ગુજરાતનો જય/સંઘ શોભે?
← ગર્વગંજન | ગુજરાતનો જય સંઘ શોભે? ઝવેરચંદ મેઘાણી ૧૯૩૯ |
વામનસ્થલીનાં વૈર → |
જેઠે સ્તંભતીર્થથી મોકલેલાં નવાં સુભાષિતો વાંચતી વાંચતી અનુપમા અર્થો બેસારતી હતી. એનો પુત્ર લૂણસી મોસાળે ચંદ્રાવતીમાં જ રહેતો તે મોટો થઈ પાછો આવ્યો હતો, તે પછી બીજું કોઈ સંતાન નહોતું. સ્તંભતીર્થ રહેતી સોખુ અને લલિતાદેવી લલિતાના પાંચેક મહિનાના પુત્ર જૈત્રસિંહના લાડકોડ પૂરવામાંથી નવરી થતી નહોતી. અને વયજૂકા તો ભુવનપાલપ્રાસાદની જ પૂજારણ બની ગઈ છે તથા ભુવનપાલનાં વૃદ્ધ માબાપને પાળે છે, એવા સમાચાર પણ આવ્યા હતા. વિશેષમાં લલિતાએ ને સોખુએ ધોળકે ખબર મોકલ્યા હતા કે “અનોપ, તમારે તૈયાર રહેવાનું છે, શત્રુંજય અને રેવતગિરિનો યાત્રાસંઘ કાઢવાની તમારા જેઠ તૈયારી કરે છે. આ સંઘમાં પાટણ, ખંભાત અને ધોળકાના શ્રાવક પ્રજાજનો હજારોની સંખ્યામાં જોડાવાના છે.”
અનોપને આ સમાચાર જાણીને હસવું આવ્યું. ખેદ થયો. એણે કહી મોકલ્યું કે મારે તો સંઘમાં આવવાની ઈચ્છા નથી, પછી તો જેઠજીની જેવી આજ્ઞા.
'વળી કાંઈક ગૃહકલહ મચ્યો લાગે છે!' એવી ચિંતાથી વસ્તુપાલ ધોળકે આવ્યા. લૂણસીને પોતે ખોળામાં બેસારીને અનોપની સંઘમાં જોડાવાની અનિચ્છાનું કારણ પૂછ્યું. અનોપે નીચે જોઈ રાખીને કહ્યું: “અત્યારે આ ધર્મયાત્રા શોભતી થશે ખરી?”
“કેમ નહીં? સ્તંભતીર્થના વિજય પછી શ્રાવકો થનગની રહ્યા છે. મને પણ. થાય છે.”
"સુરાષ્ટ્રમાં પહેલી તો વિજયયાત્રા શોભે, તે પછી જ ધર્મયાત્રા. આજે સુરાષ્ટ્ર તમારે તાબે નથી, શત્રુ બનીને બેઠેલાઓને તાબે છે. પારકા ઘરનાં તીર્થોમાં જતાં, લડાઈ થઈ બેસશે તો સંઘને સાચવશો કે સંગ્રામ કરશો ?”
વસ્તુપાલ આ સાંભળી છોભીલો પડી ગયો. સુરાષ્ટ્ર આખો બદલીને બેઠેલ છે. વાજા, ચુડાસમા ને વામનસ્થલીવાળાનો જવાબ હજુ લેવાયો નથી. તે ટાણે સંઘ શોભે નહીં એ વહુની વાત એટલી સચોટ હતી કે એનો કશો જવાબ મંત્રી પાસે નહોતો.
અનોપે વધુમાં કહ્યું: “જેતલબા પણ પોતાની જૂની પ્રતિજ્ઞા વીસરીને બેઠાં લાગે છે. રાણાને પણ ખંભાતની કામધેનુ દૂઝતી થઈ એટલે હવે આરામ ને આમોદપ્રમોદ ભાવી ગયાં ભાસે છે. વામનસ્થલીવાળાં તો મોજથી ડણકી રહ્યા છે.”
“તમને કોણે – કોઈએ કહ્યું છે?”
"કહે તો ખરાને – જેને પ્રજા મે'ણાંટોણાં મારતી હોય તે.”
"કોણ, તેજલ કે? હં-હં” એટલું કહીને વસ્તુપાલ ઊઠ્યો. કહેતો ગયોઃ "ભલે, તો હું સંઘ બંધ રખાવું છું.”
અનુપમાએ પોતાને વખતસર એક મોટી મૂર્ખાઈમાંથી બચાવી લીધો છે એવી માન્યતા લઈને એણે સિદ્ધેશ્વર મહાદેવની વાટ લીધી. ત્યાં સોમેશ્વરદેવને મળવાનું હતું. રાણાને સુરાષ્ટ્રના પ્રશ્નની યાદ દેવરાવવાનું કામ સોમેશ્વર દ્વારા લીધા સિવાય છૂટકો નહોતો. કેમ કે એ તો જેતલબાના મહિયરને મારવા જેવો અતિ નાજુક પ્રશ્ન હતો.
મંત્રી મળવા આવ્યા ત્યારે સોમેશ્વર પાસે બે જણાં બેઠાં હતાં. સમય રાતના બીજા પ્રહરનો હોઈ અને બેઉની પીઠ વળેલી હોઈ મંત્રી આ બે જણાંને ઓળખી ન શક્યા.
“કાં, દેવ !” મંત્રીએ રમૂજ કરી, “શાનું કાવતરું ચાલે છે?”
“પધારો, લઘુભોજરાજ !" દાનેશ્વરી મંત્રીને માટે દેશપરદેશથી સ્તંભતીર્થ આવતા વિદ્વાનોએ આપેલું એ બિરુદ વાપરીને સોમેશ્વરે મિત્રને જરા શરમાવ્યો, “તમારા વિરુદ્ધનું કાવતરું સ્તો ! બે પ્રજાજનો આવીને રડારોળ કરી રહ્યાં છે કે મંત્રી બાંધવોએ એમના રાજાને વૈભવની મૂર્છામાં ઢાળી દીધેલ છે.”
સોમેશ્વરની પાસે બેઠેલાં આ બે જણાંમાં એક સ્ત્રી હતી. એના મુખ પર ઘૂમટો હતો. બીજો પુરુષ હતો, જે ઊઠીને મંત્રીને નમ્યો.
“ઓહો !” મંત્રીએ ઓળખ્યા, "દેવરાજ પટ્ટકિલ્લ જુગ વીત્યે જણાયા કંઈ?"
"દૂરથી દેખીને હૈયું ઠારતો હતો, બાપુ!”
“આજ કંઈ હૈયું બળ્યું તે દેખાયા?”
"હોય એ તો, બાપુ ! માવતરનો...” એ માવતરનો શબ્દ બોલતે બોલતે એકાએક એણે થોથરાઈને કહ્યું: “વસ્તીનો જીવ છેને!”
"તમને વળી શું દુ:ખ પડી ગયું ગામડે બેઠે બેઠે?”
“ના રે બાપુ, આ તો સુખ વધુ પડતું થઈ ગયું. એટલે સહેવાયું નહીં.”
"વસ્તી પણ છેને કંઈ ન ઊનું સહેવાય, ન ટાટું સહેવાય. કહો, શું રાવ લાવ્યા છો?”
"એમની રાવ તો એ કે રાણો ટાઢાહિમ થઈને કાં બેઠા?” સોમેશ્વરે કહ્યું, “રાણાએ કયો એવો દિગ્વિજય કરી નાખ્યો છે કે સુખની તળાઈમાં સૂએ છે?”
પેલી બાઈ ચૂપ બેઠી હતી, તેણે કહ્યું: “કોઈ ચારણે એનો - મારા વીરધવલનો તો એક દુહોયે હજુ કહ્યો જાણ્યો નથી.”
સોમેશ્વરદેવે ટકોર કરી: “એટલે એમનું કહેવું એમ છે કે આપ મંત્રી જ બધી સ્તુતિઓ – બિરદાવલિઓના ધણી બની બેઠા છો.”
“એ કોણ, મદનબા છેને?” વસ્તુપાલ મરક્યો.
પોતાનું નામ મંત્રીમુખેથી સાંભળતાં વાર જ એ સ્ત્રીનું ભરાવદાર કદાવર શરીર શેળાની જેમ સંકોડાઈ ગયું. એ નામની કોઈને ખબર નહોતી. મંત્રીને કોણે કહ્યું. આખો અભાગી ઈતિહાસ કોણે સંભળાવી દીધો !
“ગભરાઓ મા, માડી” મંત્રીએ કહ્યું, “બીજા કોઈને ખબર નથી. બે રાણામાંથી કોઈએ મને પેટ દીધું નથી. તમે અહીં કેટલીક વાર આવી ગયાં છો એ હું જાણું છું, પણ મારું અહોભાગ્ય નહોતું, કે મળી શકું, મા ! તમે તો અમારા પણ માતૃસ્થાને છો. મૂંઝાશો નહીં. રાણાને હું નહીં સૂઈ જવા દઉં.”
મદનરાજ્ઞીનું નામ એ શિવાલયમાં છતું થયું. વાતાવરણ ભારી બન્યું. તે પછી કશી બોલાચાલ ચાલી નહીં. દેવરાજ અને મદનરાજ્ઞી રજા માગીને બહાર અંધકારમાં ઓસરી ગયાં.
તે પછી મોડે સુધી જાગતા રહીને મંત્રીએ ને સોમેશ્વરે વાતો કરી. સવારે સોમેશ્વરદેવ સિદ્ધેશ્વરનું પૂજાજળ લઈને રાણીને આશીર્વાદ આપવા આવ્યા ત્યારે જેતલબાએ પૂછ્યું: “મંત્રી વસ્તુપાલ આવ્યા છે?”
“હા બા, મને કહેતા હતા કે પોતે શત્રુંજય રેવતગિરિની યાત્રાનો સંઘ તૈયાર કરે છે.”
“મને મળવા હજુ આવેલ નથી.”
“કહેતા હતા કે સંઘ કાઢવાનો વિચાર પાછો પડે છે.”
"કારણ?"
“આપણા સંઘને તો સુરાષ્ટ્રના રાજાઓ તરફથી ઉપદ્રવનો ને અપમાનનો પૂરો ભય રહ્યો ખરોને ! વામનસ્થલીનું વેર તો ખેડેલું જ ઊભું છે.”
વામનસ્થલીનું નામ આવતાં જેતલદેવી વાચા હાર્યાં. એની આંખોમાં વિચાર અને લજ્જા ઘોળાયાં. એટલે સોમેશ્વરે તક સાધીને કહ્યું:
"બહાર તો એવી જ વાતો થાય છે કે રાણાજીને આપે જ નબળા પાડીને બેસારી દીધા છે. હજુ રાણાને એકેય સંગ્રામમાં ઊતરવું નથી પડ્યું. જાણે કે રાણા ડરે છે. ધોળકાની પ્રજાને તમે પણ જાણે કે તે દિવસ ભોળવી લીધી હતી !”
"પૂછો તો ખરા તમારા રાણાને,” જેતલદેવીની રાજપૂતી સતેજ બની, “કે મેં આટલા વખતમાં કેટલી વાર એને વણથલી માથે ચડવાની કાકલૂદી કરી છે!”
“પણ બા, લોકોને એ બધી ઓછી જ ખબર છે? એ તો હમેશાં રણવાસનો જ દોષ દેખે. એ ગમે તે હો, પણ મારી તો વિનતિ એટલી જ છે કે આ શ્રાવકોનો યાત્રાસંઘ સોરઠ જિતાયા પહેલાં નીકળવો ન જોઈએ. નહીં તો આબરૂના કાંકરા થશે.”
“તમે રાણાને વાત તો કરો !”
“હું કરું એ કરતાં તમે જ કરો, બા મારું હૈયું બળે છે એટલે કહેવા આવ્યો છું. પાછળથી કંઈક વિપરીત બને એટલે મોટા રાણા મને જ લેતા પડે છે તેથી વેળાસર કહી છૂટું છું. મને બ્રાહ્મણભાઈને વધુ કશી ખબર પડતી નથી એટલે જેવું સાંભળું છું તેવું જ કહી નાખું છું. તમારી પાસે થઈ શકે તે બધી જ વાતો રાણાજી પાસે થોડી થઈ શકે છે? તમારી આગળ તો બે વેણ વધુઘટુ બોલાય તો ક્ષમાને પાત્ર થઈ જાય. ને બીજી વાત તો એ છે કે એકલા મંત્રીઓ જ બધો બોજ ઉપાડે છે ને બધાં પરાક્રમો કરે છે તેવી માન્યતા સરવાળે તો રાજાને પૂતળું બનાવી દેનારી બનેને, બા!”
"એ ખરું છે.” ભોળી સોરઠિયાણી વિચારમાં પડી.
"ને પછી, તમે છો સાચાં ક્ષત્રિયાણી. રાણાજીનો તેજોવધ તમને જ અકારો થઈ પડશે. બીજી બાજુ રાણાજી જો બેઠાડુ બની જાય તો તે દહાડે એના પેટમાં પણ....”
“શું? શું કહેતા રહી ગયા?”
“કહેતાં જીભ કપાય. પણ રાજાઓ નવરા રહે એટલે નવી રાણીઓ લાવવાના મનસૂબા કરે.”
જેતલદેવીને ખરેખરી ફળ પડીઃ “તમે મને સાચું કહો, ચોખ્ખું કહો, એવું કાંઈ ચાલે છે?”
"ના ! જૂઠું બોલું તો મહારુદ્રની દુહાઈ. આ તો મારી પાપભરી ચિંતા દર્શાવું છું.”
“ઠીક, હવે તમે જાવ, ગુરુદેવ !” રાણી અધીરા બન્યાં; “હું હવે નીંદરમાં નહીં રહું સારું થયું કે તમે અંતર ઉઘાડીને વાત કરી, નહીં તો મને આંહીં ગઢમાં બેઠેલીને શી ખબર પડે કે બહાર શું થઈ રહ્યું છે!” "હું રજા લઉં છું, બા. પણ મંત્રીને સંઘ તો બંધ રાખવા જ કહી દેજો. ફજેતો નથી કરાવવો.”
“સંઘ બંધ શા સારુ રહે? છ મહિનામાં તો સુરાષ્ટ્રનાં તીર્થો આપણાં નહીં કરાવું? પાટણ ને ખંભાતમાં મારે રાણાનું નાક નથી કપાવવું. પહેલાં હું ને રાણા જશું. પાછળ ભલે સંઘ આવે. ચારણોની જીભે મારા રાણાના જશ ગવરાવું તો જ હું ખરી સોરઠિયાણી.”