ગુજરાતનો જય/નિવેદન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગુજરાતનો જય
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
વૈર અને વાત્સલ્ય →


નિવેદન

ખંડ 1

[પહેલી આવૃત્તિ]

બેએક વર્ષ પર વડોદરાની વાર્ષિક વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ લેખે મારો અને મુનિશ્રી જિનવિજયજીનો ત્યાં ભેટો થયો હતો, ત્યારે તેમણે મારા હાથમાં કેટલાએક નવા ગ્રંથો મૂક્યા હતા. આ ગ્રંથો શાંતિનિકેતનના વિશ્વભારતીની શ્રી સિંઘી જૈન જ્ઞાનપીઠ તરફથી મુનિજીએ સંશોધિત-સંપાદિત કરેલા પ્રાચીન સંસ્કૃત પ્રબંધોના સંગ્રહો હતા. મુનિશ્રીની સમજણ એવી હતી કે એ ગ્રંથમાલાના ગ્રંથોની નોંધ મારે 'જન્મભૂમિ'ની 'કલમ-કિતાબ'ની કટારોમાં લેવાની છે.

વિવેચનક્ષેત્રમાં ફક્ત પાંચ જ વર્ષની પગલીઓ માંડતા મારા જેવા અલ્પજ્ઞને એક સુખ્યાત વિદ્વાનનાં આવાં મૌલિક સંપાદનો સમીક્ષા લેવા મળે, એ મોટું માન મળ્યા બરોબર હતું. ઘેર આવી મેં હોંશે હોંશે આ ગ્રંથોનાં પાનાં ફેરવ્યાં. પરંતુ, મારા મગજની સ્થિતિ તુંબડીમાં કાંકરા ભરાયા જેવી થઈ.

સંસ્કૃત સાહિત્યનાં છેલ્લાં દર્શન તો મેં 1917ના ઉનાળામાં જે દિવસે મુંબઈ યુનિવર્સિટીનો બી.એ.નો સંસ્કૃત પ્રશ્નપત્ર પતાવ્યો હતો તે દિવસે જ કર્યા હતાં. તે પછીના સદંતર અ-દર્શને મારા સંસ્કૃત જ્ઞાનને ઓલવી નાખ્યું હતું. અનુવાદ વગરના આ સંસ્કૃત પ્રબંધપાઠમાં ચંચુપાત કરવાની મારી અશક્તિ કબૂલી લઈને મેં એ મૂલ્યવાન ગ્રંથોનો માત્ર “સ્વીકાર નોંધીને જ “કલમ-કિતાબમાં પતાવ્યું, ને મેં માની લીધું કે આટલેથી જ આ ભેંસ આગળનું ભાગવત ખતમ થયું!

તે પછી છેક ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં મારો ને મુનિશ્રીનો મેળાપ માટુંગામાં એમના નિવાસસ્થાને થયો.

કોણ જાણે કેટલાયે ઊંચા નંબરના ચશ્માં ચડાવીને આ વિદ્વાન ઝીણાં ઝીણાં પ્રૂફ છેક આંખો પાસે માંડીને તપાસતા હતા. બારી સામે સૂર્ય ઊગતો હતો. બીજે ક્યાંય મેં કદી ન દીઠેલું એવું એક નવી રચનાનું મેજ તેમની છાતી સુધી પહોંચતું હતું. મેં પૂછ્યું: “આ ટેબલની રચના કઈ જાતની?”

"શું કરું, ભાઈ!” એમણે કહ્યું, “આંખોનાં જળ ઊંડાં ગયાં છે. સૂર્ય જેમ જેમ એની ગતિ ફેરવતો રહે છે, તેમ હું પણ આ બારી સામે ટેબલને ફેરવ્યું જાઉં છું. પ્રૂફો વાંચવાનો પાર નથી આવતો. તમને જે આપેલા. તેના જેવા પ્રબંધોના તો ગંજેગંજ પડ્યા છે, પણ તેનો ઉદ્ધાર કોણ કરશે?”

પ્રબંધસંગ્રહનો ઉલ્લેખ સાંભળી હું શરમાયો; મેં એમને ખુલાસો કર્યો કે, “મારું સંસ્કૃત ભાષાજ્ઞાન એટલું કટાયેલું ને અણખેડાયેલું છે કે હું પ્રયત્ન કરવા છતાં એ પ્રબંધો વાંચી ન શક્યો.”

"પણ પ્રબંધોનું સંસ્કૃત કેટલું સહેલું છે તે બતાવું? જુઓ."

એમ કહી એમણે વસ્તુપાલ-તેજપાલનો જ પ્રબંધ ખોલીને, લવણપ્રસાદ, દેવરાજ પટ્ટકિલ ને મદનરાશવાળો એક જ ફકરો વાંચી સંભળાવ્યો, કે જેના આધારે આ વાતનું પહેલું પ્રકરણ મંડાયેલું છે.

બે વાતે હું વિસ્મયમાં ડૂબ્યોઃ એક તો એ પ્રબંધની ભાષાકીય સરળતાની ચાવી જડી તેથી, ને બીજું એ પ્રસંગની ઉદાત્તતાથી.

મને એમણે કહ્યું: “આવા આવા તો પાર વગરના પ્રસંગો આ પ્રબંધોમાં પડ્યા છે – ખાસ કરીને વસ્તુપાલ-તેજપાલના પ્રબંધોમાં. આપણે આજ સુધી એ બે મંત્રીઓને કેવળ દાનેશ્વરી શ્રાવકો લેખે જોયા છે; એના ફરતો ગૂંથાયેલો ગુજરાતના પુનરુદ્ધારનો બહુરંગી ઇતિહાસ જાણ્યો નથી, વાર્તામાં ઉતાર્યો નથી; મેં મુનશીજીને પણ આ કહી જોયું હતું, પણ એમને હવે ફુરસદ નથી.”

એ એક જ પ્રસંગના સંસ્કૃત વાચનની ચાવી લઈ હું ઘેર આવ્યો. તે પછી. મેં પ્રબંધોના અર્થો એ ચાવી વડે બેસારવા માંડ્યા. ફરી ફરી પ્રબંધો વાંચ્યા, તેમ તેમ તો એ સંસ્કૃત, લોકસાહિત્યની વાણી સમું સરલ ને મીઠું થઈ પડ્યું. અને ગુજરાતના પુનરુદ્ધારના એ શેષ દીપક જ્યોત સમા સમયની આસમાની મારા હૃદય પર છવાતી ચાલી. પરિણામ – આ વાર્તા.

વાર્તાનું એક પણ પાત્ર કલ્પિત નથી. વાર્તાના લગભગ બધા જ મુખ્ય પ્રસંગોને પ્રબંધોના આધારો છે; મારી કલ્પના તો એ પ્રબંધમાં અંકિત ઘટનાઓને બહેલાવી તીવ્ર બનાવવા પૂરતી જ મેં વપરાવા દીધી છે.

આ પ્રબંધોની સામગ્રીમાં બીજાં આનુષંગિક પ્રકાશનોના વાચનથી પણ ઉમેરણ અને સંસ્કરણ થયું છે. મારી દ્રષ્ટિનો દોર બે-ચાર વ્યક્તિગત પાત્રો પર નહીં, પણ મને સાંપડેલા પ્રસંગોમાંથી ઊપસી આવતા એ પુનરુદ્ધારના સામૂહિક મહાપ્રયત્ન પર જ બંધાયો હતો.

એટલે એ સમગ્ર કાળપટને આલેખવા બેસતાં મારે બે ખંડો પાડ્યા વગર ઉપાય ન રહ્યો. પ્રથમ ખંડમાં તો ગુજરાતના એ પુનરુદ્ધારકો હજુ પ્રવેશદ્વારે ઊભેલ છે. બીજા ખંડમાં ગુજરાતના પુનર્નિમાણનાં શૃંગો અને તેના પતનની કંદરાઓ, બેઉ રજૂ થશે. બીજા ખંડમાં પ્રબંધમાન્ય તેમજ સમકાલીન લેખકોએ સ્વીકારેલ સમગ્ર એક ઘટના-પરંપરાની ઈમારત ચણાશે. એમાં પણ મારી કલ્પના ઓછામાં ઓછું સ્થાન લેશે, વધુમાં વધુ ઇતિહાસની જ ચણતરસામ્રગીને મળશે.

પ્રબંધાદિક ઐતિહાસિક આધારોની છણાવટ કરતી એક સવિસ્તર પ્રસ્તાવના બીજા ખંડમાં આપવી છે.

પૂઠા પરનું ચિત્ર મારા ભત્રીજા શ્રી લાભચંદ મેઘાણીનું દોરેલું છે.

26-4-1940
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

આ પ્રકટ થાય છે ત્યારે 'ગુજરાતનો જય' ખંડ બીજો પણ વાચકોને મળી ચૂક્યો છે. બે ક્ષત્રિય વીરો, બે વણિક વીરો, એક બ્રાહ્મણ અને બે નારીઓ – એવાં સાત મુખ્ય પાત્રોએ પોતાનાં પરાક્રમ, શીલ, શાણપણ, અને સમર્પણ કરી સઘન અંધકારમાંથી અજવાળેલો વિક્રમના તેરમા સંવત્સરની છેલ્લી પચીસીનો ગુર્જર દેશ આ બંને ખંડ દ્વારા આપણને પહેલી જ વાર ઓળખવા મળે છે, એમ કહું તો અત્યુક્તિ નથી. વસ્તુપાલ-તેજપાલને વિશે ઘણાં વર્ષો પૂર્વે બેએક નવલકથાઓ બહાર પડેલી, પણ તેમાં આજની આપણી ઇતિહાસદૃષ્ટિ માગે છે તેવું યુગનિરૂપણ નહોતું. વસ્તુપાલ-તેજપાલ આજ પર્યંત કેવળ એક ધર્મ-સંપ્રદાયના ધુરંધર દાનેશ્વરીઓ લેખે જ રજૂ થયા છે. આપણે આજે તેમને સાંપ્રદાયિકતાના ચોકઠામાંથી કાઢી માનવતાના મહાભુવનમાં પધરાવી શક્યા છીએ. મારા જીવનનું એ એક ઊજળું પર્વ છે.

પહેલા ખંડના નવસંસ્કરણમાં એક મહત્ત્વનો ફેરફાર પ્રકરણ ત્રીજાના નવેસર આલેખનથી થયો છે. પહેલી આવૃત્તિમાં આસરાજ-કુંઅરદેવીની પ્રેમઘટના મૂળ ઇતિહાસ-સામગ્રીનો આધાર રાખીને મેં મારી કલ્પનાથી ઘટાવી હતી. તે પછી ભાઈશ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે મારા હાથમાં 'જૈન સાહિત્ય સંશોધક' નામના એક ત્રૈમાસિકનો સં૦ 1983 નો એક અંક મૂક્યો, જેમાં 'મહામાત્ય વસ્તુપાલતેજપાલના બે રાસ' એ મથાળે, શ્રીલક્ષ્મીસાગરસૂરિ તથા પાર્શ્વચંદ્રસૂરિ નામના વિક્રમની સોળમી ને સત્તરમી સદીમાં થઈ ગયેલા જૈન સાધુઓના રચેલા બે રાસ જોવામાં આવ્યા. આ રાસમાં કુંઅરદેવીનું અપહરણ આસરાજે એક સાંઢણી પર કર્યાની રોમાંચક કથા છે. આ કથાનો આધાર લઈ મેં પ્રથમ ખંડના એ પ્રકરણનું આલેખન નવેસર કર્યું છે.

20-12-1942
ઝવેરચંદ મેઘાણી
 
[ત્રીજી આવૃત્તિ]

બે ક્ષત્રિય પિતાપુત્ર, બે વણિક ભાઈઓ અને એક બ્રાહ્મણ, એ પાંચેય મળીને સિદ્ધ કરેલા ગુર્જરદેશના પુનરુદ્ધારની આ કથાને ત્રીજી આવૃત્તિમાં પ્રવેશ કરતી જોઈને હું કૃતાર્થતા અનુભવું છું. સત્તાપ્રાપ્તિની મેલી કોમી કે સાંપ્રદાયિક ખેંચતાણ અથવા સ્પર્ધાનો સદંતર અભાવ, એ આ કથાના કાળને સમસ્ત ગુર્જર ઇતિહાસમાં વિશિષ્ટ અને વંદનીય બનાવે છે. ગુજરાતનો આ જય એ જો કેવળ શસ્ત્રજય હોત, પ્રપંચજય હોત, ગુમાવેલા પ્રદેશોની પુનઃપ્રાપ્તિનો અથવા તો નવા પ્રદેશોની પચાવગીરીનો જય હોત તો એને હું 'ગુજરાતનો જય' ન કહેત. આ તો હતો સંસ્કારિતાનો જય.

બે વર્ષે ફરીવાર હું આ કથા વાંચી ગયો છું અને એની અંદર મેં સીંચેલી મંગળ ઊર્મિઓમાં હું પુનઃ પુનઃ ભીંજાયો છું. હજારો વાચકો આમ ભીંજાયા હશે એવા વિચારથી મેં મારા જીવનની થોડીએક ધન્યતા અનુભવી છે.

ત્રીજો ખંડ મારે લખી નાખવો જોઈએ એમ અત્યારે ઉત્કટતાપૂર્વક લાગે છે. બીજા ખંડમાં છેડે જે જુદો ઇતિહાસ આપીને જ પતાવ્યું છે એ બરાબર નથી. આશા રાખું કે મા સરસ્વતી 1945ની જ સાલમાં એ મનોરથને સફળ કરવા શક્તિ દેશે.

1944
ઝવેરચંદ મેઘાણી
 


ખંડ 2

'ગુજરાતનો જય’ ખંડ પહેલા પછી બે વર્ષે આ અનુસંધાન શક્ય બને છે. એ બે વર્ષ મારા અંતર પર એક ભારે બોજો રહ્યા કર્યો હતો.

ગુર્જરરાષ્ટ્રના ઇતિહાસનું તેમ જ જીવી ગયેલા થોડાક માનવોના જીવનસંસ્કારના ઇતિહાસનું, એક મહોજ્જવલ પાનું મારાથી તો જેવુંતેવું રજૂ કરી શકાયું છે, પણ તે કોઈ સમર્થ કલમની અચોક્કસ સમય સુધી રાહ જોતું રહે તે ઠીક હતું, કે આટલું પણ અજવાળે મુકાય છે તે ઠીક છે, તે તો વાચકોના જ વિચાર પર છોડવું જોઈએ. છે. આની વસ્તુસામગ્રી જુદા જુદા પ્રબંધોમાંથી વીણી એકઠી કરી છે, અને સુવેગ, નિપુણક તથા સુચરિત નામના ગુપ્તચરોનો નિર્દેશ 'હમ્મીરમદમર્દન' નામના એક સંસ્કૃત નાટકમાંથી મળેલ છે. આ નાટક સંવત 1276થી 1286ના વચગાળામાં જયસિંહસૂરિ નામના જૈન સાધુએ રચ્યું છે. ગુજરાત પરની મુસ્લિમ ચડાઈને માર દઈ પાછી કાઢ્યાનો મહાન બનાવ વસ્તુપાલ-તેજપાલને હાથે બન્યો તેને સાહિત્યમાં અમર કરનારી આ ઐતિહાસિક કૃતિ વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની આજ્ઞાથી ખંભાતમાં પ્રભુ ભીમેશ્વરના યાત્રોત્સવ પ્રસંગે પહેલી વાર ભજવાઈ હતી. હમ્મીરનું 'મીરશિકાર' એવું નામ મેં બીજાં પ્રમાણો પરથી સ્વીકાર્યું છે.

રેવતી, ચંદ્રપ્રભા, સોમેશ્વરદેવનાં પત્ની, એ ત્રણ કલ્પિત છે. રેવતીના પાત્રને સૂત્રમાં પરોવ્યા પછી હું આગળ વિકસાવવા અશક્ત નીવડ્યો છું.

મારી વાર્તા તો વસ્તુપાલને દિલ્હીથી દોસ્તીનો લેખ લઈ પાછો વળેલો બતાવીને જ પૂરી થાય છે. કેમ કે ગુજરાતના જયનો તબક્કે ત્યાં પૂરી થાય છે.

તે પછી, પતનનાં પગરણ જુદા જુદા પ્રબંધોમાંથી તારવીને કડીબંધ કરી આપેલ કાચો માલ જ છે. એ પાનું પતનનું છે એટલા માટે જ અલગ પાડ્યું છે. ઉપરાંત એ કાચા માલનું વાતગૂંથણ વધુ જગ્યા માગી લે તેમ હતું, કે જેને માટે આ ભેટ-પુસ્તકની પૃષ્ઠમર્યાદામાં અવકાશ નહોતો. ને હવે ત્રીજો ખંડ લખીને શ્રી મુનશીના નબળા નકલકાર ઠરવાનો અને તેમ થતાં એમને, મારી જાતને તેમ જ આ ઈતિહાસને અન્યાય થવાનો ભય લાગે છે.

વિરમદેવને 'પ્રબંધચિંતામણિ' અને 'પ્રબંધકોશ' તેમ જ શ્રી ગૌરીશંકર ઓઝા સમય પ્રમાણભૂત ઇતિહાસકાર વીરધવલના મોટા પુત્ર તરીકે ઓળખાવે છે, પણ મુનિશ્રી જિનવિજયજીએ સંપાદિત કરેલ 'પુરાતન પ્રબંધમાં'ના વસ્તુપાલ-તેજપાલવાળા પ્રબંધમાં એને રાણા લવણપ્રસાદનો પુત્ર અને વીરધવલનો ભાઈ કહ્યો છે, એટલું જ નહીં પણ લવણપ્રસાદની રાણી મદનરાજ્ઞીની સાથે દેવરાજ પટ્ટકિલના ઘરમાં હતો તે પુત્ર વીરધવલ નહીં પણ આ વીરમદેવ હતો એવું વિધાન છે. હું તો આ વાતમાં જૂની સ્વીકૃત પરંપરાને જ અનુસર્યો છું.

વીરમદેવને પ્રબંધો નરદમ દુષ્ટ તરીકે જ ઓળખાવે છે. મેં એને અનાડીનું સ્વરૂપ આપી કંઈક ગેરસમજનો ભોગ બનેલા, તિરસ્કૃત પાત્રની કરુણતા આરોપી છે. કોઈપણ વાર્તામાં મહત્ત્વનું પાત્ર નરદમ નિર્ભેળ, ખલ કે દુષ્ટ લેખે જ મુકાવું ન ઘટે, પણ મનોવિશ્લેષણનો કરુણ કોયડો રજૂ કરતું બતાવવું જોઈએ એવો એક નવતર અભિપ્રાય છે. મને એ મત માન્ય કરવા જેવો લાગે છે. ઉપરાંત ગુજરાતને એકચક્રી બનાવવાની ભગીરથ સાધનામાં અનેક દુષ્ટોને, દુશ્મનોને વશ કરનારા મંત્રી બાંધવોની બુદ્ધિ વીરમદેવને જ કેમ ઠેકાણે ન લાવી શકી, છેવટ જતાં તેનો શિરચ્છેદ પણ કેમ કરાવવો પડ્યો, એ મારે મન મોટી સમસ્યા બની જતાં મેં વીરમદેવના પાત્રાલેખનથી મંત્રી-બેલડીને જે સહેજ દૂષિત કરેલ છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ બેશક નિરાધાર છે; પણ પતનનાં પગરણ માં મેં જે સીધા પ્રબંધના પ્રસંગો ઉતારેલ છે તેને આધારે વાર્તાકારની કલ્પનાને આટલી છૂટ મળવી ઉચિત છે. એ પ્રસંગો બોલે છે કે વીરમદેવ સાથે શાક્ય રમાયું હતું. લવણપ્રસાદને વિષ દઈ માર્યાની હકીકતને મુનિશ્રી સંપાદિત 'પુરાતન પ્રબંધ'નો આધાર છે. 'પ્રબંધકોશ' તો એમને વીસળદેવની વારીમાં જીવતા હોવાનું જણાવે છે.

તેજપાલને અનુપમા ઉપરાંત સુહડા નામે પણ બીજી સ્ત્રી હતી, એવું 'આબુ' નામના ગ્રંથના બીજા ભાગમાં તેના કર્તા મુનિશ્રી જયંતવિજયજીએ આપેલા પ્રાચીન લેખો, પ્રશસ્તિઓ અને આંબામાંથી સાંપડે છે.

આ આબુ પર અનુપમાએ રચાવેલો 'લૂણાવસહી'નો નેમિનાથપ્રાસાદ બધા જ પ્રબંધોના જણાવ્યા મુજબ નાનપણમાં મૂએલા ભાઈ ભૂણિગના શ્રેયાર્થે બંધાયો છે. પણ મુનિશ્રી જયંતવિજયજીએ મંદિરમાં કોતરાયેલો મૂળ પ્રશસ્તિ-લેખ ટાંકીને ઉપલા ગ્રંથમાં પ્રતીતિ કરાવી છે કે એ તો લૂણસી નામે તેજપાલના પુત્રના શ્રેયાર્થે બંધાયો છે.

ગુજરાત સાથેની મૈત્રીનો કોલ વસ્તુપાલને આપનાર દિલ્હીનો મોજુદ્દીન (સુલતાન) શ્રી ભોગીલાલ સાંડેસરાના અભિપ્રાય મુજબ અલ્તમશ હોવો જોઈએ.

ઝવેરચંદ મેઘાણી
 
*

મેં વસ્તુપાલ-તેજપાલ સંબંધીના ત્રણ પ્રબંધો 'પ્રબંધ-કોશ'માંથી, 'પુરાતન પ્રબંધ'માંથી તેમ જ 'પ્રબંધચિંતામણી'માંથી વાંચી કાઢ્યા. બબે વાર વાંચ્યા, અને વધુ વધુ વિશદ બન્યું. સંસ્કૃત પણ બરાબર બેસી ગયું. હવે એ બધી સામગ્રીમાં કલ્પનાનો દોર કેવી રીતે પરોવવો તે જ વિચારવાનું રહે છે.

[ઉમાશંકર જોશી પરના પત્રમાં: 14-1-'40]
 

હું એક અઠવાડિયા પછી અહીંથી બારોબાર ખટારાથી ખંભાત વાર્તાના ઘટનાસ્થળો જોવા જવા માગું છું. ત્યાં કોઈને ઓળખતો નથી. તો રસિકભાઈ પરીખને પૂછી મને ત્યાં માર્ગદર્શક બને એવા કોઈ ભાઈ ઉપર કાગળ લખાવી મને ખબર દેશો? હું ઊતરીશ તો ગમે ત્યાં, ફક્ત મને ખંડેર બતાવનારની જરૂર.

ઉમાશંકર જોશી પરના પત્રમાં: 25-1-'40
 

ચાર મહિનાથી મગજને ખોતરી રહેલું ભેટપુસ્તક [‘ગુજરાતનો જય'] લગભગ પૂરું કર્યું. લખવાનું તો દોઢ જ મહિનો ચાલ્યું પણ તેની પૂર્વેનું મનોમંથન લોહી પી ગયું. આ પુસ્તકમાં તો એક જ ખંડ પૂરો થાય છે. એ 'એપિક'નો ખરો રંગ તો બીજા ખંડમાં આવશે. 'ફૂલછાબ'ના ગ્રાહકોને એક વર્ષ સુધી બીજા ખંડની રાહ ન જોવી પડે તે માટે બેએક મહિના પછી ચાલુ વાર્તા તરીકે જ એને આપવા માંડીશ.

[ઉમાશંકર જોશી પરના પત્રમાં : 25-4-'40]
 

રાત્રે મારે ત્યાં વાળુ કરી અમે વાતોએ ચડ્યા. મોડી રાતે સૂતા. રાતનો એક-દોઢ થયો હશે. હું અચાનક જાગી ગયો. મારી નજર ભાઈ મેઘાણીના ખાટલા તરફ ગઈ. એમના જમણા પગનો અંગૂઠો જાણે હલ્યા કરતો હોય તેવું જણાયું. મને બીક લાગી. અંગૂઠો સતત હલી રહ્યો છે એ ચિલ કોઈ વ્યાધિનું તો નહીં હોય? હું બેઠો થયો અને હલતા અંગૂઠાને જોઈ રહ્યો.

“પડખું એમ ને એમ રાખીને એમણે અચાનક કહ્યું, ;ભાઈ, હમ્મીરમદમર્દન તમે જોયું છે કે આપણે વસ્તુપાલને આવી રીતે મૂકીએ...' એમ બોલીને એમણે વાર્તાની એક-બે કડી સાંધીને બતાવી. હું તો સડક થઈ ગયો. રાતે દોઢ વાગ્યે એમના મનમાં 'ગુજરાતનો જય'ની એક આખી ભૂતાવળ રમી રહી હતી અને અંગૂઠો તો માત્ર તાલ દઈ રહ્યો હતો.”

[ધૂમકેતુ લિખિત સંસ્મરણ]