ગુજરાતનો જય/વામનસ્થલીનાં વૈર
← સંઘ શોભે? | ગુજરાતનો જય વામનસ્થલીનાં વૈર ઝવેરચંદ મેઘાણી ૧૯૩૯ |
ધણીનો દુહો → |
બીજા જ દિવસે તેજપાલને બોલાવી રાણા વીરધવલે વરધી આપીઃ “વામનસ્થલી ભાંગવા જવું છે. તમારે બેમાંથી એકેય ભાઈએ સાથે આવવાનું નથી. મને ફક્ત સેના આપો.”
બોલવામાં એના મનની છૂપી રીડ કળાઈ આવતી હતી.
"પણ ઉતાવળ શી છે?” તેજપાલે નમ્રતાથી પૂછ્યું. એને રાણા પ્રત્યે છૂપો બંધુભાવ હતો. રમાઈ રહેલી ખટપટની એને ખબર નહોતી.
“ઉતાવળ શી છે? તમે એ નહીં સમજો ભાઈ, તમારી વાણિયણોનું એ સુખ છે. અમારા લગ્નસંસારના ઘોંચપરોણા તમે નહીં સમજી શકો. લાંબી કાંઈ ચર્ચા નથી કરવી. સેના આપી દોને મને !”
તેજપાલે વધુ કશું બોલ્યા વગર મોટાભાઈને વાત કહી. તેજપાલને ખબર નહોતી કે રાણાના રુધિરને આ છૂપી આંચ લગાડનાર મોટાભાઈ જ છે. એને રાણા પ્રત્યે ઊંડી મમતા હતી. રાણા એકલાપંડે સોરઠધરામાં પ્રવેશ કરે એ વિચાર તેજપાલ સહી જ ન શક્યો. સીધો ને સરલ એ શૂરવીર, રાણાના આ અવિચારી સાહસનો કટ્ટર વિરોધ કરવા લાગ્યો.
વસ્તુપાલે કહ્યું: "જો ભાઈ, રાણા અને રાણકી બેઉને જતે દહાડે આપણી એકલાની સિદ્ધિઓ પ્રત્યે ઈર્ષ્હ્યા ને વહેમ જન્મશે. માટે એક વાર એને જવા દે.”
"ને મરવા દઉં, એમને?”
“ના, તારે એની રક્ષામાં જ રહેવાનું પણ કોઈ ન જાણે તેવી ગુપ્ત રીતે એને જીવ સાટે જાળવી લેવાના છે.”
“પણ શત્રુઓથી ખદબદતી સારીય સોરઠધરાને વીંધી એ વામનસ્થલીનાં ઝાડવાં જોવા પહોંચશે ખરા કે?”
"નયે પહોંચે. એ વાત સાચી છે. માટે જ આપણાં ભેજાંનો ખપ છેને ! હું એને આપણો વ્યૂહ સમજાવી લઉં છું.”
એમ કહીને એ વીરધવલ પાસે પહોંચ્યો, કહ્યું: “હું કંઈક વિનતિ કરવા માગું છું.”
“મારે તમારી કાંઈપણ સલાહ આ બાબતમાં તો લેવી જ નથી.”
“આનું નામ જ રાજપૂતીનું દેવાળું, હો બાપુ!” વસ્તુપાલે વગર થડક્યે સંભળાવ્યું. એ હસતો હતો.
“ને આનું નામ મંત્રીપણાની મગરૂબી, ખરુંને?”
“આપને એમ લાગતું હોય તો મંત્રીપદ પાછું સોંપતાં મને કઈ વાર છે?”
“તો શું કહેવું છે? ઝટ કહી નાખ, ભાઈ! એટલે છૂટકો પતે.”
"કહેવું છે એટલું જ કે વામનસ્થલી પર ચડવાના કંઈ ઢોલ ન વગડાવાય; ઢોલ તો વામનસ્થલી જીત્યા પછીના જ શોભે.”
“તો મારે શું બાયડીનો વેશ પહેરીને વામનસ્થલી જવું?”
“હું તો એ પણ કરું. પરંતુ આપને કરવા નથી કહેતો. કેમ કે સ્ત્રીવેશમાં પણ આપ અછતા નહીં રહો.”
"એવો કદરૂપો છું એમ ને?”
“ના, એવા પૌરુષવંતા છો.”
"તો શું કરવું?”
“આપે વમનસ્થલી જુદે માર્ગે સૈન્ય લઈ જવું. ખંભાતથી જળમાર્ગેઃ ને સોરઠના કોઈક નાનકડા ખાળામાં જઈ કાંઠે ઊતરવું. ત્યાંથી રાતોરાત વામનસ્થલી.”
"હું દગો નહીં રમું. તમે બધા શિખામણો આપો છો પણ જેતલ એના પિયરનાં ઝાડવાં જોઈને વેવલી નહીં થઈ જાય એની મને કંઈ ખાતરી છે?”
"માટે જ કહું છું કે જેતલબાને સીધાં જમીનમાર્ગે વેલડામાં એકલાં મોકલો. એને આપણાં સાંધિવિગ્રહિક બનાવો. એને સાડીસાત વાર ખેવના હોય ને આપને કહેવા પાછાં આવે તો જ પછી ભાંગજોને વામનસ્થલી; બાકી આપ માનો કે ચોડેધાડે સેનાનાં ડંકાનિશાન ગડગડાવતા ને ધોળકાની ધજાઓ ફરકાવતા આપ વામનસ્થલીને સીમાડેય પહોંચી શકો, તો એમાં આપ ખત્તા ખાશો અને અમારાં મોત બગાડશો. વામનસ્થલી તો કોણીનો ગોળ છે. ને વામનસ્થલીના રણાંગણમાં જ સમગ્ર સોરઠધરાનો આપણો પ્રશ્ન નક્કી થઈ જવાનો છે એ ન ભૂલજો. આ કાંઈ જેતલબાનું અંગત વેર વાળવાનો કે વટ બતાવવાનો પ્રશ્ન નથી. આ તો રાજનીતિનો સવાલ છે.”
વીરધવલનું સરળ ને સાચકલું હૃદય, સમજી ગયા પછી રીસ છોડીને મંત્રીશિખામણ પ્રત્યે કૂણું પડ્યું. પણ એ રહસ્ય જેતલદેવીના હૃદયમાં ઉતારતાં લાંબો કાળ લાગ્યો. ઘણા મહિના જવા દેવા પડ્યા. “એક જ શરતે હું તમે કહો તેમ કરવા તૈયાર છું.” જેતલદેવીએ છેવટે એક દિવસ મંત્રીને જવાબ વાળ્યો, “કે તમારે બેઉએ આ ચડાઈમાંથી દૂર રહેવું. રાણાને એકલાને એનું પાણી બતાવવા દેવું.”
"ને મારી શરત એ છે બા, કે તમારે સમજણથી પતે ત્યાં સુધી સંગ્રામમાં રાણાને ન ઓરવા. નહીંતર બેય વાતે તમારી આંખોમાં તો આંસુડાં જ રહેવાનાં.”
થોડા દિવસે મંત્રીએ રાણાની પાસે વાત મૂકી કે, “ચંદ્રાવતીથી તેજપાલના સસરાનો જરૂરી ખેપિયો આવેલ છે. એટલે ત્યાં એને કૌટુંબિક કામે જવું પડે તેમ છે; ને એ તરફનાં બીજાં રાજકામો પણ કરવાનાં ઊભાં છે. સિંધનો હમ્મીર (પાદશાહી સૂબો) ગુજરાત પર શા શા મનસૂબા ગોઠવી રહેલ છે ને તેની સામે ચંદ્રાવતી આપણને કેવીક મદદ આપી શકે તેમ છે, તે બધી જાતતપાસ ગુપ્તવેશે તેજપાલ ભલે કરી આવતો. હું ધોળકું ને ખંભાત બંનેનું ધ્યાન રાખીશ. ધાર પરમારનું પાણી એક વાર પરખી લેવું રહે છે.”
રાણાએ રાજી થઈને હા કહી, એટલે તેજપાલ પોતાના પચીસેક વિશ્વાસુ સુભટોને અને હેરકોને લઈ નીકળી પડ્યો. પણ એ વિરમગામ સુધી જઈને રાતોરાત આડો ફંટાયો, સોરઠ પર ચાલ્યો. રાતોરાત પચીસેય જણાના વેશ, પોશાક અને ચહેરામોરામાં ફેરફાર થઈ ગયો અને બેબે-ચાર જુદા પડી ગયા. કોઈ ટુકડી બાવાવેશે ભીખ માગતી, તો કોઈ બ્રાહ્મણવેશે દોરાધાગા કરતી, કોઈ દવાની યાકૂતીઓ વેચતી તો કોઈ આયુર્વેદની ઢબે વૈદું કરતી, ટીપણાં જોતી, એમ વહેંચાઈ જઈને મજલ કરતી કરતી વામનસ્થલી પહોંચી ગઈ હતી. તેજપાલે પોતે એક વૈદ્યની ટુકડીમાં ખરલ ઘસનારાની ભૂમિકા લીધી.
મહિનાઓ પછીના એક દિવસે વામનસ્થલીને રાજગઢ-દ્વારે આવીને એક વેલડું બરાબર સંધ્યાકાળે ઊભું રહે છે. ભેળો કોઈ વોળાવિયો નથી. દરબારમાં મશાલટાણું છે. ચામુંડરાજ અને સાંગણ બેઉ રાજવી બંધુઓના જયકાર ગાતાં નગારાં રાજગઢના કોઠા પર ગડગડી રહ્યાં છે. ચોપદાર લલકારે છે. મશાલટાણાના દરબારમાં શાગિર્દી, ભાયાતો, જિવાઈદારો ને સૈનિકોની ઠઠ જામી છે. એ સર્વની સામે વેલડીમાંથી ઊતરેલી સ્ત્રી આવીને ઊભી રહે છે ત્યારે સોરઠી રાજવળાના શિષ્ટાચાર પર વજ્રપાત જેવો આઘાત પડે છે. મશાલકચેરીમાં એક સ્ત્રી ! રજપૂતાણી: ખુલ્લે મોંએ ! આંગળીએ વળગેલો પાંચેક વર્ષનો એક બાળક ! ને બાઈના ગળામાં ને કાંડામાં, પગમાં ને લલાટ ઉપર એકેય અલંકાર નહીં, હેમની કટકી પણ નહીં !
થાકેલું, કરમાયેલું, બળેલું ઝળેલું એ મોં ઓળખાતાં વાર લાગી. મશાલનો ભડકો એના મોં પર પડ્યો ત્યારે પિછાન પડીઃ “કોણ આ? જેતલ? તું આંઈ? એકલી?" મોટાભાઈ ચામુંડરાજ ચમકીને બોલ્યા. દાયરામાં બેઠેલ પ્રત્યેક મોં આભું બન્યું. જેતલના ચહેરાના રંગો મશાલની જ્યોતમાં પલટપલટ થતા હતા.
જેતલદેવીએ જવાબ ન વાળ્યો. રાજ ચામુંડે મશાલ-સભા ઉતાવળે ઉતાવળે વિસર્જન કરી, બહેનને અંદર મોકલી. વાળુપાણી પતાવ્યાં, જેતલદેવીએ ન ખાધું, એ કહે કે મારે નિર્જળો ઉપવાસ છે.
રાત્રિએ જેતલદેવીના આવા બેહાલ આગમન વિશે ગામ વાતોએ ચડી ગયું. તરેહ તરેહનાં અનુમાનો ચાલ્યાં. રાણે કાઢી મેલ્યાં લાગે છે: મોટો ગૃહકલહ થયો લાગે છેઃ રિસામણે આવ્યાં જણાય છે. આવા તર્કોએ ચડી ગયેલ ગામમાં કોઈને રાણાની ચડાઈની કલ્પના પણ આવી નહીં.
જેતલદેવીને ભાઈઓ પૂછવા લાગ્યાઃ “છે શું?”
અગાઉથી કરેલા સંકેત મુજબ બહેને “હમણાં જ વાત કરું છું, ભાઈ!” એમ કહીને કાળ જવા દીધો, ને પછી ગઢની મેડીએ ચડી ચુપકીદીથી એણે જોઈ લીધું કે માણેકવાડાને માર્ગે મશાલો બળી રહી છે. રાતનો એ બીજો પ્રહર હતો. પછી એણે ભાઈઓને પોતાની પાસે બેસાર્યા.
"તારી આ શી દશા થઈ? કોણે કરી?” ચામુંડરાજે પૂછ્યું.
"લૂંટાણી છું.” જેતલદેવીના હોઠ માંડ શબ્દ સેરવી શક્યા.
"કોણે લૂંટી?”
“માના જયાએ.” જેતલદેવીનાં નેત્રોએ સાંગણને શોધ્યો.
"ગાંડી ! શાંત થા.” ચામુંડરાજે એને કહ્યું, “ચોખ્ખું કહે.”
“કહેવા જ આવી છું. એક જ વાત કહેવા,” ને એના હોઠની પાંદડીઓ આવેગના પવનમાં ધ્રૂજી ઊઠી: “કે વીરા ! આ મશાલ કોની કરો છો? આ ચોઘડિયાં. ને નગારાં શેના? આ નેકી કોની પોકરાવો છો? પાટણનો ગુર્જરપતિ ઊઠીને મને તમારી પાસે પાલવ પાથરવા મોકલે છે.”
"આ તે તું શું લવે છે, જેતલ? તને કાઢી મૂકી છે કે શું? તું કેમ આટલી બધી ધગેલી છો?”
"સાચી વાત, વીરા!” જેતલે ગમ ખાધી. “મારે ધગવું ન જોવે. ધગું છું, કેમ કે સોરઠધરાની ધૂળમાંથી નીપજી છું. લ્યો હું ટાઢી પડી. હવે કહું છું, લ્યો આ હાથ જોડીને કહું છું, આ માથું નમાવીને કહું છું – કે વિસામા મારા ! બેનના ઓઢણા સામે જુઓ. આ ઉફાંદ છોડો, ધણીના ચાકર છો ને ધણી ન બનો; નાતાદાર છો ને ચોર ન બનો; સાથી છો ને શત્રુ ન બનો. રાણો તમને વિનવણાં મોકલે છે.”
“તેં પણ, જેતલ !" ચામુંડરાજે હસીને કહ્યું, “લેવાદેવા વગરનો ભારી દાખડો કર્યો! તેને કાઢી મેલી લાગે છે. રાણો બળુકો તો ખરો ! તુંને અમારી બોન સમજીને આ હવાલે આંહીં અમારું દિલ પિગળાવવા કાઢી ! તારી મારફત અમને દબાવવા છે, આ લાબરકાબર વેશે?”
"જો, જેતલ!” અત્યાર સુધી ચૂપ રહેલો સાંગણ આવીને બોલવા લાગ્યો.
“તારું તો મારે મોં જ નથી જોવું.” જેતલદેવી બીજી બાજુ ફરી ગઈ.
“તો તું તારે મોં જોયા વગર જ સાંભળી લે... હે.. હે. હે.” સાંગણ હસ્યો, "તારા અંતરની વાત હું કહી આપું? હેં? હે-હે-હે ! તારા કોઠામાં જાણે કે ભે પેસી ગઈ છે, કે રાણાના ને અમારા ધિંગાણામાં તારે કેદીક છેને ચૂડા વગરની થાવું પડશે – હેં? હે-હે-હે-હે. પણ તું ફકર શીદ રાખછ હૈ? હે-હે-હે-હે! તુંને કાંઈ અમે ચૂડા વગરની નહીં રાખીએ. ગુજરાતમાં તને દીધી ઈ ભૂલને ટાળી દેશું. નવસોરઠમાં અમારા નાતાદાર થાય એવા રાજકળીના ધણી ક્યાં થોડા છે? આપણે તો હાલે, હો જેતલ ! ફરી ચૂડો પે'રાય. આપણે તો સોરઠના. એયને તું તારે બેધડક રે'જે. તારો ચૂડો...”
"મારો ચૂડો તો તારે માથે પછાડું" જેતલદેવીએ સોરઠી હાંસીની હદ થઈ ગઈ દીઠી, એટલે એણે ઊઠી જઈને સંભળાવ્યું: “મારા ચૂડાની ચિંતા કરનારાઓ ! હું તો આવી હતી, મારા મહિયરની દ્રશ્યનાં દુવાર ન દેવાઈ જાય તેટલા માટે. પણ હવે તો મારો ચૂડો ભલે તમારાં શોણિતે રંગાતો. લ્યો ભાઈ ! જુવાર છે તમને.”
“ક્યાં – પાછી ધોળકે જઈશ? સેનાને તેડી લાવવા?” સાંગણે મશ્કરી કરી. ચામુંડરાજે જરા સ્નેહભીના સ્વરે કહ્યું: "ઘેલી રે ઘેલી. ખાતી પીતી તો જા. આમ કોળી-વાઘરીની જેમ એકલી હાલી નીકળાય છે કાંઈ?”
“મારે ઝાઝે પંથે ક્યાં જાવું છે ભાઈ! આંહીં પાદરમાં જ...”
"હં-અં, બેન ! કૂવા તો ઘણા છે.” સાંગણે ટોણો લગાવ્યો.
ને જેતલદેવીએ પાછાં વેલડામાં ચડી બેસી વેલડું હંકાવ્યું. ત્યારે ચામુંડરાજે માણસોને કહ્યું: “એની વાંસે જાઓ, એ ઘેલીને મજેવડીમાં રોકાવજો. એ નાનપણથી જ તજ જેવી તીખી છે, ક્યાંક આત્મહત્યા કરી બેસશે. ઓલે રાણે એને ખૂબ હનરડીને મોકલી લાગે છે.”
વેલડું બહાર કાઢવા માટે ગિરનાર-દરવાજો ઊઘડચો, તે ભેળાં જ કોઈ મહાપૂર ધસે તેમ બહારથી કોઈ અજાણ્યા સૈન્યનો અંદર ધસારો થયો. આંખ મીંચાઈને ઊઘડે એટલી વારમાં તો ગિરનાર-દરવાજાનો ગુપ્ત કબજો કરીને સૈનિકો બેસી ગયા. બધે જ દરવાજે સૈનિકો બેસી ગયા. બધે જ દરવાજે સૈન્ય ઘેરી વળ્યું હતું. ગિરનારદરવાજાની બહાર ઉપરવટ ઘોડાના અશ્વારોહી રાણાએ જેતલદેવીની સન્મુખ આવીને પૂછ્યું: “શો સંદેશો છે?”
"પધારો, ગુર્જરનાથ ! પધારો, અણગાંજ્યાના ગંજણ ! પધારો, અભંગના ભંજણહાર ! મારા મહિયરને રોળી નાખતાં અરેરાટી ન થવા દેતા. ને મારા ચૂડલાની પણ દયા ન રાખતા. મારા માના જણ્યાઓએ મને ધરપત દઈ રાખી છેઃ મારા ચૂડાને એ ખાંગો થવા નહીં દિયે. મને તો મારા વીરા બીજે ઘરઘાવવાના છે !”
“એટલી બધી વાત બની ગઈ?”
"હા, રાણાજી ! હવે મારાં આંસુને યાદ ન કરતા, જય ગુજરાત, બોલો જોદ્ધાઓ, જય ગુજરાત!”
"જય ગુજરાત ! જય ગુજરાત ! જય ગુજરાત !” એવી સમૂહઘોષણા જ્યારે સેનાને એક છેડેથી બીજા છેડા સુધી ગગડતી ગઈ, વામનસ્થલીના દરવાજે દરવાજે અફળાતી ચાલી, ત્યારે ચામુંડરાજ અને સાંગણના કાનનાં તમરાં ઊડ્યાં ને શું બની રહ્યું છે તેનું પૂરું ભાન આવે તે પૂર્વે તો રાણાના અશ્વ ઉપરવટે રાજગઢની દીવાલે મોયલા બે પગના ડાબલા માંડી પણ દીધા હતા. રાત અંધારી હતી. રાણાના લશ્કરને અંધકારની યારી હતી. બહારગામો સાથે વામનસ્થલીનો વહેવાર કપાઈ ચૂક્યો હતો.
રાજગઢ સામેના ચોગાનમાં રાણા ઉપરવટની પીઠ પર ગગજ પહોળી છાતી ફુલાવીને પલાણ્યા હતા. રાણી એની આગળ ઊભાં હતાં. રાણાએ બિડાયેલા રાજગઢની માઢ મેડી સામે ત્રાડ દીધીઃ “ચામુંડરાજ! હજુય વખત આપું છું. વિચારી જો. તું મારો સ્વજન કહેવા.”
એના જવાબમાં રાજગઢની મેડી પરનો એક ઊંચો ઝરૂખો ઊઘડે છે. મશાલ ઝળહળે છે. ને બે પુરુષોની વચ્ચે એક નાના બાળક જેવું કોઈક દેખાય છે. દેખાવ હજુ જરા અસ્પષ્ટ છે. પણ જેતલદેવી ઝબકી ઊઠે છે.
ઉત્તાપમાં ને ઉત્તાપમાં જેતલદેવીએ જ્યારે વેલડું પાછું હંકાવ્યું ત્યારે એને ખબર નહોતી રહી કે પોતે શું લઈને ભાઈને ઘેર આવી હતી ને શું ભૂલીને પાછી વળતી હતી. કાંઈક ભૂલી છું, કાંઈક ભૂલી છું, એવા ભણકારા વાગતા હતા. પણ ભાઈઓના માણસો સાથેની રકઝકમાં, ભાભીઓની તાણાખેંચમાં અને ગામબહાર જઈ પહોંચવાની ઉત્સુકતામાં એ ભાગી નીકળી હતી. ને તે પછી તો રાણાને ઉત્તેજવામાં જ એ બેધ્યાન બની હતી. એકાએક એણે પોતાના જમણા હાથની આંગળી જોઈ. પોતાની બાજુ તપાસી, બધું જ ખાલી હતું. આંગળીએ કોઈ વળગ્યું નહોતું.
“મારો વીરમ ક્યાં? વીરમદેવને કોણે વેલમાંથી ઉતાર્યો હતો?" જેતલદેવી એવા પોકાર પાડીને રાણાને પૂછવા લાગી. "વીરમદેવની વાત કરો છો?" રાણાએ પૂછ્યું, “વીરમદેવ તો તમારા વેલડામાં હતો જ નહીં, દેવી!”
“અરે વીરમ તો મારી આંગળીએ જ હતોને !" જેતલદેવીને એ ભ્રમણા રહી ગયેલી. બાળક વીરમદેવ જાણે પહેલેથી છેલ્લે સુધી પોતાની આંગળીએ જ વળગેલો હતો.
“ગોતો રે ગોતો! મારો વિરમદેવ મારો છેડો ઝાલીને જ ઊભો હતો.” રાણી રાડો પાડવા લાગી. પરંતુ વીરમદેવ ત્યાં નહોતો. વીરધવલને ધાસ્તી પડી ગઈ કે વીરમદેવનો કબજો એના મોસાળે કરી લીધો હતો.
“રાણકી!” રાણાને પોતાની ચડાઈ ધૂળ મળતી લાગી, “વીરમદેવને શોધો નહીં. વીરમને મેળવવો હશે તો સંગ્રામ બંધ રાખી મોંમાં તરણું લેવું પડશે.”
“હેં!” રાણીનો સાદ ફાટી ગયો, “વીરમનેય ચોર્યો ! મારો વીરમદેવ, મારો પનોતો એકનો એક કુમાર મહિયરમાં પુરાણો ! માડી રે !"માતાનું હૃદય પામરમાં પામર બની ગયું.
"રાણકી!” વીરધવલે નામોશી અને પરાજયથી ભરેલા એક પલ્લાની સામે બીજા પલ્લામાં વીરમનું શબ કલ્પી લીધું, “હવે પાછા વળીએ, નહીંતર વીરમ જીવતો પાછો નહીં મળે.”
“મારો વીરમ જીવતો પાછો નહીં મળે? મારા માડીજાયા શું એના ભાણેજને મારી નાખશે?"
“હા, હા, ફેર પડશે નહીં. જુઓ જુઓ, રાણકી !" વીરધવલે ગઢની મેડીને ખુલ્લે ગોખે સાંગણને દીઠો. મશાલનું અજવાળું દીઠું. અજવાળે વીરમદેવનું પાંચ વર્ષનું રૂપાળું સ્વરૂપ દીઠું. સાંગણ એ પાંચ વર્ષના ફૂલને ગરદનથી પંજામાં ઝાલીને ઊંચો કરી રહ્યો છે. “જુઓ, રાણકી ! સાંગણ વિકરાળ હાસ્ય કરતો કરતો, ચિત્કાર કરતો કરતો, આપણા વહાલા વિરમદેવને ઊંચો ઉપાડે છે – એના પંજાની પકડમાં. એ શું સૂચવે છે? મર્દોના હાકોટા પડકારા અને આ યુદ્ધના ઘમસાણની વચ્ચે એ ત્રાડ નાખે છે, કે બહાર નીકળો, શરણે નમો, નીકર આટલી જ વાર છે. એમ કહેતો એ બીજા પંજાની મુઠ્ઠી વાળીને બતાવે છે કે આમ દબાવીને ચેપી નાખીશ – અને જુઓ, આપણો વીરમ એના પંજામાં કેવા પછાડા મારે છે, આપણને ચીસો પાડી પાડી બોલાવે છે, આપણી સામે હાથ લંબાવી લંબાવી પોકારે છેઃ ઓ બાપુ ! ઓ માડી ! ઓ તમે ત્યાં કેમ ઊભાં છો? ઓ મારે આવવું છે. મને તેડી લો!”
સેના આખી એ ગોખની સામે થંભી રહી હતી. રાણો-રાણકી સામસામું જોતાં હતાં. વીરમદેવની ચીસો અને આવલાં જોયાં ન જાય તેવાં હતાં. સાંગણ-ચામુંડ બન્ને પોતાના સગા ભાણેજને મુરઘાની જેમ ટીંગાડી રહ્યા હતા. નિર્દયતાના તેઓ સાક્ષાત્ અવતાર હતા. હજારો પ્રજાજનોનાં શિશુઓનો સંહાર કરવા ટેવાયેલા એ બે ભાઈઓને વીરમદેવનું નમાયું-નબાપુ સ્વરૂપ જરીકે પિગળાવે એ અશક્ય હતું. ઘડીઓ ગણાતી હતી, જરાક ચેષ્ટાની જ વાર હતી. ગઢ ઉપર હલ્લો કરવાનો હુકમ છૂટે તે પળે જ વીરમનું મોત માંડ્યું હતું. આખી જ બાજી સાંગણ-ચામુંડનાં પાંચ આંગળાંની પકડમાં હતી.
“મા ! ઓ મા ! ઓ માડી!” એ વીરમનાં વેણ કેમ જાણે સંભળાતાં હોયઃ રાણીએ પોતાના કાન બહેરા કર્યા. એણે નેત્રો મીંચી દીધાં, ને પોતાની પડખે ઘોડેસવાર બનેલા રાણાને કહ્યું: “હવે વાટ કોની જોઈ રિયા છો? ઘોળ્યો કરો વીરમને, ગુજરાતના નામ પરથી ઓળઘોળ છે મારો વીરમદેવ ! કરો હલ્લો. જ્ય ગુજરાત!"
એટલું બોલીને એ રાજગઢની રાંગ (દીવાલ)ની ઓથ લઈ, પોતાના પડતા દેહને ટકાવતી ટટ્ટાર ઊભી રહી. એનું મોં ગુર્જર સૈન્યની સન્મુખ થયું. એણે પતિની ચિતા પર ચડવા જતી અંબારૂપિણી કો સતી જોગમાયાની જેમ હાથની તાળીઓ પાડતે પાડતે ઉપરાઉપરી જયધ્વનિ કર્યા: “જય ગુજરાત આગળ વધો. જય ગુજરાત ! તૂટી પડો, મારા પિયરને પાડી પાદર કરો ! ઘોળ્યો વીરમ ! જય ગુજરાત !”
એને ત્યાં જ ઊભી રહેવા દઈ અને એના હાથમાં પોતાની પાઘ ફગાવી દઈ - 'જય ગુજરાત' એ પત્ની-બોલ ઝીલતો તેમ જ સેનાને ઝિલાવતો રાણો વીરધવલ રાજગઢ પર ધસ્યો.
ને ધસારો કરવાની ઘડીએ જ એણે પેલા ગોખની મશાલ ઓલવાતી ભાળી. વીરુની ચીસ અંધકારમાં એ ગોખની અંદર થઈને દૂર ચાલી ક્યાંઈક ઊંડાણમાં ઊતરી જતી સાંભળી. તે પછી એ બધું જ ભાન ભૂલ્યોઃ ઊભેલી પત્નીનું, મૂઆ માનેલા પુત્રનું, સગાં ને વહાલાંનું, પિતા ને મંત્રીઓનું, ધોળકા ને પાટણનું, સોરઠ ને ગુજરાતનું ભાન ફક્ત એક જ એનાથી સચવાયું – પોતાની માણસાઈનું અને એ માણસાઈ જ જેને પાવન કરી શકે છે તેવા મૃત્યુનું.
એક નાનકડી માનવજિંદગાનીને સાફલ્યથી છલકાવી દેવા માટે શું એટલું જ ભાન બસ નહોતું !