં આપણે બંને બાજુ કિનારાની જમીનની ખૂબ નજીક હોઈએ છીએ. પાણીની નાળ એટલી સાંકડી છે કે કેટલીક ચોક્કસ જગ્યા બાદ કરતાં બે સ્ટીમરો પણ જોડાજોડ ચાલી શકતી નથી. રાતે દેખાવ બહુ રળિયામણો હોય છે. બધાં વહાણને મોખરે વીજળીની બત્તી કરવાનું ફરમાન હોય છે અને તે બહુ જોરાવર હોય છે. બે વહાણો એકબીજાની પાસેથી પસાર થાય ત્યારે દેખાવ બહુ મજાનો થાય છે. સામેના વહાણમાંથી દેખાતી વીજળીની બત્તી અાંખને અાંજી નાખે છે.

અમે गेन्जिस પાસે થઈ પસાર થયા. અમે તેને આવકારવાને ત્રણ હર્ષના પોકાર કર્યા અને गेन्जिस પરના ઉતારુઓએ પૂરા ઉત્સાહથી તેનો સામો જવાબ વાળ્યો. સુએઝ કસબો નહેરને બીજે છેડે છે, ત્યાં સ્ટીમર માંડ અર્ધો કલાક રોકાય છે.

હવે અમે રાતા સમુદ્રમાં પેઠા, એ ત્રણ દહાડાની સફર હતી પણ ભારે તાવણી કરનારી હતી. સહન ન થાય તેવી ગરમી પડતી હતી, સ્ટીમરની અંદરના ભાગમાં રહેવાનો તો સવાલ જ નહોતો પણ તૂતક પર સુંધ્ધાં ગરમી અતિશય હતી. અહીં પહેલી વાર અમને ખ્યાલ આવ્યો કે અમે હિંદ જઈએ છીએ ત્યાં પણ અમારે ગરમ આબોહવામાં રહેવાનું છે.


  1. ૧. તે જમાનાને મશહૂર ઈટાલિયન ગાયક.
  2. ૨. ઈગ્લંડનો નામાંકિત વડો પ્રધાન જે અસાધારણ કેાટીણો વક્તા હતો.
  3. ૧૮ પરની ફૂટનેટ જોવી.
  4. ૧. આ ઉલ્લેખ દેખીતી રીતે ત્યાંના રહેવાસીએાના એક ભાગ પૂરતો છે.
એડન પહોંચ્યા ત્યારે કંઈક પવન નીકળ્યો. અહીં અમારે (મુંબઈના ઉતારુઓએ) ओशियानाમાંથી ઊતરી आसामમાં ચડવાનું હતું. જાણે લંડન છોડી કોઈ કંગાલ ગામડામાં જઈ પડયા !

आसाम ओशियाना કરતાં અર્ધુયે નથી.

આફત એકલદોકલ આવતી નથી; ઝાઝી એકઠી મળીને આવે છે. आसाम પર ચડયા તેની સાથે દરિયો તોફાને ચડયો કેમ કે વરસાદની મોસમ હતી. હિંદી મહાસાગર સામાન્યપણે શાંત રહે છે તેથી કેમ જાણે તેનું સાટું વાળવાને ચોમાસામાં તોફાને ચડે છે. મુંબઈ પહોંચતાં પહેલાં અમારે બીજા પાંચ દહાડા પાણી પર કાઢવાના હતા. બીજી રાત ખરેખરું તોફાન લઈને આવી. કેટલાયે માંદા પડી ગયા. હું તૂતક પર નીકળું, એટલે પાણીની છોળથી તરબોળ થઈ જાઉં. એ પેલો કંઈક કડાકો થયો ! કંઈક તૂટી પડયું લાગે છે! કેબિનમાં તમને નિરાંતે ઊંઘવાનું ન મળે. બારણાં અફળાતાં હોય. તમારા સામાનની પેટીઓ નાચતી હોય. તમે પથારીમાં ડાલમ- ડોલમ થયા કરો. કેટલીક વાર તમને લાગે કે વહાણ ડૂબે છે જમવાના ટેબલ પર પણ એવું જ. ત્યાંયે ચેન નહીં. સ્ટીમર ડોલમડોલ કરતી તમારી બાજુ ઢળે. તમારા કાંટા ચમચા ટેબલ પરથી ઊછળી તમારા ખોળામાં આવી પડે, મસાલાની શીશીઓ અને દાળની પ્લેટ સુધ્ધાં; તમારો નેપકિન પીળો રંગાઈ જાય અને એવું તો બીજું કેટલુંયે બને.

એક દિવસ સવારે મેં વહાણના સ્ટુઅર્ડ એટલે કે વ્યવસ્થાપકને પૂછયું કે આને તમે ખરું તોફાન કહો ખરા કે? તેણે કહ્યું, "ના સાહેબ, આ તો કંઈ જ નથી." પછી પોતાના હાથ વીંઝી તેણે મને ખરા તોફાનમાં વહાણ કેવું ડાલમડોલમ થાય તે બતાવ્યું.

આમ ઊંચેનીચે અફળાતા, પડતા, આખડતા અમે જુલાઈ માસની પંદરમી તારીખે મુંબઈ પહોંચ્યા. વરસાદ ધોધમાર પડતો હતો તેથી કિનારે ઊતરવાનું મુશ્કેલ હતું. છતાં અમે હેમખેમ કિનારે પહોંચ્યા અને आसामની વિદાય લીધી.

ओशियाना અને आसाम પર માણસોરૂપી કેવો તરેહવાર માલ ભર્યો હતો ! કેટલાક મોટી મોટી આશા બાંધી ઓસ્ટ્રેલિયા મોટી દોલત કમાવા જતા હતા, બીજા વળી ઇંગ્લંડમાં પોતાનું ભણતર પૂરું કરી સારી આબરૂદાર રોજી કમાવાને હિંદુસ્તાન પાછા ફરતા હતા, કેટલાક ફરજના માર્યા બહાર નીકળી પડયા હતા, તો કેટલાંક વળી કાં તો હિંદુસ્તાનમાં કે કાં તો ઓસ્ટ્રેલિયામાં પોતાના પતિઓને મળવા જતાં હતાં અને કેટલાક સાહસિકો વતનમાં નાસીપાસ થવાથી ઈશ્વર જાણે કયાં પણ બીજે કયાંક પોતાનાં પરાક્રમ અજમાવવાને નીકળી પડયા હતા !

એ બધાની આશા ફળી હશે કે? એ જ ખરો સવાલ છે. માણસનું મન કેવું આશાળુ હોય છે અને કેવું વારંવાર નિરાશા અનુભવે છે! આપણે આશામાં ને આશામાં જ જીવતા નથી કે?

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૬–૪–૧૮૯૨