ગુજરાતનો જય/ખંભાત પર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વંઠકમાંથી વીર ગુજરાતનો જય
ખંભાત પર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
‘ભાગજે, વાણિયા!' →19
ખંભાત પર

તેજપાલ મંત્રી જ્યારે કશા સૈન્યની જરૂર પડ્યા વગર જૂના અધિકારીઓને અને ગામડાંના રાજપટેલોને દંડ્યે જતો હતો, ત્યારે વસ્તુપાલનાં આચરણો અને આદતોથી લોકો વિસ્મય પામતા હતા. એને શોધવો હોય તો જેન દેરાસરોનાં ભોંયરાંના પુસ્તકભંડારોમાં ભટકવું પડે. ઉનાળાના દિવસોમાં એ સિદ્ધનાથની જગ્યામાં જઈ ભાંગ પીએ છે ને રાણકી રૂડીની વાવમાં એકાદ પ્રહર સુધી સ્નાન કરતો પડ્યો રહે છે. રાત્રિએ તો એને રસક્રીડા કરવાની બે માનવ-પૂતળીઓ મળી ગઈ છે. અને લોકોમાં વાત પ્રસરી ગઈ છે કે વસ્તુપાલ બેઉ સ્ત્રીઓને શણગારો સજાવવામાંથી નવરો થતો જ નથી. લલિતા અને સોખુના અંબોડામાં ગૂંથવાને કાજે એ ધોળકાનાં સુવિખ્યાત ફૂલો વિણાવતો, પોતે પણ વીણવા જતો; અને તે બેઉને ખોળામાં બેસારી કવિતાનાં પોથાં વાંચતો. વિલાસી તરીકે એની કીર્તિ વિસ્તરતી હતી.

વિજયસેનસૂરિએ પોતાના વિહાર દરમ્યાન ખંભાતમાં ખબર જાણ્યા કે વસ્તુપાલે પોતાના ઘરને મદ્યપી-રંગીભંગી બ્રાહ્મણોનો અખાડો બનાવ્યો છે. સોમેશ્વર સાથે કવિતા કૂટે છે !

ખબર દેનારે પચીસ-પચાસ માણસોની વચ્ચે જ ખબર દીધા; એ ખબર શહેરમાં વિસ્તર્યા ને છેક સદીક શેઠ પાસે પણ પહોંચી ગયા.

સદીકે સાંભળ્યું તો હતું કે ધોળકાનો કારોબાર બે શ્રાવકોના છોકરાઓને સોંપાયો છે, અને ખંભાત પણ પાટણના સર્વાધિકારીએ ધોળકા નીચે મૂકી દીધું છે. એ થયાંને એકાદ વર્ષ વીતી ગયું છતાં મંત્રી ખંભાત તરફ ફરકેલ પણ નહીં. એમાં આ વસ્તુપાલની વિલાસડૂબી કારકિર્દીના ખબર પડ્યા એટલે સદીક શેઠનો જરીક ઊચક થયેલો જીવ પણ નિરાંતવો બન્યો.

ખંભાતની અઢળક બંદર-કમાણી સદીક શેઠના ખજાનામાં ઠલવાતી રહી. રાતા સમુદ્રનાં બંદરો, સદીક શેઠના ઘરના ઉંબરમાં હતાં. સદીકનાં વહાણો છેક ચીન અને સોફાલા સુધી જઈને રેશમી વસ્ત્રો વેચતાં. 'દુનિયાનું વસ્ત્ર' એવું બિરદ પામેલ ખંભાત બંદરની જકાતનો ઇજારો સદીકના હાથમાંથી ઝૂંટવવાની કોઈની મજાલ નહોતી રહી.

સદીક શેઠને કાને રોજેરોજ ધોળકાનાં નવા નવા માણસો આવીને એક જ વાત નાખી જતા, કે વસ્તુપાલ તો બાપડો બે બાયડીઓ સાથેના વિલાસમાં અને કવિતાસાહિત્યમાં જ ગરકાવ છે. અને પોતાને ખંભાતના જૈન પુસ્તક ભંડારો જોવા આવવું છે પણ બાયડીઓ ચુડેલ જેવી વળગી છે, બહાર નીકળવા દેતી નથી. દિવસે દિવસે આવી બાતમીઓએ સદીક શેઠને નચિંત અને ગાફેલ બનાવ્યા.

એ જ હેરકોએ એક પછી એક પાછા આવીને વસ્તુપાલને ખબર દીધા કે જરા અડકતાં જ નીચે પડે તેવા પાકેલા ફળની સ્થિતિમાં ખંભાત હવે આવી ગયું.

રાણા વીરધવલ છેલ્લા ત્રણ મહિનાથી તો વસ્તુપાલ પર ફૂંગરાઈને બેઠા હતા. એની પાસે વસ્તુપાલ છેલ્લા છએક મહિનાથી તો મોં બતાવવા પણ આવ્યો નહોતો. મંત્રી નપાવટ હતો, વિલાસી હતો, ચોપડીઓનો જ કીડો હતો. એવી એની માન્યતા બંધાતી હતી.

એવામાં એક દિવસ વસ્તુપાલે આવીને વાત કરી કે “બાપુ, ત્યારે હું ખંભાત આંટો મારી આવું છું”

“હજી આંટો મારવાની જ વાત કરો છો, મંત્રી?" રાણાને ચીડ ચડી.

“ત્યાં જઈને તેલ જોઉં, તેલની ધાર જોઉં, પછી આપને તેડાવું.”

“ના, હું સાથે જ ચાલું. લશ્કર ઘણું જમાં કરી નાખ્યું છે.”

"તે કાંઈ લશ્કરને કપાવી નાખવા જમા કર્યું છે? આપની ભુજાઓ કળતી હોય તો રોજ થોડાં દંડબેઠક કરતા જાઓ.”

“તું મશ્કરી કરે છે, પણ જેતલ રોજ મારો જીવ ખાય છે ને મને ન કહેવાનાં વેણ કહે છે.” રાણા અર્ધદુભાતા ને અર્ધહસતા બોલી ઊઠ્યા.

જેતલબા ભલે થોડા દિવસ જીવ ખાઈ લે, હું કહી દઉં છું આપને, કે મને મારી રીતે કામ લેવા દેવું પડશે. મારે કાંઈ ધોળકાનો રાણો વધારાનો નથી." મંત્રીએ મક્કમ બનીને જવાબ વાળ્યો.

"કેટલું સૈન્ય લઈને જાય છે” બસો પેદલ ને પચાસ અશ્વારોહી.”

"બસ? એટલે શું તું ત્યાં જાત્રા કરવા જાય છે?"

“ના, સદીક શેઠની મહેમાની માણવા ! આપ વિચાર તો કરો, કે ખંભાતમાં કોની સેના પડી છે, કે મારે યુદ્ધમાં ઊતરવું પડશે?”

"પ્રજા બંડ કરશે નહીં? યવનો ને પારસીકો એને પક્ષે છે તેનું શું!” “હતા, હવે નથી.”

"કેમ જાણ્યું? બાર મહિનાથી તો આંહીં ભાંગ પીતો પડ્યો છે!”

“મેં પીધી છે કે સદીક શેઠે, તે આપ જોશો.”

"ઠીક, બતાવજો ત્યારે. હું તો આ બેઠો નિરાંતે.”

એમ કહીને વીરધવલે રીસમાં ને રીસમાં, પોતે ખંભાત પર ચડવાની જે જબરી તૈયારી કેટલાય દિવસો સુધી કરી રાખી હતી તે વિખેરી નાખી અને રાણીવાસમાં જઈશ તો મહેણાં ખાવાં પડશે એ બીકે પોતે એક રાત ચંદ્રશાલામાં જ સૂઈ રહ્યો.

સાંજ વખતે વસ્તુપાલે ફક્ત અઢીસોની સેના સાથે પાણિયારી દરવાજેથી ખંભાતમાં પ્રવેશ કર્યો અને રાજગઢના ઉતારામાં એણે સદીક શેઠના આવવાની રાહ જોઈ. આખરે થાકીને એણે સદીકને ખબર આપ્યા કે મંત્રીનો મુકામ થયો છે, મળી જજો.

સદીકની ઉમ્મર પંચાવન વર્ષની થઈ ચૂકી હતી, ને એનું બદન પહોળાઈમાં આગળ વધ્યું હતું. મર્દન અને ચંપીનો શોખ એનો સતેજ બન્યો હતો. ગુલામ સ્ત્રીઓના હાથનાં મર્દન અને ચંપી એને સવિશેષ માફક આવતાં હતાં.

પલંગ પર સૂતે સૂતે એ ખંભાતના સર્વસત્તાધીશ નૌવિત્તકે જવાબ કહેવરાવ્યો કે, “રસમ તો એથી ઊલટી છે, ભાઈ! આંહીં આવીને મંત્રી વાતો કરી શકે છે. કહો તો સુખપાલ (પાલખી) મોકલું.”

એ જવાબથી વસ્તુપાલના લમણામાં સટાકો નીકળી ગયો. પણ ઓશીકા સાથે લમણાં દબાવીને રાતની રાત સૂઈ જવા વગર ઇલાજ નહોતો. પોતે સાંભળ્યું હતું તો ઘણું, કે પ્રજા સદીકથી ત્રાહિ પોકારીને કોઈક મુક્તિદાતાની જ રાહ જુએ છે, પણ પ્રજાવર્ગમાંથીયે કોઈ ચકલું ફરક્યું નહીં. સૈન્ય ઓછું લાવવાની એની જે ગણતરી હતી તે ખોટી પડી. અધરાત પછી એણે સેનાના ઉપરી ક્ષેત્રવર્મા, સોમવમ અને જેહુલ ડોડિયાને જગાડી મસલત કરી.

“એમ કરો, જેહુલ!” વસ્તુપાલે એક એવી સૂચના કરી કે જે સાદી હતી છતાં એકદમ સૂઝે તેવી નહોતી, “પહેલાં પાણિયારી દરવાજા પરના પહેરેગીરોને બદલી નાખો. સોમવર્માને જ એ દરવાજો સુપર્દ કરો. પછી આપણા અઢીસોને અત્યારે એ દરવાજેથી શહેર બહાર કાઢો. શહેર બહાર ધોળકાને રસ્તે લઈ જઈ કર્ણાવતી દરવાજેથી પાછા અંદર લઈ આવો. ફરી પાણિયારી દરવાજેથી એ ને એ અઢીસોને બહાર કાઢી ફુરજા દરવાજેથી પાછા પ્રવેશ કરાવો. ફરી લઈ જઈ મકા દરવાજેથી અંદર લાવો, ને પછી પાટણ દરવાજેથી. અંદર આવતી વેળા ઘોડાંને બે'ક વધુ તબડાવતાં લાવજો. પેદલોને પણ પ્રત્યેક દરવાજે વધુ જોરથી પગ પછાડવાનું કહેજો. સવારે ઊઠીને ખંભાત જાણશે કે નવું સૈન્ય રાતોરાત આવી પહોંચ્યું છે ને રાજગઢમાં સેનાને ઊતરવાનો વિભાગ બંધ રાખજો. એકેય યોદ્ધાને કાલે શહેરમાં જવા ન દેતા.”

અને ધોળકા એણે સાંઢિયો રવાના કરી તેજપાલને કહેવરાવ્યું કે રાણાજીની ખાલી પાલખી, પડદા પાડેલી, પાંચસોક નવા સૈનિકો સાથે મોકલે; રાણાજીને ન આવવા દેવા.

જુદેજુદે દરવાજેથી એના એ અઢીસો સૈનિકોની ધમધમાટભરી આવ-જાનો કીમિયો પ્રભાત પડતાં ફળીભૂત થયો. ઘેરઘેર ખબર પડી ગઈ કે રાતોરાત બે'ક હજારનું લશ્કર ધોળકા ને પાટણથી ઊતરી પડ્યું છે.

અને સવારમાં જ ગામમાં ઢોલ પિટાવ્યો કે જલમંડપિકાને સ્થલમંડપિકાનો (તરી અને ખુશકી જકાતનો) વાર્ષિક ઇજારો આજ ને આજ આપવાનો હોઈ વેપારીઓએ બીજે પ્રહરે મંત્રી પાસે હાજર થવું. કાલે રાણાજી આવે છે.'

વ્યાપારીઓ ભેળા થયા. રંગભંગી અને બે પત્નીઓના વિલાસી ભરથાર વસ્તુપાલને બદલે તેમણે એક કરડો, ચપલ અને મક્કમ વસ્તુપાલ દીઠો. વ્યાપારીઓને એણે જાહેર કર્યું: “હું પોતે મારો કાયમી મુકામ આંહીં રાખવાનો છું. હું જાણું છું કે આંહીનો જળ-સ્થળનો વ્યાપાર કેટલો મોટો છે. મને છેતરવાનો પ્રયત્ન કોઈએ કરવાનો નથી. યોગ્ય રકમે ઈજારો લેવા કોઈ શ્રેષ્ઠી તૈયાર નહીં હો તો રાજ પોતે જ માંડવી ઉઘરાવી લેશે.”

આ શબ્દો સાંભળીને કેટલાક વ્યાપારીઓ પાછળ જોતા હતા. સૌને નવાઈ થતી હતી કે સદીક શેઠ હજુ કેમ નથી આવ્યા.

"હવે જે કોઈ ન આવ્યા હોય તેની રાહ જોવાની નથી.” એમ કહીને વસ્તુપાલે પહેલી માગણી જાહેર કરી.

"સદીક શેઠ હજુ નથી આવ્યા.” કોઈએ મંત્રીને જાણ કરી.

"કંઈ ચિંતા નહીં. માગણી કરી.”

માગણી ચડવા માંડી. ચડી ચડીને ખુશ્કી જકાત ત્રણ લાખ પર ગઈ, ને તરી જકાત પાંચ લાખને આંકડે પહોંચી

જાઓ, હવે કોઈ પૂછી આવો સદીક શેઠને,” વસ્તુપલે મોં મલકાવીને કહ્યું, "કે આટલાથી વધુ ચડવું છે એને? નહીં તો માગણી અફર કરી નાખું છું.”

ગયેલા માણસે પાછા આવીને સંદેશો કહ્યો કે "ખુશીથી બીજાને આપી દે એમ સદીક શેઠે કહેવરાવ્યું છે.”

“પત્યું!” કહી એણે માગણી અફર કરી. પ્રજા જોરમાં આવી. આખો દિવસ વસ્તુપાલને સત્કારવાની નગરપ્રવૃત્તિ ચાલી. વસ્તુપાલ જયાદિત્યના મંદિરે ગયા અને એણે એ પડી ગયેલા મહાપ્રાચીન સૂર્યમંદિરને સમરાવવાની આજ્ઞા આપી સૂર્યપૂજકોને રાજી કર્યા. કુમારપાલ દેવને સિદ્ધરાજના જાસૂસોથી હેમચંદ્રસૂરિએ જ્યાં સંતાડ્યા હતા તે સાગલ વસહિકાના પુસ્તક ભંડારની એણે મુલાકાત લીધી. એ મુસ્લિમોની મસ્જિદમાં પણ ગયો. મસ્જિદોને જ્યાં જ્યાં જીર્ણોદ્ધારની જરૂર હતી ત્યાં ત્યાં એણે સમારકામની આજ્ઞા આપી દીધી. અને બપોર પછી એ નિરાંતે નારંગસર તળાવમાં ધૂબકે ધૂબકે નાહ્યો. ખંભાતની કોમેકોમના પ્રજાજનોને મંત્રી પોતાનો લાગ્યો.

બીજા દિવસની સવારે સદીક શેઠ પોતાની જાણે જ મળવા આવ્યો ત્યારે વસ્તુપાલ બે ઘડી મલકાયો કે સદીકનો મદ મોડાયો છે. સદીકે તો આવીને ઝૂકી ઝૂકી સલામો કરવા માંડી.

“આવો શેઠ” વસ્તુપાલે ગાદીતકિયા પર બેઠે બેઠે, ઊભા પણ થયા વગર, સદીકને ફક્ત સામા પાથરેલા ગાલીચા પર બેઠક બતાવી.

“નહીં રે જનાબ, નહીં," સદીક છેક જાજમ પર બેસી ગયો, “હું તો આપનો ગુલામ કહેવાઉં, અહીં નીચે જ શોભું.”

સદીકને આટલો બધો ગળી મીણ બની ગયો જોઈ વસ્તુપાલના મનનો છૂપો ગર્વ વધુ ને વધુ બહેકવા લાગ્યો. માંડવીના ઇજારાની વાત નીકળી એટલે સદીકે માથું ઝુકાવીને કહ્યું: “અરે જનાબ, આપે તો મારો છુટકારો કરાવી દીધો. મારે તો તકલીફનો શુમાર નહોતો રહ્યો. હું તો ગુલામી કરી કરીને ગળોગળ આવી રહ્યો છું. આ જુઓને, જનાબ અત્યારમાં જ એ પીડા આવીને હાજર થઈ ગઈ છે.”

"શું છે વળી ?"

“કાયમ જે હતી તેની તે જ. નામદાર ! હું તોબાહ પોકારી ગયો હતો. માંડવી મારા હાથમાંથી ગઈ એ તો મને બેહિસ્ત મળ્યા બરોબર થયું છે.”

સદીક આમ મોઘમ વાતો કરતો કરતો દાઢીમાં હાથ નાખી રહેલ છે તેટલામાં તો શહેરમાં ચાલેલો ખળભળાટ રાજગઢમાં પહોંચી ગયો ને મંત્રીને છૂપો સંદેશો મળ્યો કે “દરિયામાં કોઈકની નૌકાસેના પરોડિયાની આવીને ઊભી છે. પાંચેક બરિયા (વહાણો) છલોછલ ભર્યા છે.”

વસ્તુપાલની અને સદીકની આંખોની દ્રષ્ટિકટારો સૂચક રીતે સામસામી અફળાઈ. આરબ એક કુટિલ મરકલડું કરીને બાજુએ જોઈ ગયો. ને પછી બોલ્યો:

"મને ઘણુંય એમ લાગતું હતું જનાબ, કે આપ નાહક ઉતાવળ કરી રહ્યા છો. પણ હું આપને પિછાનું નહીં, આપનો મિજાજ-દિમાગ જાણું નહીં કેમ કરીને ચેતાવું?"

“શું છે, સદીક શેઠ, જલદી કહી નાખોને!" વસ્તુપાલે વિહ્વળતા બતાવી.

"બીજું કાંઈ નથી જનાબ, ભૃગુકચ્છના શંખનું કટક છે. આમ હરેક વખતે દેખાય છે, દમ ભરાવે છે, ને મારું કલેજું ચૂસે છે.”

“તો કેમ આવેલ છે?”

"આપનું પધારવું થયું છે એટલે ખબર કાઢવા કે શી નવાજૂની કરો છો.”

સદીક ઠંડે કલેજે બોલતો હતો. પોતાના મિત્રને સદીકે જ રાતોરાત તેડાવ્યો હતો એ સમજાઈ ગયું. વસ્તુપાલને ભાન આવ્યું કે પોતે વ્યાકુળતા બતાવવામાં બાજી ગુમાવી બેઠો છે. એણે સીનો પલટી નાખ્યો. એણે લાપરવાઈ ધરીને કહ્યું:

"ઓહોહો ! મેં તો ધાર્યું કે યાદવ આવ્યો હશે દેવગિરિથી ચડાઈ લઈને. બાપડો શંખ આવ્યો છે એમાં આટલી બધી દોડાદોડી શાને ? ઊતરવા દોને, ભાઈ ! આપણે મસાણમાં રહેવું ને વળી ભૂતનો શો ભો”

“એમ ન કહો, જનાબ,” સદીકે વિષ્ટિ માંડી, “એનું મોં કાળું કરીએ, એને કાંઈ દઈને આપણે વળાવી દઈએ.”

"શું દઈને ?”

"લાખેક દામ(દ્રમ્મ)થી રીઝી જશે.”

“સદીક શેઠ!” વસ્તુપાલે અવાજને મોકળો મૂક્યો, એ અવાજે રાજગઢનાં છાપરાંમાં ચોંટેલાં ચામાચીડિયાંની શાંતિ વિદારી, “તમે તો રાજનું ધન ખૂબ દબાવ્યું છે – શાહુકાર છો એટલે વળાવો. હું તો લડાઈ જ સ્વીકારીશ.”

"વાહ ! તો તો જનાબ, ડંકો વાગી જાય. હું પણ એ જ મતનો છું. આપણે ચડીએ. આપનું કટક કાઢો બહાર. હું પણ મારી બેરખને બોલાવું છું.”

"ના, તમે તમારી બેરખ લઈને જાઓ, શેઠ, મારે કાંઈ ઉતાવળ નથી.”

સદીકના ગયા પછી પ્રથમ તો વસ્તુપાલે શાસનદેવનો આભાર માન્યો કે પોતાને અંદરથી વિહ્વલતાનો પાર નહોતો છતાં પોતે સદીક સમક્ષ ગંભીર રહી રાક્યો, ને વળતી જ ક્ષણે એણે વધુ સૈન્ય બોલાવવા માટે ધોળકા તરફ ઘડિયા જોજન સાંઢ્ય રવાના કરી. રાજા વીરધવલ પાસે બેવકૂફ તરીકે પુરવાર થઈ જવાની ઊંડી બીક એને લાગી ગઈ. એણે સદીક શેઠને ફરીવાર તેડાવ્યા ને વાતને ઢીલમાં નાખવા પાછી જુદી જ વિષ્ટિ આદરીઃ એની એ ઠંડીગાર અદાથી ગાદીતકિયા પર ઢળેલ શરીરે એણે કહ્યું: “શેઠ, જુઓ, તમે નક્કી કરી જો કાંઈક રકમે રીઝતો હોય તો. આપણે ધોળકે ખબર દઈને રાણાને પુછાવીએ.”

"પાછો આપે મત બદલ્યો? મેં તો મારી બેરખ સજજ કરીને બહાર કાઢી. છે.”

“હા, મને વળી પાછું એમ લાગે છે કે તમારી ચાલુ રસમમાં હું ફેરફાર કરીશ તો પાટણમાં મોટા રાણાને ગમશે નહીં.”

"મારો પણ એ જ સબબ છે, જનાબ ! કે આ તો વેપારી ગામ છે. રસમ શા માટે તોડવી? દેશે એ તો નવો ઇજારો લેનારા. ક્યાં રાણાને દેવું છે?”

“તો તમે જાઓ ને વિષ્ટિ કરો. હું તો આંહીં બેઠો છું. અને માંડવીનો ઇજારો તો હું હજુય દસ વાર ફેરવી શકું છું. તમે જ રાખોને, ભલામાણસ !”

રાજી થઈને સદીક ગયો, અને વસ્તુપાલે શરીર પર કવચ ભીડવા ને આયુધો સજવા માંડ્યાં, કટકને ચડવાની છૂપી આજ્ઞા દીધી.

જેતલદેવીના રાજગઢનો ગોલો ભૂવણો, જેનું કનિષ્ઠ નામ રદ કરીને વસ્તુપાલે ભુવનપાલ નામે સૈન્યમાં સ્થાપ્યો હતો, જેને પોતે પોતાનો અંગરક્ષક બનાવ્યો હતો, તે ભુવનપાલ મંત્રીને શસ્ત્રો સજાવી રહ્યો હતો. તેને મંત્રીએ પોતાના દિલની વાત કરી: “ભુવનપાલ, અણધાર્યું બન્યું છે. સદીકને તોડવા જતાં ભૃગુકચ્છનો શંખ ચડી આવશે એવી ગણતરી નહોતી. આજ મારા જીવનની પહેલી ને છેલ્લી કસોટી છે. પહેલી જ વાર સૈન્ય લઈને નીકળ્યો છું, ભુવનપાલ ! પરાજય પામીને આંહીંથી પાછા ધોળકે જવું નથી. હીરાકણી ચૂસીને આંહીં જ મરવું છે, ભુવનપાલ ! તું મારી બાજુએ રહેજે.”

ભુવનપાલ ચૂપ જ રહ્યો.

મંત્રીના મરણિયા નિરધારનો સંદેશો સાંભળતું નાનકડું સૈન્ય સજ્જ હતું. મંત્રી એ સૈન્યની સામે જઈને ઊભો રહ્યો ત્યારે એણે ઘણા ચહેરા ઢીલાઢફ દેખ્યા. મંત્રીએ સૌને સંબોધ્યાઃ “સૈનિકો, તમે કદી જુદ્ધ જોયું નથી. ગુર્જરદેશમાં વીસ-પચીસ વર્ષે આ પહેલું પારખું છે. આ તો માણસાઈનાં મૂલ મૂલવવાનો મોકો છે. લાટદેશનો શંખ એકલો પણ જો આંહીં ઠાર રહે તો પછી મને પરવા નથી કે ખંભાત રહે વા ન રહે, પણ શંખને લેવો – શંખનું શિર છેદી લેવું એ એક જ લક્ષ્ય રાખજો સહુ. શંખ પડશે એટલે બાકીના સૌ પલાયન કરશે. બોલો સૈનિકો, શંખને કોણ લેશે?”

“શંખને મેં લીધો, લાવો બીડું!” બોલતો ભુવનપાલ ખડો થઈ ગયો. એણે ભુજાઓ પટકી.

ભુવનપાલ હજુ સૈન્યમાં ભૂવણો મટીને ભુવનપાલ નહોતો થયો. એ ગોલો તો મશ્કરીનું પાત્ર હતો. બીડું લઈને એ બેસી ગયો, એની પાસે બેઠેલા એક સૈનિકે ટોણો માર્યો: “મરીશ તો મંત્રી ખાંભી નહીં ખોડાવે!” મંત્રીએ સૈનિકોમાં આ હતાશાનો શબ્દ સાંભળ્યો. એણે સૌને સંભળાવ્યું: “હું કુમારદેવીનો પુત્ર, મારી માતાના સોગંદ લઈને કહું છું કે હું જેટલા બનશે તેટલા ઓછા મરદોને જોખમાવીશ, ને જેનો દેહ પડશે તેના કુટુંબપરિવારનું જીવનભર પોષણ કરીશ.”

મંત્રીના બોલ વિદ્યુત-શા પડ્યા. ઝગમગાટ થઈ ગયો. સૈનિકો હતાશા ખંખેરીને ખડા થયા. અને મંત્રીએ જ્યારે જાણ્યું કે સદીક દરિયાબારા તરફ વિષ્ટિ કરવા બહાર નીકળી ગયો છે, ત્યારે એણે હુકમ દીધોઃ

“નગરના દરવાજા બંધ કરો, અને એક જ બારી ઉઘાડી રાખી ત્યાં જમા થઈ જાઓ. ને જેહુલ ડોડિયા, તમે પચાસ હથિયારબંધો લઈને બેસી જાઓ સદીકના મકાન ઉપર. ત્યાંથી જો કોઈ ચકલુંય બહાર ફરકે તો માથું ધડથી હેઠું પાડજો, પૂછવા વાટ જોશો નહીં.”