લખાણ પર જાઓ

ગુજરાતનો જય/વૈર અને વાત્સલ્ય

વિકિસ્રોતમાંથી
← નિવેદન ગુજરાતનો જય
વૈર અને વાત્સલ્ય
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
મા ને પરિવાર →


ખંડ 1


1
વૈર અને વાત્સલ્ય

વિક્રમ સંવત 1252ના માગશર મહિનાની અમાસના ગોધૂલિ ટાણે એક સાંઢણી બે અસ્વારોને લઈ ધવલકપુર (ધોળકા)થી ઓતરાદે રસ્તે આગળ વધતી હતી. રસ્તાની ઊંડી ધૂળમાં સાંઢણીનાં પહોળાં પગલાં મોટી મોટી ડાંફો માંડતાં હતાં.

આથમણી-દખણાદી દિશાના સપાટ મેદાનને ક્ષિતિજ-છેડે સૂર્ય ભગવાનનું બિંબ જ્યારે નમી રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલા ચાળીસેક વર્ષના અસવારે કહ્યું: “આંહીં ઝુકાવ, જેહુલ, આંહીં ઝાડપાલાની ઝૂક છે. ચારજે, ત્યાં હું ગામમાં જઈને પાછો આવું છું. વાર લાગે તો ઉચાટ કરતો નહીં.”

"હો બાપુ" સાંઢણી-સવાર જેહુલ ડોડિયાએ એટલું કહીને ઉમેર્યું: “સાચવજો હો, બાપુ.”

ઠંડીની ચમકીમાં એક ભાંગેલા શિવાલયનો ઓથ મળતાં સાંઢણી શરીર સંકોડતી સંકોડતી ઝૂકી અને પાછળના અસવારે પોતાની રેશમી ગાદી ઉપરથી ઊતરી આથમતા સૂર્યનું છેલ્લું દર્શન કર્યું. પોતાની સીધી ઝૂલતી કાળીભમ્મર દાઢીને એણે બે ભાગમાં વહેંચી, બેઉ કાન પાસે ચડાવી, ઉપર બુકાની બાંધી લીધી, અને પોતે આગળ વધતો ઘાટી ઝાડી પાછળ અદ્રશ્ય થયો. ટાઢા પવનના સુસવાટામાં એ આદમીને જોનાર કોઈ માનવી સીમમાં નહોતું, ને હોત તોપણ કાળી રાત્રિએ એ ચહેરો ભાળીને ફાટી પડવાનો ભય કોઈ માટે રહેવા દીધો નહોતો.

એના કમરબંધમાં કટાર અને છૂરી હતાં તે પર એણે ભેટ લપેટી દીધી. તલવાર પર એણે કોઈનું ધ્યાન ન ખેંચાય તેવી જુક્તિથી કપડું વીંટાળી દઈ તલવાર ખભે લાકડીની જેમ ઉપાડી લીધી. એનો પોશાક જે રાજવંશી હતો, તેને એણે અવ્યવસ્થિત કરી નાખ્યો. શિરપેચનો આગલો ભાગ એણે કપાળઢક આગળ ખેંચી લીધો.

'ગામ તો એ જ છે ને?' એણે ધારી ધારીને ગામડાનું પાદર જોયું. છ-સાત વર્ષમાં ગામ ભાંગી ખેદાનમેદાન થઈ ગયું હતું. ઝાંપો અને બાજુનાં ઘર બદલી ગયાં હતાં. 'છે તો એ જ. ઘણા વખત પર જોયું હતું. ગરજનના ઘોરી સુરત્રાણના સૂબા કુતબુદ્દીનનાં ઘોડાં ગાજી ઊઠ્યાં તે ટાણે – આંહીં એને છાનોમાનો મેલી ગયો’તો. રાત હતી. ઝાંખું ઝાંખું યાદ ચડે છે, પણ પાછી એ સ્મરણાંને માથે મનોવેદનાની કાળી રાત ફરી વળે છે. આ રહી આ પરબડી, ને આ વિસામો, જેના ઉપર મેં વીરુને છેલ્લી વાર બચી ભરેલી.'

એવી યાદદાસ્ત તાજી કરતે કરતે એ રાજવંશીએ ગામપાદરના તળાવની સામે ચણેલા પથ્થરના વિસામાને માથે હાથ ફેરવ્યો. ગુજરાતનાં ગામોનાં પાદરોમાં આવા માથોડું માથોડું ઊંચા ઓટા વટેમાર્ગુઓને માથા પરનો ભાર ઉતારીને વિસામો લેવાને માટે ચણેલા હોય છે.

રાત પડી ગઈ હતી. ગૌધણ ગામમાં પેસતાં હતાં. પછવાડે ગોવાળોનું નાનકડું ટોળું ચાલ્યું જતું હતું. ગોવાળો બધા કદાવર હતા. તેના જેટલો જ પડછંદ આ રાજવંશી ટોળાની ઓથે લપાઈ શક્યો. ગામમાં એકેય દીવો નહોતો, એટલે પરખાઈ જવાની બીક ન રહી. ગામનો અંધકાર દેખીને રાજવંશીએ ગુજરાત સમસ્તની અંધકારગ્રસ્ત દશા પર નિઃશ્વાસ નાખ્યા.

"દેવરાજ પટ્ટકિલની ખડકી કેણી કોર, ભાઈ ગોકળી?" એણે દરવાજાના ચોકિયાતોને સલામત વટાવીને પછી આઘે ઊભીને ગોવાળોને પૂછી જોયું.

“હાલ્યા જાવ ચોરાથી આથમણી શેરીએ. છેલ્લું ઘર દેવરાજ પટલનું.”

વધુ વાતચીતની વેળા આવે તે પહેલાં તો એ રાજવંશી કાજળના વાદળની પેઠે અંધકારમાં ઓગળી ગયો.

દેવરાજ નામના રાજપૂત પટેલની ખડકીમાં તે વખતે ગાય-ભેંસો પ્રવેશ કરતી હતી. પોતે તેમાં પેસી ગયો. ઘરની સ્ત્રી સીમમાંથી આવતા ખેડુ-ધણીને માટે રોટલા ટીપતી હતી. તેનો ટપાક ટપાક અવાજ અને ચૂલામાં સળગતાં તલસરાંના તડતડાટ સંભળાતા હતા.

‘એ જ ટપાકા!' એવું કાંઈક યાદ આવ્યું, ને એ લપાતા રાજવંશીના કલેજાએ અંધારામાં મોટા પથ્થર જેવડો નિ:શ્વાસ નાખ્યો.

અંધારાના ઓડા લઈને સરકતો સરકતો એ ઘરની ઓશરી સુધી પહોંચ્યો. પોષ મહિનાની પધરામણીનો શંખ ફૂંકતા પવન-સુસવાટામાં ઓશરીનો દીવો ઓલવાયો, અને એણે ઘરના ઉંબર પાસેની કોઠી પાછળ પોતાની કાયાને સંકોરી લીધી. તરવાર પરથી કપડું કાઢી નાખીને એણે મ્યાનની વાધરી છોડી.

ઘરમાં રોટલા ઘડતી સ્ત્રીને એ ઓશરીમાં પડતા રાંધણિયાના જાળિયામાંથી જોઈ શકતો હતો. ખેડૂતનાં ધીંગાં કપડાંમાં પણ સ્ત્રી પોતાનું અસલ રાજપૂતી રૂપ અછતું રાખી શકતી નહોતી. ચૂલામાં બળતાં તલસરાંનો ઘડી ઓલવાતો ને ઘડી ભડકે બળતો તાપ આ સ્ત્રીના કાળા પડેલા, મહેનતે મજબૂત બનેલા, રાજેશ્વરીનું લાવણ્ય ત્યજીને ખેડૂત-પત્નીનું ખમીર ધારણ કરી ચૂકેલા ચહેરા પર ધૂપછાયાની રમત ખેલતો હતો.

'મદન ! મદન ! ઓ મારી મદનરાજ્ઞી!' છુપાયેલા પુરુષને કલેજે એક પળ પુરાણો ઉમળકો કંકુડાં પાથરી રહ્યો; પણ 'નહીં નહીં! હવે તો એ બોટ્યું ધાન !” એવા તિરસ્કારના વાયરાએ પલ પૂર્વેનાં સ્મૃતિ-કંકુડાં ઉડાડી મૂક્યાં.

તે ટાણે મોટી ડેલીમાં ઘોડાનો સંચળ થયો અને ઘરધણી દેવરાજ પટ્ટકિલ ઘોડી પરથી ઊતરી, ઘોડી બાંધી દઈ ઓશરી પર ચડ્યો. એ સીમમાંથી આવતો હતો.

"પૂરો કરી નાખું!” એવો એક વિચાર એ છુપાયેલા પુરુષના મગજમાં જોશભેર ઘૂમ્યો. પાછો રણની આંધીનો રતવંટોળો જેમ દૂર ચાલ્યો જાય તેમ, એ વિચારનો વંટોળ થંભી દૂર નીકળી ગયો. ‘તાલ જોઉં તો ખરો ! માણસોને જવા દઉં, નીકર નાહકનો ગોકીરો થશે.'

"હાલો છોને વાળુ કરવા?" રાંધણિયે રોટલાનો લૂઓ મસળતી એ બાઈનો મીઠો ટૌકો સંભળાયો.

"હા, હાલો; વીરુ ક્યાં છે?” કહેતે કહેતે દેવરાજ પટ્ટકિલ હાથ-મોં ધોઈને અંદર ગયો.

"રમતો હશે બા'ર.” બાઈએ બેપરવાઈના ડોળથી કહ્યું.

“તો એને આવવા દિયો, સાથે જ બેસશું.”

“એણે હજી સાંજે જ રોટલો ખાધો છે. ભૂખ નહીં હોય. પેલા ફળીમાં રમવા ગયો હશે. તમે તમારે બેસી જાઓ. ઊના ઊના રોટલા છે. ને આ બે છોકરાં નથી?”

"ના ના. એમ તો નહીં બેસાય. રોજની ટેવ પડી. વીરુ વગર મને કાંઈ વાળુ ભાવે નહીં”

એમ કહી દેવરાજ પટ્ટક્લેિ પાથરણા પર બેસીને માથા પરની પાઘડી ઉતારી બાજુમાં મૂકી. પાસે બે નાનાં બાળકો બેઠાં હતાં.

એના માથાના મધ્યભાગ પર મોટે કૂંડાળે બાઝેલી ચોટલીના ચોખ્ખા કાળા વાળ ખભા ઉપર પથરાઈ રહ્યા. તે જોતો જોતો કોઠી પાછળ ઊભેલો પુરુષ વધુ ને વધુ વિલંબ કરવા લાગ્યો. ‘વીરુ' એ નામ એનામાં કોમળતા મૂકી રહ્યું. 'વીરુ' નામથી ઓળખાતા એ ઘરના રમવા ગયેલા બાળકને એક વાર જોઈ લેવો હતો. એને તો અંદેશો હતો કે બાળકની બૂરી વલે હશે; બાળક મૂઆને વાંકે જીવતો હશે; બાળક નવાં જન્મેલાં લાડીલાં છૈયાંની વચ્ચે ગુલામીની સ્થિતિ ભોગવતો હશે.

લાંબા ચોટલાવાળા ચાળીસેક વર્ષના એ ખેડુને પારકો પુત્ર વીરુ શું આટલો બધો વહાલો હશે!

રોટલા ઘડતી સ્ત્રી રાંધણિયામાંથી બહાર ઓરડામાં આવી ને કાંસાનું ચકચકિત તાંસળું પોતાના ઓઢણાના છેડા વતી લૂછતી ઘરધણીની સામે હેતભરી ઊભી.

“આવી તે શી ટેવ!” એણે દેવરાજને કહેતાં કહેતાં મોં મલકાવ્યું: “વીરુ વગરના આંધળા ભીંત નહીં તો!”

એ હાસ્ય અને એ ઠસ્સો દેખીને કોઠી પાછળ છુપાયેલો પુરુષ અસહ્ય યાતના અનુભવી રહ્યો, “એ હાસ્ય મારી મિલકતનું; છતાં મને કદી મળ્યું નહીં!”

કોઠીના પાછળના અંધારામાં તો સંસાર-પ્રેમના આ પલપલના દ્રશ્યે એ છુપાયેલા ક્ષત્રિયના અંતરમાં તોફાનો મચાવ્યાં. આ મારી – મારી – મારી પોતાની પરણેલી સ્ત્રી એક વાર મેં મારી છાતીએ ભીડેલી: આજે મારા દેખતાં પરપુરુષને પંપાળે છે, પ્રેમ ને દયાનાં ઝરણાં વહાવે છે. ઓ જો, જો, એણે કેવાં ભાવભર્યા નયણાં માંડ્યાં – એ નીચે ઝૂકી – એની કેશ-લટ ઝૂલી પડી – એ હમણાં હમણાં, હમણાં – શું ચૂમશે? ના, એની આંખો પીએ છે પેલાનાં નેત્રામૃતો. ઝટ તલવાર ઉપાડું ! ઝાટકું !

કોણ હાથ ઝાલી રાખે છે? કોણ મને આ દુષ્ટ દ્રશ્ય દિલ દબાવીને જોયા કરવાની ફરજ પાડી રહ્યું છે? એ શબ્દ –

"વીરુ વિના વાળુ નહીં કરું, ગોઠે નહીં, આટલે વર્ષે હવે એકલા ખાવું ભાવે નહીં.”

“ગઢપણ આવે છે તેમ ગાંડપણ વધતું જાય છે!” સ્ત્રી એના સામે ઝૂકી જઈને બોલે છે.

‘એનું માથું ઉડાવી દઉં – શી વાર?' એ લાગણીને લજવતો બોલ પુરુષ ફરી બોલે છે: “એના બાપનું કલેજું અટાણે ક્યાંક વાળુની થાળી માથે નહીં પોકારતું હોય ‘વીરુ!' 'વીરુ' હેં સ્ત્રી?”

સામે બેઠી બેઠી, બાજઠને પોતાના ઓઢણાને છેડે લૂછતી ને થાળી-તાંસળાં ગોઠવતી, ઝૂલતી લટવાળી સ્ત્રી ઉપરનું ઝેર, એ પર-દારાને પોતાની કરનાર મરદ પરનો કાળ, કોઠી પાછળના કાજળ-ઘાટા અંધકારમાં નસે નસે ચડતો ને ઊતરતો હતો. માથાના તાળવાને તોડી બહાર ધસવા માગતા ઈર્ષ્યાગ્નિની જ્વાલાઓનું જોર તૂટી પડતું હતું. એના ઉપર ક્યા પાણીની છાલક પડતી હતી?

“યાદ કરો ! એના બાપના વાળુની થાળી ઉપર અટાણે કોઈ કોળિયાનો ભાગ માગનાર હશે નહીં.” એમ કહેતો દેવરાજ પટ્ટકિલ હસીને કોઈક વેદના દબાવતો હતો. શબ્દો સાંભળવાનું અસહ્ય હતું, મારવા આવેલો કળીએ કળીએ કપાતો હતો, ખડગ ખેંચનારની રગો ખેંચાતી હતી. કોઠી પાછળથી બહાર જવાની જગ્યા નહોતી. ધરતી જે દિવસ મારગ દેતી તે યુગો પર તો ભૂકંપો ફરી વળ્યા હતા. ભુજા અને ખડગ, બેઉ લજવાતાં હતાં.

'ઓ શંભુ!' કોઠી પાછળનો અંધકાર પણ બફાઈ જાય એવી વેદના-વરાળ એ છુપાયેલા પુરુષનું હૈયું ભરી રહી. 'કોઠી પાછળ મને ધકેલ્યા પછી આવી કારમી કસોટી? મને આ પુરુષને હાથે ઉઘાડા મેદાનમાં જુદ્ધનું મોત કાં ન દીધું? મને અત્યારે પકડીને એ ઠાર મારે ને મારાં શોણિતમાં આ સ્ત્રી સ્નાન કરે તે જ શું ભલેરું નહોતું! મને આવી સાંપટમાં લીધો, નાથ ! મારા હાથ ને હૈયું બેયને બાંધી લીધાં, ધૂર્જટિ! તેં પીધેલા હળાહળનો જ શું આ છાંટો ચખાડ્યો મને, હે પિનાકપાણિ!

કદી ન રડેલી એ બે ખૂનખાર આંખોને પાંપણપડદે ડબ, ડબ, બે આંસુ તોળાયાં, એ બેને ઠેલતો પ્રવાહ પાછળથી જોશ કરી રહ્યો: ટ...પ, ટ...પ, ટ...પ,: આંસુનાં નીર એના ચહેરાના પહોળા પટ પર ખોદાયેલી ખાઈઓ જેવા જખમોના ખાડાટેકરામાં થઈને નીચે માર્ગ કરવા લાગ્યાં.

-ને સ્ત્રી તો હજુય પરપુરુષની સામે બેઠી બેઠી કહેતી હતી: "એ વાતને શીદ યાદ કરો છો છેક અટાણે? રુદાના રાફડા ઉખેળીને શું ભોરિંગને છંછેડવા છે, હેં પુરુષ ! પીધેલાં વખ તો પચાવ્યે જ છૂટકો છે."

"બરાબર છે."

"તો એક વાર માળા ફેરવી લ્યો, ત્યાં હું તેડી આવું છું વીરુને, ને હવે તો કોઈ દા'ડો વાળુટાણે એને ખસવા જ ન દઉં ને ! માથે કાંઈ કરી છે ને આજ તો !"

એમ કહેતી કહેતી હાથમાંનું તાંસળું ધણીના બાજઠ પર મૂકીને પાડોશીના ફળીમાં "વીરુ ! વીરુ, એ વીરુ !" એટલા સાદ કરતી બાઈ બહાર ચાલી ગઈ. અને ઘરનો ધણી પોતાના એક હાથમાં માળા ફેરવતો ને બીજા હાથના નખ વતી તાંસળા પર તાલબંધ ટકોરા મારતો બેસી રહ્યો. એની ગરદન નીચે વળી ગઈ.

ભમતી ભમતી એની આંખો ભીંત ઉપર ફરી, કોઠીની બાજુ વળી, અને એકાએક કોઠી ઉપર પડછાયો પડ્યો. છુપાયેલો પુરુષ સળવળ્યો હતો. એ સળવળાટે દેવરાજને ચમકાવ્યો. એની આંખો ઊંચી ગઈ, "ઓય બાપ!" એવો એક ઓહકાર એના ફાટેલા ડાચામાંથી નીકળી પડ્યો. એણે એ તલવાર લઈ ઊભેલા કદાવર આદમીની એકાકી ભૈરવ-આકૃતિ ભાળી.

"બીશો મા હવે. ને બોકાસો પણ કરશો મા, પટ્ટકિલ!" આકૃતિએ બહાર આવીને મેઘ-ગંભીર બોલી કાઢી.

"ક... ક... કો...ણ ?" હેબતાઈ ગયેલ પટ્ટકિલ માંડ માંડ બોલી શક્યો.

“ઓળખ્યો નહીં? હા-હા-હા-” એ હસ્યો: “ઓળખાઉં એવો રહ્યો જ નથી, ખરું ને ! મોં માથે કંઈક જુદ્ધોનાં હળ ફરી ગયાં છે, દેવરાજ ! સાચે જ કોઈ જૂનું સ્વજન ન ઓળખી શકે !”

“વાઘેલા રાણા!"

“હા, હું લવણપ્રસાદ વાઘેલો. મનાતું નથી ને? આવ્યો તો હતો મારી રાજપૂતાણીને ઘરમાં બેસાડનારનું માથું ધડથી નોખું કરવા, પણ તારી આગળ હું હારી ગયો છું. તેં મારા વીરધવલને હજી સાચવ્યો છે, તને એના વગર ખાવું ભાવતું નથી, એ જાણ્યા પછી મારો પરાજય ને તારી જીત કબૂલું છું, દેવરાજ પટ્ટકિલ !” એમ કહીને લવણપ્રસાદ વાઘેલા નામના એ પુરુષે તલવાર મ્યાન કરી.

“લ્યો, ભાઈ દેવરાજ ! જય ભીમનાથ ! મને છોકરી ભાળશે તો બી મરશે. કોઈક દિવસ છોકરો મોટો થાય ને એને એના બાપ પાસે આવવા દિલ થાય તો ધોળકે મોકલજે.”

બોલ પૂરો કરીને ગળું ખોંખારતો લવણપ્રસાદ બારણા તરફ ચાલ્યો, ત્યાં દેવરાજ ઊભો થયો, હાથમાં લીધેલી પાઘડી એ પુરુષ સામે ધરી કરગર્યો, “વાઘેલા રાણા ! બહુ કરી, હદ કરી તમે. હવે શીદ ભાગો છો? ભેળા બેસીને રોટલો ખાતા જાઓ, ને વીરુને જોતા તો જાઓ. ખોળો પાથરું છું. એ લવણાજી ! ડરો છો?”

"એમ લાગે છે? લે, ત્યારે તો રોકાઈ જાઉં. પણ એક શરતે. મા કે દીકરા બેમાંથી એકેયને મારી ઓળખાણ અટાણે આપવી નહીં.”

“નહીં આપું. રોકાઓ. રોટલો જમીને, વીરુને જોઈને –"

બહાર ઓશરીમાં નીકળીને દેવરાજ પટકિલે ઢોલિયો ઢાળી રજાઈ પાથરી. બેઉ જણા અંધારે જ બેઠા. દેવરાજ પટકિલે પોતાના પરોણાનો એક ઊંડો નિ:શ્વાસ સાંભળ્યો. તે જ વખતે ઘરની સ્ત્રી બહાર રમતા દસ-બાર વર્ષના બાળકને કચકચાવી બાવડે ઝાલીને ઓશરી પર ચડી. એનો સ્વર સંભળાયો:

“માડી ! કાંઈ જોર છે કાંઈ જોર આનાં તો ! હાથમાં ઝાલ્યો રિયે નૈ, ઉપાડ્યો ઊપડે નહીં: રાણકદેવડીની વાર્તા સાંભળવા અધરાત સુધી બેસવું તું હજી તો."

બાઈ ઘરમાં પહોંચી તે પછી દેવરાજે કહ્યું: “બે બાજઠ ઓશરીમાં જ ઢાળજો.”

"કાં ?”

“પરોણા છે.” રાંધણિયામાં જઈને દેવરાજ પોતે થાળીઓ પિરસાવીને લઈ આવ્યો. સ્ત્રીને પોતે બહાર બોલાવી નહીં. પરોણો કોણ છે તેની સ્ત્રીને ખબર પડી નહીં. ફક્ત દેવરાજની સાથે એક ભાણે જમવા બેઠેલો બાર વર્ષનો વીરુ મહેમાનના ચહેરાને નિહાળી નિહાળી જોતો હતો. વાળુ કરીને ઊઠ્યા પછી ઓશરીના ઢોલિયા પર મહેમાનના ખોળામાં જઈને એ બાળક વીરુએ એના કમરબંધમાં ખૂતેલાં હથિયાર પંપાળી જોયાં, ને એની મુખમુદ્રા પરના ઊંડા લાંબા વ્રણોના ખાડા શુક્રતારાને અજવાળે જોતો રહ્યો. લવણપ્રસાદે પોતાના પુત્રને મસ્તકે ને લલાટે હાથ ફેરવ્યો; પછી એના અંતરના કપાટો તૂટું તૂટું થયા; એ વધુ વાર ત્યાં બેસી શક્યો નહીં; એણે રજા માગી. દેવરાજ પણ એ અંધારી રાતમાં પરોણાને વળાવવા ચાલ્યો.

“અત્યારે કેમ કરી જાશો?” દેવરાજે પૂછ્યું.

“સાંઢ્ય બહાર તૈયાર છે.”

“એકાદ દી રોકાવું કોઈ રીતે બની શકે?”

“ના ભાઈ, કાલ સાંજે તો પાટણ પહોંચ્યે છૂટકો છે.”

“રોકાણા હોત તો મારે બે વાતો કહીને કોઠો ખાલી કરવો હતો. આઠ વર્ષ પહેલાંની વાત–”

"હવે તો એ વાત પર ઢાંકણ ઢાંકી દીધું છે મેં. મેં એકલાએ જ નહીં, વિધાતાએ પણ,” એમ કહી લવણપ્રસાદે પોતાના ચહેરા પર આંગળી ચીંધી. "ને હું સમજું છું કે આજની ગુજરાતમાં રાજપૂતને ઘરસંસાર ચલાવતાં આવડશે નહીં. મને આવડ્યું નહોતું. પાટણ પડીને પાદર થયું છે. મારો ભોળિયો ભીમદેવ જીવતે મૂઓ છે. મ્લેચ્છોની તલવારે ગુજરાતનું કાચું માંસ ચાખી લીધું છે. મદનરાણી ભલે તને રહી; એને ઠરીઠામ બેસવું હતું તે ભલે બેઠી. ફક્ત એટલું જ વીનવું છું કે મારા વીરધવલને વીર બનાવજે. કોક દિવસ ગુજરાતને બેઠી કરવા એ કામ લાગશે.”

એટલું બોલીને લવણપ્રસાદ વાઘેલો ભાંગેલા શિવાલયની દિશામાં ચાલી નીકળ્યો, અને વીશ વર્ષની વયથી જ પોતાના પરિણીત જીવનને છૂંદી નાખનારા ગુજરાતના રાજકીય સંજોગોને મનથી શાપ દેતો એ સાંઢણી પાસે જઈ પહોંચ્યો.

સાંઢણી-સવાર જેહુલે પોતાના ધણીની પાછળ પાછળ આવીને થોડે દૂર થંભી રહેલા એક આદમીનાં સફેદ કપડાં જોયાં હતાં, ને બેઉ વચ્ચેનો બોલાશ પણ સાંભળ્યો હતો. લવણપ્રસાદ જે કામે ગામમાં ગયો હતો તે કામ પાર પડ્યું નહોતું એ તેણે પરખી લીધું. ને બેઉ સવારોને ઉપાડી લઈ સાંઢણી જ્યારે પાટણની વાટ અને અમાસની ઠંડી રાત કાપી રહી હતી ત્યારે જેહુલને કાને પાછળ બેઠેલા લવણપ્રસાદના નાકનાં ગાઢાં નસકોરાં સંભળાયાં. મંડળેશ્વરને આવી મીઠી નીંદર તો ધોળકાના ઢોલિયામાં પણ કદી નથી આવી જાણી ! મારું બેટું ! આ તે શું કૌતુક?” જુવાન જેહુલને એ રાતવેળાએ સાંઢણીની પીઠ પર શાંતિનાં નસકોરાં સાંભળતે રમૂજ પડી. એનો વિચાર આગળ વધ્યો: ‘સગી બાયડીના રાખતલ આદમીને આણે જીવતો કેમ છોડ્યો હશે ?'

એ ગુપ્ત વિચારનો જવાબ વાળતો હોય તેમ લવણપ્રસાદ બોલ્યો: “જેહુલ ! પડેલી ગુજરાત પાછી ખડી થશે, હો કે !”

“કાં બાપુ?”

“વીરુ તૈયાર થાય છે."