ગુજરાતનો જય/યવનો કેવા હશે !

વિકિસ્રોતમાંથી
← 'ધીર બનો' ગુજરાતનો જય
યવનો કેવા હશે !
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
ભદ્રેશ્વરનું નોતરું →





20
યવનો કેવા હશે !

છૂપા વેશે સંઘની ચેષ્ટા જોવા ગયેલા રાણા વીરધવલને લઈને સાંઢણી પાછી વળતી હતી. પાછલા પલાણમાં બેઠેલ રાણાનું મન સ્વસ્થ નહોતું. સૈન્યને તૈયાર કરીને ક્યાંક ચડવાનું ગર્ભિત સૂચન વસ્તુપાલે કર્યું હતું. ક્યાં ચડવાનું હશે? યવનો તો નહીં આવતા હોય?

પોતાના જુવાન સાંઢણી-સવારને એણે પૂછ્યું: “હેં રાયકા, તેં યવનો જોયા છે?” એના પૂછવામાં પણ ફફડાટ હતો.

“અહરાણને?” રાયકાએ બિલકુલ સાદો જવાબ વાળ્યો, “ના બાપુ, અહરાણને તો મોટા બાપુએ આંઈ રેવા જ ક્યાં દીધા છે? તગડી મૂક્યાને ભૂંડે હવાલે.”

“તું પાટણમાં હતો ને નથી જોયા” સાંઢ પર વીરધવલ જાણે ચમકતો હતો.

"ના જી, અમે આઠ વર્ષના હતા ને અહરાણે એ પાટણ તોડ્યું તે વેળા મારા બાપે અમને ગામડે મોકલી દીધેલા. પછી તો અમે પાટણ પાછા ચાર વર્ષે આવ્યા ત્યારે તો એને મારીમારી ખાલ પાડીને બાપુએ તગડી મૂકેલા દલ્લી ભણી.”

"બાપુએ ! મારા બાપુએ !” વીરધવલના અવાજમાં રણકાર બદલાતો હતો.

“હા, રાણા ! બાપુએ કુતબુદ્દીન ઘોરીના સૂબેદારોને કેવા બરડાફડ ઝાટકા લગાવ્યા હતા. ને બાપુએ પોતાના ઘોડાને બાદશાહી હાથીઓનાં દંતૂશળો માથે પગ ટેકવાવી અંબાડીએથી મ્લેચ્છોને કેવા ભાલાની અણીએ ઉપાડી લીધા હતા તેના તો અમારે રબારીની છોકરીઓ ગરબા ગાય છે.”

એ કહેતાં કહેતાં રાયકો પણ સાંઢ્ય પર ટટ્ટાર થઈ જવા લાગ્યો ને સાંઢણી પણ એના શબ્દો પકડતી હોય તેમ વેગ વધારતી ગઈ. વીરધવલ બીતો હોય તેમ વધુ બોલવા લાગ્યો: “પણ બાપુ યવનોને પહોંચ્યા હશે કેમ કરીને? જેણે મોટા ભીમદેવ મહારાજને તગડ્યા, જેણે આ ભીમદેવમહારાજનું બાણાવળીપણું નષ્ટ કર્યું, જેણે ચૌહાણ પિથલદેવનું રાજપાટ લોટપોટ કર્યું, જેણે સૂર્યના વરદાનધારી શિલાદિત્યને સંહાર્યો, જેણે કાશીના જયચંદ્રનો બૂકડો કર્યો, તે બધા ગજનીઓ ને ઘોરીઓ, કાબુલીઓ ને ખુરસાણો, મુલતાણો ને મુંગલાણો કેવા હશે?"

સાંઢણી સવાર વીરધવલનું આ બીકણપણું દેખી મૂંગો બન્યો.

તે દિવસ જે ગામડામાં તેણે સાદા મુસાફર તરીકે રાતવાસો કર્યો તેના શિવાલયમાં એક બીજો પડાવ હતો. એક સાંઢણી ને બે જ અસવારો હતા. બેમાંથી જે વીસેક વર્ષનો જુવાન હતો તેના મોં પર ક્ષત્રીવટનાં ચિહ્નો હતાં. એ શિવમૂર્તિ સામે એક પગે ઊભો રહીને હાથમાં પાઘ રાખી પ્રાર્થના કરવામાં મશગૂલ હતો. એના ચહેરા ઉપર અસાધારણ પહોળાઈ ને ચપટાઈ હતી. એનાં જડબાં મોંનો કાન સુધીનો ગોળાકાર રચી દેતાં હતાં. વીરાસન વાળીને એ બેઠો. સામે સમશેર ને ઢાલ ધરી દીધી, હાથમાં માળા લીધી ને પછી એના મોંમાંથી જે સ્વરધારા છૂટી તેના સંગીતમય ઘોષે નાનકડા શિવાલયને છલકાવી દીધું.

અભણ વીરધવલ શિવાલયના ઓટાની કિનાર પર બેઠો બેઠો આ માણસની સ્તવનધારા વગર સમજ્યે સાંભળી રહ્યો. એણે રાયકાને પૂછ્યું: “આ શું ગાય છે?"

“બાપુ, અમારી સરજુ જેવું કાંક લાગે છે.”

"લાગે છે તો લડવૈયો.”

"હા, રાણા ! લાગે છે કોઈક રાજસ્થાની.”

“લહેકા તો અનુપમાદેવીને મળતા જ લાગે છે, નહીં?”

“ચંદ્રાવતી-આબુ પંથકની જ બોલી લાગે છે.”

“આબુવાળાઓએ તો યવનોને જોયા હોય છે, ખરું?”

“હા બાપુ આબુવાળાને તો ઈ વાતના હિલોળા.”

“ત્યારે તો આ જુવાને નક્કી યવનો જોયા હશે.”

થોડી વારે એ પરદેશી પરોણાની પાસે લોકમંડળ એકઠું થયું. સૌના હાથમાં માળા હતી. વીરધવલે એકાએક પ્રશ્ન મૂક્યો: “હે ભાઈ, આ યવનો કહેવાય છે યવનો, એ તે કેવડાક હશે?”

યવનોનું નામ પડ્યું ને શિવાલયના દીવાની જ્યોત જાણે કે થરથરી ઊઠી. કોઈકે કહ્યું કે, “ભાઈ, એ વાત પડતી મૂકો ને બીજી કાંઈક જ્ઞાનની – ભક્તિની વાત કરો.”

"શંકર ભીલડીના નાચે કેમ રીઝ્યા તેની જ વાત સમજાવોને કોઈક?” બીજાએ કહ્યું.

“પણ યવનો –"વીરધવલના આટલા જ બોલાયેલા બોલે ત્યાં બેઠેલાઓમાં એક છૂપી કંપારી પ્રસરાવી. થોડી વારે એક માણસ ઊઠીને, “લ્યો, જય ભીમનાથ ! આજે તો ઊંઘ આવે છે !” કહી ચાલતો થયો.

ડાયરાનું કૂંડાળું ખાલી થવા લાગ્યું. એક પછી એક ગ્રામવાસી આ છૂપા વેશમાં વાતો કરતા વીરધવલની સામે ભયની દૃષ્ટિ ફેંકતો ફેંકેતો ઊઠી નીકળ્યો. ગામમાં કોઈ ડાકુ, ગળાકાપુ કે યવનોનો જાસૂસ આવ્યો હોય તેવું છૂપી ઊંડી ધાકનું વાતાવરણ પ્રસર્યું. યવન એવું જેનું નામમાત્ર પણ ગુર્જરોને આટલા ફફડાવી મૂકે છે તે યવનો કેવા હશે? પોતે વામનસ્થલીના સંગ્રામમાં શોભેલો તે તો સોરઠિયાઓની સામે સોરઠિયા પરાક્રમી હતા પણ ભયંકર નહોતા. તેમની સાથે લડવું ગમતું હતું. પણ યવનો !... ઓહ ! યવનોનાં કદમો પડે ત્યાં મંદિરોના ઘૂમટો તૂટે, પ્રતિમાઓના ટુકડા થાય, ગાયોનાં શોણિતે ગૌમુખીઓ વહે અને નારીઓનાં શિયળ... ઓહ ! ઓહ ! ઓહ ! કેવા કારમા એ યવનો ! મારી જેતલદેવી કદીક એને હાથ પડે તો ? એ વિચારે વીરધવલ કમકમ્યો.

ડાયરામાં બેઠેલો એ રાજસ્થાની જણાતો વિભૂતિમાન પુરુષ એકપણ શબ્દ ઉચ્ચાર્યા વગર બેસી રહ્યો હતો. તેણે આ અણઓળખ્યા રાણાની ચકળવકળ આંખો તપાસી. 'યવન'ની વાત કાઢીને રાણાએ ગ્રામલોકોને થથરાવ્યા તે એને ગમ્યું નહોતું. આ ભીરુ માણસ પર એને ઘડીક દયા આવી, ઘડીક શંકા આવી. એ પણ ઊઠીને ચાલતો થાય એમ રાજસ્થાની પરોણાએ ઇચ્છ્યુ. તેને બદલે વેશધારી વીરધવલે એને પણ એ જ પ્રશ્ન કર્યોઃ “કેમ જુવાન ! તમે તો યવનો ક્યાંથી જોયા હોય ?”

“ગુર્જરધરાના બચ્ચા નથી લાગતા તમે.” પેલો રાજસ્થાની, કે જેણે કંઠમાં માળા ને કાંડે કડાં વગેરે ધારણ કરેલ હતાં તેમ જ જેની મુખમુદ્રા ભક્તિભાવ દાખવતી હતી, તેણે જરા મોં મલકાવીને સામે જવાબ વાળ્યો.

"કેમ?”વીરધવલને કલેજે ચૂંટી ખણાઈ.

“મંડલેશ્વર લવણપ્રસાદના શાસનને લજવતા હો એવું લાગે છે મને.”

પરદેશીએ વધુ ડામ ચોડ્યો.

પિતાનું નામ પડતાં વીરધવલની આંખો ઠરડાઈ. બેઉના નેત્રપાતમાંથી સામસામાં ભાલાં અફળાયાં. પોતે માનેલો આ મુસાફર તો માથાનો ફાટેલ નીકળ્યો. જુવાન હસીને ફરી બોલ્યોઃ “શ્રાવકભાઈઓનું મંત્રીપણું ઊંધું મારતું લાગે છે”

"સંભાળીને બોલો, ભગત !” વીરધવલની છાતી પહોળી થઈ ને તેની કમ્મરમાંની કટાર ડોકાવા લાગી.

“એ કટાર તો યવનોને પાસે આવતા દેખીને પેટ નાખવા ભેગી ફેરવતા લાગો છો !”

“ચૂપ કરો, કહું છું.” વીરધવલ વધુ ચિડાયો. એને હજુ વધુ ચીડવવા માટે પરદેશીએ કહ્યું: “મને તો ભય છે કે તમે યવનોને દેખી કટાર પેટ નાખવાની હિંમત નહીં કરી શકો. ને કદાચ રજપૂતાણીને પોતાનું શિયળ બચાવવા એ કટાર ઝૂંટવી લઈ પેટ નાખવી વધુ ફાવશે.”

“રાક્ષસ !" કહેતો વીરધવલ ખડો થઈ સમશેર ખેંચવા લાગ્યો.

"આંહીં નહીં, આંહી શિવાલય છે; ચાલો ખડકી બહાર, તમને જરા મહાવરો પડાવું.”

એમ કહીને આ પરદેશી ઊઠ્યો, પણ એનું મસ્તક જાણે ગગનમંડળમાં પહોંચતું લાગ્યું. એણે પૂર્ણ સ્વસ્થતાથી વીરધવલનો હાથ ઝાલ્યો ને કહ્યું: “ચાલો બહાર.”

“નથી આવવું, તું કોણ લઈ જનાર?”

"હવે ના પાડો તે કંઈ ચાલે? ચાલો, ત્યાં અંધારું છે પણ યવન નથી. ચાલો.”

વીરધવલને આ પુરુષના પંજાનો સ્પર્શ પણ કોઈ અજબ રીતે શાતાકારી લાગ્યો એટલે એ અંધકારમાં પણ બહાર ખેંચાતો ચાલ્યો. પરદેશીના પંજાના સ્પર્શમાં શીતળતા આપે તેવી કોઈક વિચિત્ર ઉષ્મા હતી. ખરેખર, જાણે કોઈક ઉસ્તાદ, કોઈક શસ્ત્રગુરુ એને કંઈક તાલીમ આપવા લઈ જતો હતો !

મંદિરની પાછળ ચંદ્ર ઊગતો આવતો હતો. તેની વચ્ચે ઊંચાં ને જાડાં, વાંકા ને ટેડાં, હલતાંચલતાં ને વાતો કરતાં હોય તેવાં જમાનાજૂનાં ખોખડધજ વૃક્ષો ઊભાં હતાં.

"લો, ક્ષત્રિય !” પરદેશીએ કહ્યું, “ચલાવો તલવાર; પણ હંમેશાં શત્રુ લગોલગ હોય ત્યારે તો નાનકડી કટારી જ વધુ ફાવે, જુઓ, કટારી આમ નાખીએ.”

એમ બોલતાં જ એણે પોતાની કમ્મરમાંથી ખેંચેલી એક ગરેડીવાળી કટારીને સામે ઊભેલા ખીજડાના થડ ઉપર વહેતી કરી. ઘા એક તોતિંગ ખીજડાના થડ પર ભચ દઈને બેઠો. દોરીવાળી ગરેડી ખીજડાના થડમાં ખૂંતીને પાછી નીકળી એના હાથમાં આવી ગઈ, ફરી પાછી એણે નાખી, ફરી કટાર ખીજડાના થડમાં ખાડો પાડી પાછી પંજામાં આવી. એમ ઝબ ઝબ ઝબ આવી ને ગઈ, ગઈ ને આવી; પલકમાં એણે પંદરેક ઘા કરી લીધા.

ચંદ્રને અજવાળે વીરધવલ સ્તબ્ધ બની આ કટારી-ખેલ જોઈ રહ્યો. ખરેખર, જાણે એ કટારી વાપરનારો રમત જ કરતો હતો. એની કાયામાં કે એના કલેજામાં કશો ધગધગાટ નહોતો. એણે કટારીને દોરી વીંટાળીને પાછી કમ્મરમાં મૂકતાં મૂકતાં કહ્યું કે, “યવન યવન શું કરો છો? યવનનેય બે હાથ ને બે પગ હોય છે. ફેર માત્ર એટલો જ છે, ઠાકોર ! કે યવન આળોટેલ છે ધગધગતી રેતીનાં રણોમાં અને એણે કર્યા છે કાબુલ-અફઘાનિસ્તાનના વંકા પહાડોમાં પાષાણ ઓશીકાં, ને તમે?.. તમે ક્યાંના છો?”

"ધોળકાનો.”

“હં-હં- રાણક વીરધવલના લડવૈયા: અવતાર ધરીને પહાડ દીઠો છે કદી ? ત્રાડો સાંભળી છે કદી ? મારો ઊંટ ગુર્જર દેશ ખૂંદતો આવ્યો છે, ને મેં જોયું છે કે પાટણ અને ધોળકા વીરોને પેદા કરનારી ભૂમિ કદી નહીં બને. બહુ વધુ પડતી ફળદ્રુપ, બહુ પોચી ને પોચી પોચી ધરતી ખેડનારો તમારો રાણક પાછો નિરક્ષર !”

“તમે ક્યાંના છો ?”

“આબુ પહાડનો.”

“આમ શીદ ભણી ?”

“યાત્રીઓને મળવા.”

"કોને, મંત્રીને ?”

“નહીં, મંત્રી તેજપાલનાં પત્નીને"

“કોને, અનુપમા શેઠાણીને ?”

“હા, એ મારા શહેર ચંદ્રાવતીનાં છે. એ મારી બહેન કહેવાય.”

"તમને શ્રાવકોની આ સંઘયાત્રા ગમે છે ?”

"ઠાકોર, તમારા મંત્રી તમારા કરતાં કાંઈક વધુ ડાહ્યા છે. એણે ફોસી ગુર્જરોને સૌરાષ્ટ્રના ગિરિરાજોની ગોદ બતાવવા માંડી છે. કારણ કે..”

“શું કારણ કે ? કેમ રહી ગયા ?”

"કારણ કે –" એમ કહી એણે પેલાના કાન સુધી મોં લઈ જઈ કહ્યું: “આવે છે.”

“કોણ ?”

"યવનોનાં ધાડાં. ભીરુ ! ભાગીને ક્યાં તારા ખંભાતના દરિયામાં પડીશ ? નાસીને ક્યાં સંતાઈશ ? તારા સરીખાની ઠાકુરણોનાં કલેવર રોળાશે ને તું સંતાઈ જઈશ ? તારો સ્વામી આટલો બધો નપાવટ ! સોરઠને ગામેગામ હું જોઉં છું કે યવન શબ્દ સાંભળી સૌ પૂંછડી સંકોડે છે, ત્યારે પેલો બુઢ્ઢો લવણપ્રસાદ પાટણમાં ઊભો ઊભો સિંહગર્જના સુણાવે છે દિલ્લીશ્વરને, અમારા મરુરાજોને, માળવાને, ને દખણા યાદવોને. એ ગર્જનાની પાછળ બળ કેટલું છે તે તો હું જોતો આવું છું ગુજરાતને ગામડે ગામડે ! રંગ છે એ બુઢ્ઢા બહાદરને; રંગ છે એની આશાને ને આસ્થાને, કે એ આ ફોસી ભોમના નામમાં કલ્પિત પ્રતાપ મૂકી રહ્યો છે!"

સંધ્યાએ શાસ્ત્રસ્તવનો ગુંજતો એનો એ જ કંઠ આ રાત્રિએ બદલી ગયો હતો. પોતાનાથી પંદર વર્ષ નાનો છતાં દેહ ને વાણીએ વડીલભાવ આપોઆપ સ્થાપિત કરે તેવા આ પરદેશી રાજપૂતનું ગુર્જરધરા પર ઊભે ઊભે આવું બટકબોલું આચરણ રાણા વીરધવલને વિસ્મય પમાડતું હતું. સાથોસાથ વૃદ્ધ પિતાની છાતીફાટ પ્રશંસા એને પોરસ દેતી હતી.

“ચાલો ચાલો, ઠાકોર" પરદેશીએ કહ્યું, “આપણા જેવા બેને દ્વંદ્વ કરવું હોય ત્યારે વચ્ચે કોઈક જોઈએ.”

"કોઈક કોણ ?”

"કાં કોઈક ધર્મભગિની, ને કાં કોઈક પ્રેયસી પદમણી. તે વગર દ્વંદ્વની શોભા શી ?”

બોલતાં બોલતાં એના ચહેરા પર બેઉ ગાલે ગલ પડ્યા. પાછા વળતા વીરધવલે પૂછ્યું, “તમે આબુમાં શું કરો છો ?”

"પરમાર ધારાવર્ષદેવનો સૈનિક છું. તેમના તરફથી દેવપૂજાનું ઘી લઈને બહેન અનુપમા પાસે જાઉં છું.”

“બાપુ ! રાણાજી !” એમ બૂમો પાડતા વીરધવલના રાયકાએ મશાલ લઈને દોડતાં આવીને કહ્યું, “બા પધાર્યા છે"

'રાણા' 'બાપુ' 'બા' વગેરે શબ્દોએ આબુવાસીને ચમકાવ્યો. આબુવાસી કળી ગયો. એ બીજે રસ્તે ચાલ્યો ગયો.

જેતલદેવી મંદિરની ખડકી પર જ ઊભાં હતાં.

"ક્યાં ભાટકો છો ?” રાણીએ હસતાં હસતાં પૂછ્યું.

"જરાક – જરાક આઘો નીકળી ગયો.”રાણા વીરધવલ પણ હસ્યા, “તમારે પોતાને જ આવવું પડ્યું !”

"એવી ઉતાવળ હશે એટલે જ તો ! ચાલો, રાત છે, મને સાંઢ્ય પર જ લઈ લો; ને તમે જ હાંકો જોઉં, કેવીક આવડે છે !”

પતિ-પત્ની સાંઢણી પલાણીને ચાલ્યાં; ને રાણા બોલ્યા: “ભારી મોજ આ તો ! જાણે તમને હરણ કરી લઈ જતો હોઉં !”