ગુજરાતનો જય/અનુપમા ચંદ્રાવતીમાં

વિકિસ્રોતમાંથી
← જાસૂસી ગુજરાતનો જય
અનુપમા ચંદ્રાવતીમાં
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
મહિયરની લાજ →





6
અનુપમા ચંદ્રાવતીમાં

ક દિવસ ઓચિંતી અનુપમાદેવી પોતાને પિયર ચંદ્રાવતીમાં આવી પહોંચી. ધરણિગ શેઠ, તિહુઅણદેવી અને ત્રણેય ભાઈઓ આનંદ પામ્યાં, પણ બહેનના મોં પર તેમણે નિસ્તેજી નિહાળી.

"સારું થયું કે તું પોતે જ આવી, બહેન !" ધરણિગ શેઠે વાત છેડી, “અમારો સંદેશો તો ઠક્કર વસ્તુપાલ-તેજપાલને પહોંચ્યો હતો ના?”

“હા, બાપુજી!” અનુપમાના જવાબમાં સમધારણ લાગણી હતી.

“અમે તો બેટા, ઓસવાળો–પોરવાડોનાં બસો શ્રેષ્ઠી કુટુંબો તારા વરના ને જેઠના નિમંત્રણની જ વાટ જોતા ઉચાળા ભરીને બેઠાં છીએ. તું પોતે અમને ગુર્જર દેશમાં તેડી જવા આવી એનાથી બીજું રૂડું શું? શ્રેષ્ઠીઓનો ઉત્સાહ વધશે.”

"સાચું, બાપુજી !” અનુપમાએ ઓઢણાની કોર કપાળ ઉપર સહેજ વધુ ખેંચતાં ખેંચતાં જવાબ વાળ્યો. તેને પ્રોત્સાહક ચિહ્ન ગણીને ધરણિગ શેઠે બોલવાનો ઉત્સાહ વધુ સતેજ કર્યો.

“હવે તો પાટણમાં જ શા સારુ નાહક અટકવું? ધોળકાની સુકીર્તિ રોજેરોજ આંહીં બેઠે સાર્થવાહકો (વણજારાઓ) પાસેથી સાંભળીએ છીએ. ઠક્કર વસ્તુપાલે અને ઠક્કર તેજપાલે તો હદ કરી, અવધિ કરી. એઈ..ને ધોળકે બેઠા બેઠા વાણિજ્ય જમાવી દેશું અને પાર્થપ્રભુની પૂજા કરશું. ધરમધ્યાન ને વહેવાર બેઉ વાતો સચવાશે. બાકી તો, બહેન ! આંહીં આ ચંદ્રાવતીમાં તો નવાણું ટકાનું જોખમ છે. આ મેવાડ ને નડૂલ, માળવા ને ઝાલોર અમારે કરમે જડ્યાં હતાં ત્યાં લગી તો ખેર, પણ આ યવનોના સપાટા સહ્યા જાય તેમ નથી. ચંદ્રાવતી તો બસ એમને પાકેલા બોર સમું થઈ પડ્યું છે. બસ રસ્તામાં જ ચંદ્રાવતી; હાલતા જાય ને લૂંટતા જાય, દેરાં ભાંગતા જાય, રેશમના તાકા ને તાકા બજારો તોડી તોડીને માથે બાંધતા જાય. અમે તો ગળે આવી ગયા છીએ.”

"તો હું મહાજનને મળીને નિમંત્રણ-પત્ર આપું.”

“હા, બેટા ! તું કહે તો આજ ને આજ એકઠા કરીએ. બાપડા એ તો, બાઈ, તારા નામનો જાપ જપે છે. તેં ગુર્જર દેશમાં જઈ ચંદ્રાવતીની આબરૂ ઉજાળી, અનોપ!”

“તો તો બાપુ, આજે જ શ્રેષ્ઠીઓને બોલાવો. મારે વધુ રોકવાનો સમય નથી.”

“વારુ! વારુ !” ધરણિગ શેઠે ત્રણેય પુત્રોને સાદ પાડ્યો, “ખીંબસિહ ! આંબા ! ઊદલ ! તમે ઉતાવળ રાખો. જુઓ, નગરશેઠ ચાંપલ શ્રાવકને, ઊંબરણી-કીંવરલીના રાસલ શ્રેષ્ઠીને, સાવડ શ્રીપાલને, કાસિદ્રાના સોહી પાલ્હણને, વરમાણના આલિગ પુનડને, ધવલીના સાજણ પાણવીરને, મૂંગથલાના સંધીરણ શેઠને, હણાદ્રા ને ડભાણીના પણ જે જે આગેવાનો હોય તેને જાણ કરો.”

પિતા પાસેથી ઊઠીને અનુપમા તિહુઅણદેવીને એકાંતે મળી. માએ વારંવાર તેડાવેલી છતાં ન આવતી, ને આજે ઓચિંતી હાજર થયેલી ખોટની પુત્રીને ગોદમાં લઈ વહાલ કર્યું અને ચાતુરીથી પુત્રીના શરીર પર, ખાસ કરીને પડખામાં ને પેટ ઉપર હાથ પસવારી લીધો. પછી ધોળકાના સુખવર્તમાન પૂછતાં પૂછતાં રહસ્યકથા પણ જાણવા યત્ન કર્યો.

“કેમ, તું વધુ પડતી ભારેખમ થઈ ગઈ છે? ને ભાણો લૂણસી કેટલાં વર્ષનો થયો?”

“ચૌદ વર્ષનો.”

“ઓહો ચૌદ વરસ વહ્યાં ગયાં? વચ્ચે કંઈ કસુવાવડ તો નથી થઈ ગઈને?”

"ના, બા.”

“તો તો ઉબેલ ગજબ લાંબો ચાલ્યો, બાઈ ! તારા વર તે શું સંગ્રામમાંથી નવરા જ પડતા નથી ! ઘેર કોઈ દી રહે છે કે હાંઉ બસ વણથળી અને ગોધ્રકના વિજયનાં બીડાં જ ચાવ્યા કરે છે? હેં ! કેમ બોલતી નથી? કહે જોઉં, પેટની વાત માને તો કહેવાય. તું ભલે તારા ધોળકામાં જગદમ્બા રહી, આંહીં ચંદ્રાવતીમાં તો મારે મન તું પરણીને ગઈ તેવડી ને તેવડી નાનકડી છો, સમજી ને! બોલ જોઉં”

“બા,” અનુપમાની આંખો પર પોપચાંની પાંદડીઓ ઢળી ગઈ ને એણે સહેજ મોં મલકાવીને કહ્યું, “એવું કંઈ નથી, તારા સમ બા, તું વલોપાત ન કર.”

દડ દડ દડ તિહુઅણદેવીના ડોળા નિચોવાઈ રહ્યાઃ “તો પછી બોલ, શું છે આ બધું? જગતમાં તો પુજાય છે, ને વરને જ ત્રણ બદામની લોંડી લાગછ?”

“ના બા ! એવું ન બોલો. પાપમાં પડીએ.”

“તો કહે સાચું.”

"બા, તારી પાસે પણ હું એક કામ લઈને આવી છું. પાટણમાં ઠક્કુર આસા ઝાલ્હણ કરીને છે. એને ઘેર હું રસ્તામાં ઊતરતી આવી છું. એની દીકરી સુહડા મારી આંખમાં બહુ ઠરી છે.”

“કેવડીક છે?”

“વીસ કહે છે, પણ હાડેતી છે, ગજું પણ પૂરું છે.”

"ઘેલી ! આ તે તું ભાનમાં બોલે છે કે ભાંગ પીધી છે? ચૌદ વરસના ભાણા લૂણસીને માટે વીસ વર્ષનો ઢગો...”

“તું સમજી નહીં, બા!”

“પણ શું સમજવું ત્યારે?” .

“હું તો એમ કહું છું, કે તારા જમાઈને માટે..."

"તેજપાળ ઠક્કુરની વાત કર છ?”

“ત્યારે તારે કેટલાક જમાઈ છે?”

“એટલે !! તે આ શું ધાર્યું છે?”

"બા, હું તારી પુત્રી, ચંદ્રાવતી જેવા નગરની દીકરી, કંઈ ચસકી ગઈ નથી હો કે!”

“એટલે શું જમાઈ જેમ જેમ જગવિખ્યાત થાતા જાય છે તેમ તેમ કુબુદ્ધિ પણ...”

"બા, તને અચલેશ્વર પ્રભુની આણ છે – જો કંઈ વધુઘટુ બોલી છે તો!”

“તો કહે ફોડ પાડીને.”

"બા, મેં જ એમને આ સ્થિતિમાં મૂક્યા છે.”

“એટલે? તું શું એની પાસે જતી જ નથી? કેટલાક વખતથી?”

"લૂણસી આવ્યો ત્યારથી.”

“ચૌદ વર્ષથી? મારા બાપ ! તે શું કાંઈ રોગ છે તને?”

“શરીરનો નહીં, પણ મનનો ખરો.”

"શું !”

“બસ ! જીવવું થોડું ને જંજાળ કેટલી કરવી ! લૂણસીને અર્બુદા મા ક્ષેમકુશળ રાખે ! એ એકે મને સંતોષ છે.”

“તારો તે સંતોષ કાંઈ !” એમ બોલતી માતા અનુપમાના શરીર પર, નખની કણીઓ ને નેત્રોના ખૂણેખૂણાનીય જાણે કે ઝડતી લેતી હતી.

એ નેત્રો સ્ફટિક-શાં નિર્મળ હતાં. પોપચાં પર અને પાંપણો નીચે કૌમારવયની દ્યુતિ રમતી હતી. રાજસ્થાની પોશાકના મરોડદાર ઘેર નીચેથી દેખાતા બે પગ અને તેની પડખોપડખ મંડાયેલા અનુપમાના બે હાથ, એમ એકઠાં મળીને ગોઠવાયેલાં વીસેય આંગળાંના નખ કેમ જાણે માણેક મઢ્યાં હોય તેવાં લળક લળક થઈને પાણી દાખવતાં હતાં. એ લળકાટ તનની નીરોગિતા ને મનની પ્રતિભાના કુશળ સમાચાર દેતા હતા. માએ ખાતરી કરી લીધી.

“હં – હં–તો તો પછી દીક્ષા જ લઈ લેને, બાઈ !" માએ મચકો કરીને કહ્યું.

"દીક્ષા શા સારુ લઉં, બા? સંસારમાં શું દુઃખ છે? કેટલો આનંદ છે. કેટલાં કામ કરવાનાં પડ્યાં છે!” એમ બોલતાં અનુપમાની આંખો સ્વપ્નભરી બની. સોસો સોણલાં જાણે સમાતાં નહોતાં નેત્રોમાં. ઝલકાતી હેલ્ય જેવી એ આંખો બની ગઈ.

“શોક્યના કોડવાળી ન જોઈ હોય તો ! તેજપાલ કહે છે?”

“એના કહેવાની વાટ શીદ જોવી? એ ન કહે તોય એની દશાનો વિચાર તો મારે કરવો રહેને? એ ન કહે એટલે જ આપણને દયા આવે, બા ! એનો બાપડાનો વાંક શો? તેર વર્ષ એણે ખેંચ્યાં, બા ! એ તો એ જ ખેંચે. મને કદી, એક ઘડી પણ કનડી નથી, મોં પણ બગાડ્યું નથી.”

“ઘરમાં કોઈ જાણે છે ?”

“કોઈ કરતાં કોઈ નહીં.”

“દીકરી ! દીકરી !" માનું હૃદય ચકડોળે ચડી ગયું, “મને તો કાંઈ સૂઝ પડતી નથી.”

“સૂઝ બીજી કાંઈ નહીં પડે, બા ! સુહડાને તું એક વાર જોઈને સંમતિ દે. એ લોકો પહેલી રજા તારી ને મારા બાપુની માગે છે.”

“ને એ છોકરી ?”

“એનું મન પણ મેં ઉકેલી લીધું છે.”

“તારો નિશ્ચય નહીં ફરે?”

"શાસનદેવની કૃપા હશે ત્યાં સુધી તો નહીં ફરે. શા સારુ ફરે? મારી પાંતીની કશી જ વિમાસણ ન કરીશ, બા ! મારું મન તો ભર્યું ભર્યું જ છે. મેં તને એક વાત કહી દીધીને, કે વાંક કોઈનો નથી, પુરુષનો તો બિલકુલ નથી. વાંક મારો પણ નથી. હું પોતે જ બા, કોઈક અદૃશ્ય શક્તિના ઓઘમાં ઊછળી રહી છું. મને તો કપર્દીદેવના સાદ સંભળાય છે, બા ! તને ખબર નથી, પણ ચપટીકવારનું આ આયુષ્ય, આ બધું જ ક્ષણભંગુર, બધું જ પાણીના પરપોટા સમું, એની વચ્ચે ગુર્જર દેશ.... એના આટલા શત્રુઓ... એની ધરતી પોકારે છે, બા...!”

"તુંબડીમાં કાંકરા !” તિહુઅણદેવી કંટાળ્યાં.

કાં તો અનુપમાને પોતાને જે મનોમંથન થઈ રહ્યું હતું તે કહેતાં આવડતું નહોતું, ને કાં તો પોતે વાણીનું વાહન વિફલ માનતી હતી. તિહુઅણદેવીને તો આ બધું તુંબડીમાં કાંકરા જેવું અગમ ભાસતું હતું, પણ એ ભોળી ભદ્રિક સ્ત્રી એટલું તો કહી શકી: “ઠીક બાઈ, એક વાત તો સાચી છે. પુરુષ બાપડો પીડાતો હોય - આપણે જ વાંકે, એમાં એની શી ગતિ!”

માતાની સંમતિ સમજીને અનુપમાએ આભારવશ બની હોય તે રીતે માના પગે હાથ ચાંપ્યા ને પોતે ઊઠીને પિયર-ઘરની વિશાળ હવેલીના ખંડેખંડમાં ભમતા અગાસી ઉપર ગઈ. ત્યાંથી એણે પોતાના નાનપણની પ્રિય ચંદ્રાવતી નગરીને નિહાળી. આરસપહાણમાં આલેખેલું જાણે ગિરિવર આબુરાજનું સોણલું સૂતું હતું. ચંદ્રિકાનાં ફોરાં વરસી વરસીને જાણે પૃથ્વી પર થીજી ગયાં હતાં. તારાઓએ ધરતીને ખોળે ઊતરવાનું જાણે ધ્યાન ધર્યું હતું અને ચંદ્રાવતી જાણે માટીની સોડમાંથી આળસ મરડીને ઊઠી હતી.

એની વચ્ચે વચ્ચે આરસનાં અગણિત દેરાં એણે કદી નહીં ને તે સંધ્યાએ પહેલી જ મીટ માંડીને જોયાં. દેરાંના ઘુમ્મટોમાં એણે ત્રણ-ત્રણ જુદા રંગના થરા સંધાયેલા જોયા. આવી વિકૃતિ કેમ? એને પિતાએ કહેલું તે પ્રતીત થયું. દેરાં ત્રણત્રણ વાર તૂટ્યાં હતાં ને સંધાયાં હતાં. કેટલાંક તો હજુ પણ માથાં વગરનો ધડ જેવાં ઊભાં હતાં. એના પુનરુદ્ધાર માટે જોઈતો આરસ જડ્યો નહોતો.

નજર વધુ ને વધુ ઝીણી બનીને વિસ્તરતી ગઈ. ચંદ્રાવતી એને કોઈ વારેવારની કસુવાવડોએ ભાંગી નાખેલી રૂપસુંદરી-શી લાગી. આરસનાં આભૂષણોમાં ઠેર ઠેર કઢંગાં થીગડાં દેખાતાં હતાં.

બળાત્કારનો ભોગ બનેલી પોતાની નવયૌવના પુત્રીને ગોદમાં લઈ ગિરિરાજ બેઠા હતા. એણે નજરોનજર નિહાળ્યાં હતાં – નવી નગરી ચંદ્રાવતીનાં શીળભંજન એક વાર નહીં પણ સાતેક વાર. મહંમદ ગઝનીથી આરંભ થયો હતો. કુતબુદ્દીન એબકનો અત્યાચાર તાજો હતો. એ 1254ના અત્યાચારની સામે લોહીલુહાણ થયેલી ચંદ્રાવતીના દેહ પરના ઉઝરડા ને દાંતના વણો હજુ અણરૂઝ્યા હતા.

વલોવાતું હૃદય લઈને અનુપમા ઊતરી ગઈ. એનો ચંદ્રાવતીના વ્યાપારીઓશ્રેષ્ઠીઓની ગુજરાત ભણીની હિજરત પ્રત્યેનો તિરસ્કાર ને રોષ ઓછો થયો. નિર્દોષ ચંદ્રાવતી નાસે નહીં તો શું કરે? એનું હતભાગ્ય હતું કે એના પાયા પરદેશી ધાડાંઓની ગુજરાત પરની ચડાઈના ધોરી રસ્તા પર જ નખાયા હતા. પાટણને ભાંગી ચંદ્રાવતી જમાવનાર વણિક વિમલ મંત્રીની એ ભૂલ ભયંકર હતી. શત્રુઓને ચંદ્રાવતી શોધવા જવું પડતું નહોતું. એ પોતે જ નિરુપાયે પગમાં આવતી હતી. આબુરાજનું આ આરસ-સ્વપ્ન, દેવ અચલેશ્વરના ભાલચંદ્ર સિંચીને ઉગાડેલું આ જ્યોત્સ્ના-ઉદ્યાન. તારાઓના અનંતકાળના ધ્યાનમાંથી ઊઠેલું આ સૌંદર્યજ્ઞાન, એને નિહાળવાની નજર નહોતી પરધર્મીઓને. એ નજર એને કોણ આપશે? તલવારથી સૌંદર્યપ્રેમ કદી જાગ્યો નથી, ને સૌંદર્યના પ્રેમ વગરનું પશુત્વ સમશેરો ખાઈ ખાઈને પણ પાછું પોતાની તલવારોને નવી ધાર કાઢતું, વાટ જોતું તક શોધતું બેસશે.

મૂંઝવણની વચ્ચે પોતાના ડાહ્યા જેઠ વસ્તુપાલની કલ્પના કરતી અનુપમા આખો દિવસ અસ્વસ્થ રહી. રાત્રિએ એના પિતાની હવેલીમાં આબુ-ચંદ્રાવતીના શેઠિયાની સભા મળી.