ગુજરાતનો જય/ભદ્રેશ્વરનું નોતરું

વિકિસ્રોતમાંથી
← યવનો કેવા હશે ! ગુજરાતનો જય
ભદ્રેશ્વરનું નોતરું
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
સિંઘણદેવ →






21
ભદ્રેશ્વરનું નોતરું

વીરધવલની અને મંત્રીઓની ગેરહાજરીમાં ધોળકે એક પત્ર આવ્યું હતું. એ કાગળ વાંચીને કોઈને પણ જાણ કર્યા વગર જેતલદેવીએ એક ખેપિયો પાટણ લવણપ્રસાદ પર રવાના કર્યો હતો અને વીરધવલને ગોતવા પોતે નીકળી પડ્યા હતાં. લવણપ્રસાદ આવી પહોંચ્યા, વીરધવલને મળ્યા, પણ રાણાએ કે રાણીએ વીરમદેવના તો ખબર જ પૂછ્યા નહીં, ડોસાએ પણ આપ્યા નહીં.

પિતાને મળી કરીને વીરધવલ તેજપાલ સાથે વાતો કરવા રોકાયો. તેજપાલ તાપી-કાંઠાની કૂચ માટે તૈયાર થતો હતો. વીરધવલને સિંઘણદેવનાં પગરણથી વાકેફ કરીને તેજપાલ કૂચ કરી ગયો.

દરમ્યાન જેતલદેવીએ લવણપ્રસાદને પગે લાગવા આવીને એ કાગળ આપ્યો. કાગળ કચ્છની રાજધાની ભદ્રેશ્વરથી હતો, નીચે ત્રણ ચૌહાણ ભાઈઓની સહીઓ હતી. ત્રણેએ વીરધવલને લખ્યું હતું –

'રાણાજી, ભરૂચનો શંખ ખંભાત ભાંગવા આવેલો ત્યારે અમે તમારા પરોણા હતા. પરોણાનો ધર્મ બજાવવા અમે ખંભાતને બચાવવા દોડ્યા ગયા હતા. પછી અમે આપની ચાકરી માગી અને અક્કેક લાખનું વર્ષાસન માગ્યું ત્યારે આપે જવાબ વાળેલો કે એવા અક્કેક લાખમાં તો અક્કેક હજાર ભટો (સૈન્યનાયકો) રાખી શકાય. તો હવે એ ત્રણ હજાર ભટોને લઈને વહેલા ભદ્રેશ્વર પધારો, ને અમારી કિંમત કરો. ન આવો તો દેવોની દુહાઈ છે. ને તમને જો અગવડ હશે તો અમને આવી પહોંચ્યા સમજજો.”

“વીરધવલને વંચાવ્યો છે ?” લવણપ્રસાદે પૂછ્યું. જેતલદેવીએ ના કહી.

લવણપ્રસાદ વિચારે ચડ્યા. ભદ્રેશ્વરનો મંડલેશ્વર ભીમસિંહ પઢિયાર પણ પાટણથી સ્વતંત્ર બની આખો કચ્છ દબાવીને ડણક દેતો હતો. પુનરુત્થાન પામતા ગુર્જર દેશના છત્ર તળે આવવાની એ સાફ ના સુણાવતો હતો. લવણપ્રસાદે મોકલેલી ધમકીઓને એણે ગણકારી નહોતી. ઓછામાં પૂરું, ત્રણેય ચૌહાણ જોદ્ધાઓ ધોળકાની ચાકરી માગવા આવેલા ત્યારે તેનું જે અપમાન થયું હતું તેનો તાકડો સાંધીને ભદ્રેશ્વરના ભીમસિંહે એ ત્રણેયને પોતાની ચાકરીમાં અક્કેક લાખ દ્રમ્મનાં વર્ષાસને રાખી લીધા હતા. એ ત્રણેયની મદદથી મજબૂત બનેલું ભદ્રેશ્વર પાટણને અને ધોળકાને પગલે પગલે ભયરૂપ હતું.

વિચારના તાંતણા આગળ વણાતા ચાલ્યા. સોમ પરમાર ધારાવર્ષદેવનો સંદેશો લઈને પાટણ આવ્યો હતો અને ત્યાંથી જ લવણપ્રસાદે એને સૌરાષ્ટ્રમાં વસ્તુપાલને ખબર દેવા મોકલ્યો હતો. સોમ પણ એ જ કહેવા આવ્યો હતો કે દિલ્લીનું સૈન્ય સિંધ તરફ ગયું છે. સિંધ ભદ્રેશ્વરથી દૂર નથી, અને ભદ્રેશ્વર ગુજરાતનો દ્વારપાળ મટીને છીંડાચોર બને તેવો પલેપલ સંભવ કહેવાય.

"જેતલ !” રાણાએ દુભાઈને કહ્યું, “આ કાગળ તેજપાલને પણ વંચાવ્યો નહોતો ?”

“ના જી.”

“કેમ ?” રાણા વધુ રોષે ભરાયા, “આવી મૂર્ખાઈ ! હવે હું પૂછું કોને ? વાત કોની સાથે કરું ?”

“આપના દીકરા સાથે; મારી સાથે.”

“એટલે ?”

"હેં બાપુજી ! બધી જ ગૂંચો મંત્રીઓ ઉકેલી આપે તો તો અમારી અક્કલને તાળાં જ લાગેલાં રહેને ?”

"ત્યારે તો એમ કહેને કે તે જાણીબૂજીને જ તેજપાલને કાગળ નથી બતાવ્યો !"

"હા બાપુજી ! માનો કે મંત્રીઓ છે જ નહીં, ને આપ જ તોડ કાઢી આપો.”

“મારો તોડ ! મને બીજા દાવપેચ આવડતા નથી. હું તો ભદ્રેશ્વર પર ત્રાટકીને મરી જાણું.”

"આપ એકલા નહીં, આપના દીકરાને પણ ભેળા લઈને.”

“પણ ઘેલી ! આપણી પાસે સૈન્ય ક્યાં છે ? એક સૈન્ય સંઘની સાથે સૌરાષ્ટ્રમાં ગયું છે, બીજું તેજપાલ લઈ ગયો, ત્રીજું આબુ મોકલીએ છીએ, હવે બાકીનું ખસેડીને ધોળકાનો બરડો ફડાવવો છે ?”

“હું ક્યાં સૈન્ય લઈ જવાની વાત કરું છું ?”

"ત્યારે ?"

“આપ અને આપના દીકરા બે જ જાવ.”

“મોંમાં તરણું લઈને ?”

“ના, રાતુંચોળ મોં લઈને. આપનો બેટો એ ત્રણેય સાથે દ્વંદ્વે રમે અને આપ ઊભા ઊભા જુઓ. ત્રણેય ચૌહાણો વીર છે. એને બીજી કોઈ નીતિ નહીં જીતે. વીરની નીતિથી જ એ વશ થશે. મારું મન સાક્ષી પૂરે છે.”

“પણ દ્વંદ્વની સલાહ દેતાં તારું હૈયું ધડકતું નથી, દીકરી ?” લવણપ્રસાદ કૂણો પડ્યો.

"ધડકે તો ઘણુંય, પણ શું કરીએ ? ભદ્રેશ્વર સાથેનું સમાધાન તો આપણી છાતી માથે અને કટારની અણીએ જ લખી શકાશે. મને બીજું કાંઈ સૂઝતું નથી.” એમ કહેતી કહેતી એ આંસુનો ઘૂંટડો ગળી ગઈ.

સસરા સ્તબ્ધ બન્યા. જેતલની સ્વાર્પણશક્તિ એની નજરે તરવરી. ગુજરાતને માટે એણે પિયરનો નાશ કરાવ્યો હતો, પુત્રને છાતીએથી ઉતરડી ફેંકી દીધો હતો, હવે એ કંથને અગ્નિમાં ઓરવા તૈયાર થઈ હતી.

"વધુ વિચારની વેળા નથી, બાપુજી ! જે કરો તે તત્કાળ કરો. મંત્રીઓની ગેરહાજરી છે, આપણને શંભુ સુવાંગ જશ અપાવવાના હશે.”

"વીરધવલને શું લાગશે ?”

"એ તો આપના પુત્ર છે, એ તો રાતદિવસ તકને જ માટે તલસે છે. મંત્રીઓ જ બધું કરે અને પોતે બેઠા બેઠા જોતા રહે એ એને કડવું ઝેર લાગે છે.”

પછી લવણપ્રસાદ વીરધવલને મળ્યો, ચૌહાણ ભાઈઓનો કાગળ સંભળાવ્યો. એના જવાબમાં વીરધવલે સહેજ મોં મલકાવ્યું.

"લે, થઈ જા તૈયાર.” એમ કહીને પોતાની યોજના સમજાવી.

“એ તો મારું એકલાનું કામ છે.” વીરધવલે પોતાને માંડ લાગ મળ્યો હોય તેવા તોરથી કહ્યું, “આપની શી જરૂર છે ?”

"જરૂર છે. તું ડરીને દ્વંદ્વમાં પાછો હટે તો ઉપાડીને ઝીંકવા.”

"હા, તો તો જરૂર પધારો.”

બાપદીકરો માત્ર પાટણ જ જવું છે એવું જણાવી પ્રયાણ કરી ગયા. ઝીંઝુવાડે થઈને રણને રસ્તે ભદ્રેશ્વર તરફ ઊતર્યા.