લખાણ પર જાઓ

ગુજરાતનો જય/વંઠકમાંથી વીર

વિકિસ્રોતમાંથી
← ભણતરની ભેટ ગુજરાતનો જય
વંઠકમાંથી વીર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
ખંભાત પર →



18
વંઠકમાંથી વીર


ત્રીજા દિવસે ધોળકાની પ્રજામાં ગણગણાટ થયો.

"વાણિયાઓએ વસ્તીને ઉશ્કેરી તોફાન કરાવ્યું છે એવી જાણ થતાં લવણપ્રસાદ પાટણથી મારતે ઘોડે ધોળકે આવી પહોંચ્યા હતા. આજે એ બાવન વર્ષના થયા હતા. એની દાઢીએ કાબરચીતરો રંગ પહેર્યો હતો. આ રમખાણ વણિકોએ રાણા વીરધવલની ગેરહાજરીમાં સુવાવડી પુત્રવધૂ પર મચાવ્યું જાણી એનું લોહી તપી ગયું હતું. આવ્યા પછી એને શાંત કરવાનો પહેલો પ્રયત્ન સોમેશ્વરદેવને કરવાનો હતો.

“એને પહેલાં તો સખત દંડ દેવો જોઈએ.” એ લવણપ્રસાદની જીદ હતી.

“મહામંડળેશ્વર" સોમેશ્વરદેવે સલાહ દીધી, “દંડ દેવો તો એવો કડક દેવો, કે જીવનભર ખો ભૂલી જાય.”

રાજગુરુની એ ટાપશીએ લવણપ્રાદને વધુ કરડો કરી મૂક્યો. કઈ સજા વધુમાં વધુ કડક, એના વિચાર એ કરવા બેઠો. બાપુને સમજાવી લેવાનું કામ વીરધવલે જ સોમેશ્વરદેવને ભળાવ્યું હતું.

“રાણા !” સોમેશ્વરદેવે કહ્યું, “એને જો મારશો-દંડશો તો વસ્તી કાં વીફરશે, નહીં તો દબાઈ જઈને ધીરે ધીરે ધોળકું છોડશે.”

“એને દેશવટે જ કાં ન કાઢીએ” લવણપ્રસાદે બુદ્ધિ ચલાવી.

“તો તો આપણા બહારવટિયાને સંઘરવા ખંભાતનો સદીક, લાટનો શંખ, ગોધરાના ઘુઘેલ અને બીજા કંઈક શત્રુઓ ચંપીને જ બેઠા છે, બાપુ” સોમેશ્વરે ભોળા મહામંડળેશ્વરના મગજમાં એ મુદ્દો ઠસાવી લીધો.

"વાત ખરી છે દેવની, હો!" લવણપ્રસાદે ખસિયાણા પડીને ડોકું ધુણાવ્યું. અમારી ક્ષત્રિયોની તે કાંઈ ખોપરી છે ને ખોપરી ! એકેય વિચારનું સરખું સાલવણું ન થાય.”

“અમારું બ્રાહ્મણોનું પણ એવું જ છે, મહામંડલેશ્વર”

"એમ કાંઈ ચાલે? સાચી સલાહ દેવી પડશે ! દેવ, આ વખતે એમ કહીને નહીં છટકી જવાય, કે જાણતા હતા છતાં કહેવાની હિંમત નહોતી ચાલી.”

“મને તો એક નવો જ વિચાર આવે છે. શાસન સામે એ હોબાળો કરનારને જ કહી દેવું કે આ લે મુદ્રા અને કરી દેખાડ કારભાર. કાંધે ધોંસરી પડશે એટલે સીધાદોર થઈ જશે. પછી જો ભૂલચૂક કરે તો રાણકીના મેદાનમાં જ ગરદન ઉડાવી દેવી.”

લવણપ્રસાદ વિચાર કરવા લાગ્યા.

“પછી તો, રાણાજી!” સોમેશ્વરે વિચારમાં વધુ રંગો પૂર્યા, “એની ખબર આપણે નહીં લેવી પડે. પ્રજા જ એનાં છિદ્રો ગોતી ગોતીને એને કનડશે. રાજાની જેટલી ભૂલો એ કાઢતો હશે, તે કરતાં સો-ગણી એની ભૂલો પ્રજા કાઢશે. આપણે તો તટસ્થ બેઠા બેઠા નિરાંતે જોયા કરવાનું.”

“બસ, બસ, તો તો ઝટ બોલાવો એને, અને કારભાર ભજવી બતાવે તો બલિહારી એની. આપણે તો કારભારી જ જોવે છેના !”

સોમેશ્વરદેવના તેડાવ્યા. બેઉ ભાઈઓ આવ્યા ત્યારે લવણપ્રસાદને પહેલી જ નજરે બે આશ્ચર્ય થયાં: એક તો આ પચીસ-ત્રીસ વર્ષના યુવાનો હતા. ને બીજું એ બેમાંથી એકેય પોતે કલ્પેલો તેવો વિકરાળ નહોતો. રાજ સામે માથું ઊંચકનારાના મોં પર કરપીણતા, કુટિલતા ને ભયાનકતા હોવી જોઈએ એવી એની માન્યતા હળવીફૂલ બની.

વધારામાં એ બન્ને જણા વિનય ધરીને ઊભા રહ્યા.

આ છોકરાઓ ! – મોંમાં માનું દૂધ ફોરે છે તેવા આ રૂપકડાઓ ! આ બાપડાઓ કારભારું કરશે? કે લેખાં જ લખશે?

બેઉના ચહેરાને ડોસાએ ધારી ધારીને નિહાળ્યા. ક્યાંઈક જોયા લાગે છે. ધીરેધીરે યાદ આવ્યું. આ તો આસરાજ અને કુંઅરબાઈના દીકરા ! બારેક વર્ષ ઉપર ભણવા જતા હતા ત્યારે ચીડવેલા એ જ ! પણ હમણાં ઓળખાણ પાડવી નથી.

લવણપ્રસાદે આ યુવાનોની ખ્યાતિ ગાનારા સોમેશ્વરદેવ તરફ રમૂજભરી નજરે તાક્યું. "પેલો સદીક કે શંખ આ બેઉને તો અક્કેક બગલમાં દાબીને ભીંસી નાખશે, દેવ” એ એની દ્રષ્ટિનો મર્મ હતો.

“કેમ, શેઠિયા !” લવણપ્રસાદે પોતાની મૂછના પટા ઝાટકતે ઝાટકતે બેઉ ભાઈઓને સંબોધ્યું: “ધોળકામાં રહેવું તો છેને?”

બેઉમાંથી એકેયનો જવાબ ન મળ્યો, એટલે લવણપ્રસાદે વધુ દમ ભીડ્યો –

"બાયડીઓ ઉપર કટક લઈ આવવાનો તાકડો ઠીક સાધ્યો, ખરુંને?” વસ્તુપાલે સહેજ સ્મિત મોં પર લાવીને જવાબ વાળ્યો: “મહામંડલેશ્વરે અમને જો શબ્દોની પટાબાજી રમવા તેડાવ્યા હોય તો અમે લાચાર છીએ કે અમને અમારી માતાએ એ કળા શીખવી નથી. બીજું કાંઈ કામ હોય તો. ફરમાવો, અમે સેવકો છીએ.”

"રાણાજીનું એમ કહેવું છે, શેઠ," સોમેશ્વરદેવે વાત ઉપાડી લીધી, “કે જો રાજવહીવટના દોષો તમને ખરેખર આત્મભાવે ખટકતા હોય, તો તમે પોતે જ વહીવટ કરીને બતાવી આપો.”

"ગુરુદેવ!" વસ્તુપાલે અજાણ્યા થઈને પૂછ્યું, “એવું ફક્ત આપ કહો છો. કે મહામંડલેશ્વર પોતે કહે છે?”

“હું કહું છું હું, જવાબ આપોને!” લવણપ્રસાદની આંખો ખોટેખોટી ઠરડાયેલી હતી.

"તો પહેલાં તો બાપુ અમારી સામે જોઈને વાત કરે.” વસ્તુપાલનો સ્વર પણ સહેજ કડક બન્યો.

લવણપ્રસાદે નજર સીધી કરી એટલે વસ્તુપાલ બોલ્યોઃ “જુઓ બાપુ, આજ યુગ પલટી ગયો છે. મહારાજ કુમારપાળનો દેહ સ્મશાને વળ્યા પછી રાજાપ્રજા સૌની મતિ પર તાળાં દેવાઈ ગયાં છે. આજે એ રાજાય નથી, તેમ એ પ્રજાય નથી.”

લવણપ્રસાદને ખાતરી થતી ગઈ કે આ વાણિયા પ્રથમ કલ્પેલા તેવા સાવ છોકરા તો નથી ! એણે કહ્યું –

"હા, પછી?"

"પછી તો બાપુ, વાત એમ છે કે જો રાજાએ નિરાંતે રાણીવાસમાં પડ્યા રહીને ભોગવૈભવ માણવા હોય, મંત્રીઓનું કામ જો રાજવિલાસને માટે ધનભંડારો જ ભેગા કરાવવા માટે હોય, તો તે અમારી શક્તિ કરતાં ઘણું વધુ મોટું કામ છે.”

“તો તમારી શક્તિ શું કામ કરી શકે તેમ છે?”

“દુષ્ટોને દંડ દેવો હોય, અન્યાય પામેલાઓનો ન્યાય તોળાવવો હોય, ગુર્જર દેશનું મૂર્છિત આત્મભાન પાછું જગાડવું હોય, તો અમારી સેવા સોંપવા હાજર છીએ.”

લવણપ્રસાદ સહેજ લેવાયા. એટલે સોમેશ્વરદેવે ત્રાગ સાંધ્યોઃ “ને જે બોલો છો. તે ન પાળી શકો તો દંડ શો દેવાનો રહેશે એ જાણો છો, શેઠ”

"ગુજરાતની આજની અવદશા જોતાં એ જાણવું અઘરું નથી. બહુ બહુ તો અમને લૂંટી લઈ શકાય.”

“તો લો આ સ્વર્ણમુદ્રા.” રાણા લવણપ્રસાદે ઊઠીને મંત્રીપદની મહોર લાંબી કરી. “થોભો, બાપુ !” વસ્તુપાલે ફરી સ્મિત કર્યું.

"કેમ? શી વાર છે?”

“વાર ફક્ત એટલી જ કે પહેલાં આપ અમારા ઘરની સમગ્ર સંપત્તિની ટીપ કરી લ્યો.”

"શા માટે?”

“એટલા માટે કે રાજાઓનાં કાન હોય છે કાચાં; દુર્જનોના હોઠને ને રાજાઓના કાનને બહુ બનતી હોય છે, તે દહાડે કોઈ અમારા સામે કાન ભંભેરે તો તે દિવસ અમારી આજની સંપત્તિથી વિશેષ જેટલું અમારા ઘરમાંથી નીકળે તેટલું રાજનું સમજવું.”

"ને બાકીનું?’

"બાકીનું રાજા દંડ લેખે આંચકી લઈ શકે. એથી વધુ નહીં.”

“ઠીક છે. ટીપ તો કરશું, તમે જ કહોને કેટલી સંપત્તિ છે?”

“બે લાખ દ્રમ્મ."

"કબૂલ છે.”

“તો કરી આપો લખત, લાવો મુદ્રા, અને મહારાજ –"

"હું મહારાજ નથી, ભાઈ !” લવણપ્રસાદ સહેજ દીન બન્યો, “ગુજરાતનો મહારાજાધિરાજ આજે કોઈ નથી.”

“તો અમને આપની વૃદ્ધની આશિષ આપો રાણાજી, કે અમે ગુજરાતનો ધ્વજધારી મહારાજાધિરાજ ફરી ખડો કરીએ.”

"વસ્તુપાલ, તેજપાલ !” લવણપ્રસાદનો અવાજ ભારે થયો, “આશિષો તો મારા હૈયામાં એકેય નથી રહી. હું તો ચોગરદમ કાળ-અંધારાં ભાળી રહ્યો છું. પણ મારી આશિષ તો મારી આ તલવાર છે. તમને જ્યારે તલવારનો ખપ પડે ત્યારે કહેજો, હું આ એકના એક દીકરાને સૌની આગળ જુદ્ધમાં ઓરીશ; એ પીઠ ફેરવશે તો એની પીઠ હું ઝાટકે ફાડીશ. ને હું તો એવા એક દિવસની જ વાટ જોઈ બેઠો છું, જે દિવસ ગુર્જર દેશને માટે આ કાયાના કટકા થાય.”

"મહારાજ – રાણાજી, બસ બસ. આશિષો પહોંચી ગઈ.” એમ કહેતા બેઉ લવણપ્રસાદના પગમાં નમ્યા.

"બોલો ત્યારે,” લવણપ્રસાદે પૂછ્યું, “કામની વહેંચણી કેવી રીતે કરશો?”

“તેજપાલને સેનાધિપતિ નીમો."

"સેનાધિપતિ?” લવણપ્રસાદને નવાઈ લાગી, “શેઠ, તમે લડવા જઈ શકશો?" "ત્યારે બાપુ, તમને બાપદીકરાને મરવાનું સોંપીને અમે અહીં બેઠાં બેઠે સત્તા ચલાવશું?” પહેલી જ વાર તેજપાલની વાચા ઊઘડી, “આપ મને કહો, સૈન્ય કેટલું છે?”

મૂંગો બેઠેલો વીરધવલ ઝંખવાયો, એણે આજ્ઞા દીધી: “બોલાવો જેહુલ ડોડિયાને, સોમવર્મા સોલંકીને અને ક્ષેત્રવર્મા ગુલને.”

સૈન્યના એ ત્રણ અધિકારીઓ હાજર થયા, ને તેમને પૂછતાં માહિતી મળી કે સૈન્ય જેવી કોઈ ચીજનું રાજમાં અસ્તિત્વ નહોતું.

"ક્યાં મૂઆ પાટણથી મેં મોકલ્યા'તા તે બધા?” લવણપ્રસાદ કચવાયો.

“રજા લઈને ગયા તે પાછા જ ન આવ્યા.” જેહુલ બોલ્યો.

“કેમ?”

"પગારો ચડી ગયા હતા.”

"પગાર કોના હસ્તક ચૂકવાતાં ?”

“વામનદેવને હાથે.” :

“ઠીક, બાપુ !” વસ્તુપાલે કહ્યું, “હમણાં એ વાત પડતી મૂકો. ને ડોડિયા અત્યારે પગાર કોણ ચૂકવે છે? ક્યારે ચૂકવાય છે?"

જેહુલ નીચે જોઈ ગયો. પગાર કોઈ ચૂકવતું જ નહોતું !

“કાંઈ ફિકર નહીં, ડોડિયા, તમે ત્રણેય જણા પછી મને મળજો.” તેજપાલે મનમાં એક ગુપ્ત નિશ્ચય કરી લીધો, “આપણે ભરતી કરવાનું તો આદરી દઈએ.”

"ને વસ્તુપાલ શેઠ, તમે?”

“મારી તો પછી અહીં શી જરૂર છે ”

"ત્યારે?”

“મને સ્તંભતીર્થ આપો.”

"એ ભૂખડી બંદરની શું વેકૂરી ભેગી કરશો?"

"ખંભાતની તો વેલૂરી પણ મહામૂલી, બાપુ.”

"પણ ત્યાં તો સદીક શેઠ બેઠો છે. મનેય જવાબ દેતો નથી.”

"આપને ન દે, પણ વેપારી વેપારીને જવાબ દે ! અમે એકબીજાની ભાષા સમજીએ ખરાને, બાપુ!”

“રહેવા દોને શેઠ, નંદવાઈ જશો.”

“આપો તો ખંભાત આપો.”

“આપ્યું.”

"ઘણી ખમ્મા, હવે આપ સુખેથી પાટણ પધારો. અને કૃપા કરીને હમણાં બહારના કોઈ શત્રુને છંછેડશો નહીં, પાટણનું જેમ ચાલી રહ્યું છે તેમ ચાલવા દેજો.”

રાજગઢમાંથી બહાર નીકળતાં બેઉ ભાઈઓએ વિચાર કર્યો: “જેતલબાને પગે લાગતા જઈએ.”

રાણીવાસમાં જતાં તેમણે પુરુષોની કતારોની કતારો જોઈ આશ્ચર્ય અનુભવ્યું. માથે બેડાં લઈને પાણી ભરતા પુરષો, વાસીદું કાઢવા.રોકાયેલા કુડીબંધ પુરુષો, રસોઈ કરવામાં જોઈએ તે કરતાં દસ-દસગણા પુરુષો, ધોણ્યો ધોવા જતા પાર વગરના પુરુષો – નિસ્તેજ ચહેરા, દરિદ્રી શરીરો, દગડી મનોવૃત્તિ, સામસામાં શોરબકોર, શિસ્તહીન, વ્યવસ્થાહીન ટોળાં ને ટોળાં ! તેમના ઉપર તમાચા ને ગડદાપાટુથી બેપાંચ રાજપૂતો કામ લઈ રહેલ છે.

"જેહુલ ડોડિયા!” તેજપાલે પૂછ્યું, “આ બધા કોણ, વંઠકો છેને? આટલી મોટી સંખ્યા?”

"હા જી, પહેલાં તો એ બધા ફોજમાં હતા, કેટલાક કોટવાળીમાં હતા, પણ ગઢમાં જરૂર પડતી ગઈ તેમ તેમ આંહીં લેવાતા ગયા.”

જેતલબાને વરધી અપાઈ, પોતે કંકાવટી-ચોખા તૈયાર કરાવીને ઊભાં રહ્યાં.

“બા,” વસ્તુપાલે રાણીનો ચાંદલો લેતાં પહેલાં કહ્યું, “અમે કારભારું લીધું છે, તે તમારી લાગણી પર ભરોસો રાખીને. પહેલાં તો તમને પૂછી લઈએ, કે બાપુએ અમને આંહીંની કુલ સત્તા સોંપી છે તેમાં તમારી પૂરેપૂરી સંમતિ છે ખરી ?”

"મારી સંમતિ તો એક જ શરતે દઉં.”

“કહો, બા.”

"કે વણથળી ભાંગવા તમારે ચડવું પડશે.”

“વામનસ્થલીની વાત કરો છો, પણ આ પાંચસો માણસોને ગોલા બનાવીને ગઢમાં પૂરી રાખેલ છે એનો તમે કોઈ વિચાર કર્યો? લશ્કર ક્યાં છે આપણે ઘેર?”

“ગોલાને ને લશ્કરને શું?”

“બા, અમારે રાજગઢ ભાંગીને લશ્કર કરવું છે. ગોલાને સુભટો બનાવવા છે. દસથી વધુ એકેય વંઠક નહીં રાખવા કબૂલ થાઓ છો? હાથે કામ કરી લેવું પડશે.”

"છ મહિને વંથળીનો કોટ તોડવા કબૂલ હો તો હું કબૂલ છું.”

"તે દિવસ તો આપને મોખરે કરવાં પડશે.”

"હું મોખરે જ હાલીશ.”

“તો છ મહિનાની મુદત ન નખાય; વામનસ્થલી તો કોણીનો ગોળ છે, બા !”

"છ મહિને કે છ વર્ષે, પણ છો કબૂલ? મારાથી રાણાનાં મહેણાં સહેવાતાં નથી એથી તો પિયરની દ્રશ્ય બંધ થઈ જ ભલી” કહેતાં કહેતાં રાણીની આંખે જળ દેખાયાં.

“આ કોણ, ગઢનો વંઠક છે." તેજપાલે આડી વાત નાખવા વીરમદેવ કુંવરનું ઘોડિયું ખેંચતા જુવાનને જોઈ પૂછ્યું.

"હા, એલા ભૂવણા આંહીં આવ.” જેતલદેવીએ વંઠકને બોલાવ્યો, “આણે શાં પરાક્રમ કર્યાં ખબર છે? તમારા રાણા બે'ક મહિના પહેલાં ચંદ્રશાળા(અગાશી)માં પોઢ્યા હતા, અને આ પગ ચાંપતો હતો. અજવાળી રાત હતી. રાણાએ માથા ઉપર પિછોડી ઓઢી હતી. આ બહાદરે માન્યું કે રાણો પોઢી ગયા છે. એટલે હળવે હાથે રાણાના પગને અંગૂઠેથી રતનજડાઉ કરડો કાઢી લીધો, કાઢીને મોંમાં મૂકી દીધો. રાણાએ તો છાનામુના પોઢી ગયા હોવાનો જ ઢોંગ ચાલુ રાખ્યો. આને કાંઈ કહ્યું નહીં. રાણાએ તાલ જોવા બીજે દિવસ પાછો બીજો જડિત કરડો પગમાં પહેરી લીધો; પાછા પગ ચંપાવતા ચંપાવતા પોઢી જવાનો ઢોંગ કરીને માથે ઓઢી પડ્યા. રહ્યા, એટલે આ બહાદરે પાછો બીજો કરડો સેરવવા માંડ્યો. ત્યારે પછી રાણાએ પડ્યાં પડ્યાં કહ્યું કે ભા, હવે રહેવા દે. હવે ત્રીજો પહેરવા રહ્યો નથી” એમ વાત પૂરી કરીને જેતલદેવી હસવા લાગ્યાં.

"પછી એને દંડ શો દીધો. રાણાજીએ, હેં બા?”

"હું તો રાણા આવ્યા ત્યારે એને ફટકારવાનું કહેવા ગઈ, પણ તમારા રાણાએ જ મને સંભળાવ્યું કે, તારો ભાઈ રાજનો ધણી તોય બેનને બાવી કરી જરજવાહિર ઉપાડી ગયો, તો આ તો કંગાલ વંઠક છે ! ક્યાં મોલાતો ચણાવવાનો હતો? ક્યાંક એનાં માવતર કે ભાંડરુ ભૂખે મરતાં હશે એને પેટ રોટલો પહોંચાડત કે બીજું કાંઈ? એમ કહીને ઊલટાનો એનો દરમાયો વધારી દીધો છે. લ્યો ભાઈ, આવા રાજાના તમે મંત્રી થયા છો, એટલે મારે કંકુ ચોખા ચોડ્યા વગર છૂટકો છે કાંઈ?”

રાણા વીરધવલે પાછલા રવેશને રસ્તેથી પ્રવેશ કરતે કરતે કહ્યું: “સોરઠની દિકરી રાજરાણી, ને તેમાં ભળ્યા વાણિયા મંત્રીઓ !"

"પછી તો કારસ્તાન રચાય જ ને, બાપુ !" વસ્તુપાલે વાક્ય પૂરું કરી આપ્યું.

પણ તેજપાલની નજરમાંથી ભૂવણો ગોલો હજુ ખસતો નહોતો.

"બાને વાંધો ન હોય તો એ વંઠકને હું લઈ જાઉં.” વસ્તુપાલે માગણી કરી.

“ચોરને"

“વીર બનાવીશ.” વસ્તુપાલે ધીમેથી કહ્યું.

"આપે તો સાંભળ્યુંને?” જેતલદેવીએ વીરધવલને કહ્યું, “આપના નવા કારભારીઓ ગોલાનું લશ્કર ઊભું કરવાના છે.” "જે ધણી પોતાના પગમાંથી બબ્બે વાર કરડા કાઢી લેનાર ગોલાનાં ભૂખ્યાં માવતર સુધી નજર પહોંચાડી શકે, એનો વિશ્વંભર સહાયક સમજજો, બા!” વસ્તુપાલનું અંતઃકરણ આશાના તોરમાં આવી ગયું.

"ત્યારે હું જેહુલ ડોડિયાને કહી દઉં છું, બા,” તેજપાલે પોતાનો મુદ્દો લાવી પાછો ઊભો રાખ્યો, “કે આ ધાડિયાને લશ્કરમાં લઈ જાય."

જેતલદેવીને આ વણિકોની અક્કલ ઉપર હસવું આવ્યું.

રાજકોષનો અને શાસનનો કબજો કરીને બેઉ ભાઈઓએ મંત્રણા કરી. વસ્તુપાલે યોજના બતાવી: “પહેલાં તો તમામ જૂના અધિકારીઓનાં ખાતાં તપાસો ને એમણે દબાવેલી રકમની કડક વસૂલાત કરો.”

“પહેલાં તો એ સર્વના શિરોમણિ લુંટારા વામનને...” તેજપાલને મોંએ એ નામ ચડ્યું.

“નહીં, એક વામનને છોડીને બીજાઓને. તું ઉતાવળો ન થા. વામન બ્રાહ્મણ છે. આપણા કારભારને પ્રારંભથી જ જ્ઞાતિધર્મની પક્ષાપક્ષીનું સ્વરૂપ અપાઈ જશે.”

“બરાબર.” ઉતાવળિયા તેજપાલની સરલતા એકદમ માની ગઈ.

"પછી દંડીએ પરગણાંના પટ્ટકિલોને, જેઓ રાજની ઊપજ ઓળવીને બેસી ગયા છે.” વસ્તુપાલે બીજો મોરચો બતાવ્યો.

"ને તે પછી સૌરાષ્ટ્રને.”

“ના. હમણાં એ દિશાને આપણે જાણે ઓળખતા જ નથી એવો દેખાવ કરવાનો છે.”

"કેમ?”

“આજે તો એ વાજાઓ, ચૂડાસમાઓ અને વાળાઓને વામનસ્થલીવાળાઓએ ચેતાવી રાખેલ હશે, આજે ન પહોંચાય. એ બધાને કસુંબા પી લેવા દે હમણાં. આજે તો જેમ જેમ જૂના અધિકારીઓ અને પટ્ટકિલો પાસેથી નાણાં આવતાં જાય તેમતેમ તું સૈન્ય-ભરતી કરવા માંડ. બાર મહિનાની મુદત આપું છું. મને બાર મહિને સૈન્ય દેવું પડશે.”

“કેટલું?”

"બસો-અઢીસો લડવૈયા"

“બસ!”

“હા, ને એનેય મારે કાંઈ કોઈ યુદ્ધમાં ઓરી દેવા નથી. એક પણ માણસનું માથું ચૂકવતા પહેલાં આપણી બુદ્ધિએ નિચોવાઈ જવું જોઈએ. લશ્કરમાંથી બધા ભરરર ભટ કરતાં કેમ ભાગી ગયા તે જાણછને? કારણ કે લશ્કરના હજારો-લાખોને રાજધણીની કે સેનાપતિની એકાદ ધૂન ખાતર યમને દાતરડે હૂંડાં માફક વઢાઈ જવું પડે છે. માટે જ મેં એવી યોજના મૂકી છે કે જેમાં કોઈ લડાઈ કરવાની જરૂર નથી ને નાણું વસૂલ થવાનું છે. એ નીતિનું ફળ છ જ મહિને જોશું. પ્રત્યેક માણસની જિંદગી આપણે મન મોંઘી છે એમ જે ઘડીએ ગુજરાતના ગરીબ માવતરો જાણશે તે ઘડીએ જ ધોળકામાં સૈનિકોનાં પૂર ઊમટશે.” બોલતાં બોલતાં ત્રીશ વર્ષના વસ્તુપાલની આંખો આત્મશ્રદ્ધાનાં સ્થિર તેજે ચમકી રહી. “ને પેલા રાજગઢના વંઠક ભૂવણાને જો સુભટ બનાવી આપે, તો હું માનું કે તું સેનાપતિ થવાને લાયક છે. જેહુલ ડોડિયો, ક્ષેત્રવર્મા અને સોમવર્મા ખરા સાચવવા જેવા ક્ષત્રિયો છે, એ તેં જોયું?”

“કેમ?”

"પાછલા અધિકારીઓ વિશે આપણે પૂછેલા સવાલોના ટૂંકા જવાબો આપવા સિવાય કશી જ ચાડીચુગલી કે રોદણાં રડવાની નબળાઈ બતાવી? એ એક જ ચિહ્ન બસ હતું. એમને સાચવીને ચાલજે. અને...” વસ્તુપાલ મંત્રીમંદિર તરફ જતે તે કાંઈક કહેતો કહેતો રહી ગયો, “કઈ નહીં લે.”

“શું કહેવા જતા હતા? કહો. હું ઉતાવળિયો છું એમ ફરી કહેવા જતા હતાને?” તેજપાલે સ્મિત કરીને પૂછ્યું.

“ના, એથી કંઈક વધુ કડવું, પણ હવે અત્યારે કાંઈ નહીં.”

વસ્તુપાલના હોઠે આવેલા બોલ હૈયે ઊતરી ગયા; એને ઘેર બેઠેલી અનોપ વહુ યાદ આવી હતી; એને ખબર પડી ગઈ હતી કે છ મહિનાથી અનોપ આવી છે અને છતે ધણીએ રંડાપો ગાળે છે, કેમ કે એ સહેજ શામળી છે.

ના, કદાચ એ કરતાં એક વધુ સબળ કારણ છે. અનોપ વધુ બુદ્ધિવંતી છે ! ધણીને વધુમાં વધુ ઈર્ષ્યા પોતાના કરતાં વધુ અક્કલવાન સ્ત્રી ઉપર સળગતી હોય છે એવું જ્ઞાન એણે પાટણની પાઠશાળામાં મેળવ્યું હતું. પણ પોતે આજે કંઈ કહેવાની સ્થિતિમાં ક્યાં હતો? પોતે તો બે રૂપસુંદરીઓને પરણીને બેઠો હતો !

પણ તે દિવસ રાત્રિએ એણે જોયું કે તેજપાલની પથારી રોજની માફક બહાર નહોતી. પત્નીના પ્રતાપે મંત્રીપદ પામેલો તેજલ કંઈક કૂણો પડ્યો લાગ્યો.