લખાણ પર જાઓ

ગુજરાતનો જય/પતનનાં પગરણ

વિકિસ્રોતમાંથી
← નેપથ્યમાં ગુજરાતનો જય
પતનનાં પગરણ
[ઉપસંહાર

ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
પરિશિષ્ટ 1 : આધાર ગ્રંથો →





પતનનાં પગરણ
[ઉપસંહાર]

સેક વર્ષો વીત્યાં હતાં –

વીસળદેવને યૌવનના મોર બેઠા તે ટાણે રાણા વીરધવલની કાયા ખખડી પડી. મરવા જેવડા નહોતા તોયે એને મૃત્યુનાં તેડાં આવતાં લાગ્યાં.

તેજપાલને સાથે લઈને, રોગઘેરાયા રાણાએ ધોળકાવાસીઓનાં ચોધાર રુદનને દિલાસો દેતે દેતે નગરમાંથી વિદાય લીધી. ગંગા-કાંઠે માગતોડા (મતોડા) તીર્થક્ષેત્રે આવીને કૂંડીમાં પ્રવેશ કર્યો.

માટીની મોટી કૂંડીઓ ગંગાનાં નીરમાં તરતી મુકાતી હતી. પ્રત્યેક કૂંડીમાં શ્રદ્ધાળુ માનવીઓ મરણને ભેટવા માટે બેસતાં હતાં. કૂંડીઓમાં પાણી ભરાતાં હતાં, પૂરી ભરાઈ રહેતી હૂંડીમાં ગૂંગળાઈને રોગીનો પ્રાણ સ્વર્ગારોહણ કરતો. જેની કૂંડી વહેલી ભરાય તે ભાગ્યશાળી ગણાતો. જળસમાધિનો એ ચાલુ ધર્માચાર હતો.

બીજાની હૂંડીઓ બૂડી રહી છે, નથી બૂડતી વીરધવલની.

"હૃદયમાં કોઈ આરત રહી જાય છે, દેવ?”

તેજપાલના એ પ્રશ્નનો જવાબ રાણાજીએ દીધોઃ “તેજલ ! તું સાચું કહે છે. રહી જાય છે એક જ ચિંતા, કે ગાદી વીરમને સોંપાશે તો? તો વીસળનું શું થશે?"

“રાણાજી ! જીવને ગતે કરો. વચન આપું છું, ગાદીએ તો વીસળને જ બેસારશું.”

કૂંડી ડૂબી, રાણા ગયા. અનુચરો રોયા, તેજપાલ પાટણ આવ્યો. નગરી રુદન કરતી હતી. ધોળકાવાસીઓને ધૈર્ય નહોતું. પ્રજારુદનનો આવો અધિકારી અન્ય કોઈ રાજા ગુજરાતના ઇતિહાસે જાણ્યો નથી. એક પણ દૂષણ વગરનો એ પૂર્ણધવલ, પૂર્ણોજ્જ્વલ પ્રજા-ચંદ્ર અસ્ત પામ્યો.

વસ્તુપાલે ગાયું –

(એકેએક ઋતુ આવે છે અને ચાલી જાય છે. પરંતુ, વીર વીરધવલનો વિદેહ થતાં જે બે ઋતુઓ
આવી તે તો સદાને માટે સ્થિર બનીને રહી ગઈ. પ્રજાની આંખોમાં વર્ષા, અને પ્રજાના હૃદયમાં ઉનાળો.]

રાણા લવણપ્રસાદે વીરમને તેડાવી રાખ્યો હતો. ઉઠમણાની વાટ જોવાતી હતી. પણ ઉઠમણાના દિવસને ઊગવાને હજુ વાર હતી. તે વખતે આ વાજિંત્રો કોને ઉતારે વાગી રહ્યાં હતાં !

લવણપ્રસાદના કાન ચમક્યા. ઢોલનગારાં તો વીસળદેવને ઉતારે ગાજે છે ! ને તેજપાલ ત્યાં ધોળકાવાસીઓને એકઠા કરી કશુંક ઊજવી રહ્યો છે. લવણપ્રસાદે તેજપાલને બોલાવી પૂછ્યું: “આ શી ધામધૂમ છે, તેજલ?”

તેજલે જવાબ દીધો: “વીસળદેવને રાણાપદનું તિલક કર્યું, બાપુ!”

“તું કોણ તિલક કરનાર?” પાટણના વીરમપક્ષી રાજપુરુષો ધમધમી ઊઠ્યા, “તારે કહ્યું શું નાનેરો કુંવર રાણો થશે?”

"હા, હા, મારે કહ્યે આજે તો પ્રજાને ગમ્યો તે કુંવર રાણો થયો છે, ને કાલે મારે કહ્યું મહારાજા પણ થશે.” તેજપાલ ગરજ્યો.

સામસામા વાદ મંડાયા. હોકારા પડકારા થયા, હોંસાતોંસી લાગી પડી. તોફાન તોળાઈ રહ્યું. લવણપ્રસાદે ઇચ્છા રાખી હોત તો પાટણની બજારોમાં તે વખતે શોણિતની નદીઓ વહી હોત. પણ ગુજરાતના જાની એની સર્વોપરી ભાવનાએ એની લાગણીઓ પર વિજય મેળવ્યો. પોતાના અપમાનને એણે શંભુ વિષ પચાવે તે રીતે પચાવી કાઢ્યું. એણે જે થયું તે માન્ય રાખીને પ્રજાને પુત્રના ઉઠમણામાં વાળી લીધી. અને મંત્રીઓના પક્ષકારોએ તેજપાલના નામ 'રાજસ્થાપનાચાર્ય' એવું બિરદ ચડાવ્યું.

વર્ષવળોટ વીત્યું. લવણપ્રસાદનું શરીર ખખડી ગયું. એણે ફરી વાર વીરમદેવને તેડાવી રાખ્યો અને પછી તેજપાલને બોલાવી કહ્યું: “ભાઈ ! ધોળકા તો વીસળને આપ્યું. કહે, હવે પાટણનું તિલક કોને કરવું છે!”

“બાપુ ! મેં તો મારા મરતા રાણાને મોંએ પાણી આપ્યું છે, કે વીસળદેવને જ ગુર્જરપતિ બનાવીશ.”

“તોપણ, બેટા ! આ વખતે મારી લાગણીને માન આપ. વીરમદેવ હવે ડાહ્યો થયો છે. હવે તો એને ગુજરાતનો હિતેચ્છુ બનાવી લે. અત્યારે એના પક્ષમાં સૈન્યનો પણ એક ભાગ ભળેલ છે.”

"તો ભલે, બાપુ!”

પણ તે જ રાતે ખટપટનાં ચક્રો ચાલ્યાં. વીરમદેવને કોણ જાણે કોણે ભંભેર્યો કે મોટાબાપુના પેટમાં પાપ છે. કાળભર્યો વીરમ મોડી રાતે મોટાબાપુની પથારી પાસે આવ્યો. ઊંઘતા વૃદ્ધને એણે લાત લગાવી, જગાડ્યા ને કહ્યું: “ડોકરા ! હજુ રાજ કરવું ગળ્યું લાગે છે? હજુ છાતીએથી છૂટતું નથી ! એકને તો ખલાસ કર્યો, હવે શું તું મારા મરણની વાટ જોઈ બેઠો છે?"

લવણપ્રસાદે મૂંગાં મૂંગાં સહી લીધું. વીરમદેવના ગયા પછી વિચાર કર્યો: આ રેઢિયાળ સવાર સુધી પણ ધીરજ ન ધરી શક્યો. આને હું મારી સ્નેહની લાગણીથી દોરવાઈ જઈ ગુજરાતની ગાદી સોંપીશ તો તો ગજબ જ થશે ! અને તેજપાલને કહ્યે જ ગાદી મળી શકે છે એવું જો બનશે તો વિસળ પણ મંત્રીઓનું પૂતળું જ બની રહેશે. એ કરતાં વીસળને હું જ તેડાવીને સ્વહસ્તે કાં ન તિલક કરાવું ! મંત્રીઓ રાજી થશે ને મારું મારાપણું રહેશે.

તેજપાલ ન જાણે તેમ તેણે તે જ રાત-ટાણે પોતાના માનીતા મુસદ્દી નાગડભટને તેડાવ્યો, કહ્યું: “નાગડ ! પ્રભાતના દોરા ફૂટે તે વખતે ધોળકેથી વિશળદેવને આંહીં હાજર કરી શકીશ?”

બીડું ઝડપીને નાગડે સાંઢણી હાંકી, સાથે રાણાએ આપેલ લેખ લીધો. રાતોરાત ધોળકે પહોંચીને નાગડે પોતાનો દાવ અજમાવ્યોઃ વીસળદેવને જગાડીને પગે લાગી કહ્યું: “બાપુ, કાલ પ્રભાતે તો તિલકનું મુરત છે. વીરમદેવજીને મહારાજ બનાવે છે.”

“કોણ?”

“મંત્રીઓ.”

"કેમ?"

" કેમ શું? બધું ચક્કર ફરી ગયું છે. પણ હું આપને રાજા બનાવું તો?”

“તો તું જ મારો પ્રધાન.”

“આ લો ત્યારે.” એમ કહીને રાણા લવણપ્રસાદે મોકલેલ લેખપત્ર આપ્યું ને કહ્યું, “મહામહેનતે મોટાબાપુને ગળે ઘૂંટડો ઉતરાવ્યો છે મેં. હાલો, ઝટ સાંઢણી પલાણો. મોટાબાપુ છે, હું છું, ને આપની તલવાર છે.”

પ્રભાતે વીસળદેવ પાટણ પહોંચ્યો. સહસ્ત્રલિંગને કાંઠે કોઈ ન જાણે તેમ ઉતારો કરાવ્યો. લવણપ્રસાદે તિલક કરીને એને ધવલગૃહ (રાજકચેરી)માં લીધો, સિંહાસને બેસાર્યો અને એની છડી પોકારાઈ. તેના સમાચાર સાંભળ્યા ત્યારે વીરમદેવ આભો બન્યો. બાર હજાર ઘોડેસવારોનું સૈન્ય પોતાને પક્ષે વાળી લઈને તોફાન મચાવવાની તૈયારી કરતો અળગો થઈને ઊભો.

તેજપાલ ઘા ખાઈ ગયો. એણે લવણપ્રસાદ અને નાગડની રમતના દાવ પોબાર પડતાં ભય અનુભવ્યો. લવણપ્રસાદની હયાતીને એણે અમંગળ માની. એણે વિસળદેવને મળી વાત ઠસાવી કે નાગડ જૂઠો છે, અમે જ મોટાબાપુને દબાવીને કામ લીધું છે. પણ હજુય અમને વહેમ છે કે મોટાબાપુને વીરમદેવજી માથે મોહ છે. બાપુ જીવશે ત્યાંસુધી તમને શાંતિથી રાજ કરવા કોઈ દેશે નહીં.

વીસળદેવના દિલમાં ‘બાપુ જીવશે ત્યાં સુધી' એ શબ્દો વસી ગયા. એણે વાટકામાં ઝેર ઘોળી તૈયાર કર્યું..

સંધ્યાનો સમય હતો. બુઢ્ઢા લવણપ્રસાદ એકલા બેઠા બેઠા વિચાર કરતા હતા: “ખોટું થયું ! ભૂલ કરી ! વીરમ વીફરી જશે. ગુજરાતના ટુકડા થશે. પ્રભાતે ફરીવાર વીરમને જ તિલક કરું.”

ત્યાં તો વાટકો ભરીને વીસળદેવ દાખલ થયો, કહ્યું: “લો મોટાબાપુ. આ અમૃત લાવ્યો છું. ઝટ પી લો.”

"ઓહો ! બેટા !” લવણપ્રસાદ સમજી ગયો, “તારા મનમાં પણ ઊગી ગયુંને શું !”

"હા બાપુ, ઊગી ગયું એટલે તો લાવ્યો છુંના !”

“ઠીક, એ જ ઠીક છે, ભાઈ ! તું સૌને પહોંચીશ એની મને ખાતરી થઈ ગઈ. તને કોઈ ઊંઠાં નહીં ભણાવી શકે એ નક્કી થયું. લાવ, બેટા !”

લઈને લવણપ્રસાદે ઝેર પોતાના પેટમાં રેડી લીધું. તત્કાલ એના પ્રાણ છૂટી ગયા.

વીસળદેવને હવે બીજી સોગઠી ઉડાવવી હતી. નાગડને કહી દીધું કે 'હમણાં તું ખસી જા. આ વાણિયાઓની જ અક્કલનો ઉપયોગ કરી લેવા દે' એમ કહીને એણે તેજપાલ સાથે મંત્રણા કરી. અમારી જ દોરવણી મુજબ આ નવો રાજા ચાલી રહ્યો છે એવી ભ્રમણાને વશ બનેલ તેજપાલે વીસળદેવને પેંતરો બતાવ્યો. ત્રીજે દિવસે રાજસભામાં પોતે કહ્યું: “હું તો બાળક છું. મારે તો બાપ નથી, દાદા પણ ગયા. જે ગણું તે મારે તો મોટાભાઈ છે. એ કહે તો રાજત્યાગ કરું ને એમની સેવા કરું.”

પક્ષકારોએ વીરમદેવને સમજાવ્યું: “ગમે તેમ તોય એ રાજા છે, એને પડખે મંત્રીઓ છે ને ધોળકાની પ્રજા છે. એને રીઝવી લ્યો. બાકી આ પ્રપંચમાં પડવા જેવું નથી. આગળ પછી જોયું જશે.”

"તો મને પાંચ ગામ આપે.” ભોળા વીરમે નામ ગણાવ્યાં: “પ્રહ્લાદનપુર, પેટલાદપુર, વિદ્યાપુર, વર્ધમાનપુર અને ધોળકા – એ પાંચ ગામ, ઉપરાંત વાર્ષિક ત્રણ લાખની જિવાઈ. એટલું કબૂલે તો હું રાજાને નમું.”

“કબૂલી લો, મહારાજ !" વસ્તુપાલની સલાહ પડી.

“પણ –" “પણ-ફણ કાંઈ નહીં. કબૂલી લો, પછી એનો મારગ નીકળશે.”

વીરમદેવના ભયાનક વિદ્રોહને એ રીતે શાંત પાડીને મંત્રીઓએ થોડા દિવસો જવા દીધા. ઘીને ઘડે ઘી થઈ ગયું. વીરમદેવ આમોદપ્રમોદમાં પડી ગયો, વેરઝેર વિસરી ગયો. પ્રપંચોને પામી ન શક્યો. વિશળદેવે પણ મોટાભાઈને પૂછીને જ પાણી પીવા જેવો દેખાવ રાખ્યો.

દરમિયાન પાટણથી દૂર દૂર કોઈ પડતર જમીનમાં મંત્રીઓએ પાંચ નવાં ગામડાંનાં તોરણ બાંધી દીધાં હતાં. પાંચેનાં નામ પાડ્યાં હતાં. પેટલાદપુર, વિદ્યાપુર, પ્રહલાદનપુર, વર્ધમાનપુર અને ધોળકું.

મહિનાઓ પછી ભાનમાં આવેલા વીરમે પોતાના પ્રત્યેનો વર્તાવ બદલાયો દેખી કરાર પ્રમાણે પાંચ ગામ માગ્યાં.

વસ્તુપાલ કહે કે, “ચાલોને બાપ, તૈયાર જ છે. સંભાળી લો.” લઈ જઈને પાંચ ગામડાં બતાવ્યાં.

“આ શું?” વીરમે પૂછ્યું, “આની વાત ક્યાં હતી?”

"પૂછોને લોકોને આ એ જ નામનાં ગામ છે કે નહીં?"

“નહીં, નહીં, મેં તો નગરો માગેલાં.”

"ઘેલા થયા કંઈ ! પાંચ નગરો માગો છો એવું કોઈ જાણશે તો ઠેકડી કરશે - તમારી ને અમારી સૌની !"

“પણ –"

"પણ વળી શું? નાખી દેવા જેવી વાત શું કરો છો? એ પાંચ નગરો તમને સોંપીએ તો ગુજરાતમાં બાકી શું રહે છે, રાખ ! તે કરતાં તો રાજ જ સંભાળી લેવું' તું ને ! વીસળદેવજી તો બાપડા આપતા હતા. તમે જ ઉદાર બન્યા. ને હવે અત્યારે ગાંડાઈ કરો એ કેમ ચાલશે?”

વીરમદેવ મોં વકાસી રહ્યો. એની પાસે હવે કોઈ પક્ષ નહોતો રહ્યો, તોફાનનું ટાણું ચાલ્યું ગયું હતું.

"ઠીક, ત્યારે તો મારા સમજવામાં ફેર હતો.” એટલું કહીને ગમ ખાઈ ગયેલ વીરમ પાટણથી પલાયન કરી ગયો. ઝાલોર પહોંચ્યો.

વીસળદેવે મંત્રીઓને કહ્યું: “મોટાભાઈ તો ફરી સૈન્ય એકઠું કરી વિદ્રોહ ગવશે. એ કરતાં તો એને પાછા બોલાવો, હું રાજપાટ છોડી દઉં !”

"અરે વાત છે કાંઈ !" મંત્રીઓ વીસળદેવનું પેટ સમજી શક્યા નહીં, એના પિતાને પાણી આપ્યું છે એ એક જ વાત યાદ રાખીને તેમણે વીસળદેવનું રાજ્ય નિષ્કંટક બનાવવાનો નિશ્ચય રાખ્યો. ઝાલોરના રાજા પર એનો સંદેશો ગયો, કે 'તારો જમાઈ કાંઈપણ ઉફાંદ કરશે તો તારું રાજપાટ કે માથું એકેય રહેવાનું નથી!”

ઝાલોરના રાજાએ સગા જમાઈનો શિરચ્છેદ કરાવ્યો. વીરમદેવનું માથું મંત્રીઓને ખાતરી થવા મોકલ્યું. વસ્તુપાલ-તેજપાલની કારકિર્દીમાં એ કાળા કેરનો પ્રસંગ બન્યો.

એ બન્યા પછી બે'ક વર્ષો જવા દઈને પોતાના હસ્તક રાજ કડે થયું છે તેની ખાતરી પામતાં જ વીસળદેવે મંત્રીઓને કહ્યું: “હવે આપ બેઉ વૃદ્ધ થયા છો. હવે ગુજરાત પણ નિષ્કંટક બન્યું છે. આપ બન્ને હવે આરામ કરો.”

"બરાબર છે, મહારાજ ! અમારે પણ હવે શાંતિ જોઈએ છે.”

પોતાનો પ્રભાવ પૂરો થયો માની બન્નેએ કારભારું છોડ્યું. નવા રાજા માથાના નીવડ્યા. 'વૃદ્ધ અમાત્યો' પ્રત્યે ઉપલક માન રાખતા રાખતા તેમણે પોતાનું વર્ચસ્વ જમાવી પાડ્યું. એની પાસે સમરાક નામે નીચ પ્રતિહાર હતો. એણે ધીરે ધીરે રાજાના કાન ફૂંક્યા: “આ વાણિયાઓની પાસે રાજનું અઢળક દ્રવ્ય છે.” વીસળદેવે ખડ ખાધું. વૃદ્ધ અમાત્યોને તેડાવી કહ્યું: “લાવો દ્રવ્ય.”

"લઈ લોને!” વસ્તુપાલે ટૂંકો જવાબ વાળ્યો.

“ક્યાં છે?”

“આબુ ઉપર, શેત્રુંજા ઉપર, ગિરનાર ઉપર, ઢગલા ને ઢગલા ખડક્યા છે.”

“તો શિક્ષા સ્વીકારો.”

"ફરમાવોને!”

“ફરમાવું છું; ઘટ-સર્પ.”

"ખુશીથી.”

કાળા ફણીધર નાગને ઘડામાં મૂકીને રાજાએ તૈયાર કરાવ્યો. કોઈના વાર્યા રાજા રહ્યા નહીં. બેમાંથી એક ભાઈએ ઘડામાંથી જીવતા સર્પને હાથે પકડી બહાર ખેંચી લેવાનો હતો. નગરમાં હાહાકાર વર્તી ગયો. પણ એક જ એવો માનવી હતો જેણે રાજાને ધવલગૃહની ભરસભા વચ્ચે ઠપકાનાં વેણ કહ્યાં. એ હતા સોમેશ્વરદેવ. ગુરુવચનથી શરમિંદા બનેલા વીસળદેવે સજા પાછી ખેંચી.

આખરે એક દિવસ વધુ કપરી કસોટી આવી પહોંચી. વૃદ્ધ વસ્તુપાલ જમવા બેઠા છે. હાથમાં હજુ તો પહેલો કોળિયો છે, ત્યાં એણે બહાર ધાપોકાર સાંભળ્યો. ઘડીકમાં તો ખબર આવ્યા કે અપાસરાના ક્ષુલ્લકને (ઝાડુ પોંજનાર સાધુને) માથે માર પડ્યો છે.

“કોણે માર્યા?”

"રાજાજીના મામા સિંહ જેઠવે." “શા માટે?”

“અપાસરાની ઉપલી પૌષધશાળામાં ક્ષુલ્લક રજ પોંજતા હતા. રજ નીચે રસ્તા પર પડી. રસ્તા પર જેઠવામામાની ગાડી જતી હતી તેના પર રજ વેરાઈ. મામાએ ઉપર આવીને હાથ ચલાવ્યો.”

"હં-હં,” પહેલો જ કોળિયો હાથમાં થંભાવીને વૃદ્ધ થોડીવાર થીજી રહ્યા. પછી કોળિયો હેઠે મૂક્યો, હાથ ધોયો, ઊઠ્યા, પરસાળમાં આવ્યા. સામે પોતાના સો-બસો રક્ષપાલો ઊભા હતા તેમને સંબોધીને શાંત ગૌરવ સમેત સંભળાવ્યું: "છે કોઈ એવો કે જે હમણાં ને હમણાં જેઠવામામાનો હાથ કાપીને આંહીં લઈ આવે?

"હું હું હું-હું” પ્રત્યેકે હાક મારી.

"તું જા,” મંત્રીએ એમાંના એક માણસને કહ્યું, “ઊભો રહે ! અલ્યા, કયા હાથે સિંહમામાએ ક્ષુલ્લકને માર્યા?”

“બાપુ, મામા તો ડાબેરી જ છે.”

"ઠીક, તો અલ્યા ડાબો હાથ કાપી લાવવાનો છે.”

પોતે વગરજમ્યા ત્યાં જ ઊભા રહ્યા. થાંભલીને ટેકવી કાયા હાથ રાખી. પ્રકંપને છુપાવી રાખ્યો. આંખો આકાશ તરફ માંડી.

છેદાયેલો હાથ લઈને ક્ષત્રિય આવી પહોંચ્યો.

"હવે જુઓ,” મંત્રીએ શાંતિથી સૂચના આપી, “એ હાથને એક વાંસડા ઉપર બાંધી લો, ને વાંસડો આપણી ડેલીને માથે ઊભો કરો – ઊભે માર્ગે જતા-આવતા સૌ જુએ તે રીતે.”

તે પછી પોતે પોતાના ઘરના ચોકીદાર સર્વ ક્ષત્રિયોને સંભળાવ્યું: "જેમને જીવ વહાલો હોય તે હવે અહીંથી વિદાય થજો.”

કુટુંબીઓને કહ્યું: “તમે પણ આઘાપાછા થઈ જાઓ.”

કોઈ કરતાં કોઈ ખસ્યું નહીં.

"બસ તો પછી, ગોપુરના દરવાજા ભીડી લો.”

દરવાજા ભિડાયા. પોતે કવચ પહેરી લીધું, ધનુષ્ય ધારણ કર્યું, ખડગ કેડે બાંધ્યું. એકલા મેડી ઉપર જઈને ગોખમાં ઊભા રહ્યા.

દેકારો સંભળાતો હતો. જેઠવાના જણનું જાડું જૂથ નગરીને ધણેણાવતું ઘૂમતું હતું. કોલાહલ મચ્યો હતો. ટોળું રાજમંદિરના ચોકમાં પહોંચ્યું. એમાંથી મોટેરાએ. કહ્યું: “એક વાર મહારાજને કહી જોઈએ.”

વાત સાંભળીને મહારાજ વિસળદેવે જવાબ વાળ્યો: "મામે ભૂંડી કરી ! અલ્યા કોઈ ન જડ્યો તે મંત્રીના ગુરુને – સાધુને માર્યા? હવે આંહીં જ થંભો. અરે કોઈ દોડો, ગુરુદેવને તેડી લાવો.”

સોમેશ્વરદેવને ખબર પડી હતી. એ દોડતા આવ્યા. મહારાજે પૂછ્યું: “હવે શું કરવું છે? આ જેઠવાઓ અને બીજા હાથ રહેશે નહીં. મંત્રીને મારી પાડશે. એમને આ શું સૂઝ્યું? હવે હું એમને કેમ કરીને બચાવું ! એ પણ કજિયો કરવા તૈયાર ઊભા છે. એને સમજાવો તો હું ન્યાય કરું.”

સોમેશ્વરદેવે વસ્તુપાલ પાસે જઈ કહ્યું: “આવું તે હોય ! ડાહ્યા થઈને નાનીશી વાતનું આવું વતેસર કરી બેઠા ! ત્યાં જેઠવાઓએ નગરીને માથે લીધી છે. કાપાકાપીના પ્રારંભને વાર નથી. અને જાણો છોને, આખરે તો મહારાજ કોના પક્ષે ઢળશે ! આપ શાંતિ ધારણ કરો તો હું સમાધાન કરાવું.”

વસ્તુપાલે ટાઢોબોળ જવાબ વાળ્યો: “મરણનો હવે શો ભો છે? ઘણું રળ્યા, ઘણું માર્યું, ખાધું ને પીધું. ખવરાવ્યું ને પિવરાવ્યું. તૃપ્ત છું. એકેય અબળખા (અભિલાષા) રહી નથી. એક વાર જો મરવું જ છે તો આવે ટાણે મરવું શું ખોટું છું?”

સોમેશ્વરદેવે પાછા જઈને મહારાજને વાકેફ કર્યા: “પ્રભુ! એ તો મરણિયા બન્યા છે. પણ આવા યોદ્ધાને આમ સસ્તો વટાવી ખાવો છે? જીવતો હશે તો કોઈક દિવસ ગુજરાતના કારમા ઘા આડો ઊભીને ઝીલે તેવો છે.”

“સારું, તો એમને ધરપત આપીને અહીં લઈ આવો.”

આંહીં જેઠવાવંશી સર્વ મોસાળિયાઓને મહારાજે આજ્ઞા કરી: “ચૂપ રહેજો, અને હું કહું તેમ કરજો, નહીં તો બાજી બગડી જાણજો. ગાદીને ઉથલાવી પાડશે. એવા છે વણિકો.”

વસ્તુપાલ સોમેશ્વરદેવની સાથે નિર્ભય પગલાં માંડતા આવ્યા, ઊભા રહ્યા. એની રોષજ્વાલા અંદર હતી, એ બોલતા નહોતા.

મહારાજે મોસાળિયાને બોલાવી આજ્ઞા કરી: “એને પગે પડો.”

જેઠવાઓએ મંત્રીની માફી માગી. વીસળદેવે મૃદુશબ્દે કહ્યું: “આપે જ આ રાજ રળી દીધું છે. પહેલાં આપ મંત્રી હતા, તો આજે પણ મુખ્યાધિષ્ઠાતા જ છો એમ માનજો. નાગડ કામદારને પણ આપની નીચે જ ગણી લેજો. ને મને? મને મરતા બાપુ કોના હાથમાં સોંપી ગયા છે એ શું ભૂલી ગયા?”

ડળક ડળક ડળક... વસ્તુપાલની પાંપણો પાણી ટપકાવવા લાગી. એણે મહારાજને નમન કર્યું.

વિક્રમનું સંવત્સર 1298 બેઠું. વસ્તુપાલ મહારાજ વીસળદેવ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું: “રજા લેવા આવ્યો છું.” “શાની રજા? ક્યાં જવું છે?”

“શત્રુંજય પર.”

"કેમ?”

“હવે આ દેહનો ભરોસો નથી. પ્રભુના ચરણોમાં જ આવરદા પૂરી થાય એ ઇચ્છા છે. મનમાં એક વાત રહી ગઈ છે તે કહેવા માગું છું: “રાજના અમારી પાસે સત્તાવીસ લાખ દ્રમ્મ લેણા પડે છે.”

“તે હું માગીશ એવી કોઈ શંકા રહી છે? કહો તો હું ખાતું ફાડી નાખવા તૈયાર છું.”

"ના, પ્રભુ ! દ્રમ્મનો તો શો પ્રશ્ન જ છે ! દ્રમ્મ તો બાહ્ય વસ્તુ છે, પણ આ દેહ જ તમારે દાણે બંધાયો છે, તેનું ખાતું કોણ ફાડી દેશે ! એ ચૂકવવા તો ફરી જન્મ લેવો જ રહ્યો છે. ને પ્રભુચરણે એ ભાવવા જ જાઉં છું કે નવો અવતાર અહીં જ મળે. આપનો મને કશો ભય નથી, પણ મારો કાળ નજીક છે.”

મહારાજનાં આંસુ ખાળ્યાં ન રહ્યાં. તેમણે મંત્રીને વિદાયનું બીડું આપ્યું.

સર્વને ખમાવી, સર્વનાં આંસુઓનું ભાતું બાંધી વસ્તુપાલે વિપુલ માનવસંગાથ સાથે વિદાય લીધી. મહારાજ પોતે અને નાગડ મંત્રી છેક મંડલિકપુર સુધી વળાવવા ગયા.

“બસ, પ્રભુ !” મંત્રીએ હાથ જોડ્યા, “રાજકાજ ખોટી થતાં હશે. પાછા વળો.”

મહારાજ સામા હાથ જોડીને બોલ્યા: “હું તો તમારું બાળક છું. મને જે કંઈ છેલ્લી આજ્ઞા દેવી હોય તે દો.”

“આજ્ઞા તો શું આપું? હું તો પ્રજાજન છું. પણ મને એક વસવસો રહી જાય છે – આ મારા અનાથ સાધુઓને વ્રતધારીઓને કોઈક સંતાપશે તો."

“આપ ખાતરી રાખજો કે હું જીવતે કોઈ નહીં સતાવે.”

“તો બસ, ઘણું ઘણું આપ્યું ગણીશ. હવે પાછા પધારો.”

જુદા પડેલા વસ્તુપાલ આગળ વધ્યા, એક જ સૂક્તિ તેના કંઠમાં રમતી હતીઃ

न कृतं सुकृतं किंचित् सतां संस्मरणोचितम् ।
मनोरथैकसाराणामेवमेव गतं वयः ॥

[અહો ! સત્પરુષોનાં સ્મરણને લાયક એવું એક પણ સુકૃત્ય થઈ શક્યું નહીં. આયુષ્ય એમ ને એમ જ ચાલ્યું ગયું.]

અંકેવાલિયા ગામે પહોંચતાં જ એમણે પોતાની સાથે વિહાર કરતા સાધુને વિનંતી કરીઃ “ગુરુદેવ ! હવે મને અનશનની અગડ આપો.” “કેમ વત્સ ! આંહીં જ કાં ?”

“નિર્માણ આંહીંનું જ માંડ્યું હશે ! સાડા દસમે ઘરે બેસીને દુર્ગા તે દિવસ પહેલી સંઘ-યાત્રાને ટાણે બોલી હતીના ! તો ભલે, તેમ જ થાઓ ! દેહમાં વેદના બહુ ઊપડી છે. હવે દીવો ઓલવાતો દીસે છે.”

અન્નપાણીનો આમરણાંત ત્યાગ કરીને પોતે ધૂન ઉપાડી:

“नमोऽर्हद़्भ्यो नमोऽर्दज्भ्यो: અર્હંત ભગવાનને નમું છું.”

અને પછી પોતે દેહ સૌરાષ્ટ્રભૂમિને ખોળે ધરી દીધો.

એના શબને ત્યાં જ અગ્નિદાહ દઈ એનાં ફૂલ તેજપાલે શત્રુંજય પર મોકલ્યાં. અંકેવાલિયામાં એની ભસ્માંકિત ભૂમિ પર એક મંદિર ચણાયું, જેનું નામ સ્વર્ગારોહણપ્રાસાદ હતું.

લલિતા અને સોખુ બેઉ સાથે જ હતાં. બન્નેએ અનશન વ્રત લઈ લીધું અને પતિ પાછળ દેહ વિસર્જ્ર્યો.

ભાઈનાં ફૂલને શત્રુંજય પહોંચાડીને તેજપાલ પાછા ધોળકે આવ્યા. જોડી તૂટી ગઈ. હજુ એને તો આયુષ્યનાં દસ વર્ષ ખેંચવાનાં હતાં.

*

એક દિવસ તેજપાલના આક્રંદે ઘર ગજવી મૂક્યું. રડતોરડતો એ બેઠો હતો – અનુપમાના શબની આગળ. પત્ની, જનની, પ્રેરણામૂર્તિ અને અસંખ્ય ઠપકા-મેણાં ને ટોણા પી જનારી વસુંધરા-શી એ પણ તેજપાલની આગળ સિધાવી ગઈ.

રુદન થંભતું નથી એ જાણી મુનિશ્રી વિજયસેનસૂરિ પૌષધશાળાએથી આવી પહોંચ્યા; બે ઘડી ઊભા રહ્યા, પછી કહ્યું: “વત્સ, એક જ વાત કહેવી છે.”

તેજપાલના ઊંચા થયેલા મોં સામે મુનિશ્રીએ પ્રશ્ન મૂક્યો: “બેમાંથી કયું સાચું?”

"બે – બે શું?” તેજપાલ ન સમજ્યો.

“અમે જે દિવસ ચંદ્રાવતીના ધરણિગ શ્રેષ્ઠીને ઘેર વાગ્દાન કરાવ્યું તે દિવસ અનુપમાં તો કદરૂપી છે એવી કોઈક વાત સાંભળીને વાગ્દાન તોડવા જે ઊભો થયો હતો તે તેજપાલ સાચો, કે આજે જે પ્રાણ વગરના શબ ઉપર વિલાપ કરે છે તે ઘેલો તેજપાલ સાચો !”

તેજપાલ પણ વિ.સં. 1305માં ચાલ્યો ગયો. એના પુત્ર લૂણસી અને વસ્તુપાલપુત્ર જયંતસિંહ પછીનો વધુ ઇતિહાસ ઉપલબ્ધ નથી.