ગાંધીજીનો અક્ષર દેહ - ૧/પટવારીને પત્ર

વિકિસ્રોતમાંથી
← હિંદ ભણી વતનને રસ્તે ગાંધીજીનો અક્ષરદેહ
પટવારીને પત્ર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ઓળખનો સવાલ →


૧૫. પટવારીને[૧] પત્ર
મુંબઈ,


સપ્ટેમ્બર ૫, ૧૮૯૨

મારા વહાલા પટવારી,

તમારા પત્રને માટે અને મને આપેલી સલાહને માટે તમારો આભારી છું.

મારા છેલ્લા પોસ્ટ કાર્ડમાં મેં કહ્યું હતું તેમ વકીલાતનો ધંધો કરવાને પરદેશ જવાનું મારે મુલતવી રાખવું પડયું છે. મારા ભાઈ તે વાતની બહુ વિરુદ્ધ છે. તેમને એવું લાગે છે કે કાઠિયાવાડમાં[૨] અને તે પણ સીધી રીતે ખટપટમાં પડયા વગર ગુજારા માટે આબરૂદાર કમાણી કરવાની બાબતમાં મારે નિરાશ થવા જેવું નથી. એ જે હોય તે પણ તેઓ આટલા બધા આશાવાન છે અને મારા તરફથી તેમની લાગણીને માટે આદરના હરેક રીતે હકદાર છે એટલે હું તેમની સલાહે ચાલીશ. અહીં પણ મને થોડાં કામનાં વચન મળ્યાં છે. એટલે કંઈ નહીં તો હું અહીં બેએક મહિના સારુ રોકાવા ધારું છું.

સાહિત્યને લગતા કામની જગ્યા લેવાથી મારા કાયદાના અભ્યાસમાં ખાસ વાંધો આવે એવું લાગતું નથી. બીજી બાજુથી એવા કામથી વકીલાતમાં આડકતરી રીતે કામમાં આવ્યા વગર રહે નહીં, એવો મારા જ્ઞાનમાં વધારો થશે. વળી, એથી હું વધારે એકાગ્ર ચિત્તથી ચિંતાથી મુક્ત થઈને કામ કરી શકું. પણ એવી જગ્યા છે કયાં? એકાદ મળી જવી સહેલી નથી.

રાજકોટમાં હતો ત્યારે તમે મને આપેલા વચનને આધારે અલબત્ત મેં થોડા પૈસા મને ધીરવાની માગણી કરી છે. તમારા પિતાને એની ખબર પડવી ન જોઈએ એ વાતમાં હું તમારી સાથે તદ્દન સંમત છું. હમણાં એ વિષે ફિકર ન કરશો. હું બીજે કયાંક કોશિશ કરી જોઉં છું. એક વરસના ધંધાની કમાણીમાંથી તમે ઝાઝું ફાજલ પાડી ન શકો એ હું સહેજે સમજી શકું છું.

મારા ભાઈને સચીનમાં સચીનના નવાબના મંત્રી તરીકે રોકી લેવામાં આવ્યા છે. તેઓ રાજકોટ ગયા હોઈ થોડા દિવસમાં પાછા આવશે.

ન્યાતીલાઓનો વિરોધ જેવો ને તેવો સખત છે. બધી વાતનો આધાર એક જ જણ પર છે અને તે મને ન્યાતમાં પાછો દાખલ ન થવા દેવાને થાય તે બધું કર્યા વગર રહેશે નહીં. મને આમાં મારી એટલી બધી દયા નથી આવતી જેટલી એક જ માણસની સત્તાને ઘેટાંની જેમ સ્વીકારી લેનારા ન્યાતીલાઓની આવે છે. એ લોકોએ જે કેટલાક અર્થ વગરના ઠરાવ કર્યા છે અને બીજું જે વધારે પડતું કરવા માંડયું છે તે પરથી તેમના દિલમાં રહેલો દ્વેષ ચોખ્ખો દેખાઈ આવે છે. તેમની દલીલોમાં અલબત્ત, ધર્મની વાત કયાંયે આવતી નથી. આવા લોકોમાંનો હું એક ગણાઉં તેટલા ખાતર તેમની ખુશામત કરી તેમના ગુણ ગાવા કરતાં તેમની સાથે કશો સંબંધ ન રહે તે લગભગ વધારે સારું નથી શું? છતાં મારે જમાનાની સાથે ચાલવું રહ્યું.

વ્રજલાલભાઈ ગુજરાતમાં કયાંક કારભારી નિમાયા છે તે સાંભળીને હું ઘણો રાજી થયો. તમે એવા સારા અક્ષર કાઢો છો કે અધૂરું અધૂરું પણ તમારું અનુકરણ કરવાનું મને મન થયું છે.

હૃદયથી તમારો,


મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
ગાંધીજીના અક્ષરમાં લખાયેલા અસલ પરથી.

  1. ૧. જેને સંબોધીને આ પત્ર છે તે રાજકોટના રણછોડલાલ પટવારી.
  2. ૨. કાઠિયાવાડ સૌરાષ્ટ્ર નામથી પણ ઓળખાય છે.