ગુજરાતનો જય/જાસૂસી

વિકિસ્રોતમાંથી
← વીરમદેવ ગુજરાતનો જય
જાસૂસી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
અનુપમા ચંદ્રાવતીમાં →




5
જાસૂસી

ળતી રાતે વસ્તુપાલ ઘુઘૂલ-વિજયના ઉત્સવો, રાજદરબાર, ઇનામ-અકરામ અને ધામધૂમમાંથી સરી જઈને પોતાના ગુપ્ત-ભુવનમાં જઈ બેઠો. સંસ્કૃત સાહિત્યનાં સર્વોત્તમ પુસ્તકો વાંચતો વાંચતો એ કોઈકની રાહ જોતો હશે એવો ભાગ્યે જ કોઈને વહેમ જાય. ઘરમાં એ એકલો જ હતો. બીજાં સૌ ઉત્સવમાં ગયાં હતાં.

દ્વારપાળે આવી વરદી આપીઃ “સવારવાળા રેખાશાસ્ત્રી આવેલ છે.”

“ક્યાંનો છે?” મંત્રીએ મોં બગાડવું: “સવારે નથી અવાતું?"

“કહે છે કે સવારે તો એને ચાલ્યા જવું છે. એ તો કહે છે કે બાપુનો હાથ જોઈને જ ચાલ્યો જઈશ.”

“મારા હાથમાંથી તે એ શું ખોદી કાઢવાનો છે હવે? બોલાવી લાવો એટલે લપ પતે.”

વૃદ્ધ દેખાતા એ મહેમાનનો લેબાસ જૂના સમયના જોશીઓ જેવો હતો. એ બીતો બીતો અંદર આવ્યો.

"જુઓ મહારાજ !" વસ્તુપાલે કહ્યું. “જે કાંઈ મારી રેખામાંથી જડે તે કૃપા કરીને મને એકલાને જ કહેજો. ઘરનાં બૈરાને મારું વહેલું મૃત્યુ ભાખીને ભડકાવવાં નથી. નહીંતર એ બેના ચૂડા તો ભાંગતા રહેશે પણ હું જ પગચંપી વગરનો થઈ પડીશ.”

“જી, સમજ્યો, હું બાને શીદ બિવરાવું? આપ સો વર્ષના થાઓ”

“ના, ના, એવું થશે તો એ બેઉ વહેલી પહેલી કંટાળી જશે ને મારાથી છૂટવા તમારા જેવા કોઈને મારણના મંત્ર જપાવવા બોલાવશે. બોલો, જે કહેવું હોય તે હમણાં મને એકલાને જ કહી દો.”

સૂચના સમજેલો દ્વારપાળ બહાર નીકળી ગયો. એ બે માણસો વચ્ચે મંત્રીની હથેળી પર જ આંખો રાખતે રાખતે આ વાર્તાલાપ થયોઃ

"બોલ સુવેગ, માળવાથી ક્યારે આવ્યો?"

"આજે સવારે” પેલા માણસે મંત્રીની રેખાઓ પર આંગળી ચીંધતે ચીંધતે કહ્યું.

“શા ખબર છે? ધારાનગરના ધણીને કાંઈ અક્કલ આવી છે કે નહીં?"

“ના જી. માલવપતિ દેવપાલ તો ગુજરાતના દ્વેષે ગળોગળ છે.”

“હં–” એમ કહી, એક બાજુ જોઈ જઈને પછી મંત્રીએ પૂછ્યું: “તે એને પેટમાં શું દુખે છે?”

“કશું જ નહીં, પ્રભુ ! પાટણને પાદર કરવાની જૂની દાઝ. તેમાં પાછો ધવલપુરનો નવો તપતો તાપ એને દઝાડે છે. એ તો બોલતા ફરે છે કે બચાડું ધોળકું ફાટ્યું”

“તો હવે એનો શું વિચાર છે?”

“બેય હાથમાં લાડવો રાખવો છે.”

“એટલે?"

“જો દિલ્લીનો મોજદીન સુલતાન ગુજરાત પર ચડે તો એને ગાડે બેસી જવું, ને દેવગિરિરાજ યાદવ સિંઘણદેવ ગુજરાત માથે આવતો હોય તો તાપીકાંઠે જઈ એને મળી જવું.”

“હં–હં-ઠીક છે," પોતાની હથેળીમાં પોતાની આંગળી ફેરવતાં વિચાર કરીને એ બોલ્યા: “માલવરાજના તબેલામાંથી એક ઘોડાની જરૂર પડશે. મારા સંદેશાની રાહ જોજે. બસ જા. આ દ્વારપાલથી ચેતતો રહેજે, એ વિરોધીઓનો માણસ છે. તારો ભાઈ નિપુણક ક્યાં છે?”

“એ પણ આવી પહોંચ્યો છે. અત્યારે મોકલું?”

“હા. કાલે સવારે તો મારે ખંભાત પહોંચી જવું છે.”

બહાર નીકળતાં એણે પોતાના સુવેગ નામના ગુપ્તચરને પોતે ધમકાવતાં ધમકાવતાં બહાર વળાવ્યોઃ 'વિદ્યાને નામે ધતિંગ કરીને અહીં શીદ આવો છો બધી વેજા? ધોળકામાં જ સૌ પોલ ભાળી ગયા લાગો છો ! ધારામાં તો જઈ જુઓ, કોઈ ઊભવાય નહીં આપે!”

“બીજા એક –” દ્વારપાળે પાછા આવીને વિજ્ઞપ્તિ કરી.

"હા, લાવો, એ મહાશયને પણ પતાવી દઉં.”

તે પછી બેત્રણ હસ્તપ્રતોને બગલમાં દબાવીને જે માણસ દાખલ થયો તે પણ કોઈને શંકા ન ઉપજાવે તેવો વેદિયો સંશોધનકાર બનીને આવ્યો હતો.

"આવી પારકી એંઠ ઉપાડીને આંહીં લાવો છો?” મંત્રીએ ખોટી ધમકી દેતે કહ્યું: “લાવો, શાની છે એ હસ્તપ્રત ?”

પછી ધીમા સ્વરે પોથીનાં પાનાં જોતાં જોતાં વાતો ચાલી. "કેમ નિપુણક, દેવગિરિમાં તું કેટલું રહ્યો?”

"બે વર્ષ થઈ ગયાં.”

"શા ખબર છે?”

“સિંઘણદેવ સળવળે છે. પણ તેડાની વાટ જુએ છે.”

"કોની, લાટના સંગ્રામસિંહની ને?"

"એમની એકની જ નહીં, માલવરાજ દેવપાલની પણ.”

"બેઉ થઈને સિંઘણને ક્યારે તેડી લાવે છે?"

“હમણાં તો તૈયારીઓ ચાલે છે. આપણી હિલચાલના આંતરિક ખબર મેળવવા મથે છે.”

"કોઈ આવ્યો છે આ બાજુ?”

"હા જી, એનું નામ સુચરિત છે. સાથે એક સ્ત્રી પણ છે.”

“ઠીક, તું સ્ત્રીથી ચેતતો રહેજે. ને એ મળે તો એને ભોળવીને આપણો સંઘ નીકળનાર છે તેમાં શામિલ કરી દેજે એટલે બાપડો આપણી હિલચાલ ઝીણવટથી જોઈ શકે."

"એને હું મળ્યો છું, પ્રભુ ! ને એની જ પાછળ છું.”

"ઠીક જા,” એટલું ઝીણે સ્વરે બોલીને પછી એણે દમદાટી દેતા હોય એવા તપેલા સ્વરે બરાડ્યું: “તમે શીદ ચીથરાં ફાડો છો, પંડિત ! આ પોથાં સાવ બનાવટી છે. આ તો લઈ જાઓ દેવગિરિના જાદવ સિંઘણદેવ પાસે, એને વિદ્વાન ગણાવાના જબરા કોડ છે તે જઈને પૂરો. ધોળકા તો હવે તમારા જેવા માટે નાનું ગણાય.”

એકલા પડ્યાં પડ્યાં એણે તે પછી બાકીના ગુપ્તચરોને યાદ કરી જોયા. લાટમાં સંગ્રામસિંહની, ચંદ્રાવતીમાં આબુરાજ સોમ પરમારની, ને મેવાડમાં જયંતસિંહની હિલચાલો તપાસવા મોકલેલા એ જાસૂસો હજુ ફરક્યા નહોતા. આ જાસૂસીની એણે પાથરેલી જાળમાંથી પાટણ પણ મુક્ત નહોતું. ધોળકાના દ્વેષીઓ પાટણમાં નવરા નહોતા બેઠા. રાણા લવણપ્રસાદના ભોળપણનો પણ એને ડર હતો. ગુપ્તચરોની આ ગોઠવણ એણે પોતાના રાણાથી, ખુદ સેનાપતિ તેજપાલથી પણ છૂપી રાખી હતી. એનાં નામોની નોંધ પણ પોતે પોતાના કલેજા સિવાય ક્યાંય ટપકાવી નહોતી. જાસૂસો પૈકીનો કોઈ કવિ બન્યો હતો, કોઈક ફકીર થઈ ગયેલો જાહેર થઈ ગયો હતો, કોઈક વિદેશ ગયેલો વેપારી હતો, કોઈક વૈરાગી બની ચાલ્યો ગયેલો ખેડૂત હતો. એ સૌનાં જુદે જુદે સ્થળે વેરાયેલાં કુટુંબોને વિપત્તિમાન ગણાવીને પોતે ઉઘાડી રીતે ભરણપોષણની જિવાઈ મોકલી દેતો. કેટલાક ગુપ્તચરો તો ફક્કડ જ હતા. મોડી રાતે પોતે સૂક્તિઓને સુભાષિતો રચતો સૂતો. રાજપ્રપંચની મલિનતામાં ખરડાયા પછી એનો આત્મા ઉચ્ચ કવિતાના સરોવરમાં સ્નાન કરતો હતો. તે રાત્રિએ એણે રચ્યું –::

नृपव्यापारपापेभ्यः सुकृतं स्वीकृतं न यैः ।
तान्धूलिधावकेम्योडपि मन्येडधमतरान्नरान् ।

[રાજાની સેવાનાં પાતકો કરતાં કરતાં પાછું વાળી જોઈને જેમણે કંઈ સુકૃત્ય ન કર્યાં તેવાઓને તો હું ધૂડધોયા કરતાંય અધમ લેખું છું.]

લખીને એણે પોથીને દોરી વીંટાળી. તેટલામાં તો ઉત્સવમાંથી પરિવાર પાછો વળ્યો. ગૃહની હવામાં ઝંકાર બોલ્યા. લલિતાદેવી અને સોખુનાં પગલાં ગુંજ્યાં. રાજપ્રપંચના પોટકાને માથા પરથી ફગાવી દઈ વસ્તુપાલ હળવોફૂલ રસાત્મા બની ગયો. થોડી ઘડીના વિનોદ પછી લલિતા પોતાના ખંડમાં ચાલી ગઈ. પોતાને ગોદમાં ખેંચતા મંત્રીને સોખુએ દૂર હટાવીને કહ્યું: “ભૂંડા લાગો છો. પહેલાં મારી બહેન: પાસે જઈને થોડું બેસી આવો.”

“હવે રાખ રાખ, એ તો આઠ વર્ષના જયંતની જનેતા બની.”

“માટે જ એને ન વિસારો.”

પોતાને પરમ બુદ્ધિમાન સમજતો, ઘડી પહેલાં કાવ્યનાં સરવરોમાં વિહાર કરતો, અને તેની પણ પહેલાં ચારે દિશાના મુલકોને પોતાની હથેળીમાં રાખી રજેરજ હિલચાલ તપાસતો વસ્તુપાલ નાની-શી નાજુક નારી આગળ ભોંઠો પડી ગયો. એને ભાન થયું કે ગુર્જર સામ્રાજ્યનાં તૂટેલાં ચોસલાં ફરી ચડાવતાં ચડાવતાં એ ઘરની બૈરીઓનાં મનોરાજ્યની શાસનવ્યવસ્થાને ચૂકી રહ્યો છે. એ આંતર્મુખ બન્યો. એનો હાથ પકડીને સોખુ એને લલિતાદેવીના દ્વાર આગળ દોરી જઈ અંદર ધકેલી આવી.

*

ખંભાત જવાને માટે વસ્તુપાલ સજ્જ થયા ત્યારે પાછી અનુપમા આવીને ઊભી રહી. એણે કહ્યું: “હું ચંદ્રાવતી જઈ આવું?”

"કેમ તેજલે કાંઈ કંકાસ માંડ્યો છે કે શું? અત્યારે પિયર જવાની ઈચ્છા કેમ થાય છે?”

“ના, મોટાભાઈ” તેજપાલે આવીને ખુલાસો કર્યો, “મારી પણ એ જાય એમાં સંમતિ છે.”

“હા, તને થતું હશે કે જે થોડા દા'ડા છૂટ્યો.”

પતિ પત્ની બેઉને સતત એ સરત હતી કે મોટાભાઈએ આવો વિનોદ ચાલુ રાખી રાખીને બેઉ વચ્ચેના દાંપત્યને રસભીનું રાખ્યું હતું. મંત્રીએ પૂછ્યું, “શા માટે આટલી ઉતાવળે પરિયાણ કર્યું?”

તેજપાલે સમજ પાડીઃ “આબુ ઉપર જો કોઈ જગ્યા એ જોઈ આવે તો તો લૂણિગભાઈના શ્રેયાર્થે બધા દ્રવ્યને અનુપમાના કહેવા મુજબ ત્યાં જ ઠેકાણે પાડીએ. જઈને મહામંડળેશ્વર ધાર પરમારને મળી આવે.”

"હા, અને અનુપમાને બીજું પણ એક સોંપવું છે. ચંદ્રાવતીથી મહાજનનું પત્ર છે. ત્યાંના શ્રેષ્ઠીઓને ધોળકાનું ઘેલું લાગ્યું છે. કેમ અનુપમા, તમારા પિયરના ધનપતિઓ અહીં આવીને વસે તો શું ખોટું છે? ત્યાં બાપડાઓને એ જ માર્ગે નીકળતી ચડાઈઓનો બહુ માર ખાવો પડે છે ! જઈને અનુપમા આંહીં લઈ આવે.” મંત્રી કંઈક કટાક્ષમાં બોલતા હતા.

સાંભળતાં જ અનુપમાનું મુખ ગ્લાનિમાં ડૂબી ગયું. પણ એ પોતાના મનોભાવને તે વખતે તો પી ગઈ.

“અને ત્રીજું કામ – મહામંડલેશ્વરને એક પત્ર હાથોહાથ આપવાનું છે." એમ કહીને વસ્તુપાલે એક પત્ર લાવી સોંપ્યું.

“મારે માર્ગમાં પાટણ રોકાતા જવું છે." અનુપમા બોલી.

“સારું, લવણપ્રસાદબાપુને મારા પ્રણામ કહેજો, ને સાચવજો, કુંવર વીરમદેવની કંઈ વાતો કહેશો નહીં. ડોસાનું દિલ સૂડી વચ્ચે સોપારી જેવું બની જાય છે. એક કોર આપણને નારાજ ન કરવાની કાળજી, ને બીજી કોર આ પૌત્ર પરનું આંધળું હેત. મને તો એ જ ચિંતા છે કે કોઈક દિવસ આવી કૌટુમ્બિક કોમળતામાંથી જ વાત વીફરશે.”

પછી એ પોતાના મનને સંભળાવતો બોલવા લાગ્યોઃ “આ પુનરુદ્ધાર કોના માટે આપણે કરી રહ્યા હશું? કોણ ચણે છે ને કોણ ભોગવશે તે તો કેવળ ભગવાન જાણે ! એકાદ રાજકુળના શ્રેયાર્થે કે લોકસમસ્તના કલ્યાણાર્થે?”